બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : આવો, રિવેમ્પ કરીને બનાવીએ ગુજરાતી ભાષાને બ્રાન્ડ…

- સમીર જોશી
વર્ષે કેટલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો અને નાટકો આવે છે? બીજા શબ્દોમાં કેટલા લોકો ગુજરાતી નાટકો અને ફિલ્મો જોવા જાય છે? કેટલા ગુજરાતી પુસ્તકો વેચાય છે અને વંચાય છે? કેટલી ગુજરાતી શાળાઓ સફળતાપૂર્વક મુંબઈમાં ચાલે છે? ગુજરાતમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ ખુલવાનો રેશિયો શું છે?
આ બધાના જવાબ મહદ અંશે આપણે જાણીયે છીએ. મારે અહીં નકારાત્મક વાતો નથી કરવી પણ જયારે આપણી માતૃભાષા ગુજરાતીની સરખામણી ઉપરોકત પરિબળોને લઈને બીજી ભાષાઓ સાથે કરીયે ત્યારે દુ:ખ થાય.
ગયા રવિવારે -24 ઓગસ્ટના કવિ નર્મદ (નર્મદશંકર લાભશંકર દવે)ની જન્મજયંતી હતી અને તેને ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સાહિત્યને સમર્પિત દિવસ તરીકે- `ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
કવિ નર્મદને આધુનિક ગુજરાતી ભાષાના પિતા તરીકે ગણવામાં આવે છે. એ નાટ્યકાર, નિબંધકાર, વક્તા, લેક્સિકોગ્રાફર (શબ્દકોશો સંકલન કરવાનો વ્યવસાય) અને સુધારક હતા. બ્રિટિશરાજ હેઠળ રચાયેલું એમનું કાવ્ય `જય જય ગરવી ગુજરાત’ ગુજરાત રાજ્યનું રાજ્યગીત છે. એમણે ભારે વિપત્તિઓ વચ્ચે નવો ગુજરાતી શબ્દકોશ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. શબ્દકોશમાં તમામ બોલીઓના શબ્દો તેમના વિવિધ ઉપયોગો સાથે છે. આપણે આ બધી વાત જાણતા જ હશું, પણ પૂર્વ ભૂમિકા બંધાવી જરૂરી છે કે આટલો મોટો દિવસ શા માટે આટલા મોટા ગજાના મહાપુરુષના જન્મદિનને સમર્પિત છે.
બ્રાન્ડિંગ જેમ પ્રોડક્ટ, સર્વિસ કે પર્સનલ વ્યક્તિનું થાય તેમ ભાષાનું પણ થવું જોઈએ અને તેને યોગ્ય રીતે પ્રમોટ કરવી જોઈએ. આજે અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધ્યું છે અને વેપાર જગતમાં પણ આ સ્વીકૃત ભાષા છે.
આપણા દેશમાં 121 થી વધુ ભાષા બોલાય છે અને 22 સત્તાવાર ભાષા છે. ભારતનું ડિજિટલ ઇકોસિસ્ટમ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે અને તેના કારણે પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ વધી રહ્યું છે.
KPMG-Googleના એક અહેવાલ મુજબ, ભારતમાં 2025 સુધીમાં 536 મિલિયનથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હોવાનો અંદાજ છે, જે અંગ્રેજીમાં નહિ પણ પોતાની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરશે.
2024ના IAMAI અને નીલ્સન અભ્યાસ દર્શાવે છે કે 68% ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ એમની માતૃભાષામાં ક્નટેન્ટ (વાચન સામગ્રી) જોવી અને વાંચવી પસંદ કરે છે, જે સંખ્યા વર્ષ-દર-વર્ષે વધતી રહે છે.
આ ડેટા આપવાનું કારણ તે કે આજે ડિજિટલ યુગમાં પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ લોકોને સમજાઈ રહ્યું છે. આવા સમયે આપણી પાસે તક છે આપણી ભાષાનો વૈભવ લોકો સમક્ષ મૂકવાનો. ભાષાને રિવેમ્પ-પુનરુદ્ધાર કરવાનો અર્થાત્ સમય પ્રમાણે તેનામાં બદલાવ લાવવાનો છે. રિવેમ્પ-ભાષામાં બદલાવ નહિ પણ ભાષાને લોકો સમક્ષ નવી રીતે મૂકવી પડશે,પણ કઈ રીતે કરીશું એવો પ્રશ્ન થાય.
કોઈ પણ બ્રાન્ડ લાંબા ગાળા સુધી રમવા માટે યુવાનોને પોતાનો ટાર્ગેટ બનાવે છે. જેમ જેમ યુવાન કે સમય બદલાય તેમ બ્રાન્ડની ભાષા અને કોમ્યુનિકેશન બદલાય, જેમ યુવાન ચાહે તેમ એની સાથે વાત કરે. બસ આવી જ રીતે આપણે એક વ્યવસ્થિત વ્યૂહરચના બનાવી ગુજરાતી ભાષાને આજના યુવાનને આકર્ષે તેમ એની સમક્ષ મૂકવી પડશે.
કોઈ પણ ભાષા પ્રચલિત કરવા તે બોલાવી જોઈએ, લખાવી જોઈએ, વંચાવી જોઈએ અને આજની તારીખે જોવાવી જોઈએ. આજના OTT પ્લેટફોર્મના જમાનામાં દુનિયા નાની થઇ ગઈ છે અને સારું ક્નટેન્ટ રાજ કરે છે. આજે લોકો માટે ક્નટેન્ટ મહત્ત્વનું છે અને નહિ કે ભાષાનું…
આપણી વેપારી તરીકેની મનોદશા-છાપ, સાહિત્ય, કલા, સંસ્કૃતિમાં ઓછો રસ,ઈત્યાદિ નબળાઈ જોઈએ તો ખ્યાલ આવે કે આજની પેઢીને ભાષાથી લગાવ નથી, વાંચનમાં રસ નથી. આમ છતાં તકની વાત કરીયે તો આજે પ્રાદેશિક ભાષાને વધુ મહત્ત્વ મળે છે અને આજનો યુવા વર્ગ અગાઉ કરતાં આજે વધુ ઓપન માઇન્ડેડ છે- વધુ મુક્ત મનનો સહજતાથી નવા વિચારો ગ્રહણ કરનારો છે. આજે યુવાન ગ્લોબલી એક્સપોઝડ છે. એ જાણે છે કે વિશ્વભરમાં લોકો પોતાની ભાષાને કેટલું મહત્ત્વ આપે છે. આવા સમયે એને માતૃભાષા શીખવા પ્રેરિત કરી શકાય. આજે સફળ નીવડેલા દેશોમાં એક વાતે સમાનતા એ છે કે સમાન છે એ લોકોએ પોતાની ભાષાને છોડી તરછોડી નથી. બસ, આજ વાત ધ્યાનમાં રાખી ગુજરાતી ભાષાને આપણી આજની પ્રજા સમક્ષ મૂકવી પડશે.
ઉપરોકત મુજબ આપણે માતૃભાષાને પણ એક બ્રાન્ડ તરીકે લોકો સમક્ષ મૂકવી જોઈએ અને તેના માટે આજે આપણી પાસે સૌથી મોટું અને સરળતાથી યુવાનો સુધી પહોંચી શકાય તેવું સાધન છે ઓનલાઇન પ્લેટફોર્મ્સ. સારું ક્નટેન્ટ બનાવો અને એમને આપો. માફ કરજો, પણ આપણું ક્નટેન્ટ બીજા ક્નટેન્ટની સરખામણી પણ નથી કરી શકતું. સમસ્યા ટેલેન્ટની નથી નિયતની છે. આપણે નાટક હોય કે ફિલ્મ્સ, આપણું લોજિક હોય છે કે દર્શકોને આવું જ જોઈએ છે. બાળકને શું આપવું તેની માને ખબર હોય. તેવી જ રીતે સમાજને શું પિરસવું તે સર્જકોના હાથમાં છે, કારણ એ લોકોને આની જાણ છે નહીં કે દર્શકોને…
વેપારી બુદ્ધિ વાપરશું તો સમજાશે કે સારું ક્નટેન્ટ સારા પૈસા કમાવી આપશે અને ભાષાને પણ આનાથી ફાયદો થશે.
આજની પેઢીને રસપ્રદ પોડકાસ્ટ જોઈએ છે, આપણા સાહિત્યને ઓડિયો બુક્સમાં ક્નવર્ટ કરી સાંભળવા આપો. એવા બ્લોગ્સનું નિર્માણ કરો જેને વાંચવામાં તેને રસ પડે. ઈવેન્ટ્સ ઊભી કરો જેમાં એ સક્રિય સહભાગી થઇ શકે. નવા સ્વરૂપે, નવી વાતો મુકવી પડશે તો બ્રાન્ડ ગુજરાતી ભાષા ખરા અર્થમાં ગ્લોબલ બનશે.
આપણ વાંચો: વાર- તહેવાર : તિબેટમાં બૌદ્ધ દેવતા કેવી રીતે બન્યા ગણપતિબાપ્પા?