
-પ્રફુલ શાહ
રામ રાખે તેને કોણ ચાખે એ કહેવતને સાર્થક કરી બતાવતો કિસ્સો મધદરિયે ઊંડા પેટાળમાં થાય તો? માઇકલ પેકર્ડ નામના અમેરિકન વ્યાવસાયિક ગોતાખોર સાથે એક દુર્ઘટના બની હતી હથેળીમાં આયુષ્ય રેખા ખૂબ લાંબી અને અત્યંત મજબૂત હતી. અવશ્ય કહી શકાય જ કે માઇકલ પેકર્ડ સાથે ચમત્કાર થયો.
2021માં માઇકલ મેસેચ્યુએટ્સના કેપ કોડના કિનારે સપાટીથી 45 ફૂટ નીચે ઊંડાઈ ભણી અગ્રેસર હતા. તેઓ પ્રોફેશનલ લોબસ્ટર (ખેકડા) કેચર હતા. ખેકડાં પકડવા સમુદ્રમાં ડૂબકી મારતી વખતે સપનામાં ય કલ્પના નહિં કે ઊંડા દરિયાના અંધારા પેટાળમાં કોનો ભેટો થવાનો છે. માઇકલ પેકર્ડ ઓચિંતા તોતિંગ વહેલની ઝપટમાં આવી ગયા હતા. ખેકડાની શોધ દરમિયાન એકાએક તેમને એક જોરદાર ઝાટકો લાગ્યો. જાણે કોઈક ટ્રેક્ટર કે ટ્રકની અડફેટે આવી ગયા હોય કે ઠોકર મારી હોય.
મોટેભાગે વહેલનો ઉલ્લેખ માછલીના એક પ્રકાર તરીકે થાય છે પણ એ ખોટું છે. વહેલ સસ્તન પ્રાણી છે, જે માછલીઓથી વિપરીત ફેફસાં દ્વારા હવા શ્વાસ લે છે. વહેલ ગરમ લોહીવાળી હોય છે, બચ્ચાંને જીવંત જન્મ આપે છે, ને તેમને દૂધ પીવડાવે છે. ટૂંકમાં, બન્ને જૈવિક વર્ગીકરણમાં મૂળભૂત રીતે અલગ છે.
માઇકલ પેકર્ડનો ભેટો હંપબેલ વહેલની સાથે થઇ ગયો હતો. આ વહેલ સામાન્યત: 12થી 16 મીટર એટલે કે 39થી 52 ફૂટ લાંબી હોય. વજન હોય 36 મેટ્રિક ટન એટલે 36,000 (હા, છત્રીસ હજાર) કિલોગ્રામ. એના શરીરનો ઉપરનો ભાગ કાળા રંગનો હોય તો નીચેના ભાગ ઓછા-વધુ પ્રમાણમાં દેખાવ એકદમ તોતિંગ પણ દેખાય સુંદર અને નયનરમ્ય. એટલું જ નહિ, અવાજ કરે તો લાગે કે કોઈ પ્રેમ ગીત ગાઈ રહી છે.
હંપબેલ વહેલનું મોઢું એટલું બધું વિશાળ હોય કે એક સાથે હજારો માછલીઓ ખાઇ જાય, પરંતુ સૌથી મોટો દરિયાઇ જીવ હંપબેલ માનવીને ગળી શકે ખરી? આનો જવાબ શોધવાની જોખમી જવાબદારી અજાણતા, અનિચ્છાએ અને અચાનક આવી પડી માઇકલ પેકર્ડને માથે. વહેલના મુખની અંદર માઇકલને માછલીઓનો સ્પર્શ થયો. એમને લાગ્યું કે કોઈ મોટી શાર્ક પોતાને ગળી ગઇ છે. થોડી પળોમાં સમજાઇ ગયું કે આ જીવ દાંત વિહોણો હોવાથી એ કદાચ ખતરનાક નથી.
કદાચ હંપબેલ વહેલને પહેલીવાર આખો માણસ કોળિયામાં અનાયાસે મળી ગયો પણ તે ગળી ન શકી કે ખાઇ ન શકી. પછી શું થયું? હંપબેલ વહેલે માઇકલને મોઢામાંથી ફગાવી દીધા. તેઓ પાણીમાં દૂર ફંગોળાઇ ગયા પણ જીવતા ને હેમખેમ રહ્યા.
માઈકલે આ અનુભવ વર્ણવતા જણાવ્યું કે મારી ચોતરફ અંધકાર હતો. મારું ઓક્સિજન સિલિન્ડર ખોવાઈ ગયું હતું. લાગતું હતું કે હું મરી જઈશ કારણ કે હું વહેલના સ્નાયુઓનું દબાણ અનુભવતો હતો. હું મારા બાળકો અને પરિવારને યાદ કરી રહ્યો હતો. હું એકાદ મિનિટ સંઘર્ષ કરતો રહ્યો. એકાએક જ મારી તરફનો અંધકાર પ્રકાશમાં બદલાઈ ગયો. વહેલે પોતાનું જડબું ખોલ્યું અને મને સમુદ્રમાં ફેંકી દીધો.
આ દુર્ઘટનામાં માઇકલનો એક પગ ભાંગી ગયો પણ વિજ્ઞાનીઓ દાવાપૂર્વક કહી શક્યા કે હંપબેલ કોઇ વયસ્ક માનવીને આખેઆખો ગળી ન શકે. સંશોધન મુજબ હંપબેલ વહેલનું ગળું ફક્ત પંદર ઇંચનો વ્યાસ ધરાવતું હોય છે, જેથી માનવીને ગળી જવાનું શક્ય બનતું નથી.
આ પણ વાંચો…હેં… ખરેખર?!: મોતના અઢાર મહિના બાદ અગાથા ક્રિસ્ટીએ બચાવ્યો બાળકીનો જીવ!