સ્પોટ લાઈટ: પ્રેક્ષકોનો પ્રેમ-કલાકારનો કુબેરનો ખજાનો

- મહેશ્ર્વરી
અમેરિકાનો આનંદદાયક પ્રવાસ પૂરો કરી હું મુંબઈ પાછી ફરી મારા વન રૂમ કિચનના ફ્લેટમાં રહેવા જતી રહી એ પછી આગળ વાત વધારું એ પહેલા રંગભૂમિ સંબંધિત એક અનોખો અને હૃદયસ્પર્શી પ્રસંગ એક નાટ્ય પ્રેમી સ્નેહી પાસેથી જાણવા મળ્યો એ ‘મુંબઈ સમાચાર’ના પ્રિય વાચકો સમક્ષ રજૂ કરવો છે.
વાત છે વંદના ગુપ્તે નામની અભિનેત્રીની. મરાઠી રંગભૂમિમાં વંદનાનું નામ માન અને શાન ધરાવે છે. એમનાં માતુશ્રી માણિક વર્માએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતમાં ખ્યાતિ મેળવી હતી. ‘વાગલે કી દુનિયા’ ટીવી સિરિયલથી વધુ જાણીતાં ભારતી આચરેકર તેની સગ્ગી બહેન છે. વંદનાએ અનેક મરાઠી નાટકો, ચિત્રપટ, ટીવી સિરિયલો અને કેટલીક હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે. આજે 73 વર્ષની ઉંમરે પણ નાટકો – ફિલ્મોમાં વ્યસ્ત રહેતી વંદનાનું હાલ ‘કુટુંબ કીર્તન’ નામનું મરાઠી નાટક ચાલી રહ્યું છે. આ નાટકના શો વખતે થયેલો અનુભવ કોઈપણ કલાકારને રાજી કરી દે એવો છે. એ વાત એના જ શબ્દોમાં જાણીએ.
‘થાણાના ગડકરી રંગાયતન થિયેટરમાં ‘કુટુંબ કીર્તન’ નાટકનો પ્રયોગ હતો. હું મેકઅપ રૂમમાં તૈયાર થઈને બેઠી હતી ત્યાં એક ગૃહસ્થ મારો ઓટોગ્રાફ લેવા મારી પાસે આવ્યા. તેમણે મારો ઓટોગ્રાફ કોઈ કાગળ, નોટબુક, ડાયરી કે ઓટોગ્રાફ બુકમાં ન લીધી, પણ એ બે ફૂટ બે ચાર ફૂટની ટાઈલ (લાદી) પર ઓટોગ્રાફ લીધો. મેં ઓટોગ્રાફ તો આપી દીધો પણ અગાઉ આવો અનુભવ ક્યારેય ન થયો હોવાથી આશ્ર્ચર્યચકિત થઈ આવું કરવા પાછળનું કારણ પૂછ્યું. એ સદગૃહસ્થે મને જણાવ્યું કે ‘ગડકરી રંગાયતન થિયેટર થાણાનો વૈભવ છે. અહીં અનેક કલાકારોએ પોતાની કલા સાદર કરી છે. આ રંગમંદિરનું નૂતનીકરણ થઈ રહ્યું હતું ત્યારે બહાર કાઢવામાં આવેલી કેટલીક લાદી 3 – 4 ગૂણમાં ભરી હું મારા ઘરે લઈ ગયો હતો. મારા મનગમતા કલાકારના ઓટોગ્રાફ હું એ લાદી પર લઉં છું. મારા ઘરની એક ભીંત આ ઓટોગ્રાફવાળી ટાઈલ્સથી ભરાઈ જશે ત્યારે મારા માટે એ ઐતિહાસિક અને મૂલ્યવાન સંભારણું બની રહેશે.’ એમની વાત સાંભળી હું ગળગળી થઈ ગઈ. પ્રેક્ષકો કલાકારોને કેટલો પ્રેમ કરતા હોય છે. એમને કેવી અને કેટલી લાગણી હોય છે એની વ્યાખ્યા ન થઈ શકે. સાચું કહું તો આવા પ્રેક્ષકોને કારણે જ અમે કલાકારો રંગમંચ પર ટકી શક્યા છીએ. બાલગંધર્વે પ્રેક્ષકોને માઈબાપ અમસ્તા નથી કીધા.’
વંદના ગુપ્તેની આ રજૂઆત જાણી બે ઘડી માટે મારા ગળે પણ ડૂમો ભરાઈ આવ્યો. મારા રંગભૂમિના દિવસોએ મારી નજર સામેથી પસાર થવા લાગ્યા. પ્રેક્ષકોના પ્રતિસાદ યાદ આવી ગયા. વંદનાની વાત સાથે હું સો ટકા સહમત છું કે તમે પ્રેક્ષકો છો તો જ અમે કલાકારો ટકી શકીએ છીએ. તમારો પ્રતિસાદ જ અમને સતત નવું અને વધુ સારું કરવાની પ્રેરણા આપે છે. પ્રેક્ષકોનો પ્રેમ કલાકાર માટે કુબેરનાં ખજાના જેવો હોય છે. જોકે, વંદનાએ વાત કરી છે એવા પ્રેક્ષકોની સંખ્યા કદાચ આજે ઘટી ગઈ છે. અલબત્ત, હૈયામાં આશા છે કે આજે નહીં તો આવતીકાલે એ પ્રેક્ષક ફરી જોવા મળશે.
હવે ગયા હપ્તે અધૂરી રહેલી વાત આગળ વધારું. પત્નીને સાચવી લેવા માટે માને દીકરીના ઘરે રહેવા મોકલવાનો નિર્ણય મારા દીકરાએ ભારે હૈયે લીધો હશે એ હું જાણતી હતી. અલબત્ત, અમારી વચ્ચે એ મુદ્દે કોઈ કરતા કોઈ ખુલાસો નહોતો થયો, પણ ઘણી વાર મૌન જ ઘણું બોલકું હોય છે તો ઘણી વાર આંખો જ હૈયાની વાત સ્પષ્ટ કરી દેતી હોય છે. વન રૂમ કિચનના ફ્લેટમાં શાંતાબહેન, એમના દીકરા – વહુ અને હું એમ ચાર જણ કેવી અગવડ અનુભવતા હતા એ મારો દીકરો જાણતો હતો અને સમજતો પણ હતો. મારે રાત્રે સૂવા પાડોશીના ફ્લેટમાં જવું પડતું હતું એ વાત પુત્રને કોરી ખાતી હશે. એટલે હું અમેરિકાથી પાછી ફરી એના થોડા દિવસો પછી દીકરો આવ્યો અને મને કહ્યું કે
‘આઈ, આ લોકોના રહેવાની અલગ વ્યવસ્થા મેં કરી નાખી છે. બહુ મોટું નહીં પણ સારું ઘર છે.’ અને મા – દીકરો નવા ઘરમાં રહેવા જતા રહ્યા. હું ફ્લેટમાં મુક્તપણે ગોઠવાઈ ગઈ. એ રાત્રે મને બહુ સારી નીંદર આવી. પોતાના ઘરની માયા સ્ત્રીમાં અલગ જ પ્રકારની હોય છે.
ઘરમાં તો ગોઠવાઈ ગઈ, પણ અમેરિકાથી પાછા ફર્યા બાદ આટલા દિવસોમાં કોઈ નવું કામ નહોતું મળ્યું કે નહોતી કોઈ નાટક – સિરિયલ વિશે કોઈ સાથે વાતચીત થઈ. એટલે ઘરની સાફ સફાઈ અને ગોઠવણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બે ત્રણ મહિના નવરા બેસી રહેવું પડ્યું. અલબત્ત, એકલી રહેતી હતી, ઘર પણ નાનું હતું અને થોડા પૈસા હતા અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે દીકરો આર્થિક મુશ્કેલી ન પડવા દે એની કાળજી રાખતો હતો. એવામાં એક દિવસ લતેશ શાહનો ફોન આવ્યો.
‘મહેશ્વરીબહેન, હું ‘ચિત્કાર’ નાટક કરી રહ્યો છું અને એમાં તમારે એક રોલ કરવાનો છે.’
મારે તો કામની જરૂર હતી જ. એટલે આ ફોન તો મારા માટે આશીર્વાદ જેવો હતો. મેં એ રોલ સ્વીકારી લીધો અને નાટકના રિહર્સલ શરૂ થઈ ગયા. ‘ચિત્કાર’માં મુખ્ય ભૂમિકા સુજાતા મહેતાની હતી અને એની સાસુનો રોલ મારે કરવાનો હતો. 1983માં નાટક પ્રથમ વાર ઓપન થયું ત્યારે ‘પાગલ’ મહિલાના રોલમાં સુજાતાની અદાકારીની ચારેકોર પ્રશંસા થઈ હતી અને અન્ય નાટકોની ભજવણી સમયે એની ચર્ચા થતી હતી. સુજાતાએ રત્ના સોલંકી નામની મહિલાનું પાત્ર સાકાર કર્યું હતું અને નાટકની સ્ટોરી અનુસાર એની સાસુના રોલનું પણ મહત્ત્વ હતું, કારણ કે સાસુના વર્તનને કારણે જ સુજાતાએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું. રિવાઇવ કરેલા આ નાટકનો અલગ જ વિષય હોવા છતાં એને જબરદસ્ત સફળતા મળી હતી. ઘણા શો થયા પછી નાટક બંધ થયું. હું કામ વગર બેઠી હતી ત્યાં ફરી લતેશનો જ ફોન આવ્યો. ‘મહેશ્વરીબહેન, આપણે ‘ચિત્કાર’ના શો માટે અમેરિકા જવાનું છે. તૈયારી કરી લો.’
ના પાડવાનો સવાલ જ નહોતો. નાટકમાં થોડી કાપકૂપ સાથે અમે રિહર્સલ શરૂ કરી દીધાં. વિઝા માટેની દોડધામ શરૂ થઈ. સદનસીબે ગઈ ટૂર જેવી કોઈ સમસ્યા આડી ન આવી અને અમને વિઝા મળી ગયા. બે મહિના માટે અમારો કાફલો ઉપડ્યો અમેરિકા જવા. વિદેશ પ્રવાસમાં બુક થયેલા શો જ કરવાના હોય એટલે બીજી કોઈ ચિંતા હોય નહીં. પ્રવાસ પતાવી હું મુંબઈ હજી પાછી ફરી હતી ત્યાં બીજા કે ત્રીજા દિવસે જ ફોન આવ્યો. ‘હેલો, રસિક દવે બોલું છું.’
રસિક દવે સાથે નાટક કરવાનો અગાઉનો અનુભવ સારો રહ્યો હતો. એટલે મેં કહ્યું બોલ ભાઈ અને તેણે કહ્યું કે ‘મહેશ્વરીબહેન, હું જાણું છું કે તમે હમણાં જ અમેરિકાથી પાછાં ફયાર્ં છો. થાક પણ નહીં ઊતર્યો હોય. એક સમસ્યા ઊભી થઈ છે. હું ‘પરણ્યા એટલે પ્યારા લાડી’ નાટક કરી રહ્યો છું. આઠેક દિવસ પછી નાટક ઓપન થવાનું છે. જેની સાથે રિહર્સલ કરી રહ્યા છીએ એ કલાકાર સાથે મજા નથી આવતી. એ રોલ તમારે કરવાનો છે. ના નહીં પાડતાં, નહીં પાડો એની ખાતરી છે.’ મેં હા પાડી દીધી અને એના રિહર્સલ શરૂ થઈ ગયા.
રંગભૂમિનો ખણખણતો રૂપિયો
જયશંકર ભૂધરદાસ ભોજક – જયશંકર ‘સુંદરી’ની મોટી અને મહત્ત્વની ઓળખ છે. તેમણે ભજવેલા સ્ત્રી પાત્રોના કુશળ અને કાબેલ અભિનેતા તરીકે. બાર વર્ષની ઉંમરે ‘સૌભાગ્ય સુંદરી’ નાટકમાં સૌભાગ્ય સુંદરીની ભૂમિકા એવી આબાદ ભજવી કે પ્રેક્ષકોએ તેમને ‘સુંદરી’ નામથી મશહૂર બનાવી દીધાં. નાટકના 41 ગીતમાંથી 17 ગીત ખુદ જયશંકરભાઈ ગાતા હતા. એમના કૌશલના અનેક કિસ્સા પ્રસિદ્ધ છે, જેમકે શૃંગાર ગીતોમાં અને સાડી પહેરવાની શૈલીમાં તેઓ કોઈ પણ સન્નારીને પાછળ રાખી દે એવી આવડત ધરાવતા હતા. એવું પણ સાંભળ્યું હતું કે એક વાર કુંવરી પાઠના પહેરવેશમાં સન્નારીઓના ગ્રુપમાં બેસી કલાકો સુધી વાતચીત કરી હતી તો પણ કોઈ કરતા કોઈ સ્ત્રીને જયશંકર હોવાનો ખ્યાલ સુધ્ધાં નહોતો આવ્યો. અભિનયમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે રૂમના એકાંતમાં અરીસા સામે જોઈ એકલા એકલા અભિનય કરતા અને ચહેરા પરના હાવભાવ તેમજ ડાયલોગ ડિલિવરી જાતે ચકાસી એમાં સુધારા વધારા કરી લેતા હતા. એમના વિશે એક એવી મજેદાર વાત પણ સાંભળી હતી કે નાટક જ્યારે પણ ભજવાય ત્યારે જયશંકરભાઈ એનો પ્રયોગ ખૂબ જ ધ્યાનથી, બારીકાઈથી નિહાળે. કાગળ – પેન લઈને બેસે અને જે પણ કલાકારે ભૂલ કરી હોય એ તેમજ કોઈ બાબત ગમી ગઈ હોય, સ્પર્શી ગઈ હોય એ બધું ટપકાવી લેતા. ખેલ પત્યા પછી બધા કલાકારના નામ બોલે અને જે કલાકારનું કામ પસંદ પડ્યું હોય એમને એક એક ખણખણતો રૂપિયો આપે. અનેક કલાકારોએ શિરપાવ પેટે જયશંકરભાઈ પાસેથી મળેલો રૂપિયો અનેક વર્ષો સુધી સંભાળીને સાચવી રાખ્યો હતો.
આપણ વાંચો: હેં… ખરેખર?!: મેઘાલયમાં છે વિશ્વની સૌથી લાંબી રેતીના પથ્થરની ગુફા!



