
- રમેશ પુરોહિત
કલમને ખોળે માથું મૂકી દઈને સાહિત્યની સાધના અને આરાધના કરતા બહુ ઓછા નામ આપણી પાસે છે. રાજેન્દ્ર શુકલ આમાં મોટા ગજાનું નામ છે પણ એ શાંત ખૂણે પલાઠીવાળીને બેઠા છે અને પોતાની ગઝલમાં રમમાણ છે, પરંતુ પોતા સિવાય બીજા બધાની રચનાઓ લોકો સુધી લઈ જવાનું કામ બહુ જુજ સાહિત્યકારો કરે છે તેમાં બહુ જ સંનિષ્ઠ સંપાદક તરીકે ગઝલકાર એસ.એસ. રાહીનું નામ અને કામ મોખરે છે. છેલ્લાં લગભગ ત્રીસ વર્ષથી આ કલમજીવી સર્જક પોતાના ઉપરાંત બીજાના સર્જનને ગ્રંથસ્થ કરવાનું ઐતિહાસિક કામ કરી રહ્યા છે.
ગઝલના ક્ષેત્રમાં અત્યારે તુકબંધી અને જોડકણા કરનારાઓનો પ્રવેશ સરળતાથી થઈ શકે છે અને હવે તો આ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. બેતબાજી કરીને ભાવપ્રતીકોની ફેંકાફેંકીમાં માહેર લોકો પિંગળશાસ્ત્રના જ્ઞાન વગર સ્ટેજ ગજવે છે અને તાળીઓ ઉઘરાવે છે, જ્યારે આની સામે છેલ્લાં સાઠ વર્ષથી ગઝલમય રહેલા એસ.એસ. રાહી ગઝલકાર ઉપરાંત ગઝલના વિદ્વાન વિવેચક છે. અત્યારે ગઝલના ક્ષેત્રમાં કામ કરનારા સર્જકોમાં ગઝલના જ્ઞાતા અને પોતે સર્જક હોય એવા બહુ ઓછા ગઝલકારો છે. આવા સાહિત્યોપસના કરતા સર્જકોમાં એસ.એસ. રાહીનું નામ આગલી હરોળમાં છે.
વીસ વર્ષની નાની ઉંમરમાં એમણે ‘પરવાઝ’નામનો પ્રથમ ગઝલ આપ્યો અને પછી ગઝલ સર્જનની યાત્રા અવિરત ચાલી જે આજે ઓછામાં ઓછા દસ સંગ્રહ સુધી પહોંચી છે. ‘ગઝલ: સંજ્ઞા અને સપ્રત્યય’માં ગઝલના સ્વરૂપની વાત થઈ છે.
એમણે વિદ્વતાભર્યા અભ્યાસ લેખો લખ્યા છે. ગઝલ આસ્વાદ, સાહિત્યિક મુલાકાતો, ગઝલના મહેલમાં નામના પુસ્તકમાં જીવન-કવનની વાત થઈ છે. શે’ર સંપાદનના પાંચ પુસ્તકો કર્યા છે. ‘અમર ગઝલો’ અને ‘રૂપ એક, રંગ અનેક’ પુસ્તકો ગઝલ સંપાદનના છે. ‘ઝુમ્મર’ નામે પુસ્તકમાં આપણી શ્રેષ્ઠ નઝમો લેવામાં આવી છે. ગઝલ ઉપરાંત મુકતક, મોનો-ઈમેજ, સર્જકસેતુ અને પત્રોનું સંપાદન કર્યું છે.
એક જમાનો હતો જ્યારે આપણા મહાન ગઝલકારોનું શાળાકીય શિક્ષણ ઓછું હતું પણ એમનું પ્રદાન નોંધનીય રહ્યું છે. આદિલ, ચિનુ, મનહર પછી પરિસ્થિતિ પલટાય છે. શેખાદમ સાક્ષર હતા. એસ.એસ. રાહી બી.કોમ., બી.એ., પી.એચ.ડી. છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલમાં પી.એચ.ડી. કર્યું છે. હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના માનવંતા ઍવોર્ડ ઉપરાંત ઘણાં માન-અકરામ એનાયત થયા છે. એમણે જિંદગીભર સામયિક સંપાદન, કટાર લેખન અને પ્રતિષ્ઠિત પત્રોમાં સેવાઓ આપી છે.
આવા બહુશ્રુત અને પ્રતિભાવંત સર્જક પોતાની જાતને માન-અકરામની હોડમાં મૂક્યા વગર સર્જન ચાલુ રાખે એ જ એમની વિશિષ્ટતા છે. ગુજરાતનું એક પણ પત્ર કે સામયિક એવું નથી જેમાં રાહીની રચના પ્રકટ ન થઈ હોય. ગઝલકાર તરીકે રાહીની ધ્યાન ખેંચે એવી વિશિષ્ટતાઓની વાત કરીએ તો એમણે હંમેશાં સાદી અને સરળ ભાષા પ્રયોજી છે. એમાં સરળતાનું સૌંદર્ય છે.
ગઝલના પરંપરાગત સાહિત્ય સ્વરૂપમાં આધુનિક ચેતનાને વ્યક્ત કરવાનો જે પ્રયત્ન આદિલ વગેરે ગઝલકારોએ કર્યો એમાં રાહીનો ફાળો નોંધપાત્ર છે. પરંપરાગત સ્વરૂપમાં પણ તે નવીનતા લાવી શકયા છે. માનવીના સુકોમળ હૃદયની મીઠી ઝંખનાઓને એમણે વાચા આપી છે. માણસની વ્યથાને ગઝલમાં અભિવ્યક્ત કરી છે. જુઓ આ શેર:
વેદનાને ઘાટ તો આપો જરા દર્દ કચ્ચરઘાણ લઈને ક્યાં જવું?
રાહીએ ચોથો સંગ્રહ ‘હજુ અજવાસ છે કાળો’ પ્રકટ કર્યા પછી એક મોનો-ઈમેજ સંગ્રહ ‘લેન્ડસ્કેપ’ આપ્યો. નિમિશ ઠાકર અને મધુ કોઠારીએ આ પુસ્તકની સમીક્ષા ‘વિવેચનના ગજરા સાથે કલ્પનોની વેલ્વેટી બિછાત પાથરી આપી છે!’ એક મોનો ઈમેજ જોઈએ:
એક પતંગિયાએ
એક ફૂલ સાથે દોસ્તી બાંધી
પછી બંને ખડખડાટ હસી પડ્યાં!
કોન્ટ્રાસ્ટ અને કટાક્ષનું કોલાજ લાઘવથી સિદ્ધ કરવામાં રાહી પથદર્શક અને ‘ગાઈડ’ બનવાની હેસિયત દાખવે છે. જેમ કે:
ફૂલ મૃત્યુ પામ્યું છે.
એના પર માણસો ચઢાવો
રાહીએ આધુનિક અને અનુઆધુનિક એમ બન્નેના દોરમાં તેમણે સર્જન અને વિવેચન દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. ભાષાની સરળતા, ભાવની સચ્ચાઈ, સંવેદનની પારદર્શિતા વગેરે એમની ગઝલના નોંધપાત્ર લક્ષણો છે જેમ કે:
ઊમ્રભર છેતરે છે સૌને
એવું શું હોય છે અરીસામાં?
એમાંથી મળશે ભવોભવની મહેક
વૃક્ષ ક્યાં માગું છું, ગજરો આપજે
શ્રદ્ધાના પથ્થરોને હું કેવી રીતે નમું?
મેં મારો શ્વાસ પણ કદી મારો કર્યો નથી.
તમને કોઈ પૂછે કે શફક્કત સૈફુદીન વર્ધાવાળાને ઓળખો છો? તમે તરત ના પાડવાના પણ કોઈ એમ પૂછે કે એસ.એસ. રાહીને ઓળખો છો તો તરત હા પાડવાના. કારણ આની પાછળ છ વર્ષની સાધનાનું તપ છે. એમનો જન્મ 28-12-1952માં વતન ધ્રાંગધ્રાના થયો. શિક્ષણ પણ ત્યાં અને શરૂઆતનું ગઝલકર્મ પણ ત્યાં જ થયું. આમ આ સર્જક મૂળિયા સાથે જકડાયેલા રહ્યા હોવાથી એમની ગઝલોમાં વિષય વૈવિધ્ય છે. ચેતો વિસ્તાર છે. જેમ કે:
બે સ્થળે મારી હયાતી હોય છે:
ટોચ પર-ક્યારેક-તળેટીમાં મળું!
રાત છે વરસાદી ને આવ્યા છે પૂર
ને, નદીમાં ટ્હેલવા નીકળ્યો છે થાક
એકાંતમાં ને એકલા ભીંજાવું હોય તો
આ શ્રાવણી વરસાદ કશા કામનો નથી
પછી ઝાંઝવા, ડમરી, લૂ, બોલી ઊઠ્યા
આ બેભાન માણસ તો લાગે છે શહેરી
એસ.એસ. અત્યારની ગઝલના અગ્રગણ્ય સર્જક છે. સાંપ્રત ગઝલના એક સશક્ત હસ્તાક્ષર છે. કવિને કટાક્ષકલા સાધ્ય છે.
દોસ્તોમાંથી ઘણું મળશે તને દુશ્મનોના ઘાવ અમથાં હોય છે
આ કવિ ઘણી વખત કલ્પનામાં વ્યત્યય સાધીને અનોખી છટા પેદા કરે છે જેમ કે ‘ઝેર પીને કાંચળી ડંખી હતી.’ ‘બરફની એક કણીથી ચીરું કઠણ તડકો’ વિચારને વેધકતા આપવામાં આ સર્જક વધારે ખીલે છે. એમના શબ્દગુચ્છો વિશાળ ને સમૃદ્ધ કલ્પનાની તેમ જ તીવ્ર સંવેદનની સાક્ષી પૂરે છે. એમની વિશિષ્ટ ભાવસમૃદ્ધિ એમની ગઝલોને આગવું સૌંદર્ય બક્ષે છે જેમ કે:
આ ચિતા પર સૂતેલી પિંગળા
ભરથરીની આંખમાં જાગે હવે.
રાહીએ બે પંક્તિના શે’રને બદલે ત્રણ પંક્તિનો શે’ર રચીને ત્રિપદીનો નવો પ્રયોગ કર્યો છે. એમની આવી ગઝલના થોડા શે’ર જોઈએ.
ક્યાંય પણ ધુમ્મસ નથી ઝાકળ નથી
ચોતરફ નિસ્તબ્ધતાનું રાજ છે
ને ગગનમાં એક પણ વાદળ નથી.
આંખ કોરીધબ્બ છે કાજળ નથી
છાતીએ છે નીલવર્ણા છૂંદણા
પણ હથેળીમાં તો એકે સળ નથી.
અહીં વિરોધાભાસ છે. વિચારકો કહે છે કે વિસંગતિ એ જીવનનું વ્યાવર્તક લક્ષણ છે. ‘જિંદગીમાં કશુંક છે અને નથી. વિરોધાભાસની તીવ્રતા જિંદગીને જીવવા લાયક બનાવે છે તો બીજી બાજુ તે જ જિંદગીને જીવવું મુશ્કેલ બતાવે છે.’
વાતાવરણમાં સન્નાટો છે. નથી ધુમ્મસ કે ઝાકળ અને વાદળ પણ નથી. આમ એક જુદા જ વાતાવરણમાં ફક્ત ત્રણ પંક્તિના શેરમાં રાહીએ જે કસબ દાખવ્યો છે તે ‘મત્લા’ને જીવંત બનાવે છે. બીજા શે’રમાં કહે છે સાવ કોરી છે, કોઈ સપનાં નથી અને કાજળ પણ નથી. ભલે આંખ કોરી છે છતાં છાતીમાં નિલવર્ણા છૂંદણા આશાનો સંચાર કરે છે. આમ છતાં ઈચ્છાપૂર્તિના રસ્તામાં વિઘ્ન છે. એક પણ રેખા શુભસંકેત આપતી નથી. કવિ ભાવ-અભાવના કાયમી જોડકાને રજૂ કરવામાં સફળ રહ્યા છે.
રાહી બહુ શરમાળ અને સ્વભાવે સરળ અને ઋજુ છે. પ્રસિદ્ધિ માટે પડાપડી નથી. ગઝલની સંવેદનાના ઊર્મિશીલ પ્રહરી છે. એમની ગઝલો નખશિખ શુદ્ધ હોય છે. ચાલો આ કવિના થોડા શેર માણીએ:
આપણ વાંચો: કેનવાસ: નવી પેઢીનો લેટેસ્ટ વાયરસ: સૈયારા
તને કઈ રીતે આ ગઝલમાં હું લાવું
રુઝાયા નથી જ્યાં જૂના ઘાવ સજની
જુઓ ચાંદની રણમાં ઢોળાઈ ગઈ છે
જુઓ ધીમે ધીમે ઠરી જાય છે લૂ
તારી અગાસી સામે ક્યાં મંડાય છે નજર
ભોળીભટાક તારી એ અંગડાઈ ક્યાં ગઈ ?
આવેલી એક તક મેં અમસ્તી જ અવગણી
ખટકે છે તે દિવસથી સમય નામની કણી.
પછી રંગ માટેની અટકળ કરો
પ્રથમ બંને હાથોની મેંદી જુઓ.
રસ પડે છે ક્યાં કોઈ પણ ચીજમાં
ધ્યાન મારું જ્યાં સતત તાવીજમાં
એક તરફ દરિયો અને બીજી
તરફ અષાઢી બીજ
ખારવાની કશ્મકશ ચૂપચાપ હું જોતો રહ્યો
આજ માલણની ખુશી માતી નથી
ક્યાંકથી આવી હશે મળવા મહક
હિબકે ચઢ્યું છે પાણિયારું એ જ વાત પર;
મટકી મૂકીને ક્ધયા પનઘટ જતી રહી
શ્રાવણના એ દિવસનો કરું કેમ ભરોસો?
ભીના થવા ગયા અને વાછટ જતી રહી.
છો ને તરસ્યો છું જીવનમાં
મૃત્યુ ગંગાજળિયું દે.
વાવ્યું હતું મેં મૌન ને પડઘો ઊગી ગયો
કેડી જુવાન થઈ પછી રસ્તો ઊગી ગયો
નાલંદા ને તક્ષશિલાને યાદ કરું
તું આવે તો બંનેને બાદ કરું.