ઝબાન સંભાલ કે : સોનું સાંપડે નહીં, પિત્તળ પહેરાય નહીં | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઝબાન સંભાલ કે : સોનું સાંપડે નહીં, પિત્તળ પહેરાય નહીં

  • હેન્રી શાસ્ત્રી

ગુજરાતી અને મરાઠી ભાષામાં સામ્ય ઘણું છે, પણ જો ગફલતમાં રહ્યા કે સાવચેતી ન રાખી હોય તો કહેવાનું કશુંક હોય અને સામેની વ્યક્તિ કંઈક જુદું જ સમજી બેસે એવો ઘાટ થાય. અર્થ કરવા જતા અનર્થ થઈ જાય. ગુજરાતીઓ સામાન્ય બોલચાલમાં ગઈ કાલ અને આવતીકાલ એ બંને માટે કાલે શબ્દ જ વાપરતા હોય છે. કાલે હું ઓફિસ નહોતો ગયો – કાલે મારે રજા છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને માટે સરખો શબ્દ. મરાઠીની વાત અલગ છે. ગઈકાલ માટે काल વપરાય છે જ્યારે આવતી કાળ માટે उद्या શબ્દનું ચલણ છે. काल मी ऑफिस नहोतो गेलो. उद्या मला सुट्टी आहे. હવે જો તમે તમારા મરાઠીભાષી મિત્રને આમંત્રણ આપતી વખતે ગુજરાતી બોલવાની ટેવ અનુસાર જો काल तुम्ही घरी या (કાલે તમે ઘરે આવજો) એમ જો કહી બેસો તો મિત્ર જરૂર મૂંઝાઈ જાય, કારણ કે ગઈ કાલે આવવા કેમ કહે છે એ જ વાત એના પલ્લે ન પડે. માટે ઝબાન સંભાલ કે. તમારે એને उद्या तुम्ही घरी या એમ કહેવું જોઈએ.

આજકાલ સોનાના ભાવ એવા આસમાને ગયા છે કે મધ્યમવર્ગને એની ખરીદી પોસાય એમ જ નથી. એ સંદર્ભમાં એક જૂની કહેવત આજે એકદમ ફિટ બેસે છે કે સોનું સાંપડે નહીં ને પિત્તળ પહેરાય નહીં. સોનું ખરીદવાની વેંત નથી અને જે લઈ શકાય એ સોના જેવો વાન ધરાવતા પિત્તળના દાગીના પહેતી ન શકાય. સોનાના દાગીના પહેરવાની ઈચ્છા થાય તો શું સોનાની લૂંટ ચલાવવાની? મરાઠી ભાષીકો મર્માળુ હસી કહેશે હાસ્તો. दसऱ्याच्या दिवशी सोनं म्हणून आपट्याची पानं लुटण्याची म्हणजे एकमेकांना देण्याची प्रथा अनेक हिंदू धर्मीय पाळताना दिसतात. સોનુ સમજી દશેરાને દિવસે આપટા વૃક્ષના પાન ‘લૂંટવાની’ એટલે કે એ પાન એકમેકને આપવાનો રિવાજ હિંદુ ધર્મના લોકોમાં અને ખાસ કરી મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આપટા અશ્મંતક તરીકે પણ ઓળખાય છે. અશ્મંતક એટલે પથ્થર અથવા ખડકનો નાશ કરનાર. એ કારણે ગુજરાતીમાં પાષાણભેદ પણ કહેવાય છે. મહારાષ્ટ્રમાં અને ખાસ કરી રાજ્યના કેટલાક ગામડાઓમાં આપટાની ડાળીઓનો ઢગલો કરવામાં આવે છે. આ ડાળીના પાન સોનું તરીકે એકબીજાને આપવાની પ્રથા છે. આર્થિક રીતે સધ્ધર લોકો આપટાના પાનના આકારનું સાચું સોનું પણ ભેટ આપે છે. મહાકવિ કાલિદાસના ‘રઘુવંશ’ કાવ્યમાં દાનશૂર રઘુરાજાની કથામાં વેદ અભ્યાસ કરનાર કૌત્સની કથા છે. વિદ્યાભ્યાસ થયા પછી ગુરુદક્ષિણા માટે કૌત્સે આગ્રહ રાખ્યો ત્યારે ગુરુએ 14 કરોડ સોનામહોર માગી. વચન પૂર્તિ કરવા કૌત્સ રઘુરાજા પાસે ગયો અને દાનવીર રાજાએ પોતાને મળેલું બધું સોનું કૌત્સને આપી દીધું. જોકે, કૌત્સે 14 કરોડ સોનામહોરથી રતીભાર સોનુ વધુ લેવાની ના પાડી દીધી. એટલે વધેલું સોનું ગામની બહાર આપટા અને શમીના ઝાડ નીચે રાખવામાં આવ્યું. કૌત્સે ગામના લોકોને બોલાવી એ બધું સોનું લૂંટી પોત પોતાના ઘરે લઈ જવા કહ્યું. એ દિવસ આસો સુદ દસમનો – દશેરાનો હતો. આ લોકકથામાંથી જ દશેરાના દિવસે ‘સોનું લૂંટવાના’ રૂઢિપ્રયોગનો જન્મ થયો હોવાનું કહેવાય છે.

Chillum hither lao
હિન્દી અને ઈંગ્લિશ ભાષાની ભેળસેળ હિંગ્લિશ (हिंदी + English = हिंग्लिश) તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે એક કોલ્ડડ્રિન્કનું સ્લોગન હતું ‘ये दिल मांगे More.’ એમાં પહેલા ત્રણ શબ્દ હિન્દી ભાષાના છે જ્યારે ચોથો શબ્દ ‘મોર’ (વધુ) અંગ્રેજી શબ્દ છે. ‘You are giving बहाना’ પણ બે ભાષાની ભેળ છે. હિન્દી ફિલ્મોના નામમાં પણ जब We Met કે પછી Love आज कल જેવા અખતરા જોવા મળ્યા છે. ફિલ્મી ગીતોમાં તો છેક 1947થી (आना मेरी जान मेरी जान Sunday के Sunday – ફિલ્મ શેહનાઈ, ગીતકાર: પી. એલ. સંતોષી) અંગ્રેજીની ઘૂસણખોરી જોવા મળે છે. તાજેતરમાં અવસાન પામેલા જાહેરખબર જગતના મહારથી પિયૂષ પાંડેએ પણ તેમના વિજ્ઞાપનોમાં હિંગ્લિશનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. હિંગ્લિશનો ઉપયોગ 1970 પછી ધીરે ધીરે ચલણમાં આવ્યો અને 1990ના દાયકાથી એનું ચલણ વધી ગયું એવી સર્વસામાન્ય માન્યતા છે.

જોકે, ભાષાવિજ્ઞાનમાં સંશોધનના હેતુથી સતત ખાંખાંખોળાં કરતા સંશોધકોએ ખોળી કાઢ્યું છે કે અંગ્રેજીમાં હિંગ્લિશનો અખતરો છેક 1827માં સંભવતઃ પહેલી વાર થયો હતો. વિદેશી કુળના માતા પિતાના સંતાન Henry Louis Vivian Derozio દ્વારા રચિત કવિતાઓમાં આવા પ્રયોગ નજરે પડે છે. કલકત્તામાં જન્મેલા મિસ્ટર હેન્રી ભારતીય કવિ હોવા ઉપરાંત હિન્દુ કોલેજમાં અસિસ્ટન્ટ હેડમાસ્ટરના હોદ્દા પર હતા. Poems (1827) શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં તેમની પોએમ્સ – કવિતાઓ પ્રગટ થઈ છે. પુસ્તકના 72મા પાના પર પ્રસિદ્ધ થયેલી કવિતાનું શીર્ષક છે: Song of the Hindoostanee Minstrel (હિન્દુસ્તાની રાજ દરબારના ગવૈયાનું ગીત). કાવ્યની શરૂઆત જ With Surmah tinge thy black eye’s
fringe, It will sparkle like a star (આંખોમાં કાજળ આંજવાથી તારી પાંપણ ઝગમગ તારલાની જેમ ચમકી ઉઠશે) પંક્તિથી થાય છે. કહેવા માટે સુરમા શબ્દ ઉર્દૂ છે પણ એ હિન્દીમાં સ્થાયી થયો છે. આ સિવાય આ કવિતાની નવમી અને અંતિમ કડીમાં सितार – दिलदार શબ્દો પણ વાપરવામાં આવ્યા છે, અલબત્ત રોમન લિપિમાં. Like birds from land to land we’ll range, And with our sweet sitar, Our hearts the same, though worlds may change, We’ll live, and love, Dildar! આ કવિતા 1827ના મે મહિનામાં લખાઈ હોવાની નોંધ છે. આ શબ્દોનો અંગ્રેજી ભાવાર્થ પણ આપવામાં આવ્યો છે.

કવિ હેન્રીની બીજી એક કવિતામાં પણ હિન્દી શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. Ode – From the Persian of Half Queez (1827) શીર્ષક હેઠળના કાવ્યમાં Without thy dreams, dear opium, Without a single hope I am, Spicy scent, delusive joy; Chillum hither lao, my boy! પંક્તિઓ આવે છે. જોઈ શકાય છે કે અંતમાં ‘ચિલ્લમ ઈધર લાઓ’ એમ ત્રણ હિન્દી શબ્દ આવે છે. આ પંક્તિમાં આગળ અફીણ (ઓપિયમ)નો ઉલ્લેખ આવતો હોવાથી ચિલમનો ઉલ્લેખ સમજી શકાય છે. હતાશાને ખંખેરવા અફીણને આશરે જવાની વ્યથા છે. તેમની કવિતા એ સમયે ક્રાંતિકારી ગણાઈ હતી કારણ કે, બ્રિટિશરોના દમનકારી શાસન સાથે ભારતીય વિરાસતની ઉજવણીની વાત પણ એમાં વણાઈ જતી હતી. જોકે, કવિશ્રીને એ જાણ નહોતી કે વૈચારિક ક્રાંતિ સાથે તેમણે ભાષાકીય ક્રાંતિના બીજ રોપી દીધા છે.

આપણ વાંચો:  હાસ્ય વિનોદ: બુધ-પ્રભાવિત જાતક તો શત્રુઓ બનાવવામાં સ્વાવલંબી હોય છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button