બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: શહેર કે ગામડાનો નહીં…ભારતનો ક્ધઝ્યુમર | મુંબઈ સમાચાર
ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: શહેર કે ગામડાનો નહીં…ભારતનો ક્ધઝ્યુમર

  • સમીર જોશી

આજે લાભ પાંચમના દિવસે મોટા કે નાના શહેરનો કે ગામનો વેપારી દિવાળીનો છેલ્લો ઉત્સવ મનાવી નવા જોમ અને નવા ઉત્સાહ સાથે કાલથી કામ પર લાગશે. એક સમય હતો કે આપણે મોટાં શહેરો, નાનાં શહેરો અને ગામડાઓમાં ફરક કરતા હતા. બ્રાન્ડની દૃષ્ટિએ નાનાં શહેરોને પણ ગામડામાં ગણાતા હતા. એ પણ સત્ય છે કે 70% ભારત ગામડામાં રહે છે અને આથી ગ્રામીણ માર્કેટમાં FMCG કંપનીઓ માટે વધારે તક હોય છે પણ આજની તારીખે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ટેકનોલોજીના સહારે બીજી ઘણી કેટેગરી ગ્રામીણ માર્કેટમાં પોતાને સ્થાપિત કરવા કમર કસી રહી છે. રોજબરોજના જીવનમાં વપરાતી ગૃહોપયોગી વસ્તુઓનું મોટાભાગે વેચાણ ગ્રામીણ માર્કેટને આભારી છે.

આજે આપણે વાત નાનાં કે મોટાં શહેરોની નહિ પણ ક્ધઝ્યુમરના દૃષ્ટિકોણથી કરવાની છે. લોકોનું માનવું છે કે શહેરનો અને ગામડાનો ક્ધઝયુમર અલગ છે. સાચી વાત છે, અમુક વાતોમાં, વિચારોમાં ફરક હશે અને તે રહેશે.
આમ છતાં, આજે આ અંતર દિવસે દિવસે ઓછું થતું જાય છે. ગ્રામીણ માર્કેટ આજે બધા વિસ્તારોમાં અર્બન માર્કેટની સમીપ આવી રહી છે, કારણ આજનો ક્ધઝ્યુમર શહેર કે ગામડાનો નહિ પણ ભારતનો ક્ધઝ્યુમર છે.

માર્કેટિંગમાં ખાસ ઇન્ડિયા – ભારત એમ બે પરિભાષા વપરાતી હોય છે અને આજે આપણે આ ભારતના ક્ધઝ્યુમરની વાત કરવાની છે.

ભારતનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો છે, અહીં પ્રાદેશિક ભાષાઓ અને તે પ્રમાણેની રહેણીકરણી છે. ગામના ક્ધઝ્યુમર માટેની માન્યતા છે કે એ લોકો ઓછા ભાવના ઉત્પાદનો પસંદ કરે છે, ડિસ્ટ્રિબ્યુશનની મુશ્કેલી છે, એમના સુધી બ્રાન્ડનું કોમ્યુનિકેશન જોઈએ તે રીતે પહોંચતું નથી, વગેરે. જોકે, આજે આ બધી વાતો ગૌણ થતી જાય છે. આજે નવા પ્રોડક્ટ લોન્ચ થતા શહેર અને ગામનો ક્ધઝ્યુમર તેને તે સમયે ખરીદી શકે છે. સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનો આ પ્રતાપ છે. D2C બ્રાન્ડ્સ અને ઓનલાઇન શોપિંગ આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એમણે 97% જેટલા ભારતના પીનકોડ કવર કરી લીધા છે. આજે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે,

મોબાઇલ ફોન્સ અને ઇંટરનેટ ઘરે ઘરે જોવા મળે છે, વીજળી પણ મોટા ભાગના ગામોમાં આવી ગઈ છે. આવા સમયે અર્બન અને ગ્રામીણ માર્કેટ વચ્ચેની ખાઈ ઓછી થઈ રહી છે. મોબાઇલ અને ઇંટરનેટ જે આજે મોટો ભાગ ભજવી રહ્યું છે તેમના જીવનમાં તે હજુ વધુ મહત્ત્વનો ભાગ ભજવશે. આનો ઉપયોગ બ્રાન્ડ કરી રહી છે અને હજુ વધુ કરશે.

મોબાઇલ એક મહત્ત્વનું માધ્યમ બની ગયું છે બ્રાન્ડ પ્રમોશન માટે. ઈ-કોમ પ્લેટફોર્મ ડિસ્ટ્રિબ્યુશનની ખોટને પૂરી કરશે. ગ્રામીણ ક્ધઝ્યુમર મીડિયા અને મોબાઇલના સહારે દેશ-વિદેશની નજીક આવી રહ્યો છે, તે સાચી અને ખોટી બ્રાન્ડની પરખ કરી શકે છે. બ્રાન્ડની કિંમત તે તેના જીવનમાં અનુભવી રહ્યો છે.

આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવરાત્રિ: આ માનીતા ઉત્સવમાં શીખી શકાય માર્કેટિંગના સચોટ પાઠ

OTT પર બંને ક્ધઝ્યુમર સમાન ક્ધટેન્ટ જોવે છે. દુનિયામાં શું ચાલી રહ્યું છે તે તેમને ખબર છે. આથી આકાંક્ષાઓ આજે બધાની સરખી છે. આ કારણે એમની બ્રાન્ડની પસંદગી પણ સમાન થઇ રહી છે. આવા સમયે બ્રાન્ડ માટે મોટા પડકારો છે. પહેલા તેમને હતું કે જે પિરસીશું તે વેચાય જશે. આજે તેમ નહિ થાય, ઉત્પાદન હોય કે પછી કોમ્યુનિકેશન, સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખી બનાવવું પડશે.

ઉદાહરણ તરીકે : એક જ બ્રાન્ડ એમ્બેસેડરથી કામ નહિ ચાલે. એક જ બ્રાન્ડે વિવિધ એમ્બેસેડર લેવા પડશે, સાઉથ માટે અલગ, નોર્થ માટે અલગ, ઈસ્ટ માટે અલગ, ઈત્યાદિ… પહેલા એક એડ બનાવી તેનું વિવિધ ભાષામાં ભાષાંતર થતું, તે હવે નહિ ચાલે. આજે ક્ધઝ્યુમર જ્યાંનો છે તેની ભાષામાં, તેને અનુસાર બનાવવું પડશે. આજે વિવિધ રાજ્યમાં માઇક્રો ઈન્ફ્લુએન્સર ઉપલબ્ધ છે.

ક્ધઝ્યુમરની આકાંક્ષાઓ બદલાતી નથી તે ફક્ત જુદા જુદા આકાર લે છે. ઉદ્દેશ્ય એ જ રહે છે, પરંતુ અભિવ્યક્તિ બદલાય છે. એક ક્ધઝ્યુમર માટે, પ્રગતિ શહેરમાં ચાર બેડરૂમનું એપાર્ટમેન્ટ હોઈ શકે છે; બીજા
માટે, તે નાના શહેરમાં મોટા આંગણ સાથેનો બંગલો હોઈ શકે છે. એક બજારમાં, નાની ગાડીની માલિકી સફળતાનો માપદંડ હોઈ શકે છે, જ્યારે બીજામાં, એક વૈભવી કાર હોઈ શકે છે. સ્વપ્ન સાર્વત્રિક છે: આગળ વધવાનું, પોતાના પરિવાર માટે વધુ સારું જીવન બનાવવાનું.

આ તે ભારત છે જે આપણે દરરોજ જોઈએ છીએ: મહત્ત્વાકાંક્ષી, બ્રાન્ડ-જાગૃત, ડિજિટલી સમજદાર, અને કોઈ પણ સંજોગોમાં મહત્ત્વાકાંક્ષી. પ્રાદેશિક ભારત કોઈ બાજુનું બજાર નથી, તે વિકાસનું એન્જિન છે જ્યાં સંસ્કૃતિ, વપરાશ અને મહત્ત્વાકાંક્ષાના નિયમોને ફરીથી લખી રહ્યા છે.

આજના ક્ધઝ્યુમર્સ બાજુ પર ઊભા નથી એ લોકો રમત ચલાવી રહ્યા છે અને પોતાની શરતો પર…જે બ્રાન્ડ્સ જૂના સ્ટિરિયોટાઇપ્સને વળગી રહે છે એ નિશાન ચૂકી જશે, પરંતુ જે લોકો ઊંડાણપૂર્વક સાંસ્કૃતિક સૂક્ષ્મતાને સ્વીકારે છે અને પ્રમાણિકતા સાથે દેખાય છે એ ફક્ત બજારમાં પ્રવેશ કરશે નહીં, એ ખુદ તેના માલિક બનશે.

આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: રિટેલ તથા ઓનલાઇન છે એકમેકના પૂરક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button