સર્જકના સથવારે : શબ્દ બ્રહ્મના સાચા સાધક શ્યામ સાધુ
ક્યારેક દોસ્ત, તુંય પ્રણયના વિકલ્પમાં તાજી જ નાહી હોય એ ઝુલ્ફોની વાત કર: શ્યામ સાધુ

- રમેશ પુરોહિત
આજની ગઝલ કયે રસ્તે? આ પ્રશ્ર્ન આજે જેટલો વાસ્તવિક છે એટલો જ પચાસ વર્ષ પહેલાં હતો. અસંખ્ય બહેરોમાં-છંદોમાં રચાયેલી ગઝલો આજે જોવા મળે છે, પરંતુ અત્યારના આધુનિક સર્જકો એક મોટી ભૂલ કરે છે. બાહ્ય સ્વરૂપ અને બંધારણમાં રચાયેલી ગમે તેવી કૃત્તિને આખમીંચીને ગઝલ નામ આપી દેવામાં આવે છે એ બરાબર નથી.
જે કંઈ કહેવું છે તે એક શે’રમાં તગઝ્ઝુલમાં-ગઝલની ખાસ બાનીમાં કહેવાય તે જરૂરી છે. ગઝલ પ્રેમની ભાષા છે અને વાતચીતની ઢબે એમાં બોલ વેરાતા આવે છે. આ ગઝલિયત, શેરિયત કે તગઝ્ઝુલ ગઝલનો પ્રાણ છે. મહત્ત્વની વાત એ છે કે તાર્કિક સંકલના (લોજિકલ સિક્વન્સ) સાથે ગઝલને નહાવા નિચોવવાનો સંબંધ નથી. દરેક શે’રનું સ્વતંત્ર વ્યક્તિત્વ, કાફિયા-રદીફના ધ્વનિનો જ સળંગ દોર અને એ દોર પર વિભિન્ન પણ વિરોધી નહીં એવા ભાવનું નૃત્ય. તેમાં જ્યારે ‘અન્દાઝેબયાં-બયાનની ખૂબી, હુશ્ને ખ્યાલ- વિચારનું સૌન્દર્ય, મોસિકી-સંગીતમયતા અને મારિફત-અધ્યાત્મ પ્રેમની ઝાંખી ભળે ત્યારે ગઝલ સોળે કળાએ ખીલી ઊઠે. ગુજરાતીમાં આવી ગઝલનો આવિષ્કાર ક્યાંય ક્યાંક થયો છે અને કેટલાક પોતાની સાધના સામ્યર્થ વધતે-ઓછે અંશે બતાવ્યું છે તેમાં એક નામ છે કવિ શ્યામ સાધુ. શ્યામ સાધુએ કવિ મરીઝની ગઝલની વ્યાખ્યાને જીવી બતાવી છે. મરીઝ કહે છે:
પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ
પછી લખાય તો એનું છે નામ ગઝલ.
આ કવિનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી એમનો (જન્મ 15મી જૂન 1941 અને શાશ્ર્વતીવાસ 16મી ડિસેમ્બર 2001) 60 વર્ષની આયુમાં શરૂઆતમાં જુદા જુદા વ્યવસાયોમાં હાથ અજમાવ્યો પણ પછી તો કલમને ખોળે માથું મૂકીને અક્ષરની આરાધના કરી અને શબ્દની સાધના કરી જેને પરિણામે આ કવિ પાસેથી આપણને 1973માં ‘યાયાવરી’, 1987માં ‘થોડાં બીજા ઈન્દ્રધનુષ્ય’ પ્રકટે છે. આ બન્ને સંગ્રહોમાં ગઝલો છે અને અછાંદસ કાવ્યો છે… ત્રીજો કાવ્ય સંગ્રહ ‘આત્મકથાના પાના’ 1991માં મળે છે, જેમાં માત્ર 51 ગઝલો છે અને છેલ્લે 2002માં ‘સાંજ ઢળી ગઈ’ નામે ચોથો સંગ્રહ 51 ગઝલો લઈને આવે છે.
આપણા કવિ અને વિવેચક સંજુવાળાએ શ્યામ સાધુની કવિતા: ઉત્તાપ વચ્ચે ઊડતો અબીરની પ્રસ્તાવનામાં નોંધ્યું છે: ‘કવિતાને જીવાનુભૂત તત્ત્વ ગણી જીવેલા આ કવિની ઊંડી સર્ગશક્તિ અને અભિવ્યક્તિ આગવી, ઋજુતામૂલક સમજથી થયેલું કવિકર્મ ગુજરાતી ભાષામાં અવતરેલી આ કવિની કેટલીક નમૂનારૂપ ગઝલો તથા અછાંદસ કાવ્યોમાં અકબંધ છે. અહીં પ્રકટ થતાં કાવ્યોમાં નિરૂપિત ભાષાશૈલી, ભાવ-ભાષાની તાજગી સભર રજૂઆત, કથનની સચોટતા સાથે નીખરી આવતી ભાષાની કુમાશ અને પ્રવાહબદ્ધ રચના-વિધાનથી ઊભરી આવતા કાવ્યકલાના ઉત્તમ ઉદાહરણો આ કાવ્યોમાંથી મળી રહે છે. તો, રચના બંધની પ્રવાહિતા, લાવણ્ય, રમણીયતા અને તિર્યક છતાં મૃદુ અભિવ્યક્તિ ગઝલને વિશિષ્ટતા અર્પે છે.’ આવા વિશદ્ અને બળુકા વિધાન પછી કવિ પોતાના ભાવોને કેવી રીતે રજૂ કરે છે અને ભાષાના પોતાને નબળું પડવા દીધા વગર ગઝલના રંગને સાધે છે તે જોઈએ.
અહીં જીવ્યાનો રસ્તો ‘સાધુ’ પૂરો થયો પણ
ખુદ પોતાની જાત વિશે કંઈ ખબર પડે ના
શ્યામ સાધુ ગઝલના પરંપરાગત પોતને જાણતા હતા. પ્રિયતમાના વર્ણનમાં અને નખશીખરંગ ભરે છે તો મિલન અને વિરહની વ્યથાને એટલી જ ચોટથી વ્યક્ત કરે છે. કવિને પ્રિયતમાના-સદ્યસ્નાતા પ્રિયતમાના ઘેઘૂર ઘટા જેવી શ્યામ શ્યામ ઝુલ્ફોનું આકર્ષણ છે. જેમ કે:
ક્યારેક દોસ્ત, તુંય પ્રણયના વિકલ્પમાં
તાજી જ નાહી હોય એ ઝુલ્ફોની વાત કર
*
ઊડો પતંગિયાંઓના રંગીન વેશમાં
કોને ખબર વસંત મળે ભીના કેશમાં
*
પ્રેમપત્રના અક્ષર જેવા મારા દિવસો પાછા આવો
મઘદૂતના વાદળ જેવી કોઈ મને રજૂઆત કરે છે
*
પ્રેમસભાઓ મેં જ ભરેલી,
મેં જ ખમ્યો છે પ્રેમવટો
તોય અમસ્તુ લોકો એનું નામ
વટાવે એનું શું કરવું ?
*
વિરહની ચોટ અને ઝૂરાપાની વ્યથાને એમણે તાદ્સ્વરે ગાઈ નથી પણ ઈશારામાં ઈશારામાં જે ઈંગિતો રજૂ કર્યા છે તેનાથી કવિ વિરહને ધાર કાઢી આપે છે,
જેમ કે:
અલકલટોની નમણી શેરી પેલી બાજુ
આ બાજુ અહેસાસ લઈને ક્યાં ચાલ્યાં?
*
યાદ મને છે, વિદાય વેળા તમે કહેલું
મન, પતંગિયાનું ફૂલો વચ્ચે હૂંફાળું છે
*
એક અમસ્તા ટહુકામાં તરબોળ થયા ત્યાં
શ્ર્વાસ લીધાના વચગાળામાં સાંજ ઢળી ગઈ
શ્યામ સાધુએ ગુજરાતી ગઝલના નવીન પ્રવાહોને નાણ્યાં છે. નિમજ્જત કર્યું છે નમણી ગઝલોનું સર્જન કર્યું છે. આદિલ, ચિનુ, મનહર અને મનોજ જેવા સર્જકોએ ગુજરાતી ગઝલનો નવો માર્ગ કંડારવા જે યોગદાન આપ્યું છે એટલું જ શ્યામ સાધુએ આપ્યું છે. પ્રિયતમાના આવવાની માત્ર અટકળ છે. વાસ્તવિક મિલન તો કદાચ શક્ય નથી પણ આવી ક્ષણને, અટકળની ક્ષણને કવિ માલામાલ કરી દે છે.
આપણ વાંચો: હેં… ખરેખર?! : ચાલો, ભારતની ચાની અંતિમ દુકાને જઈએ…
માત્ર એના આવવાની અટકળે
મનના ચોકે મોતીઓ વેરાય છે
*
પ્રેમ ભરેલી નજરો પર ઝુલાવી જઈશું
હરી ભરી આંખોમાં મિતવા, આવી જઈશું
મિલનના મોકાની વાત જવા દો હવે તો સપનામાં પણ તન્હાઈ છે. કવિ આવા દિવસોને યાદ કરે છે પણ વેદના નથી:
મ્હેંક સમા શ્ર્વાસે ભરવાના
દિવસ ગયા તમને મળવાના
ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલ-દોકલ શું કરવાના
*
જાસૂદ જેવો જીવ ઝૂરે છે
તમને મળવાની રમણામાં
શબ્દનો બંદો શ્યામ સાધુ શબ્દની ગહનતા, ઊંડાણ અને વ્યંજનાને જાણે છે અને પોતાની રીતે ગઝલમાં પ્રમાણે છે. શબ્દના નાતે ભાષાની મીનાકારી કરી જાણે છે. એમનો આ શેર જોઈએ જેમાં શબ્દ સમજની અને અર્થરૂપી ઘરની વાત કવિ કેવી નિષ્ઠાથી બહુ જ ઓછા શબ્દોમાં કરે છે:
અર્થ એટલે ઘર ઝાકળનું
શબ્દ સમજ, પાણીનો રેલો
*
કંકુ ઝરતો કિસ્સો કેવો સાંભળ
શબ્દો અંગે શિવ-સુંદરનું સમરસ થાવું
શ્યામ સાધુએ પોતાની ધૂણી નોખી ધખાવી હતી. પોતાની જાતને ક્યારેય ભારરૂપ બનવા દીધા વગર શરમાળ વ્યક્તિત્વ અને સંકોચશીલ મનને લીધે પોતાના બોર વેચ્ચા નહોતા કે માન અકરામની ખેવના કરી નહોતી. આવા અકિંચન અને અયાચક શબ્દ સ્વામીના આંતર તત્ત્વમાં ભગવો કાયમ હતો. એ એનો સ્વભાવ હતો.
ગઝલની બીજી બાજુ પણ સુપેરે સંભાળી છે. સૂફીવાદ કહો કે કબીરી ચાદર કહો પણ આ કવિએ ગઝલના મૂળભૂત તત્ત્વ એવા ઈશ્કે-હકીકના આગોશમાં પોતાની પરમતત્ત્વ પરત્વેની આસ્થા અને શ્રદ્ધાને સુપેરે વ્યક્ત કરીને પરમાત્મા સિવાય કંઈ સત્ય ન હોવાની કે શાશ્ર્વત ન હોવાની વાતને વારેઘડીએ દૃઢાવી છે. જો સદ્ગુરુ મળી જાય તો અગમ-નિગમની જાણ થઈ જતી હોવાની વાત કવિએ આ રીતે કરી છે:
અગમ-નિગમના ગુલાલ ઊડે
સાંઈ ચલે જો સથવારે
*
અડસઠ તીરથ મનના ઘાટે
શું શોધે તું બ્હાર, ઝૂકીજા
છેલ્લે સરળ શબ્દોમાં ‘બહમ સત્ય’ની વાત શ્યામ સાધુએ કેવી સરળતાથી કરી છે તે જોઈએ:
આંખો મીંચી જોતા જ્ઞાની
અંદર કી હૈ બાત સુહાની
પલમાં મિટ્ટી, પલમાં સોનું
ઈચ્છા રાની તો બચકાની
ગોપી, રાધા, મીરાં શું છે?
વિધવિધ જ્યોતિ એક દીવાની
કૈ જન્મોથી ઊંચકુ-મૂકું
શ્ર્વાસોની ક્યાં કોઈ નિશાની
હુંમાં શું અટવાયો ‘સાધુ’
યે તો કેવલ સપન કહાની