ઝબાન સંભાલ કે: ગરજે ગધેડાને બાપ કહેવો પડે अडला हरी गाढवाचे पाय धरी !

- હેન્રી શાસ્ત્રી
ગુજરાતી અને મરાઠી ભાષાના મૂળિયાં સંસ્કૃત સાથે અનુસંધાન ધરાવે છે. બંને ભાષામાં ગજબનાક સામ્ય જોવા મળે છે. ક્યાંક જબરદસ્ત વિરોધાભાસ છે તો કેટલાક શબ્દોમાં ગજબની સમાનતા પણ નજરે પડે છે. એક કહેવત યુગ્મનું ઉદાહરણ જોઈએ જેનાથી ભાષા સામ્યનો તો ખ્યાલ આવશે જ, એ કહેવત આપણને ત્રીજી જ ભાષાના પ્રદેશમાં સફર કરાવે છે એની મોજ પણ આવશે. ‘મુંબઈ સમાચાર’ના ભાષાપ્રેમી વાચકો ગરજ સાકરથી ગળી અથવા ગરજે ગધેડાને બાપ કહેવો પડે કહેવતથી ચોક્કસ વાકેફ હશે. અનેક લોકોને એના અનુભવમાંથી પસાર પણ થયા હશે. કામ કઢાવવું હોય કે પાર પાડવું હોય તો જબાન સાકર કે મધ કરતા વધુ ગળી રાખવી જોઈએ અને ખપ પડે ગમે તેવા માણસની ખુશામત કરવી પડે એ એનો ભાવાર્થ છે. હવે આ કહેવત મરાઠીમાં ‘अडला हरी गाढवाचे पाय धरी’ સ્વરૂપે હાજર છે. ‘अडला हरी गाढवाचे पाय धरी’ या म्हणीचा अर्थ असा आहे की, अत्यंत कठीण परिस्थितीत शहाण्या व्यक्तीलाही मूर्खाची मदत घ्यावी लागते किंवा त्याची मनधरणी करावी लागते. अडचणीच्या वेळी मानापमान बाजूला ठेऊन कोणाकडूनही मदतीची याचना करण्याची वेळ येते. આ કહેવતનો ભાવાર્થ એવો છે કે અત્યંત મુશ્કેલ કે વિકટ પરિસ્થિતિમાં ડહાપણ – શાણપણનો ભંડાર ધરાવતી વ્યક્તિએ સુધ્ધાં મૂર્ખ કે અક્કલનો ઓથમીરની મદદ લેવી પડે અથવા એને થાબડભાણાં કરવા પડે. આપદા આવી પડી હોય ત્યારે માન અપમાન કોરાણે મૂકી કોઈની પણ મદદ લેવા યાચના કરવી પડે. ‘हरी’ (शहाणा) याला ‘गाढव’ (मूर्ख) याच्याकडे मदतीसाठी जावे लागते आणि त्याच्या इच्छेनुसार वागावे लागते. આ કહેવતમાં હરિને શાણપણ સાથે અને ગાઢવ એટલે કે ગધેડાનો સંબંધ મૂર્ખતા સાથે જોડવામાં આવ્યો છે.
હવે આ ગુજરાતી – મરાઠી યુગ્મની સમાનાર્થી કહેવતનું કનેક્શન ત્રીજા રાજ્યની અનોખી કથા સાથે કેવી રીતે છે એ જાણીએ. મહારાષ્ટ્ર સાથે સીમા ધરાવતા કર્ણાટકના ચિકમંગલુર જિલ્લાના અમૃતપુરા ગામમાં અમૃતેશ્વર મંદિર આવેલું છે. આ મંદિર બહાર પથ્થર પર કોતરણી કરેલું એક ચિત્ર છે જેની સાથે જોડાયેલી કથા કહેવત પર પ્રકાશ પાડે છે. એ ચિત્રમાં વાસુદેવજી ગધેડાને નમન કરતા દેખાય છે. એની સાથે જોડાયેલી કથા અનુસાર દેવકી બાળકને જન્મ આપતાં હતાં ત્યારે એક ગધેડો ચેતવણી આપતો અને દેવકીનો ભાઈ દુષ્ટ રાજા કંસ કારાવાસમાં જઈ બાળકને મારી નાખતો. દેવકીનું આઠમું બાળક કંસના મૃત્યુ માટે જવાબદાર હશે તેવી ભવિષ્યવાણીથી બચવા માટે આ એક પ્રયાસ હતો. આઠમા બાળક તરીકે દેવકીની કૂખે કૃષ્ણનો જન્મ થયો ત્યારે વાસુદેવજીએ ગધેડાને બે હાથ જોડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બાળકના જન્મની ચેતવણી દુષ્ટ રાજાને ન આપવા વિનંતી કરી એ આ ચિત્રમાં જોવા મળે છે. ગરજે ગધેડાને બાપ કહેવો પડે એ ભાવાર્થ અહીં ચરિતાર્થ થાય છે. ભાષાની આ ભવ્યતા છે, એનો આવો પ્રતાપ છે.
Office पहुंचकर तुम्हें immediately call करता हूँ
યંગસ્ટર્સની દૈનિક બોલચાલની ભાષામાં હિંગ્લિશનો જબરદસ્ત પગપેસારો થઈ ગયો છે એ નકારી ન શકાય. Office पहुंचकर तुम्हें immediately call करता हूँ. बाद में तू right time पे आ जाना જેવા વાક્યો નિયમિતપણે સાંભળવા મળે છે. આ ઉદાહરણ છે ઓફિસ જતા લોકો વચ્ચેના, ગૃહિણીઓની વાતચીતમાં સુધ્ધાં એની અસર જોવા મળે છે. मुझे आने में late हो जाएगा because kitchen wind up करके I will leave (મને પહોંચતા મોડું થશે કારણ કે રસોડું સમેટી લીધા પછી જ હું નીકળી શકીશ). આ સિલસિલો આગળ વધી ગણેશ આરતી સુધી પહોંચી ગયો છે. અંગ્રેજી મીડિયમમાં ભણતાં બાળકો આરતીમાં હોંશે હોંશે સહભાગી થાય એ આશય સાથે You love लड्डू एण्ड मोदक And ride the मूषक જેવી પંક્તિઓ આરતી વખતે સાંભળવા મળે છે.
ઓગણીસમી સદીમાં અન્ય એક કવિએ પણ હિંગ્લિશનો ઉપયોગ પોતાની રચનાઓમાં કર્યો હોવાનું તપાસ કરતા જાણવા મળ્યું છે. 1850માં જન્મેલા અને 34 વર્ષનું અલ્પ આયુ જીવનારા ભારતેન્દુ હરિશ્ચંદ્ર હિન્દી સાહિત્યના પિતામહ અને આધુનિક હિન્દી સાહિત્યના જનક તરીકે ઓળખ ધરાવે છે. સાડા ત્રણ દાયકાના નાનકડા જીવનકાળમાં ભારતેન્દુજીએ સાહિત્ય, પત્રકારત્વ, સમાજ સુધારણા અને સાંસ્કૃતિક ક્ષેત્રે અસાધારણ યોગદાન આપ્યું હતું. આ કારણસર તેમનું નામ હિન્દી સાહિત્યમાં તેમનું નામ સુવર્ણ અક્ષરથી અંકિત છે. ખડી બોલી હિન્દીને તેમણે પ્રતિષ્ઠા અપાવી. ખડી બોલી હિન્દી દિલ્હી, મેરઠ તેમજ આગ્રા અને આસપાસના ક્ષેત્રોમાં બોલાતી ભાષા. આ ભાષા સરળ અને સ્પષ્ટ હોવાથી ખડી બોલી તરીકે જાણીતી બની હતી.
ભારતેન્દુ શુક્લ દ્વારા પ્રકાશિત ‘હરીશચંદ્રિકા’ નામની પત્રિકામાં તેમની લખેલી કવિતામાં હિન્દી અને અંગ્રેજીનું મિશ્રણ જોવા મળે છે. પ્રકાશિત થયેલા કાવ્યમાં તેમણે હિન્દી શબ્દો માટે રોમન લિપિનો ઉપયોગ કર્યો હતો. જોકે, વાચકોનું ધ્યાન વિશેષ ખેંચાય અને એમાં પ્રયોગથી સરખા વાકેફ થાય એ હેતુથી અહીં આપેલા ઉદાહરણમાં હિન્દી શબ્દો દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યા છે. When I go Sir, मुलाकात को these चपरासी Trouble me much. How can I give daily इनाम, ever they ask Me I say such, Some time they give me गर्दनिया And tell बाहर निकलो तुम, देना ना लेना, मुफ्त के आये यहां हो, बने दरबान की दूम. ઓફિસમાં કોઈને મળવા અથવા ઈન્ટરવ્યુ માટે ગયા ત્યારે ચપરાસી દ્વારા થયેલી હેરાનગતિ અને એના ટોણાંનો ઉલ્લેખ એમાં જોવા મળે છે.
આપણ વાંચો: સ્મૃતિ વિશેષ : બંગાળી ફિલ્મકાર ઋત્વિક ઘટકની વિભાજન- વ્યથા



