ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ: બજેટમાં બૉલ્ડને બદલે સંખ્યાબંધ સ્મોલ રિફોર્મ્સ, ટ્રમ્પની જાહેરાતે બજારને આપેલું બૂસ્ટર કેટલું ચાલશે?

- જયેશ ચિતલિયા
સામાન્ય રીતે બજેટને દિવસે કે બજેટને લીધે શેરબજાર તૂટે એટલે લોકોના માનસમાં બજેટ સાં નથી એવું પ્રવેશી જાય છે. જાણે કે બજેટનું કામ માત્ર શૅરબજારને રાજી અને તેજી કરાવવાનું જ હોય. બાય ધ વે, બજાર જયારે બજેટની વિવિધ જોગવાઇઓને બારીકીથી સમજશે ત્યારે લાંબાાગાળાના બુલિશ ટે્રન્ડને જોઈ શકશે. સ્માર્ટ, ધીરજવાન અને અભ્યાસુ રોકાણકારો આમ કરશે, બાકી ટોળાઓનો કોઈ ભરોસો નહીં.
બજારની નિરાશા ટ્રમ્પને લીધે ધોવાઇ ગઈ
બજેટને દિવસે શૅરબજાર ભારે માત્રામાં તૂટયું અને નિરાશ થયું તેથી પ્રથમ આપણે શૅરબજારની નારાજગી સમજીએ. બજારને કેપિટલ ગેન ટેકસમાં રાહતની અપેક્ષા હતી, જે પૂરી ન થઈ, બીજી બાજુ ફયુચર્સ-ઓપ્શન્સના સોદાઓ પરનો એસટીટી (સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ) નોંધપાત્ર વધારી દેવામાં આવ્યો, જેનાથી ટે્રડર્સ-સટોડિયાઓ નિરાશ થયા. બજારને બજેટ પાસે બોલ્ડ રિફોર્મ્સની પણ અપેક્ષા હતી, જેની ગેરહાજરીથી પણ બજારે નેગેટિવ પ્રતિભાવ આપ્યો.
આમ પણ બજાર વૈશ્વિક અનિશ્ચિતતાઓ તેમ જ યુએસ-ટ્રમ્પ ટૅરિફના ત્રાસથી પરેશાન હતું, જેમાં વળી બજેટે કોઈ નકકર પગલાં ન લેતા બજાર પાસે નિરાશ થવાનું કારણ હતું, પરંતુ સ્માર્ટ ઈન્વેસ્ટર્સ બજારની નારાજગીને પોતાની માટે તક બનાવે છે. જોકે બીજા દિવસે એટલે કે સપ્તાહનાં પ્રથમ દિવસે જ માર્કેટ નોંધપાત્ર રિકવર પણ થયું હતું.
જયારે કે મંગળવારે ટ્રમ્પની ટૅરિફ જાહેરાત અને યુએસ-ભારત વેપાર ડીલના પોઝિટિવ અહેવાલ આવતા બજારે કડાકાને બદલે કૂદકા મારવાનું શરૂ કર્યુ અને પછી સ્થિર થવા લાગ્યું. જોકે આ મામલે હજી કેટલીક અનિશ્ચિતતા ગણીને ચાલવું પડે.
બજેટમાં નાણાં પ્રધાને વિકાસલક્ષી નીતિઓના સાતત્યને જાળવી રાખવાનો અભિગમ સેવ્યો છે, તેમાં માત્ર પોપ્યુલર પગલાં પર ફોકસ કરવાને બદલે દરેક ક્ષેત્રને કંઈક આપવાનો અભિગમ રાખ્યો છે. મહત્ત્વની વાત એ ગણાય કે વિપરીત વૈશ્વિક સંજોગો વચ્ચે દેશના આર્થિક વિકાસની ગતિ ચાલુ રાખવી, તેને બળ અને પ્રોત્સાહન આપતા રહેવું એ સાદી કે આસાન વાત નથી. સરકારે બોલ્ડ રિફોર્મ્સ ભલે કર્યા નથી, પરંતુ નાના-નાના ઘણાં રિફોર્મ્સ કર્યા છે, જેની અસર વ્યાપક તેમ જ લોંગટર્મ રહેશે.
બજેટમાં લાંબાગાળાના વિકાસને બળ આપનારા ચોકકસ પગલાંની ઝલક જોઈએ તો બેન્કિંગ સેકટર માટે નાણાં પ્રધાને એક સ્ટેન્ડિંગ કમિટીની રચના કરી છે, જે આ બેંકિંગ સેકટરનો ઊંડો અભ્યાસ કરી તેમાં સુધારા સૂચવતી રહેશે, આ સૂધારાનો ઉદ્ેશ આ સેકટરને સ્થાનિક તથા ગ્લોબલ સ્તરે મજબૂત બનાવવાનો રહેશે.
બજેટે ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર વિશેષ ભાર આપવાનું આ વરસે પણ ચાલુ રાખ્યું, આ માટે સરકારે રૂપિયા 12 લાખ કરોડથી વધુની ઊંચી ફાળવણી કરી છે. અહી એ નોંધવું મહત્ત્વનું છે કે ઈન્ફ્રાસ્ટ્રકચરની વાત આવે એટલે રિયલ એસ્ટેટ સેકટર આવી જ જાય, આ બંને સેકટરના વિકાસ સાથે અન્ય 25થી 30 નાના-મધ્યમ કે મોટા ઉદ્યોગો જોડાયેલા રહે છે, જેથી આ પ્રોત્સાહન વિવિધ સેકટર્સ માટે પ્રેરણાબળ બનશે. વધુ એક મજાની વાત એ છે કે બજેટે આ વિકાસ માર્ગમાં નાના શહેરોને (અર્થાત્ પાંચ લાખ સુધીની વસતીના શહેરો) આવરી લીધા છે.
એમએસએમઈ (લઘુ, મધ્યમ કદના સાહસોને) આ વખતે પણ રાહતો-પ્રોત્સાહનો આપવાનો અભિગમ ચાલુ રાખ્યો છે, જે રોજગાર સર્જનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રિટસ)ને પ્રોત્સાહન આપવા બજેટમાં એવી જાહેરાત છે કે જાહેર સાહસો તેમની રિયલ એસ્ટેટ માટે રિટસનું માધ્યમ પસંદ કરે, જે લાંબે ગાળે લાભદાયી થશે.
સરકારે હેલ્થકેર સેકટર પર નોખું જોર આપ્યું છે. લોકોના શારિરીક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સરકારે આર્યુવેદિક તેમ જ યોગાને વિશેષ મહત્ત્વ આપ્યું છે.
ટેમ્પલ (મંદિરો) અને મેડિકલ ટૂરિઝમ પર પણ ભાર મુકાયો છે, જેનો આપણા દેશમાં ભરપૂર અવકાશ છે, હેરિટેજ સ્થળો સહિતના ટૂરિઝમ માટે સરકાર માન્ય ગાઈડસને વિશેષ તાલીમ અપાશે, જેથી ભવિષ્યમાં સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વધશે. દેશમાં 20 નોંધનીય પર્યટન સ્થળો પર કાર્યરત 10,000 ગાઇડ્સને તાલીમ આપવાની જોગવાઈ કરાઈ છે.
બજેટમાં અગાઉ કયારેય ધ્યાન અપાયું નહોતું એવી બાબત તરીકે બે પાયાની અને નોખી જાહેરાત કરી છે, એકમાં સરકારે વરિષ્ઠ નાગરિકો માટે કેરટેકરની તાલીમ અને અલગ ઓળખ ઊભી થાય એવું પગલું ભર્યું છે. બીજું, સરકારે બજેટમાં એક જબરદસ્ત લાંબાગાળાના વ્યૂહ તરીકે વિદેશી કંપનીઓને ભારતમાં ડેટા સેન્ટર્સ, એઆઈ અને જીસીસી (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર) સ્પેસ સ્થાપવા માટે આકર્ષવા ટેકસ હોલિડે- તે પણ 2047 સુધી ઓફર કર્યો છે.
સરકારે ખેડુતોને પરંપરાગત માર્ગે પંપાળવાને બદલે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સાથે જોડવાનો માર્ગ અપનાવ્યો છે, જેનો લાભ લઈ ખેડુતો વિકાસ કરી શકે અને વધુ આવક પણ રળી શકે. બજેટમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવા પર પણ વિશેષ ભાર મુકાયો છે, જે દેશનું જ નહીં, વિશ્વનું પણ ભાવિ છે.
ટેક્નોલોજી ક્ષેત્રે મહત્ત્વની જાહેરાત રૂપે હવે ચિપ (સેમિક્નડક્ટર)ના ઉત્પાદનમાં સ્વાવલંબી બનવા માગે છે. આ માટે સરકારે `ઇન્ડિયા સેમિક્નડક્ટર મિશન’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મિશન માટે સરકારે 40,000 કરોડનું બજેટ ફાળવાયું છે. આજે મોબાઈલ,લેપટોપ, કાર, ટીવી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે આવશ્યક ઉપકરણો જેવી દરેક વસ્તુમાં ચિપની જરૂર પડે છે. આ પગલાથી ભવિષ્યમાં ભારત ચિપ મેન્યુફેક્ચરિગમાં દુનિયાનું મોટું હબ બની શકે છે. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટેની સહાય બમણી કરીને રૂપિયા 40,000 કરોડ કરવામાં આવી છે.
હાલ કેટલાંક સમયથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ભારતીય માર્કેટમાં સતત વેચાણ કરતા રહ્યા છે ત્યારે વિદેશના વ્યક્તિગત રોકાણકારોને ભારતીય ઈક્વિટીમાં સીધા રોકાણ માટે માર્ગ કરી અપાયો છે, PMS (પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ) મારફત પણ આ રાહ પકડી શકે છે. આમ ઈક્વિટીમાં રોકાણ પ્રવાહ વધવાની આશા રાખી શકાશે.
અત્યાર સુધી કોઈ પણ એક વિદેશ સ્થિત વ્યક્તિગત રોકાણકાર (PROI-પર્સન રેસિડન્ટ આઉટસાઈડ ઈન્ડિયા) ભારતીય લિસ્ટેડ કંપનીમાં વધુમાં વધુ પાંચ ટકા ઈક્વિટી ધરાવી શકતા હતા. હવે આ મર્યાદા વધારીને વિદેશી રોકાણપ્રવાહનો સ્કોપ વધાર્યો છે.



