
- સમીર જોશી
આ અઠવાડિયે આપણા કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલજીએ એક્સપોર્ટ સંબંધી એક વાત કહી કે એ MSME (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસ) ઇન્ડસ્ટ્રીને એમની પ્રોડક્ટ વિદેશમાં રજિસ્ટર કરવામાં મદદ કરશે. આની સાથે એમણે બીજી મજેદાર વાત એ કહી કે, ફક્ત પ્રોડક્ટ રજિસ્ટર કરવાથી કામ નહિં બને, તમારે બ્રાન્ડ પણ બનાવવી પડશે અને આપણે સાથે મળીને બ્રાન્ડ કેમ્પેન ચલાવવા પડશે. એમણે આ સચોટ વાત કહી, જે ઘણાં મોટા મોટા વેપારીઓ પણ નથી સમજતા.
મોટા ભાગે MSME અને તેની ઉપરના વેપારીઓ પણ ફક્ત પ્રોડક્ટ વેચવામાં માને છે અને આખી જિંદગી એક કોમોડિટી બનીને રહી જાય છે. બ્રાન્ડ બનાવવાના ફાયદા એ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. ગોયલજીએ જે વાત કહી તેનું તાત્પર્ય તે છે કે જો બહારના દેશોમાં પોતાને રજિસ્ટર કરવા હશે તો વેલ્યૂ એડિશન કરવું પડશે અને ત્યાં બ્રાન્ડનું પલ્લું ભારી હશે, કારણ કે ફક્ત સામાન્ય પ્રોડક્ટને કોઈ ભાવ નહિં આપે. આ વાત આપણે આ કોલમમાં હંમેશાં જાણવાની કોશિશ કરીયે છીએ. આજે પાછુ તેને તાજુ કરીએ.
ધારી લો કે તમે એક ઉત્પાદન બનાવ્યું છે. તમે એક કંપની બનાવી છે, પણ શું તમે ખરેખર એક બ્રાન્ડ બનાવી છે?
હું દર અઠવાડિયે આવા વેપારીઓને, બિઝનેસ ઓનર્સને, સ્થાપકોને મળું છું, જે કુશળ સંચાલકો છે. એમણે ડિસ્ટ્રીબ્યુશન ગોઠવ્યું છે, એમનું પ્રોડક્ટ માર્કેટ ફિટ પણ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે, અને સ્થિર આવક પણ છે. જોકે, ક્યાંક એમનો ગ્રોથ અર્થાત્ વૃદ્ધિ અટકી જાય છે. માર્જિન ઘટે છે. નવા ગ્રાહકો મળે તેની પહેલાં જૂના ગ્રાહકો એમને ઝડપથી ભૂલી જાય છે. મોટાભાગે અહીં મુદ્દો માર્કેટિંગનો નથી – બ્રાન્ડિંગનો છે.
ફક્ત લોગો કે ટેગલાઇન જ નહીં, પરંતુ બ્રાન્ડને એક વ્યૂહાત્મક સંપત્તિ તરીકે જોવી પડશે. જો તમને ખાતરી ન હોય કે તમારા વ્યવસાયને બ્રાન્ડની જરૂર છે કે નહીં તો અહીં જે પાંચ વાત – સંકેત આપ્યા છે તે જાણવાની કોશિશ કરો. આ વાત હું ઘણીવાર વિવિધ કેટેગરી, વિવિધ સાઈઝની કંપનીઓમાં જોઉં છું, જેમકે ….
1) સ્પર્ધામાં ટકવા માટે તમારે ડિસ્કાઉન્ટની જરૂર છે.
આ ફક્ત પ્રાઈઝિંગનો અર્થાત્ કિંમતનો મુદ્દો નથી. તે પર્સેપ્શન અર્થાત ધારણા વિશે છે. એક બ્રાન્ડ જોઈએ તેવી વેલ્યૂ ઉભી કરી શકે છે. બ્રાન્ડથી ઉદ્ભવેલી વેલ્યૂ વિનાનો કોઈપણ વેપાર વ્યવસાયમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.
2) લોકો તમારી કેટેગરી યાદ રાખે છે પણ તમારું નામ નહીં.
જો તમે ‘આ કે પેલું ટેક પ્લેટફોર્મ ’ અથવા ‘લાલ કવરવાળો તે સાબુ’ તરીકે જાણીતા છો તો તમે અથવા તમારું નામ લોકોને યાદ નથી. આ મોટો અવરોધ છે તમારા ગ્રોથ માટે. કાલે તમારા જેવું જ પ્રોડક્ટ લઈને કોઈ આવશે અને વેચશે અને તમે કંઈ નહીં કરી શકો.
3) તમે હંમેશાં ગ્રાહકો શોધો છો અને ક્યારેય એમને આકર્ષિત કરતા નથી.
આનો અર્થ છે કે તમે હજુ પણ પુશ વ્યૂહરચનામાં માનો છો. જો તમારો વ્યવસાય ફક્ત સખત મહેનત કરવાથી જ વિકસે છે. તો તમે બ્રાન્ડ દ્વારા થતા વેચાણને અને ગ્રાહકના ખેંચાણને ગુમાવી રહ્યા છો.
4) તમે અને તમારી ટીમ તમારી પ્રોડક્ટ યુનિક શા માટે છે તે સમજાવવા માટે સંઘર્ષ કરે છે.
જો તમે ખુદ આંતરિક રીતે અસ્પષ્ટ છો કે તમે શેનાથી ઓળખાવ છો કે યુનિક શું છે તો બહારના લોકોને તમને ભૂલતા વાર નહીં લાગે. જો તમારા સ્ટ્ટાફ શા માટેનો જવાબ નહીં આપી શકે તો તમારા ગ્રાહકો પણ હંમેશાં મૂંઝવણમાં રહેશે.
5) તમારી વૃદ્ધિ ભાવનાત્મક નહીં, પરંતુ ઓપરેશનલ લાગે છે.
જો બધું રાબેતા મુજબનું લાગે છે અને ગતિ જણાતી નથી તો તે એક સંકેત છે કે તમારા વ્યવસાયમાં જાન ઉમેરવાની જરૂર છે અને તે ફક્ત એક બ્રાન્ડ પ્રદાન કરી શકે છે.
આપણ વાંચો: સ્પોટ લાઈટ : અફલાતૂન’ને અફલાતૂન આવકાર
વર્ષોથી, મેં પારિવારિક વેપારી પેઢીઓ, સ્ટાર્ટઅપ્સ અને લિગસી ઉત્પાદકો સાથે પણ કામ કર્યું છે અને મારો અનુભવ કહે છે કે મજબૂત બ્રાન્ડ બનાવવા માટે તમારી કંપની મોટી હોવી જરૂર નથી. તમારે બ્રાન્ડિંગને ફક્ત ખર્ચ અથવા બાહ્ય શણગાર તરીકે જોવાનું બંધ કરી તેને દિશા ચીંધનાર તરીકે જોવાનું શરૂ કરવાની જરૂર છે. તેથી જ્યારે તમને તમારા ઉત્પાદનોનું વેચાણ મુશ્કેલ લાગે અથવા તેમાં અટવાઈ જાઓ, લોકોને શું કોમ્યુનિકેટ કરવું તેની અવઢવમાં હોવ, જો તમારી નવી પેઢી તમારા વેપારમાં રસ નથી લેતી અથવા વેપારમાં જોડાવા નથી માગતી ત્યારે તમારી જાતને પૂછો:
જે રીતે તમે આજ સુધી ધંધો ચલાવ્યો તે રીતે આગળ ચલાવી શકશો? ક્ધઝયુમર બદલાઈ રહ્યો છે ત્યારે તમને તમારા જૂના સ્વરૂપમાં કસ્ટમર અપનાવશે? અને સૌથી મહત્ત્વનો સવાલ : શું આ વ્યવસાયિક સમસ્યા છે કે છુપાયેલી અથવા ના બનાવેલી બ્રાન્ડની સમસ્યા?
જો ઉપરોકત વાતો અથવા સંકેતોને તમે અનુભવો છો અને લાગે છે કે આ તમારી જ વાત છે તો સમય આવી ગયો છે વ્યવસાયને બ્રાન્ડ બનાવી તેના સહારે વેપાર કરવાની, કારણ લોકોને પ્રોડક્ટ નહીં બ્રાન્ડ જોઈએ છે.