બ્રાન્ડ્સના નાકે દમ લાવતી જનરેશન ઝી…

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી
જેન ઝી અર્થાત જનરેશન ઝેડ એ મિલ્લેનિઅલ્સ પછીની પેઢીના લોકો છે, જે 1997 થી 2012 સુધી જન્મેલા છે. આ લોકો પર બધાની નજર છે, કારણ કે આવનારા 25-30 વર્ષો તેમના છે. આ પેઢી ખરા ડિજિટલ યુગમાં જન્મી છે. ટેકનોલોજી અને સોશ્યલ મીડિયા તેમના જીવનનો અભિન્ન ભાગ છે. વિશ્વની 26% વસતિ આ પેઢીની છે. ગ્રાહકો તરીકે, આ પેઢી સોશ્યલ મીડિયાથી ખૂબ પ્રભાવિત છે અને વ્યાવસાયિક રીતે આપણને નવી રીતે કાર્ય કરવાની રીતભાતો શીખવી રહી છે.
આ પેઢીનો પ્રભાવ એટલો છે કે જેમાં આગળના અને નવા જમાનાના વેપારીઓ બંને આ લોકોને રીઝવવા કમર કસી રહ્યા છે. નવા જમાનાની બ્રાન્ડ્સ માટે આ લોકો સાથે વેપાર કરવો આસાન છે, પણ લિગસી- વારસાગત બ્રાન્ડ્સ પોતાને આના માટે તૈયાર કરી રહી છે, કારણ કે જે પદ્ધતિથી એ વર્ષોથી વેપાર કરી રહ્યા છે તે રીત આ લોકો સાથે નહિ ચાલે. આને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરીયે, કારણ કે આવનારા બે-ત્રણ દાયકા આ લોકોના છે.
આજે બ્રાન્ડ્સ મોટી ભૂલ એ કરે છે કે તેમની સાથે એક નવી પેઢી છે તેમ સમજી વર્તે છે પણ તેમના બિહેવિઅર અર્થાત વર્તનને સમજવાની કોશિશ નથી કરતું.
હું દરરોજ જેન ઝીને ખરીદી કરતા જોઉં છું. મોલમાં નહીં, પણ ઇન્સ્ટાગ્રામ પર – વોટ્સએપ પર, જ્યાં પોતાના મિત્ર વર્તુળોમાં સ્ક્રીનશોટ શેર થાય, તેના પર લોકો પોતાનાં મંતવ્યો આપે અને નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે છે. આજની ખરીદી સામાજિક છે અને છતા તે જેના પર વિશ્વાસ કરે છે તેનાથી પ્રભાવિત થશે અને નહિ કે કોઈપણ વ્યક્તિ જે તેમને બૂમો પાડી પોતાની તરફ ખેંચવાની કોશિશ કરશે. આ કારણે જ આજે ઇન્ફ્લ્યુન્સરોની બોલબાલા છે.
આ પેઢી સાથે વાતચીત કરશો તો એક વાત સ્પષ્ટ થશે કે લિગસી અર્થાત વારસાગત બ્રાન્ડ્સ તેમને પ્રભાવિત નથી કરતી. બ્રાન્ડ બજારમાં બધે દેખાઈ રહી છે તેથી તે નહિ ખરીદે. બ્રાન્ડ કેવી રીતે તેમની સાથે કોમ્યુનીકેટ કરે છે, તે તેમની પસંદગી, વિચારોને અને તેમનાં મૂલ્યોને સમજે છે કે નહિ તે તેમના માટે મહત્ત્વનું છે.
જેન ઝી આજે ખોરાક, ફેશન, બ્યુટી, મુસાફરી, OTT પ્લેટફોર્મ પર ખર્ચ કરે છે, પણ એ પેઢી હેતુપૂર્વક ખર્ચ કરે છે. તે એવી ઈચ્છા રાખે છે જે તે પૂર્ણ કરી શકે. એવી બ્રાન્ડ્સ જે વેપારની સાથે માનવતામાં પણ માનતી હોય. ભૂતકાળમાં ગમે તેટલી મોટી કે જાણીતી બ્રાન્ડ હોય પણ જે જેન ઝીની પોતાની આગવી માન્યતા – મૂલ્યો સાથે સુસંગત નહીં હોય એવી લિગસી બ્રાન્ડ સાથે તાલ મેળવી નથી શકતા.
જેમ જેમ આપણે આ નવા વર્ષમાં આગળ વધીશું તેમ તેમ આ વાસ્તવિક નેતૃત્વનો પ્રશ્ન ઉદ્ભવશે કે શું ભારતની લિગસી બ્રાન્ડ્સ ખરેખર આ પેઢીના અર્થતંત્રને માટે પોતાને તૈયાર કરી રહી છે? શું તે ફક્ત જાહેરાતો બદલી રહી છે કે પછી ઉત્પાદનો, વિતરણ અને બ્રાન્ડ ફિલોસોફીમાં મૂળભૂત પરિવર્તન લાવી રહી છે ખરી? જો એ ખરેખર જેન ઝી માટે તૈયાર છે અને કોલો એને યાદ રાખશે.
અહીં તફાવત સ્પષ્ટ દેખાય છે. મોટાભાગની લિગસી બ્રાન્ડ્સ જે જેન ઝીને માલ વેચી રહી છે જયારે D2C બ્રાન્ડ્સ તેમની સાથે કામ કરી રહી છે એ જેન ઝીને મધ્યમાં રાખી પોતાનાં ઉત્પાદનો, સિસ્ટમ્સ અને ઇનોવેશન લાવી રહ્યા છે. લિગસી બ્રાન્ડ જયારે પોતાના વેપારની સમીક્ષા ત્રિમાસિક કરે છે ત્યારે આ બ્રાન્ડ્સ સાપ્તાહિક સમીક્ષા કરે છે અને વિકાસ પામે છે.
-તો લિગસી બ્રાન્ડે પણ આ લોકો સાથે તાલ મેળવવા શું કરવું પડશે?
એમણે જેન ઝી તૈયારી માટે પ્રથમ ઉત્પાદનો પર ધ્યાન આપવું પડશે. સ્વચ્છ ઘટકો, હેતુ-નિર્મિત સુવિધાઓ, પરવડે તેવી કિમત, પ્રીમિયમ સ્તરો અને ઝડપી ઇનોવેશન કરવું પડશે અને એ અનુરૂપ વિતરણ વ્યવસ્થા ઊભી કરવી પડશે, જેમાં D2C ઍક્સેસ, ક્વિક કોમર્સ, સોશ્યલ કોમર્સ અને કોમ્યૂનિટીના આધારે ખરીદીની અપેક્ષા હશે.
આજની D2C બ્રાન્ડ્સ જીતી રહી છે, કારણ કે એ સાહજિક રીતે આ પેઢીને ધ્યાનમાં રાખી પોતાના ઉત્પાદનો બનાવે છે.
એક વાત સમજી લઈએ કે આ જેન ઝી મૂલ્યોને, સંસ્કૃતિને પ્રાધાન્ય આપે છે અને પ્રામાણિક છે. આવનારા સમયમાં બ્રાન્ડ્સ વિજેતા ફક્ત માર્કેટિગમાં અને જાહેરાતોમાં સૌથી વધુ ખર્ચ કરી નહિ બની શકે, પરંતુ જે એક પ્લેટફોર્મ અને ઇકોસિસ્ટમ તરીકે વર્તશે તે વિજેતા નીવડશે.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: નામ ગુમ જાયેગા, ચહેરા ભી બદલ જાયેગા તેરી આવાઝ હી પહેચાન હે ગર યાદ હો…



