વલો કચ્છ : બનાના વિવિંગ: પુન:પ્રકૃતિ તરફ ફરી રહ્યું છે વિશ્વ! | મુંબઈ સમાચાર
ઉત્સવ

વલો કચ્છ : બનાના વિવિંગ: પુન:પ્રકૃતિ તરફ ફરી રહ્યું છે વિશ્વ!

-ડૉ. પૂર્વી ગોસ્વામી

પ્રાચીનકાળથી કુદરત પર વિશ્વાસ કરતાં વિશ્વ માનવી ક્યાક આધુનિકતાની છોળોમાં ભાન ભૂલ્યો અને કૃત્રિમતાને એટલું મહત્ત્વ આપ્યું કે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓને નોતરી દીધું. માનવે કરેલી ભૂલોને માનવે જ સુધારવી રહી! સમય બદલાતા ફરીથી સમગ્ર વિશ્વ સસ્ટેનેબલ જીવનશૈલી તરફ વળે છે. ઇકોફ્રેંડલી નેચરને અપનાવતા લોકો પહેરવેશમાં પોતાને ઈકો-ફેશન તરફ ઢાળવા લાગ્યા છે. આ પરિવર્તન ખાસ કરીને વણાટકામ માટે લાભદાયી સાબિત થઈ રહ્યું છે.

મોટા પાયે ઉત્પન્ન થતી કૃત્રિમ સામગ્રીથી લોકો હવે ધીમી ગતિએ ઇકો ફેશન તરફ આગળ વધી રહ્યાં છે. હવે રોજિંદા વપરાશના કપડાં માત્ર આરામ પૂરતાં ન રહેતા જીવનશૈલીનું પ્રતીક બની ગયાં છે, એવી જીવનશૈલી જે આરોગ્ય, ટકાઉપણું અને સાચી ઓળખને મહત્ત્વ આપે છે.

આ પરિવર્તન હાઇ ફેશન બની વૈશ્વિક ટ્રેન્ડને પ્રભાવિત કરી રહ્યું છે. આવા ઈકો-ફ્રેન્ડલી ફેબ્રિકમાં બનાના ફેબ્રિકનો વપરાશ હવે વસ્ત્રો બનાવવા માટે પણ મોટા પાયે થવા લાગ્યો છે. ભારત એ દુનિયામાં કેળાનું અગ્રણી ઉત્પાદક તરીકે સ્થાન ધરાવે છે.

એક અભ્યાસ અનુસાર, કેળાની ખેતી દર વર્ષે માત્ર એકવાર થાય છે, અને દર વર્ષે અંદાજે 5 લાખ ટન કેળાંના થડ નિષ્ફળ જતા હોય છે, લણણી પછી કેળના થડ ફેંકી દેવામાં આવે છે.

આપણ વાંચો: વલો કચ્છ : લખપતિ પીર ગોશ મહમદનું અધ્યાત્મિક ને સાહિત્યિક ગૌરવ…

આ થડમાંથી નીકળતા ફાઈબરનો ઉપયોગ કરી વિવિધ વસ્તુઓ બનાવવામાં તેનો સદુપયોગ કરી શકાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ તેરમી સદીથી જપાનમાં બનાના છોડના પાંદડાઓમાંથી ફાઈબર બનાવવાનું શરૂ થયું હોવાનું જાણવા મળે છે ત્યારે તેનો ઉપયોગ દરિયાઈ જહાજો માટેની દોરી કે પાછળથી ચલણી નોટમાં આ ઉપયોગ થતો હતો.

જે થડને કચરો માનવામાં આવતો, તે હવે વિવિધ જાડાઈ અને ઘનતાવાળાં તંતુના કપડાંમાં રૂપાંતરિત થાય છે. જેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે જેમ કે દોરી (rope), ચલણી કાગળ, પેકિંગ માટેનું કાપડ અને અન્ય ઘણાં ઉપકરણો માટે.

જોકે એક કિલો બનાના ફાઈબરનું કાપડ બનાવવા માટે આશરે 37 કિલોગ્રામ કાચો માલ લાગતો હોય છે, તુલનાત્મક રીતે કપાસના કાપડ માટેના કાચા માલ કરતાં તે ઘણું ઓછું કહેવાય. ટકાઉપણાની સાથેસાથે બનાના ફાઈબર પર્યાવરણ માટે પણ વધુ અનુકૂળ છે. એને ઉગાડવા માટે કપાસની તુલનાએ ઓછા સંસાધનોની જરૂર પડે છે અને તેના પ્રક્રિયા દરમિયાન ટેન્સેલ કે રેયોન બામ્બૂની પ્રક્રિયાની તુલનાએ ઘણું ઓછું પાણી વપરાય છે.

આપણ વાંચો: વલો કચ્છ : સૌથી મોટી મૂડી સદગુણ…

કચ્છની સૌથી જૂની હસ્તકળાઓ પૈકીની એક વણાટ કળા છે, કમી કસબી તરીકે ઓળખાતા વણકર સમાજના રામજીભાઈ મહેશ્વરી ત્રીજી પેઢીના કારીગર છે. તેમણે છેલ્લા ચાર-પાંચ વર્ષથી બનાના ફાઈબરનું વણાટ કામ શરૂ કર્યું છે.

તેઓ પાંચેક વર્ષ પહેલા બેંગ્લોર- કર્ણાટકની મુલાકાતે ગયેલા; ત્યાં તેમને બનાના ફેબ્રિક વિષે જાણવા મળ્યું અને કચ્છ પરત ફરીને તેમણે પણ બનાના વિવિંગનો પ્રયોગ શરૂ કર્યો. ત્રણેક વર્ષ તો તેમણે અલગ અલગ પ્રયોગો જ કરી જોયા.

ગીચા સિલ્ક, કોટન, ટસર સિલ્ક, બાંબુ ફાઈબર સાથે બનાના વિવિંગના પ્રયોગો કર્યા બાદ છેલ્લા એક વર્ષથી માર્કેટમાં વેચાણ અર્થે મૂક્યા. અને એક જ અઠવાડિયામાં બનાવેલા 20 નંગ વેંચાઈ ગયા જેનાથી તેમનો ઉત્સાહ પણ વધ્યો અને ઇકો ફેબ્રિકનું મહત્ત્વ પણ સમજાયું. રામજીભાઈ કહે છે, બનાના ફેબ્રિક ઇકો ફ્રેંડલી હોવાની સાથે ટકાઉ અને શાઈનિંગવાળું કાપડ છે.

ભણતર મેળવી લીધાના તુરત બાદ મજૂરીએ તો લાગ્યા પણ પોતાનો પરંપરાગત વ્યવસાય કે જે ખમીરી સાથે ઓળખનશીન છે, એવી ભાન થઈ અને પાછા પોતાની કળા તરફ પાછા વળ્યા. કળાને વ્યવસાય તરીકે ઊભારવા અને પોતાની આગવી ઓળખ ઊભી કરવા ચીલાચાલુ પદ્ધતિમાં નાવીન્ય લાવવા કલા રક્ષા વિદ્યાલય અને સોમૈયા કલા વિદ્યાલયમાં તાલીમ મેળવી.

હાથસાળ પર જે રીતે તાણા અને વાણાનું જોડાણ ઊભું થાય છે એજ રીતે કારીગરનું કળા સાથે અને ગ્રાહક સાથે જોડાણ બનતું હોય છે, આથી રામજીભાઇએ પોતાની બ્રાન્ડ નેમ “tana bana’ રાખી છે. આ પ્રદેશમાં રામજીભાઈ જેવા કારીગરો પોતાની આગવી કારીગરી દ્વારા હસ્તકલા ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે જેના થકી કચ્છ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રદેશ બન્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button