કવર સ્ટોરી: બિહારનો ચૂંટણી જંગ : અહીં વૈકુંઠ નાનું છે ને ભગતડાં છે ઝાઝાં… | મુંબઈ સમાચાર
ઉત્સવ

કવર સ્ટોરી: બિહારનો ચૂંટણી જંગ : અહીં વૈકુંઠ નાનું છે ને ભગતડાં છે ઝાઝાં…

  • વિજય વ્યાસ

લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી…એમાં બિહાર હંમેશાં અલગ તરી આવે છે, કારણ કે અહીંનાં ચૂંટણી જંગમાં ઝુકાવતા રાજકીય પક્ષોની તાસીર અલગ છે એમ અહીંના મતદાતાઓનો મિજાજ પણ આગવો છે…!

ચિરાગ પાસવાન, પ્રશાંત કિશોર, નીતીશ કુમાર, તેજસ્વી યાદવ

બિહાર વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને પહેલા તબક્કાના મતદાન આડે ગણીને 10 દિવસ રહ્યા છે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં 6 નવેમ્બરે પહેલા ને 11 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. 14 નવેમ્બરે મતગણતરી થશે ને બિહારમાં હવે પછી 5 વર્ષ કોનું રાજ હશે તેનો ફેંસલો થશે.

બિહારની ચૂંટણી પર આખા દેશની નજર છે કેમ કે બિહાર દેશનાં સૌથી મહત્ત્વનાં રાજ્યોમાંથી એક છે. લોકસભાની 40 બેઠકો ધરાવતા બિહારનાં પરિણામો કેન્દ્રમાં કોની સત્તા હશે એ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી અને ભાજપ 240 બેઠકો પર અટકી ગયેલો, પણ બિહારના કારણે ભાજપની સરકાર બની શકી.

ભાજપે પોતે ત્યારે બિહારમાં 12 બેઠક જીતેલી, જ્યારે નીતીશ કુમારની જેડીયુએ 12- ચિરાગ પાસવાનની પાર્ટીએ 5 બેઠક અને જીતનરામ માંઝીની પાર્ટીએ 1 બેઠક હાંસલ કરેલી. આમ મળીને કુલ 30 બેઠક જીતતાં ભાજપ બચી ગયેલો. બાકી બિહારમાં ભાજપ અને તેના સાથી પક્ષોનું અચ્યુતમ કેશવમ થઈ ગયું હોત તો કેન્દ્રમાં ભાજપ ફરી સરકાર ના રચી શક્યો હોત એ વાસ્તવિકતા હતી. હવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો કેવો દેખાવ કરે છે તેના પર સૌની નજર સહેજે છે.

આમેય બિહારનું રાજકારણ દેશનાં અન્ય રાજ્યોના રાજકારણથી બિલકુલ અલગ છે. બિહારનું રાજકારણ આજેય કોમવાદ અને જ્ઞાતિવાદનાં સમીકરણો પર જ ચાલે છે. તેના કારણે બિહારમાં દેશનાં કોઈ રાજ્યોમાં ના હોય એટલા બધા પક્ષો ચૂંટણીના મેદાનમાં હોય છે. આ વખતે એવી જ સ્થિતિ છે ને વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં જેવી હાલત છે. આ પૈકી મોટા ભાગના પક્ષો પોતાની તાકાત પર કદી સરકાર ના રચી શકે, પણ કોઈને સરકાર રચતાં રોકી શકે એટલી તાકાત ચોક્કસ ધરાવે છે.

આ કારણે ભાજપ જેવો દેશભરમાં છવાયેલો પક્ષ પણ પ્રાદેશિક પક્ષોની અવગણના કરી શકતો નથી અને તેમને સાથે રાખીને ચૂંટણી લડવી પડે છે.

ભાજપે દેશનાં બીજાં રાજ્યોમાં પોતાના સાથી પક્ષોને સાફ કરીને ધીરે ધીરે પોતે હાવી થઈ ગયો પણ બિહારમાં ભાજપ એવું કરી શક્યો નથી તેથી બિહારમાં ભાજપે નીતીશ કુમારને તો સાચવવા જ પડે છે અને એની સાથે માંડ પાંચ-સાત બેઠક જીતી શકે એવા ચિરાગ પાસવાન-જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા જેવા નેતાને પણ સાચવવા પડે છે અને અનિચ્છાએ એમનાં નખરાં ઉઠાવીને એમને થાબડવા પડે છે.

ભાજપે આ વખતે પણ નાના પક્ષોને સાથે રાખ્યા છે ને આ જોડાણ ભાજપને કેટલું ફળે છે તેના પર સૌની નજર છે, પણ દેશના ધ્યાનનું કેન્દ્ર નીતીશ કુમાર છે. નીતિશ 2005થી બિહારના મુખ્યમંત્રી છે. નીતીશે એક વાર નાટક કરીને રાજીનામું ધરી દીધું ત્યારે જીતનરામમાંઝી સવા વરસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. તેને બાદ કરતાં નીતીશ જ બિહારની ગાદી પર બેઠા છે. નીતીશને મુખ્યમંત્રીપદે લગભગ 19 વર્ષ થઈ ગયાં.

નીતીશે જાત જાતનાં તિકડમ કરીને સત્તા ટકાવી છે. કોઈ વાર ભાજપ તો કોઈ વાર લાલુ પ્રસાદ યાદવના ખોળામાં બેસીને સત્તા પર ટકી રહેવામાં માહિર નીતીશ કુમારની પાર્ટીને અત્યાર સુધી એક જ વાર સ્પષ્ટ બહુમતી મળી છે, પણ તડજોડમાં હોંશિયાર નીતીશ ગમે તે રીતે ગાદી પર બેસી જાય છે. છેલ્લે 2020ની ચૂંટણીમાં જેડીયુને 43 બેઠકો જ મળી હતી જ્યારે ભાજપના 75 ધારાસભ્યો જીત્યા હતાં છતાં ભાજપે જખ મારીને નીતીશને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા. તેનું કારણ એ કે, ભાજપ મુખ્યમંત્રીપદ ના આપે તો નીતીશને આરજેડી સાથે હાથ મિલાવી લેવામાં જરાય શરમ નથી નડતી.

નીતીશ આ રીતે તડજોડ કરીને ટકી ગયા છે, પણ છેલ્લાં કેટલાંક વરસથી નીતીશની પડતીનાં એંધાણ દેખાઈ રહ્યા છે. નીતીશ સંપૂર્ણ સ્વસ્થ નથી અને જાહેરમાં નીતીશ બધું ભૂલી જાય છે એવું દેખાય જ છે. ક્યારેક ચિત્તભ્રમ થયો હોય એમ વિચિત્ર વર્તન નીતીશ કરવા લાગે છે…

બિહારની જનતા આવા માણસને ફરી મુખ્યમંત્રીપદે બેસાડે છે કે પછી ઘરભેગા કરી દે છે એ જાણવામાં સૌને રસ છે.

ભાજપ માટે પણ નીતીશ કેવો દમ બતાવે છે એ મહત્ત્વનું છે કેમ કે ભાજપ એકલા હાથે સરકાર રચવાની સ્થિતિમાં નથી. ભાજપ વરસોથી બિહારમાં એકલા હાથે સત્તા કબજે કરવા મથે છે પણ ફાવતો નથી. આ વખતે પણ સ્થિતિ એ જ છે કેમ કે બિહારમાં ભાજપ સ્પષ્ટ બહુમતી માટે જરૂરી 122 બેઠકો પર પણ લડતો નથી. તેના કારણે ભાજપ નીતીશ પર નિર્ભર છે પણ આ વખતે ભાજપ બિહારમાં મહારાષ્ટ્ર ફોર્મ્યુલા અજમાવશે એવું મનાય છે.

શું છે આ મહારાષ્ટ્ર ફોર્મ્યુલા ?

મહારાષ્ટ્રમાં ભાજપે એકનાથ શિંદે પાસે બળવો કરાવી દેતાં શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ભાજપે ગમ ખાઈને પહેલાં શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા પણ 2024ની ચૂંટણી પછી ભાજપ પાસે સત્તા છે. બિહારમાં પણ ભાજપ ચૂંટણી પછી જેડીયુમાં ભંગાણ પડાવીને પોતાની સરકાર બનાવવાની વ્યૂહરચના અમલમાં મૂકશે એવું મનાય છે.

અલબત્ત, આ વ્યૂહરચનાને અમલમાં મૂકવા ભાજપે 80 બેઠકની આસપાસ જીતવી પડે.

બીજી તરફ, તેજસ્વી યાદવે બિહારમાં આગવો પ્રભાવ ઊભો કર્યો છે એ જોતાં ભાજપ 80 બેઠકો જીતશે કે કેમ તેમાં શંકા છે. ભાજપના મિશનમાં પ્રશાંત કિશોર (‘પીકે’) પણ મોટો અવરોધ મનાય છે કેમ કે ‘પી.કે.’ સવર્ણોના મતો તોડીને ભાજપની મતબેંકમાં ગાબડું પાડશે એવું મનાય છે.

નરેન્દ્ર મોદી સહિત દેશના ઘણા નેતાઓને સત્તા સુધી પહોંચાડવાની વ્યૂહરચના ઘડી આપવાનો યશ ખાટતા પ્રશાંત કિશોર પોતાની ‘જનસુરાજ પાર્ટી’ સાથે બિહારના ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. પ્રશાંત કિશોરે છેલ્લા બે વર્ષમાં સમગ્ર બિહારનો પ્રવાસ કર્યો છે. પી.કે.એ બે વર્ષ સુધી જન સુરાજ યાત્રા કાઢીને બિહારના મોટા ભાગનાં ગામોને આવરી લીધાં હતાં. પ્રશાંત કિશોરે બિહારની દુર્દશાને મુદ્દો બનાવ્યો હતો અને આ મુદ્દો તેમને ફળે છે કે નહીં એ જોવાનું છે. વિધાનસભાની ચૂંટણીમાં પી.કે.ની પાર્ટી વીસેક બેઠકો જીતશે એવી આગાહી થઈ રહી છે એ જોતાં પહેલા ચૂંટણીમાં જ પી.કે. કિંગ મેકર બની શકે છે.

અલબત્ત, આ બધી ધારણાઓ છે અને તેમાંથી કઈ ધારણા સાચી પડે છે એ દેશ આખાને ટૂંક સમયમાં જોવાં જાણવાં મળશે…

બિહારની ચૂંટણીમાં 26 પક્ષનો મહાખીચડો…

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-જેડીયુ અને આરજેડી-કૉંગ્રેસ એમ 4 પક્ષ વચ્ચે સીધો જંગ હોવાનું મોટા ભાગનાં લોકો માને છે, પણ વાસ્તવમાં બિહારમાં 16 રાજકીય પક્ષનો જંગ છે. ‘એનડીએ’ અને ‘મહાગઠબંધન ’ એ બે મોરચા વચ્ચે મુખ્ય જંગ છે અને આ બે મોરચામાં જ કુલ મળીને 11પક્ષ છે…!

ભાજપના નેતૃત્વ હેઠળના ‘એનડી’માં ભાજપ અને નીતીશ કુમારની ‘જેડીયુ’ ઉપરાંત ચિરાગ પાસવાનની ‘લોક જનશક્તિ પાર્ટી’ (રામવિલાસ), જીતનરામ માંઝીની ‘હિંદુસ્તાન અવામ મોરચા’ (હમ) અને ઉપેન્દ્ર કુશવાહાની ‘રાષ્ટ્રીય લોક પાર્ટી’ મળીને કુલ 5 પક્ષ છે.

બીજી તરફ, ‘મહાગઠબંધન’માં કૉંગ્રેસ અને તેજસ્વી યાદવની ‘રાષ્ટ્રીય જનતા દળ’ (આરજેડી) ઉપરાંત મુકેશ સાહનીની ‘વિકાસશીલ ઈન્સાન પાર્ટી’ (વીઆઈપી)ની સાથે સીપીઆઈ, સીપીએમ અને સીપીએમ-એલ એમ ત્રણ ડાબેરી પક્ષ પણ છે.

પશુપતિનાથ પારસની ‘રાષ્ટ્રીય લોક જનશક્તિ’ પાર્ટીએ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે મળીને ‘ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સ’ (જીડીએ) નામે નવો મોરચો બનાવ્યો છે.

આ જ રીતે, પ્રશાંત કિશોરની ‘જન સુરાજ પાર્ટી’- અરવિંદ કેજરીવાલની ‘આમ આદમી’ પાર્ટી (આપ) અને માયાવતીની ‘બહુજન સમાજ’ પાર્ટી (બીએસપી) પણ નોખા ચોખા બનાવીને ચૂંટણી લડી રહી છે.

આ જંગમાં ભાજપ- જેડીયુ અને આરજેડી મુખ્ય ખેલાડી છે, પણ બીજા પક્ષો કોઈ પણ રાજકીય પક્ષનો ખેલ બગાડવા સક્ષમ છે તેથી તેમને ઓછા આંકી ના શકાય.

આપણ વાંચો:  ઝબાન સંભાલ કે: જેનું કામ તેનું થાય, બીજા કરે ગોતા ખાય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button