ઉત્સવ

ટ્રાવેલ પ્લસ: ભરતપુર: ઇતિહાસ કરતાં પણ વધુ જીવંત પ્રકૃતિ

  • કૌશિક ઘેલાણી

હજારો પક્ષીઓના લોહીથી ક્યારેય ખરડાયેલું અને આજે ફરી ફરીને પક્ષીઓનું માનીતું ઘર બની ગયેલું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઓળખાતું એક અનોખું સ્થળ છે ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન. પૂર્વ રાજસ્થાનમાં આવેલું આ ઐતિહાસિક વેટલેન્ડ દુનિયાભરના પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. તેનું બીજું નામ છે કેઓલાદેઓ ઘના નેશનલ પાર્ક, જેનું નામ પાર્કની અંદર આવેલા કેઓલાંદેવ મહાદેવના મંદિર પરથી પડ્યું છે.
મેં કૃષ્ણને ક્યારેય વાંસળી વગાડતા જોયા નથી પણ એમનું અસ્તિત્વ ક્યાંક તો હશે જ એવું હું વારંવાર અનુભવું છું. ક્યારેક બુલબુલના મધુર ગાનમાં, ક્યારેક લીફબર્ડના કલરવમાં, ક્યારેક પીળકના લાંબા સૂરાંત ગીતમાં અને ક્યારેક લક્કડખોદના કર્ણપ્રિય કોલમાં. શ્રીરામની સૌમ્યતા પણ મેં ક્યારેય આંખે જોઈ નથી, પણ રેશમી રૂની પૂણી જેવા બગલાઓમાં, રોઝી પેલીકનની નાજુક રંગતામાં અને ફ્લેમિંગોની અદ્ભુત ભવ્યતામાં એવું લાગે કે સૌમ્યતાએ જ અહીં સ્વરૂપ ધારણ કર્યું છે.

હનુમાનજીનો સાક્ષાત્કાર ક્યારેય થયો નથી, છતાં અહીંના રિસસ મકાક અને લંગુરને જોતા એ વિશ્વાસ ક્યારેય ડગમગતો નથી કે શક્તિ અને ચપળતાનું કોઈ દૈવી સ્વરૂપ પ્રકૃતિમાં અવશ્ય જીવંત છે. અને આ બધું જ મને એક જ સ્થળે મળ્યું ભરતપુરમાં.

ભરતપુર: ઇતિહાસ કરતાં પણ વધુ જીવંત પ્રકૃતિ

ભરતપુરનું નામ રાજા શ્રીરામના ભાઈ ભરતના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. ઈતિહાસના પાનાં ઉથલાવીએ તો અહીં અનેક રાજવીઓનું શાસન અને સંઘર્ષ જોવા મળે છે. ભરતપુરનો લોહગઢ કિલ્લો દુનિયાભરમાં જાણીતા મજબૂત કિલ્લાઓમાંનો એક છે.

જોકે રાજકીય ઇતિહાસ કરતાં પણ વધુ રસપ્રદ છે અહીંનું જીવંત શ્વાસ લેતું વેટલેન્ડ કેઓલાદેઓ.

હું જ્યારે પ્રકૃતિના આ આકર્ષણથી ખેંચાઈને અહીં પહોંચ્યો, ત્યારે દિવસની શરૂઆત સવારના પાંચ વાગ્યે થઈ. ફતેહપુર સિક્રીના દરવાજા પાસે, હાઇવે પર બસમાંથી ઉતર્યો. આસપાસ આછેરો પ્રકાશ હતો અને આકાશમાં કેસરી ઝાંયવાળી ચૂંદડી જેવી ઊજળી છાયા ધીમે ધીમે ધરા પર પાથરાતી હોય એવો ભાસ થતો.

એ સમયે પક્ષીઓનાં ટોળાં પાર્ક તરફ ઊતરતા હતા બિલકુલ એમ કે જાણે કોઈ વિશાળ ઉજવણીમાં મહેમાનો આવતાં હોય. આખું વાતાવરણ એવું લાગતું કે આજે પક્ષીઓનો કોઈ મોટો ઉત્સવ છે.

શોખીનોની શિકારભૂમિથી સુરક્ષિત આશ્રયસ્થાન સુધી

અફસોસની વાત એ છે કે 19મી સદીના અંત સુધી આ જગ્યા રાજા-મહારાજાઓ અને નવાબોના શોખ માટે પાશવી આનંદની શિકારભૂમિ હતી. બ્રિટિશ વાઇસરોયને ખુશ કરવા માટે અહીં દર વર્ષે ડક હંટિગ ફેસ્ટિવલ યોજાતો.

1938માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ લિન્લિથગોએ માત્ર એક જ દિવસે આશરે 4273 પક્ષીઓને ગોળીએ ઠાર માર્યા હતા. અને છેલ્લું હંટિગ 1960માં ભારતીય આર્મીના સ્ટાફ ચીફ જનરલ જે.એન. ચૌધરી દ્વારા થયું.

પછી સમય બદલાયો

1981માં આ સ્થળને ભરતપુર નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું અને 1985માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો. ત્યારથી પક્ષીઓને અહીં સાચું રક્ષણ મળ્યું અને આજે આ જ જગ્યા હજારો પક્ષીઓનું સુરક્ષિત ઘર બની ગઈ છે.

વિશ્વભરના પ્રવાસી પક્ષીઓનું શિયાળું ઘર

દર વર્ષે શિયાળામાં અફઘાનિસ્તાન, રશિયા, સાઇબીરિયા, તુર્કિસ્તાન, ચીન અને મોંગોલિયા જેવા પ્રદેશોથી હજારો પક્ષીઓ અહીં આવે છે. અંદાજે 375થી વધુ જાતિઓનું આ મેળાવડો ભરતપુરને એક વૈશ્વિક પક્ષીભૂમિ બનાવે છે.

પરંતુ માનવીનું પર્યાવરણમાં અયોગ્ય દખલ કેટલું ભયાનક પરિણામ આપી શકે એનું સૌથી કરુણ ઉદાહરણ છે સાઇબિરીયન ક્રેન.

સાઈબિરીયન ક્રેન: એક દુ:ખદ વિદાય

કદી એક સમય હતો જ્યારે સાઈબિરીયન ક્રેન ભારતમાં ખાસ કરીને ભરતપુરમાં નિયમિત જોવા મળતા. પ્રકૃતિએ આ સ્થળમાં એવા રંગો ભર્યા હતા કે પક્ષીઓએ એને પોતાનું ઘર બનાવી લીધું.

17મી સદીના ચિત્રકાર ઉસ્તાદ મન્સૂરનાં ચિત્રોમાં પણ સાઈબીરિયન ક્રેન અહીં દર્શાવાયેલા મળે છે. 1964-65 દરમિયાન તો લગભગ 200 જેટલા ક્રેન અહીં જોવા મળ્યા હતા જેનો ઉલ્લેખ લોરેન્સ એચ. વોકિશોએ પોતાની પુસ્તક Cranes of the World (1973) માં કર્યો છે.

9 નવેમ્બર 2001ના રોજ સવારે લગભગ 8:30 વાગ્યે પાર્કના કેટલાક નેચર ગાઈડને અચાનક સાઈબીરિયન ક્રેનનો કોલ સંભળાયો. સૌ કોઈ આશ્ચર્યમાં આકાશ તરફ જોયું અને ખરેખર એક જોડી પાર્ક તરફ આવતી દેખાઈ. એ દિવસ ખુશીનો હતો પણ એ ખુશી લાંબી નહોતી.

કારણ કે એ જોડી જ ભારત માટે છેલ્લી સાઈબીરિયન ક્રેન સાબિત થઈ. 2001 પછી આજ સુધી ભારતે સાઈબીરિયન ક્રેન ફરી ક્યારેય જોયા નથી.

આ પ્રજાતિ આજે માત્ર બે વિસ્તારોમાં જ બચી છે એક પૂર્વીય ક્ષેત્ર (સાઇબીરિયા-ચીન) અને બીજો પશ્ચિમી ક્ષેત્ર (ઇરાન-કાસ્પિયન કિનારો). ભારત સુધી આવતો તેમનો સ્થળાંતર માર્ગ માણસોના શિકાર અને અવરોધોથી તૂટી ગયો.

અને આ માટે જવાબદાર છે માણસ

નજીકના ભવિષ્યમાં ગુજરાતની શાન ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અને બંગાળ ફ્લોરિકન માટે પણ નામશેષ શબ્દ લાગુ પડી જાય તો નવાઈ નહીં.

સાઇકલ પર ફરતું ભરતપુર: જીવંત અનુભવ

કેઓલાદેઓ ઘના નેશનલ પાર્કમાં મેં દેશ-વિદેશનાં અનેક પક્ષીઓના કરતબ કલાકો સુધી નિહાળ્યા છે. સાઇકલ લઈને પાર્કના ખૂણે ખૂણે ફરવું એટલે પ્રકૃતિને હાથમાં લઈ લેવું. આછેરા સૂર્યપ્રકાશમાં પેડલ મારતા મારતા એક અનોખી સ્ફૂર્તિ શરીરમાં વહેતી અનુભવાતી.

ક્યાંક કોઈ રંગબેરંગી પક્ષી અચાનક નજીકથી ઊડી જાય એવું લાગે જાણે હાય-હેલો કરીને છટકી ગયું હોય.

સાઇકલ આગળ વધે છે અને જમણી તરફ સૂકા ઝાડની ડાળી પર આરામ કરતી ચીબરી દેખાય. કેમેરો ઉપાડું ક્લિક! શરૂઆત જ ગમતા પક્ષીથી થાય એટલે મન ખુશ થઈ જાય.

એક હાથમાં સ્ટિયરિગ, કમરમાં કેમેરો, પાછળ કેરિયર પર બેગ અને આંખો ચોતરફ પક્ષીઓ શોધતી રહે. થોડીક વારમાં ડાળીઓ વચ્ચે સૂર્યકિરણો ખેલતા નજરે ચઢે અને એ પ્રકાશમાં રિસસ મેકાક અને નાના માંકડાઓની નિર્દોષ મસ્તી દેખાય. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીની મારી પ્રેક્ટિસ માટે એ મારો મનપસંદ વિષય છે.

આગળ વેટલેન્ડમાં ભગવી સુરખાબની જોડી પાણીની સપાટી પર આનંદ માણતી દેખાય. થોડી દૂર પેઇન્ટેડ સ્ટોર્કના જુવેનાઇલ બચ્ચાઓ મસ્તી કરે. એક તરફ માનસરોવરનાં રાજહંસોનું ટોળું ઉતરાણ કરે હિમાલયનાં ઊંચાં શિખરો પરથી ઊડીને અહીં શિયાળો ગાળવા આવ્યા હોય એવા આ દૃશ્યો મનને મંત્રમુગ્ધ કરી દે. ગુલાબી પેણ, સફેદ બગલાં, ગયણાં, લુહાર બધું જ અહીં સહજ રીતે મળતું જાય.

ભરતપુર ક્યારેય ખાલી હાથ પરત મોકલતું નથી

ભરતપુર એવું સ્થળ છે જે તમે ખાલી હાથ ક્યારેય છોડશો નહીં. ધુમ્મસભર્યા વાતાવરણમાં હરણ અચાનક રસ્તા વચ્ચે દેખાય અને તમે કેમેરો તાકો એ પહેલા જ ચપળતાથી જંગલમાં ભાગી જાય.

ક્યારેક સૂકા ઝાડ પર સૂડાઓને જોવાની મજા અલગ જ હોય. કોઈ દંપતી પ્રેમરત હોય તો કેમેરો લઈ તમે પાપારાઝી બની જાવ અને ભરતપુર તમને એ મોકો સરળતાથી આપે.

અહીં પ્રેમ બહુ સહજ છે, નાટકીય નથી.

કોઈ નર પક્ષી માદાને રીઝવવા ખોરાક લાવે છે. કોઈ પાણીમાં નાચીને કર્ટસી ડિસ્પ્લે કરે છે. કોઈ પીંછા ફેલાવી પોતાનું સૌંદર્ય દર્શાવે છે.

અહીં પ્રેમ પર મહોરા નથી પ્રેમ કુદરતનો નિયમ છે.

જંગલ મને એટલા માટે ગમે છે કે અહીં જે છે એ જ વાસ્તવિક છે અને બધું કુદરતના નિયમ મુજબ જ સ્વીકારાય છે. અહીં દરેક જીવ જાણે છે કે કોઈ ને કોઈ શિકાર બનવું જ છે. માછલી પણ જાણે છે કે કોઈકનો કોળિયો તો બનશે જ અને એ સહજતાથી સ્વીકારે છે. અહીં હરીફાઈ પણ છે, પણ તે જીવન ટકાવવા માટે છે બીજાને પછાડવા માટે નહીં.

યાદગાર ક્ષણો: ઇગલ, આઉલ અને સારસ

થોડું આગળ જઈએ તો દૂર એક પથ્થરની ટોચ પર ક્રેસ્ટેડ સર્પન્ટ ઇગલ પોતાના મજબૂત પંજામાં અજગરના બચ્ચાને દબાવી શાંતિથી બેઠો હોય એવું દેખાય. કુદરતનો નિયમ આંખ સામે જીવંત થાય.
અને પછી ઝાડની ડાળી પર હલચલ! નજર ઊંચી કરી તો જે ઘણા સમયથી શોધતો હતો એવો ડસ્કી ઇગલ આઉલ દેખાયો. જાણે જેકપોટ લાગી ગયો હોય એમ ખુશી થાય.

સરસ ક્રેનનાં દૃશ્યો તો ભરતપુરમાં ખાસ જ માણી શકાય. એક દંપતી, સાથે બચ્ચાંને હું તો કલાક સુધી એમને મનભરીને જોયા કરતો રહ્યો.

સૂર્યાસ્ત અને પ્રકૃતિનો નશો

જ્યારે સૂરજ ધીમે ધીમે ક્ષિતિજ તરફ ઝુકવા લાગ્યો, પાર્ક સોનેરી ઓપમાં ન્હાવા લાગ્યો. હું પરત ફર્યો. રસ્તામાં જે ઝાડ પાસે પહેલાં ચીબરી હતી, ત્યાં હવે એનાં સાથીદાર પણ હતા. અંતે વેટલેન્ડ પાસે સૂર્યાસ્ત જોવા બેઠો. ડાર્ટર સૂકા ઝાડ પર બેઠો હતો. પક્ષીઓનાં ટોળાં માળા તરફ પરત ફરી રહ્યાં હતા. નીલગાય પાણીમાં ચક્કર લગાવી રહી હતી. વાદળાં સૂરજને ઢાંકી લેવા નાહક કોશિશ કરી રહ્યાં હતા અને હું પ્રકૃતિના નશામાં ચૂર હતો.

ઢળતા સૂર્યપ્રકાશમાં એવું લાગે કે પ્રકૃતિની આંખ આપણને જોઈ રહી છે અને કંઈક કહી રહી છે.

અને કદાચ એ જ ભરતપુરનું સૌથી મોટું રહસ્ય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button