ઈકો-સ્પેશિયલ: ‘હાર્યો જુગારી બમણું રમે’ એ માનસિકતામાંથી મુક્ત થાવ…

‘બજારમાં થયેલું નુકસાન હું ત્યાંથી જ નફો કરી કાઢી લઇશ’ એ વૃત્તિ-પ્રવૃત્તિ મોટાભાગના ટ્રેડર્સ અને રોકાણકારોમાં પણ હોય છે. એને સમજો ને એમાંથી લો સબક…
- જયેશ ચિતલિયા
‘બજારમાં મને નુકસાન થયું, હું બદલો લઇ નફો કરીને દેખાડીશ…’
શેરબજારમાં આવી ખતરનાક ભાવનાત્મક પ્રતિક્રિયા જોખમી છે. એનાથી બજારમાં નોંધપાત્ર નુકસાન થયા પછી તરત જ એ રિકવર- પુન : પ્રાપ્ત કરવાં આક્રમક, ઉચ્ચ-જોખમવાળા નિર્ણયો રોકાણકારો-ટ્રેડર્સ લે છે, જે અનિવાર્યપણે પ્રારંભિક નુકસાનને ઓર વધારે છે.
એક હકીકત જાહેર છે કે ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં 91% થી વધુ રિટેલ પાર્ટીસીપન્ટ્સે નુકસાન કરે છે. તેમનું સામૂહિક નુકસાન વાર્ષિક રૂ. 1 લાખ કરોડથી પણ વધુ છે. પ્રતિ વ્યકિત-ઈન્વેસ્ટર(ટ્રેડર) સરેરાશ નુકસાન લગભગ ₹1.1 લાખ થાય. આ હકીકત દર્શાવે છે કે આ ફક્ત બદનસીબની વાતા નથી, પરંતુ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનો ઇનકાર અને પોતાની જીદને કારણે રોકાણકારે ભોગવવી પડતી નુકસાનીનું સત્ય છે.
‘બજાર મારાં નિયંત્રણમાં છે’નો ભ્રમ દરેક ઈન્વેસ્ટર-ટ્રેડર માને છે કે તેમની ક્રિયાઓ તર્કસંગત છે, છતાં અચાનક નુકસાન થવાથી તર્ક તરત જ ભાગી જાય છે. ‘થિંકિંગ, ફાસ્ટ એન્ડ સ્લો’ પુસ્તકમાં દર્શાવાયેલી મુખ્ય મનોવૈજ્ઞાનિક જાળનો સિદ્ધાંત મનની બેવડી પ્રક્રિયામાં રહેલો છે. પીડાદાયક નુકસાનીના આંચકા પછી માણસનું મગજ ઝડપી, ભાવનાત્મક અને આવેગજન્ય બનીને નિર્ણય લેવડાવે છે. આ ઝડપી મગજ મોહક જૂઠાણાની જાળમાં ફસાવે છે : ‘ફક્ત એક જ સોદો, અને તમે નુકસાનીમાંથી નીકળી શકો છો.’
બીજી ઘટનામાં મગજ પરિસ્થિતિનો લાભ લેવા માટે ઓછી કિંમતે વધુ ખરીદી કરવાનો વિકલ્પ સારો (ઓપ્શન ટ્રેડિંગનો) એવું વિચારે છે, પરંતુ સત્ય એ છે કે તેવું હકીકતમાં થતું નથી. પુરાવા આ પેટર્નની પુષ્ટિ કરે છે: જે ટ્રેડરો નોંધપાત્ર નુકસાનનો સામનો કરે છે એ લોકો ઉત્તરોત્તર પછીનાં સત્રમાં તેમના સોદાનું પ્રમાણ વધારે છે. આપણી એક કહેવત છે : ‘હાર્યો જુગારી બમણું રમે….’
કમાણીના આનંદ કરતાં નુકસાનીનું દર્દ વધુ. સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે નફાની શક્યતા વધારે હોય છે, ત્યારે રોકાણકારો રૂઢિચુસ્ત બની જાય છે અને સમય પૂર્વે જ ઓછો લાભ બુક કરે છે. તેવી જ રીતે, નાના નુકસાનથી ગભરાઇને આખો પોર્ટફોલિયો સાફ કર્યાં પછી, (મોટા આંચકા પછી) ટર્ન લેતાં પસ્તાય છે. ફરીથી નફો કરવા-કમાવાનો કોઈપણ સંભવિત માર્ગ, ભલે ગમે તેટલો વિનાશક હોય, સટોડિયાને તર્કસંગત લાગવા લાગે છે. આવા વિનાશક વ્યૂહમાં પૈસા ગુમાવવાની માનસિક પીડા તેને પૈસા મળવાથી મળેલા આનંદ કરતાં લગભગ બમણી શક્તિશાળી હોય છે.
આવા અસંતુલનમાં નુકસાન સરભર કરવાની ઘેલછામાં યોજનાનું સ્ટેપવાઇસ પાલન કરવા અને નુકસાન ઘટાડવાને બદલે, વેપારી મનોવૈજ્ઞાનિક સાપ- સીડીનો ભોગ બની બેદરકારીથી વધુ મૂડી ગુમાવે છે. આમાં ઇક્વિટી ટ્રેડર્સ કોઈપણ વ્યૂહાત્મક આધાર વિના ઓપ્શન્સ અથવા ફ્યુચર્સ જેવા ઉચ્ચ-લીવરેજ સાધનો તરફ આવેગમાં આવીને ઢળે છે. એ લોકો અન્ય સંભાવનાની ગણતરી કરી શકતાં નથી. એ ફક્ત નુકસાનની પીડાને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે.
ટ્રેડર્સ મોટી જીતની મામૂલી તકને અતાર્કિક રીતે વધુ પડતી મૂલવી લોટરીની ટિકિટ જેમ ઝડપે છે. ખાસ કરીને પોર્ટફોલિયો રેડ કલરનો થવા લાગે ત્યારે ટ્રેડર ઠગારી આશાને એક વ્યૂહરચના ગણી રમવાનું શરૂ કરે છે. એ પોઝિશનનું કદ વધારે છે, નિર્ધારિત જોખમ મર્યાદાઓથી આગળ વધી સ્ટોપ-લોસને લંબાવે છે અને વાસ્તવિકતાના બદલે ઇચ્છાપૂર્ણ વિચારસરણીને અનુસરીને એક ચમત્કારિક સોદાની શોધમાં પોતાના નિયમોને અવગણે છે.
આ માનવીય નબળાઈને આધુનિક ટેકનોલોજીએ ઓર બહેકાવી છે. ટ્રેડિંગ એપ્લિકેશન્સ ઘર્ષણ રહિત ડિઝાઇન, સતત સૂચનાઓ અને ફ્લેશિંગ નફા-નુકસાનના આંકડા દેખાડતી બનાવવામાં આવી છે જે ઝડપી મગજને સતત હાવી થવા દે છે.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સબકથી લઈને સફળતા સુધીનું વરસ…
નાણાકીય સ્વાસ્થ્ય પુન:પ્રાપ્ત કરવાના ઉપાય
(1)સંપૂર્ણપણે થોભો:
નુકસાન થયા પછી ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે સોદાથી દૂર રહો.
(2)પોસ્ટ-મોર્ટમ કરો:
શું ખોટું થયું તેનું દસ્તાવેજીકરણ કરતી વિગતવાર નોંધ લખી એન્ટ્રી ટાઇમિંગ, પોઝિશન સાઈઝ એરર્સ, ઓવરકોન્ફિડન્સ અને અવગણવામાં આવેલા સ્ટોપ-લોસ ઓર્ડર્સની સમીક્ષા કરી સ્પષ્ટ, લેખિત શબ્દોમાં ભૂલો જોવાથી એમનું પુનરાવર્તન ટાળી શકાય છે.
(3)રિકવરીનું ગણિત કરો:
એક વાત સમજી લો કે 50% નુકસાનની રિકવરી માટે 100% નફો થવો જરૂરી છે. આ સોનેરી સલાહ હંમેશાં દેખાતી રહે એમ ડિસ્પ્લે કરો.
(4)જોખમને ફરીથી ડિફાઇન કરો:
પ્રતિ વેપાર જોખમમાં મુકાયેલી પોર્ટફોલિયો મૂડીની મહત્તમ નિશ્ર્ચિત ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો કરો (દા.ત., 5% થી ઘટાડીને 2%).
(5)ધીમે ધીમે ફરીથી પ્રવેશ કરો:
બજારમાં ભારે માર ખાધા પછી નાની નાની પોઝિશન /રોકાણથી શરૂઆત કરો અને શિસ્તનું અત્યંત કડક મર્યાદાઓ સાથે પાલન કરો. સક્રિય, આક્રમક માનસિકતા ઠંડી પડે ત્યારે પુન: મૂડી સર્જન માટે સ્ટેબિલાઇઝર્સ તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઇપી અથવા ઇટીએફ જેવા લાંબા ગાળાનાં રોકાણ માધ્યમોનો ઉપયોગ કરો.
(6)જવાબદારી ઉમેરો:
તમારી સોદા બુકને માર્ગદર્શક અથવા વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરો. તેમની સાથે શેર કરવાના કારણે બહાર સારા દેખાવાની ભાવનાનું પ્રદર્શન અને જોખમ લેવામાં જાતને છેતરવાનું ઓછું થતાં બહેતર દેખાવ કરી શક્શો.
નવા વરસે આ સંકલ્પ લેવા જેવો…
બજાર ન ગમે એવું પણ પૂર્ણ સત્ય શીખવે છે તે એ છે કે તેને ટ્રેડરના વ્યક્તિગત સંઘર્ષ અથવા પુનરુત્થાનની વાર્તા સાથે કાંઇ જ લાગતું વળગતું નથી. બજાર અવિરતપણે શિસ્તને પુરસ્કાર આપે છે અને ભાવનાઓને સજા કરે છે. બજારની ગતિવિધિઓની આગાહી કરીને નહીં, પરંતુ પોતાના આવેગનું સંયમન કરીને નિયંત્રણ પ્રાપ્ત થાય છે. રિકવરી માટે જરૂરી છે કે બજાર સામે લડવાનું બંધ કરવું અને સ્વનું સંચાલન કરવું, કારણ કે બજાર કાલે પણ હશે, પરંતુ બદલાની ભાવના સાથેના વેપારમાં ગુમાવેલી મૂડી કદાચ કાલે નહીં હોય.
નવા વરસે આટલી સાદી વાતોને સમજીને ચાલવાનું નકકી કરો, બજારની ચાલ ઈન્વેસ્ટર્સને સાઈકોલોજિકલ અસર કરે છે, જેથી બજાર કરતાં વધુ ચંચળ રોકાણકારનું મન હોય છે એ વાત ખાસ યાદ રાખો…
નવા વરસે સારી-સફળ રીતે સંપત્તિ સર્જન કરી શકો એવી શુભેચ્છા…
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક પડકારો વચ્ચે આપણા અર્થતંત્રના વિકાસમાં વિશ્વાસ વધી રહ્યો છે…



