બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : પોઝિશનિંગ પેપર પર છે કે અમલમાં? | મુંબઈ સમાચાર

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : પોઝિશનિંગ પેપર પર છે કે અમલમાં?

  • સમીર જોશી

પખવાડ્યિા પહેલાં આપણે ‘પ્રાડા’ બ્રાન્ડના કિસ્સા થકી ‘વાંક કોનો’ની વાત કરી હતી, આપણે ક્યારેય વૈશ્વિક સ્તરની બ્રાન્ડ બનાવવા વિશે કે તે પ્રકારે પ્રમોટ કરવા વિશે નથી વિચાર્યું. ત્યારબાદ તે પણ જાણવાની કોશિશ કરી કે વેચાણ થાય છે, પણ કૈંક ખૂટે છે અને તે શું ખૂટે છે તે ખબર નથી પડતી…. આ ખૂટતી કડી એટલે પોઝિશનિંગ. તેના પર પણ આપણે વિચાર કર્યો.
બ્રાન્ડનું સૌથી મહત્ત્વનું પાસું પોઝિશનિંગ છે અને ઉત્પાદક આને જ નજરઅંદાજ કરે છે. તમારી પ્રોડક્ટ અને વેપારની દૃષ્ટિએ તમે તમારા સ્પર્ધકોના ઉત્પાદનોથી કેવી રીતે અલગ છો તેની વાત એટલે પોઝિશનિંગ. પોઝિશનિંગ તમને તમારું વ્યવસ્થિત ટાર્ગેટ ઓડિયન્સ અને માર્કેટ ડિફાઈન (વ્યાખ્યા) કરવામાં મદદ કરે છે.

પોઝિશનિંગ ક્લિયર હોવાથી તમારું કોમ્યુનિકેશન મેસેજ એક સરખુ સમાન રહેશે, નવા સેગ્મેન્ટ પણ ધ્યાનમાં આવે, જેના થકી તમે નવી પ્રોડક્ટ કે સેગ્મેન્ટ લોન્ચ કરી શકો. તમારું પોઝિશનિંગ એક વ્યવસાય તરીકે તમે કોણ છો અને તમને લોકો કઇ રીતે જુવે, તમારું પરસેપ્શન (ધારણા) કેવું બનાવવું છે તે જણાવે છે.

પોઝિશનિંગના સહારે વેચાણમાં વધારો શક્ય છે. ફક્ત તમે જે ઉત્પાદન વેચો છો તે નહિં, પણ પોઝિશનિંગ તમને નવા ઉત્પાદનો બનાવવામાં, નવા બજારમાં પ્રવેશવામાં મદદ કરે છે. આનું પરિણામ એટલે નવા ગ્રાહકો અને વેચાણમાં વધારો-વધુ નફો.

આ વાત વિશે સમજ આવતા ઘણા લોકો પોતાની બ્રાન્ડ માટે પોઝિશનિંગની વ્યૂહરચના બનાવે છે. પેપર પર તે સારી પણ લાગે, પણ ઘણી વાર તે પેપર પર જ રહી જતી હોય છે. ઘણા લોકો આ વ્યૂહરચનાને અમલમાં નથી મૂકતા અને જયારે પરિણામ વિપરિત આવે ત્યારે દોષનો ટોપલો આના પર ઠેલવે છે. આપણે જાણીયે છીએ કે કોઈ પણ વ્યૂહરચનાનું અમલીકરણ તેટલું જ જરૂરી છે જેટલી તે વ્યૂહરચના.

આ કહેવાનું કારણ કે મેં આવા ઘણા વેપારી જોયા છે. જે મોટેભાગે આ જ ભૂલ કરતા હોય છે. આના કારણો જાણવાનો પ્રયત્ન કરીએ….. સૌપ્રથમ, પોઝિશનિંગની વ્યૂહરચના એક વારનું કામ છે. પણ તે લાંબાગાળાની વિચારધારા બ્રાન્ડને આપે છે આથી આના માટે સમય લાગે છે. પણ નિશ્ચિત સમયમાં આ કાર્ય પૂરું થાય છે.

બ્લુ પ્રિન્ટ તૈયાર થઇ જાય પછી તેનું અમલીકરણ રોજ થવું જોઈએ અને અહીં જ લોકો થાપ ખાઈ જાય છે. વ્યૂહરચના બની ગયા બાદ બધા પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જાય છે ને સમય વીતી જાય છે. વેચાણ થતું હોવાથી તેના પર ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે પણ તે વાત ભૂલી જવાય છે કે પોઝિશનિંગ તેમને વધુ વેચાણ આપશે.

બીજું, યોજનાબદ્ધ અમલીકરણ માટે થોડો ખર્ચો પણ થઇ શકે, જેમ કે પોઝિશનિંગના આધારે માર્કેટિંગની વ્યૂહરચના બનાવી ત્યારબાદ તે મુજબના કેમ્પેઇન બનાવવા, મીડિયામાં તેને પબ્લિશ કરવા, તેના વિવિધ કોલેટ્રલ્સ બનાવી સેલ્સ ટીમને તૈયાર કરવી. વગેરે. ખર્ચની વાત આવે તેમાં આ વ્યૂહરચના બાજુ પર રહી જાય છે.

ત્રીજું અને સૌથી અગત્યનું, ઘણી વાર આ યોજનાને આકાર આપવા માટે કંપની પાસે કાબેલ લોકો નથી હોતા. આમ બીજા ઘણાં પરિબળ હોઈ શકે પણ પોઝિશનિંગની વ્યૂહરચનાને અમલમાં ના મૂકવાના આ ત્રણ મુખ્ય પરિબળ છે. આથી વ્યૂહરચના બનાવવાની તૈયારી કરો તે પહેલાં આ ત્રણ પરિબળને કઈ રીતે પહોંચી વળશો તેનો સકારાત્મક વિચાર કરો.
આજ ફરક છે મોટી બ્રાન્ડ અને બીજા વેપારી વચ્ચે. એ પોઝિશનિંગ અને બીજી વ્યૂહરચનાઓને અમલમાં મૂકવાનું પ્લાનિંગ વ્યવસ્થિત રીતે, કાબેલ કર્મચારીઓના નેજા હેઠળ કરશે. આવી નામી બ્રાન્ડ જે વ્યૂહરચના બનાવે તેનું તેટલી ત્વરાથી અમલીકરણ પણ કરે અને તેથી એક સફળ કંપની અને બ્રાન્ડ બને છે.

સફળ બ્રાન્ડ કે વેપારના વિકાસ માટે યોગ્ય વ્યૂહરચના અને અસરકારક અમલીકરણ હોવું આવશ્યક છે. વ્યૂહરચના વિકસાવવાની પ્રક્રિયા વર્તમાન પરિસ્થિતિની સમજ સાથે શરૂ થાય છે, જેમાં આંતરિક અને બાહ્ય પરિબળોના વિશ્ર્લેષણનો સમાવેશ થાય છે. આગળ જતાં ટૂંકા અને લાંબા ગાળાના ઉદ્દેશ્યો નક્કી કરવા, તેમને હાંસલ કરવા માટે જરૂરી સંસાધનોને ઓળખવા અને યોજનાઓ બનાવવાનો સમાવેશ થવો જોઈએ.

આપણ વાંચો:  ઈકો-સ્પેશિયલ : ભારતીય મહિલાનું ઈન્વેસ્ટમેન્ટ: હજીય આત્મવિશ્વાસનો અભાવ કેમ?

એકવાર વ્યૂહરચના ઘડવાનું પૂર્ણ કરી લો ત્યારબાદ તેના વિષે તમારી કંપનીના બધા લોકોને માહિતગાર કરો, જેથી દરેક વ્યક્તિ જણાવેલાં લક્ષ્યોને હાંસલ કરવામાં પોતાની ભૂમિકા સમજી શકે. સંસાધનોની યોગ્ય રીતે ફાળવણી કરો અને તેમના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે પ્રગતિનું નિરીક્ષણ કરો. આ પગલાંને અનુસરીને, કંપની ખાતરી કરી શકે છે કે તેમની યોજનાઓ વ્યૂહરચના પ્રમાણે જોઈતા સફળ પરિણામો મેળવી રહી છે કે નહીં…

માર્શલ આર્ટના નિષ્ણાત એકટર બ્રુસ લીનું એક પ્રખ્યાત વિધાન છે કે ‘મને એ માણસથી ડર નથી લાગતો જેણે એક વાર 10,000 કિકનો અભ્યાસ કર્યો હોય, પણ મને એ માણસથી ડર લાગે છે જેણે 1000 વાર એક કિકનો અભ્યાસ કર્યો હોય !’.
પોઝિશનિંગનું પણ આવું જ છે. જે પોઝિશનિંગ તમે બનાવ્યું છે તેનો ઉપયોગ જો સતત થાય તો તે તમને જોઈતાં પરિણામ આપી શકે છે અને તમારા પ્રતિસ્પર્ધી માટે તે ઘાતક સાબિત થઇ શકે. આથી પોઝિશનિંગને ફક્ત પેપર પર ન રાખતા તેને અમલમાં મૂકો અને તેને તમારા વેપારમાં ભાગીદાર તરીકે કામ કરવા દો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button