ઝબાન સંભાલ કે : બાબાશાઈ ખાતું: કહેવતોમાં ઈતિહાસ | મુંબઈ સમાચાર

ઝબાન સંભાલ કે : બાબાશાઈ ખાતું: કહેવતોમાં ઈતિહાસ

-હેન્રી શાસ્ત્રી

ગુજરાતી કહેવતો-રૂઢિપ્રયોગ અને ઈતિહાસનો વિશિષ્ટ સંબંધ જોવા મળે છે. અમુક વખતે આવી કહેવતોમાંથી ઈતિહાસની કોઈ ઘટના કે બનાવનો ઉલ્લેખ મળે છે. ઉલ્લેખનીય એ છે કે ગુજરાતી ભાષાના સ્થાનિક અને પ્રાદેશિક ઈતિહાસના સંદર્ભમાં અનેક કહેવતો છે. આમાંથી કેટલીક રસપ્રદ કહેવતો તેમજ રૂઢિપ્રયોગનો સંદર્ભ જ્ઞાન સાથે ગમ્મત આપે છે.

બાબાશાઈ ખાતું પ્રયોગ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એ જાણવા જેવું છે. બ્રિટિશ શાસન દરમિયાન વડોદરા રાજ્યનું પોતાનું નાણાકીય ચલણ અસ્તિત્વમાં હતું. પહેલા સયાજીરાવ મહારાજના દીવાન ફતેસિંહ ગાયકવાડનું બીજું નામ બાબાસાહેબ હતું. અલબત્ત એને ડો. ભીમરાવ ‘બાબાસાહેબ’ આંબેડકર સાથે કોઈ નિસ્બત નથી.

ફતેહસિંહની આ ઓળખને કારણે સિક્કાનું નામ બાબાશાહી પડ્યું હતું. એ વખતે અમરેલી પ્રાંતમાં બાબાશાહી સિવાય કલદાર (અંગ્રેજોનું નાણું), સિક્કાઈ (રાજાની મહોરવાળો સિક્કો), આદમોરા, રામકોરી વગેરે સિક્કાઓનું ચલણ હતું. કોઈ અકળ કારણોસર અથવા બદઈરાદાને કારણે બાબાશાહી શબ્દ કાળક્રમે બોદો અને ખોટો એવા અર્થોમાં પ્રચલિત થઈ ગયો.

જોકે, ઈતિહાસ અલગ જ વાત દર્શાવે છે. વાત એમ હતી કે વડોદરા રાજ્યનું ચલણી નાણું દાખલ કરવામાં આવ્યું એ પહેલાં ગુજરાતમાં ભરૂચી, સિક્કાઈ કે ખંભાતી નાણું ચલણમાં હતું. વડોદરાની આર્થિક વ્યવસ્થા સુધારવા બાબાશાહી રૂપિયો ચાલુ કર્યા બાદ અન્ય પ્રચલિત નાણાં લોકવ્યવહારમાં બંધ પડ્યા હતા. અન્ય એક સ્રોત અનુસાર બાબાશાહીમાંથી ‘બાબાશાઈ’ બની ગયેલા પૈસાની કિંમત બ્રિટિશ ‘કલદાર’ કરતા એક પાઈ ઓછી હોવાના કારણે એ નિમ્ન ગણવામાં આવતો હતો. કાળક્રમે વડોદરાનાં પ્રદેશો માટે ‘બાબાશાઈ’ નિંદા સૂચક તરીકે ઉપયોગમાં લેવાતો થયો. ધીરે ધીરે ઢંગધડા વગરની વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે ‘બાબાશાઈ ખાતું’ પ્રયોગ ચલણી બની ગયો.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો!

ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ કહેવતથી તમે વાકેફ હશો. વાંચવા-સાંભળવામાં પણ જરૂર આવી હશે. પડતી અવસ્થામાં પણ પોતાની મૂળ શાન જાળવી રાખવી એ એનો ભાવાર્થ છે. આ કહેવત પાછળ પણ ઈતિહાસ છે. ગુજરાતના અત્યંત પ્રાચીન નગર તરીકે ભરૂચની ઓળખ છે. એક સમયે આ પ્રદેશ ભૃગુકચ્છ તરીકે ઓળખાણ ધરાવતો હતો. ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. ભૃગુ ઋષિએ વસાવ્યું હોવાથી એ ભરૂચ કહેવાયું.

નર્મદાના કિનારા ઉપર કૂર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને તેમણે મોટું નગર વસાવ્યું. ભૃગુએ વસાવેલા નગરની સ્થાપના કૂર્મની પીઠ ઉપર હોવાથી એ ભૃગુકચ્છ એવા નામે ઓળખાવા લાગ્યું. અનેક ધરતીકંપ અને પૂર-પ્રલયનો સામનો કરી પ્રજાએ પુરુષાર્થથી ભરૂચને બેઠું કર્યું. વિકટ પરિસ્થિતિમાં પણ પ્રજાએ ખુમારી જાળવી રાખી અને એમાંથી કહેવતે જન્મ લીધો કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. એનો એક દુહો પણ છે કે ઝાંખી તોય દેવની, મૂર્ખ તોય ગુચ્છે, ફાટેલ તોય ખાસડા, ભાંગી તોયે ભરૂચ.

HISTORY IN LANGUAGE

યુરોપિયન દેશ ઈટલી અને એના અનેક વિસ્તાર સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે. એ ભૂમિ પર ઈતિહાસ રચાયો છે અને દેશ દ્વારા સર્જાયો પણ છે. ઈટલીની રાજધાની અને ઐતિહાસિક શહેર રોમ સંબંધિત બે કહેવત અત્યંત પ્રચલિત છે. પહેલી છે Rome wasn’t built in one day. જેનો શબ્દાર્થ થાય રોમ કંઈ એક દિવસમાં બંધાયું નહોતું. અલબત્ત કહેવતનો સંદર્ભ રૂપક તરીકે જોવા-સમજવાનો છે. કોઈ કામ કરવામાં ઉતાવળ ન કરવી અને એક એક ડગ સાવચેતીથી માંડવા એ એનો ભાવાર્થ છે.

ટૂંકમાં રોમ જેવું ભવ્ય-આલીશાન શહેર બાંધવું હોય તો ગાંસડીઓ ભરી ધીરજના ગુણ હોવા જરૂરી છે. Bull in a China shop કહેવતને ચીન નામના દેશ સાથે કોઈ કરતા કોઈ પ્રકારની લેવાદેવા નથી. અહીં ચાઈના શબ્દ ‘સિરામીક વેર’ (ચિનાઈ માટીના વાસણો) સાથે સંબંધ ધરાવે છે. કોઈ કામ ધીરજ રાખી ચીવટથી કરવાનું હોય એ પાર પાડવામાં વારંવાર ભૂલ કર્યા કરે કે ચીજવસ્તુને નુકસાન પહોંચાડે એને માટે આ કહેવત ઉપયોગમાં લેવામાં આવે છે. Meet your Waterloo કહેવત સાથે રાજકીય ઈતિહાસ જોડાયેલો છે.

1815ની સાલમાં વોટરલૂ (એ સમયે નેધરલેન્ડ્સમાં હતું, પણ આજે બેલ્જીયમનો હિસ્સો છે)ની લડાઈમાં ફ્રેંચ સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટનો નિર્ણાયક પરાજય થયો હતો. એ લડાઈ પછી એ ખતમ થઈ ગયો હતો. કોઈ વ્યક્તિનો નિર્ણાયક પરાજય થાય કે તેનું અવસાન થાય ત્યારે આ કહેવત વપરાય છે. યુએસએનું ન્યૂયોર્ક શહેર ‘ફાસ્ટ લાઈફ’ માટે પ્રખ્યાત છે. અહીં બધી ગતિવિધિઓ ઝપાટાબંધ થતી હોય છે.

એ લાક્ષણિકતાને ધ્યાનમાં રાખી એક શબ્દ પ્રયોગ બન્યો છે New York minute. If something happens in a New York minute, it happens very fast. જો કોઈ બનાવ-ઘટના ન્યૂયોર્ક મિનિટ માં બની એનો અર્થ એ થયો કે એ કામ અત્યંત ઝડપે પૂરું થયું. Set the Thames on fire કહેવતમાં લંડનની પ્રખ્યાત થેમ્સ નદીમાં આગ લાગવાની કોઈ વાત નથી. કોઈ વ્યક્તિ અત્યંત અસાધારણ કામ કરે કે સિદ્ધિ મેળવે ત્યારે He or She set the Thames on fire કહેવાય છે.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : ગાંભુ ગયું ને ગાભા રહ્યા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button