ઉત્સવશેર બજાર

શેરબજાર પર કોની અસર પડશે… બજેટ કે ટ્રમ્પ?

આજે બજેટ જાહેર થવાનું છે, પરંતુ બજેટ બાદ પણ શેરબજાર પર ટ્રમ્પની કેટલીક અસર તો પડશે જ… આવા સંજોગોમાં ભારતમાં આવતા રહેલા અને આવનાર રોકાણ પ્રવાહને ધ્યાનમાં રાખી ઈન્વેસ્ટમેન્ટ પ્લાન કરવામાં સમજદારી રહેશે.

જયેશ ચિતલિયા

બજેટનો દિવસ આવી ગયો. આજે 11 વાગ્યાથી નાણાંપ્રધાન નિર્મલા સિતારમણનું બજેટ વકતવ્ય શરૂ થવાની સાથે બજાર પર અસરો પણ શરૂ થઈ જશે. જોકે આ વખતે લોકોને બજેટ પાસે નવી આશા તો છે, પણ સાથે-સાથે ટ્રમ્પના ટેરિફ આક્રમણનો ભય પણ ઊભો જ છે. ગ્લોબલ અનિશ્ર્ચિતતાની તલવાર પણ લટકેલી જ છે. વેપાર -ઉદ્યોગથી લઈ સામાન્ય જન સુધી અને બજારો પર કેવી અસર થશે એ ચર્ચા ચાલી રહી છે ત્યારે યુએસ ઈકોનોમીની ડોનલ્ડ ટ્રમ્પના બેફામ લેવાતા યા બદલાતા નિર્ણયોની અને વૈશ્વિક સંજોગોની ચર્ચા પણ ચાલુ છે. મોટાભાગના લોકો માને છે કે યુએસનું અને વૈશ્વિક ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ભારતીય અર્થતંત્ર અને શેરબજાર સામે ચોકકસ સવાલો અને પડકારો તો ઊભા જ રહેશે , જેમકે તાજેતરમાં ‘દાવોસ’માં યોજાયેલી ઈકોનોમિક સમિટ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી,

જયાં ઈન્ડિયા માટે જે વાતો થઈ તેમાંથી ભારતીય અર્થતંત્રના ફંડામેન્ટલ્સના નકકર પુરાવા કે સમર્થનના સંકેત બહાર આવ્યા છે. ‘દાવોસ’ ઉપરાંત ઓવરઓલ પણ તાજેતરના સમયમાં ફાઈનાન્સિયલ સેકટરની વિવિધ ગ્લોબલ હસ્તીઓ તરફથી થયેલા નિવેદનોની માત્ર એક ઝલક જોઈએ તો જેમને પણ ભારતના આર્થિક વિકાસ સામે શંકા છે તેમને જવાબ મળી જશે તો વાત આગળ વધારતા પહેલાં આવા કેટલાંક વિધાન-નિવેદન પર નજર કરી લઈએ…

ભારત હવે ઈમરજિંગ (ઊભરતું બજાર) માર્કેટ રહ્યું નથી, તેની દિશા વધુ ઊંચે જઈ મજબુત બની રહી છે

  • ગ્લોબલ એસેટસ મેનેજર કંપની બ્લેકસ્ટોનના ચેરમેન સ્ટીફન ભારત અમુક જ દાયકાઓમાં વિશ્વની વિશાળ ઈકોનોમી બની જશે..
  • યુએસ સ્થિત પ્રાઈવેટ ઈકિવટી ગ્રુપ કાર્લિલ ગ્રૂપના કો-ફાઉન્ડર

ભારત વિશ્વમાં રોકાણ માટેનું બીજું સૌથી પસંદગીપાત્ર (મોસ્ટ પ્રિફર્ડ) ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે..

  • પ્રાઈસ વોટર હાઉસ (પીડબલ્યુસી)નો ગ્લોબલ સર્વે. ભારત અને યુરોપ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બે અબજ લોકો માટે માર્કેટ ઊભી કરશે…

-યુરોપિયન કમિશન પ્રેસિડન્ટ યુરસુલા વોન ડેર

ભારતીય અર્થતંત્રનું મહત્ત્વ:

આ તમામ વિધાન-નિવેદનો કે અભિપ્રાય આર્થિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સિદ્ધહસ્ત હસ્તીઓનાં છે…. ભારતના વડા પ્રધાન કે નાણાપ્રધાનના નથી, શાસકપક્ષના રાજકીય નેતાઓના નથી. આવા તો અનેક મતો અને નિવેદનો વિશ્વભરમાંથી વ્યકત થતાં રહે છે.

ભારત વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં તો જઈ રહ્યું છે, પરંતુ એ પહેલાં પણ ભારત ઘણાં બેન્ચમાર્ક હાંસલ કરવાના માર્ગે આગળ વધી રહ્યું છે. આજે યુએસએ, યુરોપ, રશિયા, ચીન, જપાન, યુએઈ, સહિતના દેશો ભારત સાથે સંબંધ રાખવામાં અને વધારવામાં સાર જુએ છે. યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પ ભલે એક યા બીજા કારણસર ટૅરિફના નામે ભારત સામે બાંયો ચડાવતા હોય, આખરે ભારતનો સાથ તેમને પણ જોઈએ છે. ભારતની યુવાધન, ટેલેન્ટ, વિરાટ બજારો, વૈવિધ્યકરણ, વપરાશની ક્ષમતા, માગની ઊંચી સંભાવના, ઉત્પાદન શક્તિ, લેબર વર્ગ અને નીતિવિષયક સુધારા, ઈકોનોમિક રિફોર્મ્સના સાતત્યના કારણો ભારતને વિશ્વમાં અનેરું સ્થાન અપાવવા માટે હાજર છે.

ગ્લોબલ સાહસોની ભારત પર નજર :

એક અહેવાલ મુજબ ભારતમાં ત્રણ નવા ગ્લોબલ સાહસ પ્રવેશવાની તૈયારીમાં છે. આ બધા ભારતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) સ્થાપવાની યોજના ધરાવે છે. આ ત્રણ સાહસમાં ઝુમ, ટી-મોબાઈલ અને સાઉથવેસ્ટ એરલાઈન્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ હાલમાં દેશનાં વિવિધ રાજયો સાથે ચર્ચામાં હોવાનું જાણવા મળે છે. આ કંપનીઓ તેમને કયાં બેસ્ટ ટેલેન્ટ અને વર્ક ફોર્સ મળશે એની તપાસ કરી રહી છે.

ભારતમાં જીસીસી સાથેની અગ્રણી કંપનીઓમાં માઈક્રોસોફટ, એમેઝોન, ગોલ્ડમેન સાશ, જેપી મોર્ગન, ડેલોઈટ, શેલ, એનવિડીયાનો સમાવેશ થાય છે. ભારત યુએઈ સાથે પણ વ્યૂહાત્મક ડિફેન્સ પાર્ટનરશિપ કરી રહ્યું છે.

વૈશ્વિક ગ્રૂપ કેકેઆર આગામી પાંચથી દસ વરસમાં ભારતમાં અબજો ડૉલરનું રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હોવાની જાહેરાત થઈ છે. ભારતમાં તેમને વપરાશ અને વૃદ્ધિની દૃષ્ટિએ ઊંચી સંભાવના દેખાય છે. આ ગ્રૂપ જાપાન પર પણ નજર રાખે છે.

એશિયામાં તેને ભારત અને જાપાન બે મહત્ત્વની માર્કેટ દેખાય છે. યુએસ જયારે હાલ ભારતની નિકાસને નેગેટિવ અસર થાય એવા પગલાં ભરી રહ્યું છે ત્યારે ભારતના અમુક સેકટર્સ માટે યુરોપની બજારો નવી આશા તરીકે ઊભરી રહી છે. યુરોપિયન યુનિયન સાથેના મુકત વેપાર કરારને પગલે ઈલેકટ્રિક વેહિકલ્સ, ઓટો પાર્ટસ, વગેરેની નિકાસ માટે મોટો અવકાશ ઊભો થવાની ઉમ્મીદ જાગી છે.

ટ્રમ્પની ચિંતા કરતા લોંગ ટર્મ વિચારો :

ગ્લોબલ એકસપર્ટ વર્ગ માને છે કે ટ્રમ્પની નીતિઓને કારણે બદલાઈ રહેલા વૈશ્વિક વેપારના સમીકરણો વચ્ચે ભારત પોતાનું આગવું સ્થાન બનાવી શકે એમ છે. એક રીતે જોવા જઈએ તો અમેરિકા જે રીતે પોતાની ટૅરિફ નીતિ આડેધડ ચલાવી રહ્યું છે અને લગભગ દરેક દેશોને ટૅરિફના નામે ધમકાવી-ડરાવી રહ્યું છે, જે અત્યારે તો અન્ય દેશોને એક કરવામાં નિમિત્ત બની રહ્યું છે ત્યારે ભારતના લાંબા ગાળાના વિકાસને કેન્દ્રમાં રાખીને અને ભારતની ગ્રોથસ્ટોરીમાં વિશ્વાસ રાખીને લોંગટર્મ ઈન્વેસ્ટમેન્ટનું વિચારજો અને બજેટને આધારે નવા રોકાણ વ્યૂહ તૈયાર કરજો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button