આન્ટી મત કહોના… | મુંબઈ સમાચાર
ઉત્સવ

આન્ટી મત કહોના…

  • જૂઈ પાર્થ

છ કપલ્સ-અંગત મિત્રો ભેગા થઈને ઉદયપુર પહોંચ્યા અને ત્યાંની શાહી પ્રોપર્ટીમાં સારાંશે ચાર મહિના પહેલેથી બુકિંગ કરાવી રાખ્યું હતું. ગમતાં લોકો, લક્ઝરી હોટલ, ટુ નાઇટ થ્રી ડેઝનું બુકિંગ, સાથે ખાવા-પીવાનું અને પાર્ટીના જલસા આ ટ્રીપને લઈને શર્વરી ખૂબજ ઉત્સાહિત હતી, પરંતુ પચાસમી વર્ષગાંઠ? હજી એને માન્યામાં નહોતું આવતું કે એ પચાસ વર્ષની થઈ ગઈ છે. દેખાવ અને મિજાજથી એ હજી પણ પાંત્રીસની આસપાસની જ લાગતી. યંગ, ફિટ અને કૂલ…!

શર્વરી સ્વાસ્થ્યની સાથે પોતાના દેખાવ પ્રત્યે પણ સભાન હતી. એને કોઈ ઉંમર કરતાં ઓછી ધારે એ ખૂબ ગમતું. એ ‘દીકરાની મમ્મી કરતાં એની બહેન જેવી દેખાય છે ’ એ શબ્દો શર્વરી માટે સર્વોપરી હતાં. જો કે આ બધા માટે
એ મહેનત પણ ખૂબ કરતી.

પૌષ્ટિક આહાર, સમયસર ઊંઘવા- ઉઠવાનું, રોજ 45 મિનિટ ચાલવાનું, અઠવાડિયામાં ત્રણ દિવસ યોગ, બે દિવસ જિમ અને રવિવારે મિત્રો સાથે ક્લબમાં સ્વિમિંગ કરવાનો એનો નિયમ … આજે વર્ષગાંઠની પાર્ટીમાં પહેરવા માટે એણે યંગ લુકવાળો બ્રાન્ડેડ મિની ડ્રેસ લીધો હતો. અને સાચેજ, એ પાર્ટીમાં તૈયાર થઇને આવી ત્યારે સૌની નજર એના પર અટકી ગઈ હતી!

શરૂઆતમાં થોડાં ડ્રિંક અને સ્ટાર્ટર અને પછી કેક કટિંગ. કેક જોઈને એક અજાણ્યું બાળક ત્યાં આવ્યું અને એ બાળકે શર્વરીને નિર્દોષ સ્મિત સાથે વિશ કર્યું :

‘હેપ્પી બર્થ-ડે આન્ટી…!’

અચાનક કરંટ લાગ્યો હોય એમ શર્વરી હચમચી ગઈ. એણે બાળકને ‘થેન્ક યુ’ કહીને કેક આપી અને બાળક ત્યાંથી જતું રહ્યું, પણ શર્વરીને પોતાના માટે આન્ટી સંબોધન સાંભળીને નહોતું ગમ્યું. એણે મિત્રો સાથે પાર્ટી કરી પણ મનમાં ને મનમાં મુંઝાતી રહી, કંઈક ખટકી રહ્યું હતું એને પાર્ટી પૂરી થઈ ને સારાંશ અને શર્વરી રૂમમાં ગયાં. સારાંશને લાગ્યું ખરું કે શર્વરીનો મૂડ અચાનક જ ઑફ થઈ ગયો હતો. એણે શર્વરીને કારણ પૂછ્યું પણ શર્વરીએ કોઈ ચર્ચા કરવાનું ટાળ્યું અને થાકનું બહાનું કાઢીને સૂઈ ગઈ.

આટલાં વર્ષોથી કોઈ પણ છોકરાઓ શર્વરીને ‘આન્ટી’ કહેતાં તે એને ના ગમતું. કારણ કંઈ ખાસ નહીં બસ, એવી એક માનસિક અવસ્થા. એ મોઢે જ છોકરાઓને કહી દેતી કે ‘મને આન્ટી નહિ કહેવાનું…’ સોસાયટીના છોકરાઓ તો એને ‘આન્ટી મત કહોના’ વાળા આન્ટી પણ કહેતાં. શર્વરીને પહેલેથી જ ઉંમર કરતાં નાના દેખાવું ગમતું. દેખાવડી અને સુડોળ તો એ હતી જ પણ સાથે સાચી ઉંમર કોઈને ના જણાવવાની એની ફિતરત.

હાલના સમયમાં આપણી વચ્ચે આવી કેટલીયે શર્વરી રહે છે. પહેલાનાં સમય કરતાં હવે યુવાન હોવાની અને લાગવાની વ્યાખ્યા બદલાઈ છે. પહેલાંના સમયમાં લગ્ન થાય, બાળકો થાય એમ હોદ્દો અને મોભો બદલાતાં, બોલનું વજન બદલાતું, બોલ ચાલની રીત અને સાથે પહેરવેશમાં પણ ફેરફાર થતો. જ્યારે અત્યારનાં સમયમાં ઉંમર અને પહેરવેશ, વાતચીતનો ઢંગ, કાર્ય ક્ષમતા વગેરેને બહુ લેવાદેવા નથી. સ્ત્રી કોઈ પણ ઉંમરે દીકરી, વહુ કે પૌત્રી જેવાં કપડાં પહેરે છે, જવાબદારીઓ એકલી ઉપાડવાના બદલે વહેંચી દે છે. સામે પુરુષ પણ પોતાને અનુકૂળ આવે એવાં કપડાં પહેરવાનું પસંદ કરે છે. નવી પેઢીને અનુકૂળ થઈને રહે છે જેના માટે પોતાની જાતને શક્ય એટલું બદલે છે.
આમ ઉંમર પચાસની હોય કે પંચોતેરની, હાલની પેઢીમાં યંગ હોવાની વ્યાખ્યા બદલાઈ છે. અત્યારનાં જમાનામાં યુવાનો અને વડીલોનાં વાતચીત, વ્યવહાર, કપડાંની પસંદગી, શિસ્તબદ્ધતા, હરવું ફરવું અને એકંદરે સમગ્ર જીવનશૈલીમાં એટલો તફાવત નથી રહ્યો જેટલો આજથી 10-20-30 વર્ષ પહેલાં હતો. આજથી 20 વર્ષ પહેલાં બાપ- દીકરો સાથે ઊભા હોય તો ઉંમરનો ભેદ સ્પષ્ટ વર્તાતો , જ્યારે હવે બે ભાઈ સાથે ઊભા હોય એમ પણ લાગે.

યુવાન દેખાવાની માનસિકતા પાછળનું સચોટ કારણ કહેવું તો મુશ્કેલ છે, પરંતુ એટલું ચોક્કસપણે કહી શકાય કે હવેનાં વડીલો પોતાની તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જેટલા સજાગ થયા છે અને એ સાચવવા માટેની જે મહેનત કરે છે એ પ્રમાણે અંકલ કે આન્ટીનું સંબોધન કેટલાક લોકોને પોતાની ‘યુવાન’ દેખાવાની મહેનત પર પાણી ફરી જતું લાગે છે. આપણા સમાજની ધારણા મુજબ ‘અંકલ-આન્ટી-કાકા-બા ’ વગેરે જેવાં સંબોધન અમુક ઉંમર પછી જ કરવામાં આવે છે. અત્યારના દિલથી યુવાન વડીલો ઉંમરને માત્ર એક આંકડા તરીકે જુએ છે. નામથી બોલાવવાની પાશ્ચાત્ય સંસ્કૃતિની થોડીઘણી અસર પણ હોઈ શકે. આમતો સંબોધન કોઈ પણ હોય, મનમાં સામેવાળી વ્યક્તિનું માન અને આદર જળવાય અને અને એમને ગમે એવું સંબોધન થાય એનાથી વધુ રૂડું શું હોય શકે?

બોલો, તમે શું કહો છો?

આપણ વાંચો:  સ્પોટ લાઈટ: અમેરિકાના પ્રવાસમાં આનંદનો ગુણાકાર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button