બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: કાયમી વ્યવસાયિક સફળતા માટે લાંબા ને ટૂંકા ગાળાનું સંતુલન…
- સમીર જોશી
આજનો જમાનો 20-20 નો છે. ટેસ્ટ મેચ કોઈને પસંદ નથી. લોકોને રાતોરાત લખપતિ બની જવું છે. લોકોને આજે જીવવામાં રસ છે કાલ કોણે જોઈ છે? આજ કારણ છે કે આજે પણ મ્યુચ્યુઅલ ફંડની જઈંઙ કરતાં સ્ટોક માર્કેટમાં લોકો વધુ અને સીધું રોકાણ કરે છે.
આજ સ્થિતિ વેપારની પણ છે. લોકોને તરત નફો જોઈએ છે અને લાંબાગાળાનો વિચાર ઓછા લોકો કરે છે. કહે છે કે કોઈ પણ વેપારને સ્થિર થતા 900 દિવસ અથવા ત્રણ વર્ષ લાગે, છતા આપણે ટૂંકા ગાળાની સફળતાનો વિચાર કરીએ. મુદ્દો શોર્ટ ટર્મ અર્થાત ટૂંકા ગાળા અને લોન્ગ ટર્મ અર્થાત લાંબા ગાળાનો છે. બ્રાન્ડની બાબતમાં આ મહત્ત્વનું છે. કહેવાની જરૂર નથી કે જે લોકોએ લાંબા ગાળામાં રોકાણ કર્યું તે લોકો મોટા બન્યા છે પછી તે શેર બજારમાં રોકાણ હોય કે પછી બ્રાન્ડમાં … આજે લોકો ટૂંકાગાળાનો વિચાર વધુ કરે છે, કારણ એમણે અમુક સ્ટાર્ટઅપ્સને રાતોરાત સફળતા મળતી જોઈ છે અથવા ડિજિટલ ચેનલોના સહારે માલ ફટાફટ વેચાય છે ની ધારણા છે, ઘણા લોકો કહે કે માલ વેચાય છે તો રોકડા કરી લો અને એ લોકો બ્રાન્ડ બિલ્ડિંગ પર અથવા આવતીકાલમાં રોકાણ નથી કરતા. ઉદાહરણ તરીકે; ઓનલાઇન માર્કેટ પ્લેસ જેવી કે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે પર માલ વેચે, તેના માટે તે પ્લેટફોર્મ પર પોતાના માલને પ્રમોટ કરે અને ગાડું આમ ચાલે પણ જે દિવસે તમે તમારાં ઉત્પાદનોને આ ચેનલ પર પ્રમોટ કરવાનું બંધ કરશો તમને તેની અસર વેચાણ પર દેખાશે.
કહેવાનું તાત્પર્ય તે કે ટૂંકાગાળાના વિચારમાં તમે સરવાળે ત્યાંના ત્યાં હશો.
આપણે વેપાર કોઈપણ કરતા હશું અને બ્રાન્ડ બનાવવું આપણને ખર્ચાળ લાગતું હશે અથવા સમયનો વેડફાટ લાગતો હશે, પણ આપણે આપણા જીવનમાં બધી વસ્તુઓ બ્રાન્ડેડ જ વાપરીશું… આ વિરોધાભાસી નથી લાગતુ? આપણે જે બ્રાન્ડસનો ઉપયોગ નીજી જીવનમાં કરીયે છીએ તેને બનાવવા પાછળ વર્ષોની મહેનત કરી છે. લાંબા ગાળાનો વિચાર કર્યો છે અને તેથી આજે એ લોકો એ સ્થિતિ પર પહોંચ્યા છે. આ વાત આપણને બધી મોટી કંપનીઓમાં, બ્રાન્ડમાં જોવા મળશે.
વેપારમાં માર્કેટિંગનો મૂળભૂત ઉદ્દેશ્ય આવક વધારવાનો છે. કેવી રીતે? ટૂંકા ગાળાના વેચાણને વેગ આપતી વખતે મજબૂત બ્રાન્ડ બનાવીને. બ્રાન્ડ વ્યૂહરચના, જેમાં લાંબા ગાળાના બ્રાન્ડ-બિલ્ડિંગ અને ટૂંકા ગાળામાં વેચાણ બંનેનો સમાવેશ થાય છે. લાંબી દૃષ્ટિથી વેપાર કરવાવાળા વેપારી હંમેશાં બ્રાન્ડ બનાવવાની અને માર્કેટ શેર વધારવાની વાત કરશે – નહિ કે ટૂંકા ગાળાના વેચાણની.
ટૂંકા ગાળાનું વિચાર તે મુદ્દો નથી, કારણ કે તે પણ વેપાર માટે જરૂરી છે. તેના સહારે તમારે લાંબા ગાળાની રમત રમવા માટે ટકવાનું છે. આજનો સમય પહેલાના સમય કરતાં અલગ છે અને વધુ તકો લઈને આવે છે. જો આ સમયને સમજીને વેપાર કરવામાં આવે તો તમે લાંબા અને ટૂંકા ગાળાનું સંતુલન જાળવી શકશો. આજે આગળ વધવા માટે બધા માટે સમાન પ્લેટફોર્મ છે અને તેથી આપણે ઘણા બધા સ્ટાર્ટઅપ અને વેપારો માર્કેટમાં આવતા જોઈએ છીએ. આમાંથી કેટલા ટકે છે તેનો આધાર એ સંતુલન જાળવે છે કે નહિ તેના પર છે. તમે જોઈ શકશો કે છેલ્લાં અમુક વર્ષોમાં જે કોઈ વેપારે સારું એવું વેલ્યૂએશન મેળવ્યું છે એમણે લાંબા ગાળાની બ્રાન્ડ બનાવવા પર ધ્યાન આપ્યું છે અને ટૂંકા ગાળાના વેચાણ પર પણ.
આને હજુ સારી રીતે સમજવું હોય તો નામી બ્રાન્ડ જે વર્ષો જૂની છે તેમાંથી જેમણે આજની વેપાર કરવાની પદ્ધતિ અપનાવી છે એ બધા વધુ સારું કરી રહ્યા છે. અને જે બ્રાન્ડો પોતાની શેખીમાં નવી પદ્ધતિઓને અપનાવી નથી અથવા અપનાવતા વાર લગાડી એ થોડા પાછળ રહી ગયા છે. બીજા શબ્દોમાં નામી બ્રાન્ડ માટે આ સોનેરી અવસર છે, કારણ એમણે પહેલેથી બ્રાન્ડ બનાવી દીધી છે આથી સેલ થઇ રહ્યું છે અને નવા ડિજિટલ માધ્યોમાંના સહારે હવે એ ટૂંકા ગાળાના વેચાણનો લાભ પણ લઇ રહ્યા છે.
બીજી બાજુ, નવા આવનારાએ બંને તબક્કે કામ કરવાનું છે. બ્રાન્ડ બિલ્ડિંગ જેને આપણે લાંબા ગાળાની વ્યૂહરચના ગણી શકીએ તે બ્રાન્ડના અનેક પાસાઓને આવરી લે છે, જેમકે બ્રાન્ડની આઇડેન્ટિટી, તેનું પોઝિશનિંગ. આના સહારે તે એના ગ્રાહકો સાથે ગાઢ ભાવનાત્મક સંબંધ બાંધે છે અને આથી ગ્રાહક તે બ્રાન્ડને વફાદાર થાય છે. પરિણામે લાંબા ગાળાની વૃદ્ધિ અને બ્રાન્ડની ઇક્વિટી વધે છે. આની સામે ટૂંકા ગાળાની વ્યૂહરચના પોતાની જાહેરાતો દ્વારા વધુ લોકો સુધી પહોંચવાની, પોતાના પ્લેટફોર્મ પર વધુ ક્લિક્સ લાવી ગ્રાહકને આકર્ષી માલ વેચવાની કોશિશ કરશે. આ યુક્તિઓ દ્વારા ઝડપી, માપી શકાય તેવાં પરિણામો ઉત્પન્ન કરે છે. તે તાત્કાલિક આવક વધારવા માટે જાહેરાત પાર જે ખર્ચ થાય છે તેના વળતર (ROAS) જેવા ટૂંકા ગાળાના મેટ્રિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આમ આજે વેપારીઓ માટે ટૂંકા ગાળાના વિકાસને લાંબા ગાળાના બ્રાન્ડ નિર્માણ સાથે સંતુલિત કરવું તે વિકલ્પ માત્ર નથી,પરંતુ કાયમી વ્યવસાયિક સફળતા માટે જરૂરી પણ છે.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : આવો, રિવેમ્પ કરીને બનાવીએ ગુજરાતી ભાષાને બ્રાન્ડ…