બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વેચાણ છે પણ કંઈક શું ખૂટે છે?
પોઝિશનિંગ તમને અલગતા પ્રદાન તો કરે છે તે ઉપરાંત ક્લિયર પોઝિશનિંગ તમને તમારું વ્યવસ્થિત ટાર્ગેટ ઓડિયન્સ અને માર્કેટ ડિફાઈન કરવામાં મદદ કરે છે બ્રાન્ડ પૉઝિશનિંગ

- સમીર જોશી
ગયા અઠવાડિયે આપણે ‘પ્રાદા’ બ્રાન્ડના કિસ્સા થકી વાંક કોનોની વાત કરી. આપણે તે પણ જોયું કે આનું
એકમેવ કારણ છે આપણે ક્યારેય આપણા કૂવામાંથી બહાર નથી આવ્યા. આપણે ક્યારેય આપણી આ બધી વાતોને દુનિયા સમક્ષ નથી મૂકી. આપણે ક્યારેય આ વાતોનો, ખાસ કરીને વ્યવસાયલક્ષી ઉત્પાદનો, સેવાઓને વૈશ્વિક સ્તરની બ્રાન્ડ બનાવવા વિશે કે તે પ્રકારે પ્રમોટ કરવા અંગે નથી વિચાર્યું. આપણે તે પણ જોયું કે ‘પ્રાદા’નો અનુભવ તે બધા માટે છે, જે પોતાના દેશમાં પણ બ્રાન્ડ બનાવવા નથી માગતા અને જેમ ચાલે છે તેમાં ખુશ છે. આ એવો વર્ગ છે જે ક્યારેય બ્રાન્ડ બનાવવા તરફ ધ્યાન નથી આપતો અને ફક્ત વેચાણથી ખુશ છે.
બીજી તરફ, આ દિશામાં પશ્ર્ચિમી દેશોએ ઘણું કામ કર્યું છે. એ પોતાની બ્રાન્ડ બનાવવાની શરૂઆત પહેલે દિવસથી કરે છે, તેને વૈશ્વિક સ્તરે લઇ જાય છે જેથી એના પર પોતાનો હક્ક સ્થાપિત કરી શકે.
આ અઠવાડિયે એક વેપારીને મળ્યો, જે ઓનલાઇન પર વ્યવસ્થિત વેપાર કરે છે અને કદાચ આ ગતિએ કરતાં પણ રહેશે. એમણે કહ્યું કે આપણી બ્રાન્ડ છે ઓનલાઇન પર અને સારું એવું વેચાણ થાય છે તો મેં પૂછયું : ‘તો મુશ્કેલી શું છે?’ તો એ કહે : ‘ખબર નથી પડતી, પણ કંઈક ખૂટે છે…’
મારા માટે આ નવું નહોતું, કારણ કે હું આવા વેપારીઓને દિવસ રાત મળું છું અને ખબર હોય છે કે મુશ્કેલી શું છે.
આપણે મન બ્રાન્ડ એટલે સારું નામ રાખવું ને એનાથી આગળ થોડું સારું પેકેજીંગ બનાવવું… આપણી કથા અહીં પૂરી થાય અને આપણે કહીએ પોઝિશનિંગ કે બ્રાન્ડ બનાવી…. જોકે, બ્રાન્ડનું મહત્ત્વનું પાસું છે પોઝિશનિંગ- આના પર હું વારંવાર ભાર આપું છું અને બસ, આજ વાત તે વેપારી સાથે છે. એની બ્રાન્ડનું પોઝિશનિંગ નથી તેના કારણે તેનું કોઈ ચોક્કસ પરસેપ્શન- ધારણા નથી.
લોકો શા માટે તેને ખરીદે છે એ મૂળ વાત નથી, બ્રાન્ડનું સૌથી મહત્ત્વનું પાસું આ છે અને ઉત્પાદક આને જ નજરઅંદાજ કરે છે.
આજે ઓનલાઈનના સમયમાં આ વાત ઘણી સહજ છે કે લોકો પ્રોડક્ટ લાવે- નામ રાખે- પેકેજીંગ કરે અને વેચવાની શરૂઆત કરે. વેચાણ થાય ના નથી, પણ એક સમય આવે ત્યારે વેચાણમાં સ્થિરતા આવી જાય, હા, જો સમજુ વેપારી હોય તો તેનો ઉકેલ શોધવાની એ કોશિશ કરે.
સ્કૂલમાં બાળકોને રિવિઝન કરાવે, જેથી લેસન પાક્કુ થાય. ચાલો, આપણે પણ લેસન પાક્કુ કરીયે….
પોઝિશનિંગ વિશે વિચારીએ… પોઝિશનિંગ શું છે?
તમારી પ્રોડક્ટ અને વેપારની દૃષ્ટિએ તમે તમારા સ્પર્ધકોનાં ઉત્પાદનોથી કેવી રીતે અલગ છો તેની વાત એટલે પોઝિશનિંગ. એના આધારે તમારો ગ્રાહક તમને યાદ રાખે અને એના મનમાં અને દિલમાં તમને સ્થાન આપે. બીજા શબ્દોમાં, પોઝિશનિંગ એ બ્રાન્ડ અથવા ઉત્પાદનની ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયા, જેથી ગ્રાહક તેને ચોક્કસ રીતે સમજી શકે.
પોઝિશનિંગ તમને અલગતા પ્રદાન તો કરે છે તે ઉપરાંત ક્લિયર પોઝિશનિંગ તમને તમારું વ્યવસ્થિત ટાર્ગેટ ઓડિયન્સ અને માર્કેટ ડિફાઈન કરવામાં મદદ કરે છે. પોઝિશનિંગ ક્લિયર હોવાથી તમારું કોમ્યુનિકેશન -મેસેજ એક સરખું સમાન રહેશે, જેથી ગ્રાહકને પણ સ્પ્ષ્ટતા મળશે અને તમારી સાથે તેનો સંબંધ વધુ ગાઢ થશે.
પોઝિશનિંગ દ્વારા ઘણીવાર નવા સેગ્મેન્ટ પણ ધ્યાનમાં આવે છે, જેના થકી તમે નવા પ્રોડક્ટ કે સેગ્મેન્ટ લોન્ચ કરી શકો. પોઝિશનિંગ મહત્ત્વપૂર્ણ ફક્ત તે માટે નથી કે તે ગ્રાહકો પર યાદગાર છાપ છોડે છે, પરંતુ તે તમારા ગ્રાહકોને તમારી બ્રાન્ડ પાસેથી શું અપેક્ષા રાખવી તે પણ જણાવે છે. તે તમારી જાતને સ્પર્ધકોથી અલગ પાડવાની અને તમે જે ઓફર કરો છો તે સ્પષ્ટ કરવાની એક રીત છે.
તમારું પોઝિશનિંગ એક વ્યવસાય તરીકે તમે કોણ છો અને તમને લોકો કઇ રીતે જોવે, તે જણાવે છે. લોકો તમારું પરસેપ્શન બનાવે તે પહેલાં તમને તમારું પરસેપ્શન બનાવવાની તક આપે છે.
પોઝિશનિંગના સહારે વેચાણમાં વધારો શક્ય બને છે. કોઈપણ વ્યવસાયનો મુખ્ય ધ્યેય એટલે વેચાણ અને વધુ આવક…
આપણ વાંચો: સ્પોટ લાઈટ : મુંબઈમાં આવકાર, ગુજરાતમાં જાકારો
ફક્ત તમે જે ઉત્પાદનો વેચો છો તે નહિ, પણ પોઝિશનિંગ તમને નવાં ઉત્પાદન બનાવવામાં, નવી બજારમાં પ્રવેશવામાં મદદ કરે છે. પરિણામે નવા ગ્રાહકો અને વેચાણમાં વધારો, વધુ નફો. …જો તમે ટોળામાંના એક હશો તો તમારી કોઈ કિંમત નથી, પણ તમે જો ટોળાની બહાર ઊભા હશો તો લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચાશે. આવા સમયે તમને ટોળાની બહાર ઊભા રાખવાનું કામ પોઝિશનિંગ કરશે. અને જયારે તમારું પોઝિશનિંગ બનાવી વેપાર કરો છો ત્યારે તમે ગ્રાહકનો હાર્ટ શેર, માઈન્ડ શેર લઇ તમારું વોલેટ શેર વધારો છો.
આજે ઓનલાઇન સેલ્સના સમયમાં ઉત્પાદનોની કમી નથી, રોજ કોઈ નવો વેપારી જન્મે છે જે માર્કેટમાં હયાત છે અને વેચાય છે તેવાં ઉત્પાદનો વેચશે.
આવા સમયે યોગ્ય પોઝિશનિંગ તમારા પ્રોડક્ટ અથવા સર્વિસને ફક્ત પ્રતિસ્પર્ધીની તુલનામાં એક ડગલું આગળ રાખવા ઉપરાંત ગ્રાહકોના મનમાં સકારાત્મક છબી પણ ઊભી કરે છે.