બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: રિટેલ તથા ઓનલાઇન છે એકમેકના પૂરક

- સમીર જોશી
ઓનલાઇન શોપિંગ આવ્યા પછી લોકોને લાગ્યુ કે હવે થોડા સમયમાં દુકાનો બંધ થઇ જશે. આની સામે જયારે આપણે જોઈએ કે મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ નવાં નવાં બની રહ્યા છે, રેસિડેન્સિયલ બિલ્ડિંગોમાં પણ દુકાનો માટે જગ્યા ફાળવવામાં આવે છે. આ સૂચવે છે કે ફિઝિકલ રિટેલ ક્યારેય બંધ નહિ થાય. આજે D2C (Directe to Consumer)ની બોલબાલા છે અર્થાત ઓનલાઇન શોપિંગ જબરું ચાલી રહ્યું છે, લોકો ઈ- કોમર્સ પ્લેટફોર્મ પરથી અને ડાયરેક્ટ બ્રાન્ડની વેબસાઈટ પરથી માલ ખરીદે છે.
આજે જેટલું બ્રાન્ડનું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ લોકો પોતાની ઈ-કોમ સાઈટ બનાવી વેચવાને આપે છે. ટૂંકમાં તેમની બ્રાન્ડનું વેચાણ સ્થાન તેમની વેબસાઈટ બને છે અને તે પણ બ્રાન્ડ તરીકે સ્થાપિત થાય છે. આજે લોકો પોતાનો માલ એમેઝોન કે મીશો કે ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પરથી વેચે છે. એ લોકો પોતાનો માલ વેચવાનો મદાર બીજા પ્લેટફોર્મ પર રાખે છે. જયારે પોતાનો માલ પોતાની વેબસાઈટ પરથી વેચાય તેને આપણે D2C બ્રાન્ડ તરીકે ઓળખીયે છીએ. D2C, બિઝનેસ કમ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, જેમાં કંપની કે બ્રાન્ડ પોતાનો માલ બનાવી સીધો કસ્ટમરને વેચે છે. આનો અર્થ એ કે મેન્યુફેક્ચરર ઉત્પાદક અને ક્ધઝ્યુમર ગ્રાહક વચ્ચે બીજુ કોઈ ના આવે. ના તો ડીલર, CNF એજન્ટ, ડિસ્ટ્રીબ્યુટર, સુપરમાર્કેટ રિટેલ સ્ટોર કે બીજી બધી ઈ-કોમ ચેનલો. અમુક બ્રાન્ડનાં ઉદાહરણ જોઈએ તો, મામા અર્થ, બોટ, લેન્સકાર્ટ, ક્ધટ્રી ડિલાઇટ, વાવ સ્કીન કેર, લિસિયસ, વેઈકફિટ, હેલ્થ કાર્ટ વગેરે,,,. આ બધી ન્યુ એજ બ્રાન્ડ છે પછી તે ફૂડ કેટેગરી હોય, ફેશન, પર્સનલ કેર કે પછી ઇલેક્ટ્રોનિક એક્સેસરીઝ હોય. જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં પણ કેરટલેન નામની બ્રાન્ડ છે, જેણે હીરાના દાગીનાઓ પણ ઓનલાઇન વેચી શકાય તેની વાત કરી.
મજાની વાત તે છે કે અમુક સમય પછી એમને સમજાયું કે ઓનલાઇનની સાથે ઓફલાઈન વેચાણ હોવું પણ જરૂરી છે અને તેથી એમણે ફિઝિકલ સ્ટોર પણ ચાલુ કર્યા.
આજે આપણે આની વાત કરવાની છે. હમણા એક રિપોર્ટ આવ્યો અને તેના મતે ધીરે ધીરે ઘણી બધી બ્રાન્ડ જયારે ઓનલાઇન પર જોઈતી સફળતા મેળવે છે ત્યારબાદ એ બધા ઓફલાઈન સ્ટોર ખોલવાનું વિચારે છે.
આ વિચારવાનું મહત્ત્વનું કારણ, વેચાણની બીજી ચેનલોને પણ અજમાવી માર્કેટને એક્સપાન્ડ કરવું.
માર્કેટિંગની ભાષામાં જેને ઑમ્નીચેનલ કહે છે, જ્યાં બ્રાન્ડ પોતાનો માલ વિવિધ ચેનલો પરથી વેચે છે.
બ્રાન્ડના ગ્રોથ માટે ઑમ્નીચેનલનો સહારો લેવો પડશે. બ્રાન્ડ ફક્ત ઓનલાઇન વેચી નહિ ચાલે. શરૂઆત તમે ભલે ઓનલાઇન સેલથી કરો પણ આગળ જતા જો વધુ સફળતા જોઈતી હશે તો બંનેનો સમન્વય કરવો પડશે.
આને બીજી રીતે સમજીએ તો આજે જે બ્રાન્ડ વર્ષોથી બજારમાં ઉપલબ્ધ છે એ ઓફલાઈન ચેનલ અર્થાત દુકાનો દ્વારા પોતાનો માલ વેચતી હતી. ઓનલાઇન આવતા એમણે પણ ઓનલાઇન ગયા આથી એમના માટે આ વાત સરળ થઇ ફક્ત એમણે નવા જમાનાની આ રીત સાથે ઍડ્જસ્ટ થવાનું હતું.
એમના માટે આ ફાયદાકારક છે, કારણ કે એ દુકાનોમાં, સુપર સ્ટોરમાં અને ઓનલાઇન બધી જગ્યાએ ઉપલબ્ધ છે. આ ઉપરાંત એમની નામી બ્રાન્ડ પણ છે. બસ, આજ રીતે નવા જમાનાની ઓનલાઇન બ્રાન્ડસે પોતાનું અસ્તિત્વ ઓફલાઈન અર્થાત રિટેલમાં આવી સાથે બરાબરી કરવી પડશે. આ કઠણ છે, કારણ આમાં રોકાણ પણ મોટું જોઈએ અને આની વેપાર કરવાની પદ્ધતિ પણ અલગ છે. ફાયદો તે છે કે બ્રાન્ડ જો ઓનલાઇન પર સફળ થઇ હશે તો તેનું નામ થઇ ગયું હશે તેથી માર્કેટમાં પોતાને સ્થાપિત કરવાની મથામણ નહિ કરવી પડે.
ઓફલાઇનના ફાયદા આપણે જાણીયે છીએ તો હવે પ્રશ્ન થાય કે ઓનલાઇનમાં વેપાર સારો થાય છે તો ઓફલાઇનમાં કેમ જવું? આપણે જાણ્યું તેમ એક, તો માર્કેટ એક્સપાન્શન અને બીજા ફાયદાઓમાં બ્રાન્ડ પરનો વિશ્વાસ વધે છે. આપણી માનસિકતા હજુ પણ તે છે કે આપણને અમુક કેટેગરી માટે દુકાનોમાંથી માલ ખરીદવો હિતકારક લાગે છે. નવા ઘરાકો આના થકી મેળવી શકાય છે. ઓનલાઇન પરના વેચાણની ઇન્સાઇટના આધારે તમે દુકાનોમાં ઇન્વેન્ટરી પ્લાન કરી શકો છો અને સેલ્સ પીચ તે મુજબ બની શકે છે.
લોકોને વ્યક્તિગત અનુભવો આપી શકો છો અને એમને જોઈએ તે રીતે કસ્ટમાઈઝડ પ્રોડક્ટ કે સર્વિસ પણ આપી શકાય, જે ઓનલાઇનમાં કદાચ મુશ્કેલ થઇ પડે. ઓનલાઇન અને ઓફલાઈન બંનેના વેચાણથી બ્રાન્ડ એક મોટી બ્રાન્ડ છે ની છાપ ઊભી કરી શકે.
આપણે જાણીયે છીએ કે માર્કેટિંગ કોમ્યૂનિકેશનમાં ઓનલાઇન અને ઓફલાઈનનો સમન્વય જરૂરી છે તેજ રીતે વેચાણ માટે પણ એનો સમનવય જરૂરી છે. ઓનલાઈન વેચાણ વ્યાપક બજાર અને વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે, જ્યારે ઓફલાઈન વેચાણ વ્યક્તિગત ગ્રાહક અનુભવો અને ઉત્પાદનોને જોવાની જેને અંગ્રેજીમાં ‘ટચ એન્ડ ફીલ’ કહે છે તે અનુભવ આપી શકે છે. આમ, ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ બંને અનન્ય લાભો પ્રદાન કરે છે અને બ્રાન્ડોએ બંને અભિગમને સંતુલિત કરવાની જરૂર છે, કારણ કે બંને એકબીજાના પૂરક છે અને નહિં કે પ્રતિસ્પર્ધી.
આપણ વાંચો: કેનવાસ: ઝીંદગી કૈસી યે પહેલી હાયે…. !



