કાળમીંઢ આર્થર રોડ જેલ: કોઈ એક નયે મહેમાન કી આને કી ખબર હૈ…!

- ક્લોઝ અપ – ભરત ઘેલાણી
*મેહુલ ચોકસી : મોદી – માલ્યા કરતાં ય પહેલો ચાન્સ મળશે,
*મુંબઈની આર્થર રોડ જેલ… એક વિહંગાવલોકન,
- મુખ્ય પ્રવેશદ્વાર…,
*નવી બેરેક સેલ નંબર : 12,
આમ તો ‘મામા- ભતીજા’ ની જોડી કાલ્પનિક કથા-ફિલ્મોમાં જેટલી જાણીતી હોય છે એવી વાસ્તવિક જીવનમાં ભાગ્યે જ જોવા સાંભળવા મળે.
હા, અપવાદ રૂપ છેલ્લાં કેટલાંક વર્ષથી એક જોડી ઘણી કુ-ખ્યાત થઈ છે ખરી અને એ છે દેશ આખાને હચમચાવી દેતી એવાં જબરા આર્થિક ગોટાળામાં સંડોવાયેલી ભાણેજ એવા નીરવ મોદી અને મામા મેહુલ ચોકસીની જોડી… આ બન્નેને નામે ‘પંજાબ નેશનલ બેન્ક’ના 13, 000 કરોડ રૂપિયાના ફ્રોડ નોંધાયેલો છે.
એમનાં આર્થિક કૌભાંડનો અણસાર સત્તાવાળાને આવે એ પહેલાં મામા મેહુલ અને ભતીજો નીરવની લુચ્ચા શિયાળ જેવી જોડી 2018ની એક કાળી રાત ઓઢીને દેશમાંથી પલાયન થઈ ગઈ!
એ પછી 19 માર્ચ 2019માં નીરવ લંડનથી ઝડપાયો અને મેહુલને એપ્રિલ 2025ના એન્ટવર્પમાંથી બેલ્જિયમ પોલીસે ઝડપી લીધો હતો.
અનેક કાયદાકીય ધમપછાડા પછી આ બન્ને ભાગેડુ અપરાધીને બ્રિટિશ અને બેલ્જિયમ કોર્ટે ‘સ્વદેશાગમન’નું કડક ફરમાન ફટકારી દીધું છે ત્યારે ‘ઘરવાપસી’ પછી એમને જે જેલમાં ‘ઉતારો’ એનાયત થશે એ મુંબઈની આર્થર રોડ જેલમાં એમના માટે સુવિધાથી લઈને સુરક્ષા સુધીની ગોઠવણ કેવી છે એની અલપ-ઝલપ પણ આપણે જાણી લઈએ…
આ દરમિયાન નીરવની જેમ ફેમસ ‘કિંગફિશર’ બિયરના ઉત્પાદક એવા વિજય માલ્યાના નામે પણ પોલીસ ચોપડે ભાગેડુ એવા આશરે 10 હજાર કરોડનાં કૌભાંડ નોંધાયેલા છે…
એ બન્નેના વકીલોએ બ્રિટનના ન્યાયાલયોમાં અનેક કાયદાકીય ઉક્તિ- પ્રયુક્તિઓ અજમાવી, જેમકે કે ‘ભારતની આર્થર જેલ ઘણી ગંદી-ગોબરી છે અમારા અસીલની માનસિક અવસ્થા ડામાડોળ છે જેલ- બેરેકનો માહોલ એવો છે કે એ કદાચ આપઘાત કરવા પણ પ્રેરાય! ’
આ પછી બ્રિટિશ કોર્ટે ભારત સરકાર પાસેથી સૌથી સુરક્ષિત ગણાતી મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર -12ની વિગતો ફોટા-વીડિયો ક્લિપ્સ મંગાવી એનો અભ્યાસ કર્યા પછી વિજય માલ્યા તથા નીરવ મોદીની સુનાવણી વખતે કોર્ટે એના ચુકાદામાં તડ ને ફડ સંભળાવી દીધું કે ‘તમારા જેવા હાઈ-ફાઈ આરોપી- અપરાધીઓ માટે આર્થર રોડ પ્રિઝન બેરેક-12 એકદમ સુરક્ષિત છે…ત્યાં માનસિક- શારીરિક તબીબી સેવાની પૂરતી સગવડ છે ને કેદી આપઘાત કરી શકે એવી કોઈ જ કચાશ કે ત્રુટિ ત્યાં શોધી જડે તેમ નથી માટે તમે નિશ્ર્ચિતં થઈ પધારો તમારે સ્વદેશ -જેલ!
આમ તો આપણી જેલ કેવી છે એ કોઈ આરોપી-અપરાધી કે પછી કોઈ વિદેશી સરકાર દેખાડવા- દર્શાવવા માટે આપણે તસુભાર બંધાયેલા નથી. જેલ એટલે જેલ મહેલ તો હરગીજ નહીં. આપણી જેલમાં પોતાની સુવિધા કે અનુકૂળતા મુજબ માલ્યા કે મોદી સાજા ભોગવે એ જરાય જરૂરી નથી. જેણે ગંભીર અપરાધ કર્યા છે એણે કાનૂન અનુસાર સખત સજા ભોગવવી જ પડે.
આમ છતાં આપણી સરકારે બ્રિટિશ સરકારને (અને હવે બેલ્જિયમ કોર્ટને) જોઈતી વિગતો તરત જ પૂરી પાડી, કારણ કે ‘ભારતની જેલ બદતર છે -માનવ અધિકારોનું ત્યાં પાલન નથી થતું’ એવો હોબાળો મચાવી માલ્યા-મોદી- ચોકસી જેવા હાઈ પ્રોફાઈલ અપરાધી રાજકીય આશરો માગી-મેળવી વિદેશમાં જ રહી ન જાય એને અટકાવવા આપણી સરકારે વાણિયા બુદ્ધિ વાપરી બન્ને કોર્ટને જેલની બધી વિગતો તાત્કાલિન પૂરી પાડીને પ્રત્યર્પણનો પહેલો રાઉન્ડ તો જીતી લીધો છે…
મેહુલ ચોકસી -વિજય માલ્યા-નીરવ મોદી જેવાને જે કારાગારને વર્ષો સુધી ‘નિવાસસ્થાન‘ બનાવવું પડશે એ આર્થર રોડ જેલનું બેરેક નંબર-12ની વિશેષતા અનેક છે.
આમ તો છેક 1926માં બંધાયેલી આર્થર રોડ જેલ જગતની સૌથી ખીચોખીચ ગીર્દીવાળી જેલ તરીકે બહુ બદનામ છે. આશરે અઢી એકરમાં પથરાયેલા આ જેલ સંકુલમાં સત્તાવાર રીતે 805 કેદી રાખવાની ક્ષમતા હોવા છતાં, અત્યારે અહીં 2500થી વધુ કેદીઓને ઘેટાં બકરાંની જેમ ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે.
જોકે આ બધા વચ્ચે આર્થર રોડ પ્રિઝન કંપાઉન્ડના સૌથી વધુ સુરક્ષિત ગણાતા વિસ્તારમાં એક અલાયદી ઈમારત છે, જેમાં બેરેક નંબર-12 છે. ગ્રાઉન્ડ ફ્લોર- એક માળના આ બિલ્ડિંગમાં 300 સ્કેવર ફૂટના બબ્બે સેલ છે. એક સેલ-કોટડીમાં વધુમાં વધુ 3 કેદીને રાખી શકાય, પરતું અગત્યના કેદીઓની સુરક્ષા ખાતર એટલા પણ કેદી અહીં રાખવામાં નથી આવતા.
પહેલા માળની કોટડીમાં માત્ર કુખ્યાત કે પછી વીઆઈપી કેદીને રાખવામાં આવે છે. આમ તો છેક 2020થી બેરેક -12 નીરવ મોદી- વિજય માલ્યા માટે તૈયાર રાખવામાં આવ્યો છે. એ બે માંથી જેનું પણ સ્વદેશાગમન વહેલું થશે એને આ પ્રથમ માળની એ કોટડીનો લાભ મળશે. એ બે માંથી કોઈ નહીં આવે તો અત્યારે દિલ્હીની તિહાર જેલમાં છે એવા મુંબઈ બ્લાસ્ટ (26/ 11)ના એક નાપાક કાવતરાખોર તહવ્વુર રાણાને પણ આનો લાભ મળી જાય…!
જોકે આ અઠવાડિયે બેરેક -12નો પ્રથમ મહેમાન કોણ બનશે એ વાતે એક નવો જ વળાંક લીધો છે. તાજેતરમાં નીરવ મોદીના મામા મેહુલ ચોકસીને બેલ્જિમની કોર્ટે ભારત તાત્કાલિક પરત કરવાની પરવાનગી આપી દીધી છે.
અલબત્ત, બ્રિટનની જેમ બેલ્જિયમ કોર્ટે પણ રૂપિયા 13 હજાર કરોડના કૌભાંડકારી મેહુલ ચોક્સીને આર્થર રોડ જેલમાં કયાં અને કઈ રીતે રાખવામાં આવશે એની વિગતો માગી છે.
એ અનુસાર ભારત સરકારે મેહુલ માટે બેરક -12માં જે સ્પેશિયલ સેલ તૈયાર રાખ્યો છે એની વિવિધ તસવીરો સાથે ઝીણી ઝીણી વિગતો બહાર પાડી છે. એ અનુસાર, આર્થર રોડની બેરેક 9 નંબર- 12 મૂળ બે સેલ- કોટડીને જોડીને બનાવવામાં આવી છે. આમ મેહુલ ચોક્સી માટે તૈયાર કરવામાં આવેલી આ 46 સ્કેવર મીટરના આ સેલમાં યુરોપિયન સ્ટાઈલના સ્વતંત્ર બાથરૂમ ટોઈલેટ હશે. આ ઉપરાંત કેદીને પૂરતો સૂર્ય પ્રકાશ મળી રહે એ માટે પાંચ વેન્ટિલેટર 9 ની સાથે ત્યાં 3 બારી પણ છે. રાતના સમયે પણ એ સેલ ઝળહળતો રહે એ માટે છ જેટલી ટ્યૂબલાઈટ પણ ત્યાં છે. આમ સેલમાં જોઈતા ઉજાસની સાથે પૂરતી હવા માટે ત્રણ સિલિંંગ ફેનની પણ ગોઠવણ છે.
કોર્ટની સુનાવણી વખતે જરૂર પડે તો કોર્ટ સાથે વીડ્યિો કોન્ફરન્સિન્ગની પણ અહીં ગોઠવણ છે આમ છતાં, કોર્ટની સુનાવણી સમયે જરૂર પડશે તો કેદી મેહુલને બહાર કાઢવામાં આવશે અન્યથા એણે આ જ જેલ કસ્ટડીમાં સતત રહેવું પડશે.
મોબાઈલનો અહીં ઉપયોગ ન થાય એટલે જેલમાં પાવરફૂલ જામરની સાથે રાઉન્ડ કલોક સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે. હા, સવાર સાંજ એ વોક લઈ શકે એ માટે બેરેકની બહાર એક કોરિડોર પણ છે.
આમ આવનારા નવા મહેમાન મેહુલ ચોકસીની આગવી આગતા સ્વાગતા માટે આપણા જેલ સત્તાવાળાએ જે આધુનિક સુવિધા કરી છે એની તસવીરો વીડિયો ક્લિપ્સ પણ બેલ્જિયમ કોર્ટે જોઈને સંતોષ પણ વ્યક્ત કર્યો છે.
આમ જોઈએ તો અત્યારે સિનારિયો એવો છે કે નીરવ મોદી અને વિજય માલ્યા માટે આર્થર રોડ જેલમાં જે જે ફેરફાર થયા એમાં હવે નવી આધુનિક સુવિધા ઉમેર્યા પછી એ બધાનો લાભ નવા આવનાર ‘મહેમાન’ મેહુલ ચોકસી માણશે !
જેલવાસમાં પણ કયારેક આવા કિસ્મત કનેકશન કામ કરી જતા હોય છે…!
ખૂનખાર આતંકવાદી અજમલ કસાબે પણ આર્થર જેલની ‘મહેમાન ગતિ’ માણી છે…!
મુંબઈ 26/11ના હીચકારા હુમલામાં 133 લોકોની નિર્મમ હત્યા કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસીએ લટકાવવામાં આવ્યો એ પહેલાં એને મુંબઈની આર્થર જેલમાં રાખવામાં આવ્યો ત્યારે એના માટે સૌથી વધુ સુરક્ષા ગોઠવણ થઈ હતી.
અજમલ કસાબને પણ આ જ બેરેક્માં રાખવામાં આવ્યો હતો. એ વખતે આજ જેટલી આધુનિક સુવિધા નહોતી ,પણ એ વખતે કોર્ટમાં કસાબને પેશ કરવા એની સુરક્ષા માટે એક ખાસ ભૂગર્ભ ટનલનો ઉપયોગ થતો હતો.!
આશરે ચાર વર્ષ આર્થરમાં ઘરજમાઈ તરીકે રાખવામાં આવેલા
‘કેદી નંબર: ઈ-7096’ પાછળ અન્ય ખર્ચ તો ઠીક, પણ માત્ર એની લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જસુરક્ષા પાછળ સરકારે કુલ રૂપિયા 31 કરોડ 41 લાખનો ખર્ચ કર્યો હતો !
આપણ વાંચો: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-16



