સર્જકના સથવારે: ગઝલમાં કલંદરના નારા જગાવનાર મનુભાઈ ત્રિવેદી | મુંબઈ સમાચાર

સર્જકના સથવારે: ગઝલમાં કલંદરના નારા જગાવનાર મનુભાઈ ત્રિવેદી

સમજવી છે સહેલી સાવ તંબૂરતારની સીમા પરંતુ સાવ સમજણ પાર છે ઝંકારની સીમા.

  • રમેશ પુરોહિત

વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ગઝલ સોળે કળાએ ખીલી હતી. માંગરોળથી લઈને મુંબઈ સુધીમાં ગઝલ પોતાનો ચેતોવિસ્તાર અને શબ્દવિસ્તાર સુપેરે પ્રસરાવી શકી હતી. દરેક નગર, કસ્બાઓ અને શહેરોમાં ગઝલના થાણાં નંખાય ચૂકયાં હતાં, માંડવડા રોપાઈ ગયા હતા. ગઝલની આન બાન અને શાન રાજમહેલોનો કબજો લઈને બેઠી હતી. આવા સમયે ગઝલના રંગરાગમાં કબીર, સૂરદાસ, નરસિંહ અને મીરાંના સૂર ભક્તિરસમાં તરબોળ થઈને આવતા હતા. આવા ગઝલ સાધકોમાં મકરંદ દવે, કપિલરાય ઠક્કર અને મનુભાઈ ત્રિવેદી મોખરાના કવિઓ ગણાવી શકાય. આજે આપણે મનુભાઈ ત્રિવેદીની વાત કરવી જેમની ગતિ બન્ને પ્રકારમાં સ્વંયપ્રકાશિત હતી.

‘ગાફિલ’ ઉપનામથી ગઝલ લખતા અને ‘સરોદ’ ઉપનામથી ભજનો અને રચનાઓનું સર્જન કરતા. એમનો જન્મ 27 જુલાઈ 1914ના રોજ માણાવદરમાં થયો હતો. એમના પિતાશ્રી રાયબહાદુર ત્રિભુવનદાસ ત્રિવેદી માણાવદર સ્ટેટના નવાબના દીવાન હતા. માતા પ્રેમકુંવરના ધર્મપરાયણ સંસ્કારો એમના ભજનોમાં ઉતર્યા હોય એમ લાગે છે. કવિની સર્જકશક્તિ કોલેજકાળથી ખીલી હતી. શરૂઆતમાં એમણે ગીતો, છંદોબદ્ધ કાવ્યો અને સરસ સૉનેટો લખ્યાં હતાં. ત્યાર પછી ગઝલ અને ભજન જેવા પરસ્પર નિરાળા કાવ્યપ્રકારોમાં સરખી ગતિ રાખીને જે કાંઈ આપ્યું છે એ ગુજરાતી કવિતા સાહિત્યની મોટી મિરાંત છે. એમના કહેવા પ્રમાણે સર્જનની સરવાણીના પાયામાં ‘મીર’ છે તો મીરાં પણ છે:

ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ
અહીં ખેંચે છે મીરાંબાઈ તો ત્યાં મીર ખેંચે છે
*
કવિશ્રી મકરંદ દવેએ ‘કલંદરના ઈશારા’ શિર્ષક નીચે મનુભાઈના ગઝલ-ભજન સર્જનનાં તમામ પાસાંઓની તલસ્પર્શી સમીક્ષામાં કહ્યું છે કે ‘મનુભાઈ માટે મીરનું ખેંચાણ માત્ર ગઝલમાં સ્વરૂપ પૂરતું કે મીરના કલામ પૂરતું મર્યાદિત નથી પણ મીરના દિમાગમાં જે કલંદરી છે તે મનુભાઈને ગઝલો લલકારતી કરી દે છે.’ આ કલંદરીની ઝાંખી જરૂરી છે:
ખુશ રહા, જબ તલક રહા જીતા
મીર માલૂમ હૈ, કલંદર થા
*
મીરનો અલગારી ઈશ્કે-હકીકીનો મિજાજ મનુભાઈની ગઝલમાં હાથમાં હાથ પરોવીને ચાલ્યો આવે છે જેમ કે:
જગતને કરી દે ગમે ત્યારે જાગૃત
કલંદરના નારા છે મારી ગઝલમાં
*
મનુભાઈ ત્રિવેદીએ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી. એ જે પક્ષે હોય પણ મનથી હંમેશાં ન્યાયપક્ષે હતા તેથી એમણે સાચા-ખોટા કરવાને બદલે ન્યાયાધીશ બનવાનું મુનાસિબ માન્યું અને કાયદાની દેવીનાં બન્ને પલ્લાંઓ સરખાં રાખીને આખી જિંદગી ન્યાય તોળ્યો. આવી જ રીતે સર્જક તરીકે ભજન અને ગઝલના બન્ને ત્રાજવાને સમતોલ રાખીને જે કંઈ આવ્યું તે આમદ તરીકે લખ્યું.

ગઝલના પાયાનો રંગ-તગઝ્ઝુલ-એમની ગઝલમાં છે. પ્રેમની ભાવના અને વિભાવના સ્પંદનો ઝીલાયા છે. આમ ઈશ્કે-મિજાજી તો છે પણ સાથે ભગવા રંગનું આકાશ છે એટલે ઈશ્કે-હકીકી છે, જેમાં પરમતત્ત્વ સાથેનું અનુસંધાન સમર્પણ અને સ્વીકારના ભાવ સાથે સતત નજરે પડે છે. જેમની સુરતા હરિ સાથે હોય એવા સર્જક પાસે સર્વસમર્પણનો ભાવ જરૂર હોવાનો. મનુભાઈની ગઝલમાં પ્રણય, વિરહ અને સામાજિક નિસ્બત છે. બાહ્ય વિરહની સાથે સાથે ઈશ્ર્વર સાથેનો વિરહ ઉફરું સ્થાન લે છે. આના કારણે ક્યારેક ગઝલ ભજનનુમાં બનતી લાગે છે. ગઝલમાં આમ બનવું સ્વાભાવિક છે કારણ કે અંતે તો ગઝલ પણ પરમ-પ્રિયતમ પરમેશ્ર્વરની પૂજા જ છે. મકરંદભાઈ જેવા મરમીની સોબતથી અને અમૃત ઘાયલ જેવા શબ્દસ્વામી સાથેની મૈત્રીથી ગઝલના બાહ્ય સ્વરૂપ અને આંતરસત્ત્વની હિફાજત, શિસ્ત અને અદબ એમની ગઝલોમાં જોવા મળે છે. પહેલા બાહ્ય રંગ દર્શી શેરોની તરતપાસ કરીએ:

મલકતું મ્હો અને ચમકી જતી આંખો કહી દે છે
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે
*
ગઝલ કંઈ ન બીજું, પ્રણયની પ્રસાદી
કુસુમ જેમ કોઈ ઉદયની પ્રસાદી
ઢળેલાં નયનમાં નિહાળી લો ઓજસ
વિવેકે ભરી છે વિનયની પ્રસાદી
*
નવાઈ શી અગર હું એમના જેવો જ લાગું છું
અરીસો આયખાનો રૂપની તસ્વીર ખેંચે છે
*
પજવણી નથી આંખડીનીય ઓછી
કદી સુદ કરે છે, કદી વદ કરે છે
હું સંદેશ એને કહાવું શી રીતે?
રજૂઆત ખોટી જ કાસદ કરે છે
*
મનુભાઈની ‘ઓવારણાં’ શિર્ષકની છ શેરની નાની બહરની ગઝલમાં પ્રણયનો ભાવ ક્યારેક ઈશ્કે-મિજાજીમાંથી ઈશ્કે-હકીકીમાં પરિવર્તિત થતો જણાય છે. ગઝલના ચંદ શેર છે:

મળ્યા સામા મને એ બારણામાં
જિતાઈ દિલ ગયું ઓવારણામાં
હતો કેવો, ગયું એ વીસરાઈ,
હતાં કેવાં, રહ્યું સંભારણામાં
સમાધિ સ્હેજમાં લાગી જવાની
ઊભો છું ઉંબરા પર ધારણામાં
અહો ગાફિલ, તમારું ભાગ્ય કેવું?
તમે છો એમની વિચારણામાં.

આખરી અવસ્થામાં ચિંતન મોક્ષ, માયાના બંધન અને છેલ્લે મૃત્યુના ભણકારાની અગોતરી જાણ વિશે વધારે થતું હોય છે. કવિ આર્ષદૃષ્ટા હોય છે એટલે પડછાયા, પડઘા અને પ્રતિબિંબના ઓળાઓ ઘણું બધું કહી જતા હોય છે. કવિ આ પડઘાને પામી ગયા છે એટલે પ્રશ્ર્ન ગઝલમાં મૃત્યુના ભણકારાની વાત આ રીતે કરે છે:

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત?
પગરણ થઈ ચૂક્યા છે હવે પાનખર તણાં
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત?
જ્યારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી
ત્યારે ખટુકશે ખાટ હવે કેટલો વખત?
ગાફિલ તમારો ઘાટ ઘડાવાની છે ઘડી
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત?
આપણા અગ્રગણ્ય ગઝલકાર ડૉ. લલિત ત્રિવેદીએ નોંધ્યું છે કે ‘કાવા દાવા કૂડ કપટથી ભરેલા કોર્ટના પરિસરને મનુભાઈએ માનસર કરી જાણ્યું. જેને અંદરબહાર ‘સાચા શબ્દ’ હોય એમને ન્યાયાલય શું કે મંદિર શું કવિ એક ભજનમાં કહે છે.’

આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદના પરમાણ
મનુભાઈના ઘરે સાંજે પડે ને સંતો, કવિ-મિત્રો-અંતરંગની બેઠક હોય જ. મકરંદ દવે, અમૃત ઘાયલ, તખ્તસિંહજી પરમાર, પાજોદ દરબાર રૂસ્વા સાહેબ અને અન્ય કવિઓ વારાફરતી આવતા રહે અને સબદનો ધૂણો ધખતો રહે. સબદ નિષ્પન્ન અને કરણીની કમાઈ એમ બન્નેની વાત કરતા ‘સરોદ’ એક ભજનમાં કહે છે.

જેદી કરણીની હોય કમાઈ
મેરે ભાઈ
હેડો સબદ નીસરે ધાઈ, હોજી!
આ ‘હેડો સબદ,’ સબદ-સાધના મનુભાઈના સમગ્ર જીવનનો પર્યાય!

ટાઉન હોલ, અમદાવાદમાં યોજાયેલ મુશાયરામાં શ્રોતા તરીકે ગયેલા, પરંતુ મિત્ર અમૃત ઘાયલ વગેરેના આગ્રહથી મંચ પરથી ગઝલ રજૂ કરી, અને પોતાની જગ્યાએ બેસવા ગયા ત્યાં જ ઢળી પડ્યા, બેભાન થઈ ગયા અને તા. 9-4-72ના રોજ નિધન પામ્યા.

મકરંદભાઈ આ ઘટના વિશે લખે છે- કવિ સંમેલનમાં પોતાની ગઝલ સંભળાવીને મિત્રોની વિદાય લેવી એ તો ચમત્કાર જ ગણાય.

કવિના કુલ ચાર સંગ્રહો પ્રગટ થયા-બે ભજન સંગ્રહો (1) રામરસ અને (2) સુરતા. 1973માં બંદગી ગઝલ સંગ્રહ અને પવન પગથિયાં (ગુ.સા.અ. દ્વારા પ્રકાશિત અને ચંદ્રકાંત ટોપીવાળા સંપાદિત), જેમાં કવિતા, છાંદસ કાવ્યો, ભજનો, ગઝલો, બાળકાવ્યો વ.નો સમાવેશ થાય છે.

કવિનો પ્રથમ પ્રેમ ‘રામરસ’ હતો. મૃદુ અને ઋજુ હૈયું ધરાવતા આ કરુણામૂર્તિ કવિના સ્પંદનો શબ્દનું રૂપ ધરીને અંતરમાંથી આફુડા અલખના ઉદ્ગાર ઊઠતા હતા. એમની વાણીમાંથી તંબુરતારનો સુરતાનાદ વહેતો હતો. એમણે એટલે તો કહ્યું છે કે:

સમજવી છે સહેલી સાવ તંબૂરતારની સીમા પરંતુ સાવ સમજણ પાર છે ઝંકારની સીમા.

ગઝલ હો કે ભજન હો ક્યાંય આક્રોશ નથી, સર્વત્ર સ્વીકારની અને સમર્પણની ભાવના નજરે પડે છે. કેટલાક મનનીય અશ્આર અને ભજન પંકિતઓથી સમાપન કરીએ. અમદાવાદના મુશાયરામાં રજૂ કરેલી છેલ્લી ગઝલ વિચારવા અને સમજવા જેવી છે.

જુદી જિંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે

હટી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે
*
હશે વીત્યુ શું એના પર, તે એ જાણે,
ખુદા જાણે
અમસ્તુ તો ગમે ના દિલને પાષાણી બની જાવું
*
જીવનનો સાથ સ્વીકારું કે પાલવ મોતનો પકડું?
નથી સમજાતું એના એક અણસારાએ ક્યાં જાવું?
*
સાતેય રંગ શ્ર્વેત કિરણમાં જઈ ભખ્યા
રોનક હતી જહાની, સુભગ સાદગી થઈ.
*
મને ગાફિલને ઠેકાણાનું પૂછો છો તમે શાણા
રુદનથી માંડી ખુશહાલી તલક છે મારું ઠેકાણું
*
અંતરમાંથી આવે આફૂડા
અલખના ઉદ્ગાર
ઝીલો ન ઝીલો ભાઈ ભેરું સહુયને
ઝાઝા કરીને જુહાર
રે એવો વાણીનો વહેવાર જી.

આપણ વાંચો:  કેનવાસ: કાતિલ ઓગસ્ટ…અળખામણો ઓગસ્ટ…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button