સર્જકના સથવારે : ગઝલના સ્વયં પ્રકાશિત સિતારા હરકિસન જોશી

- રમેશ પુરોહિત
કંઈ કેટલાય સર્જકો એક ખૂણામાં બેસીને સર્જનકાર્ય કરતા રહે છે. એમને નથી કોઈ ઈચ્છા ચંદ્રકો, એવોર્ડ કે ખિતાબ મેળવવાની નથી કોઈ ઝંખના પોતાની વાક્છટાથી ચોમેરતાળીઓ પડાવવાની. આવા ઘરદીવડાઓ પોતાના તેજથી પ્રકાશિત રહીને સર્જનની જ્યોતને જલતી રાખે છે. આવા સ્વયંપ્રકાશિત દીવડાઓ કોઈની દીપમાળાના દેદીપ્યમાન તેજથી અંજાઈ નથી જતા. ગઝલના વિશાળ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન દેનારા આવા પરમ પામવાની અઠંગ ધૂણી ધખાવીને સર્જન કરતા રહે છે.
આવા તેજસ્વી ઘરદીવડામાં હરકિસન જોશીનું નામ અને કામ અનોખું સ્થાન ધરાવે છે. હરકિસન જોશીએ આપણને ‘ધુમ્મસથી આકાશ ભરી બેઠો છું’ કાવ્યસંગ્રહ 1967માં આપ્યો અને પછી 1976 થી 2013 સુધીમાં ચાર ગઝલ સંગ્રહ અનુક્રમે મીણના સહવાસમાં, તારા નગરમાં, એની કૃપા છે ગઝલ અને દરવેશ તારા દ્વાર આપ્યા છે.
કિસન દોહાવલી પુષ્પ 1-2 એ હિન્દી દોહરાના પુસ્તકો છે ચિંતનાત્મક નિબંધ ‘કોર્ટ ફી ટિકિટના પેટ પરની સુકાઈ ગયેલી ચિકાશ’ એમના વકીલના વ્યવસાય દરમિયાન નાના માણસોને વેઠવી પડતી અગવડોની વાત કરે છે. એમણે જામનગરમાં રહીને ઋણ ચુકવણી સ્વરૂપે ‘નગર નવાનગર જામનગર’ શહેરનો ઈતિહાસ આપ્યો છે. સાડા ત્રણસો પાનાનાં આ ઈતિહાસમાં સાડા ચારસો વર્ષના સમયના લેખાં-જોખાંની રસપ્રદ વાત છે.
આપણી પવિત્ર નદી નર્મદાનો પરિચય ‘અહો નર્મદા નીર ગંભીર ગાજે’ નામે પ્રકાશિત થયો છે અને ‘હાલો મારા હરિજનની હાટડીએ’માં પ્રતિનિધિ ભજનોનું સંપાદન છે. ‘અંતર્યાત્રા’ (1 થી 17 પત્રિકા અને દરેકમાં આધ્યાત્મિક વિષય પર નિબંધ છે.)
ગઝલમાં પ્રેમની વાત તો હોવાની અને પ્રેમને પગલે આવતો વિરહ અને બન્નેના પગલે આવતી પ્રતીક્ષા મહત્ત્વના વિષયો છે. તગઝૂઝૂલ એ ગઝલનો રંગ છે અને રંગના આ રંગીલા પટોળામાં ઈશ્કે-હકીકી એટલે સૂરી રંગ ભળે ત્યારે ગઝલ તેની ચરમસીમાએથી વાત કરે છે. હરકિસન જોશીમાં ઈશ્કે-મિજાજી છે પણ ઈશ્કે-હકીકીનો સૂદી રંગ વધારે ઘટ્ટ બન્યો છે. દરવેશ તારા દ્વારમાં ગઝલકારની પરમભણીની આરત વધારે સ્પષ્ટ અને ઊંડાણ માપતી જણાય છે.
એમના પ્રથમ સંગ્રહ ‘મીણના સહવાસમાં શાયર પરંપરાના પોતને નિભાવીને પરંપરાગત થયા વગર પોતાના કલામને વિશિષ્ટ અંદાજથી પેશ કરે છે. પ્રેમ-વિરહ-ઝંખના વગેરેને આવરી લેતા એમના શરૂઆતના શેરો માણવા જેવા છે. આ કવિ હંમેશાં ડંખને, વ્યંગને અને ક્યારેક નિખાલસતાને ભૂલતા નથી. થોડાક શેરો માણીએ:
પહેલો મિલનનો સ્પર્શ ને બીજો જુદાઈનો
સ્પર્શે ઉઘડશે પુષ્પ ને સ્પર્શે ખરી જશે
માણસ ફૂલને જેવો સ્પર્શે છે, તોડે છે ત્યારે એમ માની લે છે કે તેણે ફૂલને પામી લીધું છે પણ ફૂલ તો હાથમાં આવતાં જ કરમાઈ જાય છે. એક સ્પર્શથી કળીમાંથી ફૂલ થાય છે અને બીજા સ્પર્શે ફૂલ કરમાઈ જાય છે. વિરહમાં સ્મરણની વાત તો આવેજ જોઈએ થોડાક શેર:
આ તિરાડો ન જો ફેંકવા દે કિરણ!
તો પછી માંજીએ કેમ તારાં સ્મરણ!
કફનનો થયો સ્પર્શ કે સાંભરી ગઈ!
તમારા રમાડેલા પાલવની વાતો!
હું પછી ઊડું નહીં આકાશમાં
તું મને લઈ લે જો બાહુપાશમાં
એમને ભાખી લીધા છે એટલે,
શબ્દ સંતાઈ ગયા છે શ્વાસમાં
જીવનમાં સુખ, દુ:ખ, સંવેદના અને સંબંધો પર કંઈક કહ્યા વગર કવિ કેવી રીતે રહી શકે. આ કવિએ પણ મનુષ્ય સંવેદના અને નાજુક સંબંધોની સાથે છેડછાડ જરૂર કરી છે.
આપણે જે ઘરમાં રહીએ છીએ તે મકાન છે, આવાસ છે, આશરો છે. ઘર એ ધરતીનો છેડો છે કે એક ધર્મશાળા છે નક્કી કરવામાં આખો જન્મારો વહી જાય છે. દરેકને ઈચ્છા હોય છે કે જે મકાનમાં એ રહે છે તે ઘર બની જાય ગુલામ રબ્બાની ‘તાબાં’ નામના ઉર્દૂના મશહૂર શાયર ઘર માટે સદાય યાદ રહી જાય એવા બે શેર આપે છે. પહેલા આપણે તેને માણીએ અને પછી આપણા શાયરના ઘર વિશેના શેરોની વાત કરીએ. જુઓ ‘તાબાં’ના શેર:
મેરે ખુદા મુઝે ઈતના તો મોતબર કર દે
જિસ મકાન મેં રહતા હૂં ઉસે ઘર કર દે
સંગ-ઓ-ખિશ્ત કો તાબાં બામ-ઓ-દર નહીં કહતે
રબ્ત-એ-ગમ ન હો જિસસે, ઉસકો ઘર નહીં કહતે
સંગ એટલે પથ્થર અને ખિશ્ત એટલે ઇંટ. બામ-ઓ-દર એટલે છજા અને દરવાજાવાળુ સરસ મકાન બને ત્યારે તેને ઘર ન કહી શકાય, એ મકાન છે. ઘરમાં રહેવાવાળાં જો દુ:ખના, દર્દના અને વ્યથાના સંબંધે બંધાયેલા હોય તો તેને ઘર કહી શકાય.
ઘરને વળગેલ પથ્થર ઉખડતા નથી
ખેસવું છું કમાડોય ખડતાં નથી
એ પ્રસંગોને શોધ્યા કરું છું સતત
સાચવી જે મૂક્યા છે તે જડતા નથી
ઘરમાં રહેનારાઓ વચ્ચે તિરાડ પડે, અંતર વધતું જાય અને દૂર થવાનું નામ પણ ન લે ત્યારે વિડંબના વધતી હોય છે. દીવાલો ખસેડવી શક્ય નથી અને મનની સંકડાશ ઘટતી નથી.
રુદન જેવું સંભળાય છે બ્હારથી તો
હવા જો હસે છે દીવાલોની પાછળ
મારાથી સંકડાશ સહન થાય પણ નહીં
અંતર દીવાલો વચ્ચે વધારાય પણ નહીં!
હું ગોઠવી શકું છું પુન: આ મકાન પણ
આવી રીતે કદાચ ગોઠવાય પણ નહીં!
ઘર આખું હું નાખત ઘૂંટી
પણ પથ્થરની પાટી ફૂટી!
ખુદાના ઘરની અને અલ્લાહના મકાનની કે દરગાહની વાત પણ આ કવિએ કરી છે:
બંધ દરવાજો હતો દરગાહનો
આદમી પાછો વળ્યો અલ્લાહનો.
ક્યારેક મઝહબના દરવાજાઓ ઢોંગી કે બંધ જણાય છે તે અવસરે પ્રાપ્ત થતાં દુ:ખની વાત છે. આ કવિએ ઘર અને જીવન સાથે સાથે રાખીને અનેક આયામી ગઝલ ‘પથ્થર’ રદીફ લઈને લખી છે. તેના બે શેર:
સાંકળ ખખડ્યે ડરતા પથ્થર!
ખોલ્યું ઘર કે ખરતા પથ્થર
શયનગૃહના સાવ ધૂંધળા
દૃશ્યોને સંઘરતાં પથ્થર
હરકિસન જોશીની ગઝલમાં શહેરી જીવનની વ્યથા છે. ઝૂંપડપટ્ટીને ગોદમાં લઈને બેઠેલા આલિશાન મકાનોની વાત છે. બસ અને ટ્રેનમાં કચડાતા માનવની અને ઉદ્ભવતી ગૂંગળામણની પણ વાત છે. આ બધું ‘તારા નગર’માં આવ્યું છે. ગ્રંથાલયોમાં ઈશ્ર્વરનું કાંઈ છે જ નહીં, બાકી બધું છે. શહેરમાં નજરે પડતી વિરોધાભાસી સ્થિતિઓની જુદા જ અંદાઝમાં વાત થઈ છે.
ચોપાસ ચક્ષુદાનને માટે પડાપડી
આ શ્હેરમાં પરંતુ લ્યો અંધો જ ક્યાં હતા
ગ્રંથાલયોના થોકબંધ પુસ્તકોમાં પણ
તારા વિશેના કોઈ નિબંધ જ ક્યાં હતા?
ક્યારેક વિરહની વ્યથા તારસ્વરે સંગોપાય છે તો ક્યારેક દરવેશના વેશમાં નીકળેલો શાયર અગમ્યની ખોજમાં અને નિજાનંદના આશ્ર્લેષમાં નિમજ્જન કરે છે. થોડા ક શેરોથી સમાપન કરીએ.
સમય તો સતત તારી પાછળ હશે
અને એનો પડછાયો આગળ હશે
પાળિયા પર છાંટણા સિંદૂરનાં
ઢૂંકડી નીંદર ને સપનાં દૂરનાં
મારી’ને એની વચ્ચે અક્ષર ખરી ગયા
શબ્દાર્થ પામવાનું હવે શક્ય પણ નથી
આ પહેલાં ક્યાંક આપણે મળ્યાંતા યાદ કર
દર્પણના કાચ જેવું ઝળહળ્યાંતા યાદ કર!
સરોવર કંઈ તરફ તારું અને મારી તરસ ક્યાં છે?
સમય કેવળ સમય એને દિવસ, રાતો, વરસ ક્યાં છે?
સાકી! સ્મરણ તમારું થતાં હોશ જાય છે
બેસીને સુરાલયમાં સુરાપાન શું કરું
તમારું મારા ભણી જોવું એ ગઝલ તો હતી
દિવસનું રાત મહીં ખોવું એ ગઝલ તો હતી
સંધ્યાની વેળા કોઈ સૂરજને લેવા આવ્યું
શ્ર્વાસોના પંખીઓનું ટોળું બન્યું બિચારું
કદી ક્યાંક નાનકડી ક્ષણ એક વાવો
ઊગી જાય ઘેઘૂર વડલો સમયનો
એથી ઝિલાતું એ નથી શબ્દોના પાત્રમાં
અક્ષરની પાર આપણું અસ્તિત્વ હોય છે.
મારી આંખ સામે અતીતની ધરી આરસી ને ઊભાં તમે
એની ભીની ભીની સવાર છે એક ઝાંખો ઝાંખો પ્રસંગ છે.
કોઈ યાદ આવે તો શું કરું
કોઈ જો વિચારે તો શું કરું?
મારાં રોમ રોમે વસંત છે
મારા અંગ વૃક્ષોના અંગ છે
તું ના અવાજ થઈ શક્યો પડઘોય ના થયો
તારું આ મૌન મારે હવે કોને વેંચવું?
આપણ વાંચો: હેં… ખરેખર?! : યુવતીનાં આંચકાજનક પ્રયોગે અનેકને સાવ ઉઘાડા પાડ્યા…
તમારા તરફથી તો અઢળક મળ્યું છે
જીવનવૃક્ષ સહરાના રણમાં ફળ્યું છે.
મને વ્યર્થ શબ્દોનો સર્જક ગણો છો
લખાયું તે એની કને સાંભળ્યું છે
હું તમારા નામમાં ડૂબી ગયો
એક દરિયો જામમાં ડૂબી ગયો.