ઉત્સવ

નાટકનો હેતુ કેવળ મનોરંજન ન હોવો જોઈએ, સમાજ સુધારાનો સંદેશ પણ વ્યક્ત થવો જોઈએ

સ્પોટ લાઈટ – મહેશ્ર્વરી

અમારા સમયમાં એટલે કે હું રંગભૂમિ પર ખાસ્સી સક્રિય હતી ત્યારે ત્રિઅંકી નાટકનો જમાનો હતો. પહેલા અંકમાં કથાનું પોત ઘડાય, બીજા અંકમાં કથા વળાંક લે અને ત્રીજો અંક શરૂ થતા પૂર્વે એનાઉન્સમેન્ટ થાય કે ‘હવે રજૂ થાય છે ’ફલાણા નાટકનો ત્રીજો અને અંતિમ અંક. એ વખતે પ્રેક્ષકોની ઉત્સુકતા મોટેભાગે ચરમસીમાએ હોય: નાટકનો અંત કેવો હશે? જોકે, ત્રીજા અંક માટે પડદો ઉપડે એ પહેલા પ્રેક્ષકોની આંખો સામે પહેલા બે અંકના દૃશ્યો તરવરવા લાગે. કોઈ દૃશ્ય આનંદ આપનારું હોય તો કોઈ ગુસ્સો કે ઘૃણા ઉપજાવે એવું પણ હોય. સારું – નરસું સિક્કાની બે બાજુ જેવા છે જેનો વારાફરતી અનુભવ થતો રહે છે.

‘જીવન પણ એક તખ્તો છે અને આપણે બધા અભિનેતા છીએ’ વિલિયમ શેક્સપિયરની અમર વ્યાખ્યા દરેક કલાકાર જ નહીં, જેનામાં શ્વાસ ધબકે છે એ દરેક વ્યક્તિના જીવન સાથે સીધી નિસ્બત ધરાવે છે. હું આયુષ્યના ત્રીજા અને અંતિમ અંકમાં પ્રવેશી ચુકી છું. કદાચ ત્રીજો અંક અડધો પૂરો પણ થઈ ગયો છે. અલબત્ત હજી કેટલી સ્ટોરી બાકી છે અને વાત ક્યાં અને કેવો વળાંક લેશે એ હું નથી જાણતી. જોકે, આ તબક્કે બે અંક જોયા પછીના પ્રેક્ષકોની માફક મારી આંખો સામેથી પણ ભૂતકાળના, જૂની રંગભૂમિના સુવર્ણકાળના અનુભવેલા પ્રસંગો, એની સાંભળેલી વાતોનું સ્મરણ તાજું થઈ રહ્યું છે. મારા વહાલા વાચકો સાથે એ શેર કરવાની લાલચ હું નથી રોકી શકતી.

નાટકને વ્યાપક રીતે સાહિત્યની કળા તરીકે ઓળખવામાં આવે છે. ભરત મુનિએ ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે એકેય એવું શાસ્ત્ર નથી, એવું શિલ્પ નથી, એવી વિદ્યા નથી, એવી કળા નથી જે નાટકમાં ન દેખાય. જોકે, સાહિત્યની સરખામણીએ નાટક પ્રજાની વધુ નિકટ પહોંચવાની તાકાત ધરાવે છે, કારણ કે વાંચતા – લખતા ન આવડતું હોય એવા લોકો પણ નાટકનો આનંદ માણી શકે છે. એનું સ્વરૂપ દૃશ્ય – શ્રાવ્ય હોવાથી જનમાનસના જીવન પર એની અસર અત્યંત તીવ્ર અને લાંબા કાળ માટે રહે છે. નાટકની અસર વધુ લાંબા ગાળાની હોય છે.

મારા કારકિર્દીના પ્રારંભ કાળમાં નાટ્ય મંડળીઓનું ચલણ હતું. એ સમય દરમિયાન અનુભવી લોકો પાસેથી વિવિધ નાટ્ય મંડળીઓ વિશે અનેક મજેદાર અને રસપ્રદ વાતો સાંભળી હતી. રંગભૂમિના વિકાસમાં પારસી નાટક મંડળીનું ખાસ્સું યોગદાન રહ્યું છે. કેખુશરો કાબરાજી નામના પારસી નાટ્યકારનું નામ બહુ આદરથી લેવાતું હતું.

નાટકનો હેતુ કેવળ મનોરંજન ન હોવો જોઈએ, સમાજ સુધારાનો સંદેશ પણ એમાં વ્યક્ત થવો જોઈએ એવી એમની દ્રઢ માન્યતા હતી. તેમની કોશિશના પગલે 1868માં વિક્ટોરિયા નાટક મંડળીની સ્થાપના થઈ શકી હતી. આ મંડળીએ વિલિયમ શેક્સપિયરના પ્રખ્યાત નાટક ‘મચ અડો અબાઉટ નથિંગ’ (ફરહાન અખ્તરની ‘દિલ ચાહતા હૈ’માં આ નાટકનો અણસાર મળે છે) પરથી ‘ખણવો ડુંગર અને કહાડવો ઉંદર’ નામથી નાટક ભજવ્યું જેને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી.

વિક્ટોરિયા નાટક મંડળી તરફથી સારા નાટક લખનાર માટે 300 રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયમાં આ ઈનામ બહુ મોટું હતું અને એટલે અનેક લોકોએ એમાં ઉત્સાહ અને ઉમળકાથી ભાગ લીધો હતો. અનેક એન્ટ્રી આવી અને ચકાસણી અને તારવણી પછી એક કોલેજના વિદ્યાર્થીએ સ્કોટિશ નવલકથાકાર વોલ્ટર સ્કોટની નવલકથાનો આધાર લઈ તૈયાર કરેલા ‘કરણી તેવી પાર ઉતરણી’ નાટકને ઈનામ મળ્યું હતું. એ લેખકનું નામ મને કહ્યું હતું પણ હું ભૂલી ગઈ છું. જોકે, બે વર્ષ પછી એનું અન્ય નાટક ‘રુસ્તમ અને સોહરાબ’ પણ ઈનામ મેળવી ગયું હતું. આ નાટકથી જ વિક્ટોરિયા થિયેટરનું ઓપનિંગ થયું હતું. રસપ્રદ વાત એ છે કે આ નાટકમાં રજૂ થયેલા ગીતો કવિ દલપતરામે લખ્યા હતા.

નાટકની દુનિયાની અનેક ખાસિયતો છે, એની અનેક બાબતો અચંબો પમાડે એવી હોય છે. કોઈ એક નાટક એક સમયે ભજવાયું હોય ત્યારે સરિયામ નિષ્ફળતાને વરે, પ્રેક્ષકો જાકારો આપે અને વિવેચકો ટીકા કરે, પણ અમુક સમયગાળા પછી એ જ નાટક એ જ નામ સાથે રજૂ થાય ત્યારે પ્રેક્ષકો આવકારે અને વિવેચકો પ્રશંસાના ફૂલ વેરે એવા ઘણાં ઉદાહરણો રંગભૂમિના ચોપડે જોવા મળે છે. મૂળશંકર મુલાણી લિખિત ‘અજબકુમારી’ નાટક સાથે અસ્સલ આવું જ થયું હતું.

મુલાણી સાહેબે ‘બેરિસ્ટર’ નામનું નાટક લખ્યું હતું. આ નાટકમાં પશ્ર્ચિમની સંસ્કૃતિ એની શૈલીથી અંજાઈ ગયેલો યુવાન નિજી સંસ્કૃતિની અવગણના અને અવહેલના કરે છે અને પરિણામે એના જીવનમાં કરુણતા છવાઈ જાય છે એ આ નાટકનું હાર્દ હતું. આ કરુણ નાટકમાં રમુજી પ્રસંગો પણ ખૂબીથી વણી લેવામાં આવ્યા હતા. નાટકને અસાધારણ સફળતા મળી અને નાટ્યકારનો પગાર વધારી દેવામાં આવ્યો. નાટ્યકાર ચેતનવંતા બન્યા.

‘બેરિસ્ટર’ને મળેલી સફળતાને પગલે નાટ્યકારને નવા પ્રયોગ કરવાના અભરખા જાગ્યા. ‘બેરિસ્ટર’ નાટકને વધુ કરુણામય બનાવી નવું નાટક લખવાનો વિચાર આવ્યો અને એના ફળ સ્વરૂપે ‘અજબકુમારી’ નાટક અવતર્યું. નાટકનો ખેલ જોવા આવેલા સાક્ષર અને સારસ્વત ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ નાટક જોયું અને તેમને એટલું બધું ગમ્યું કે થિયેટરની બહાર રાખવામાં આવતી વિઝિટર બુકમાં નાટકની પ્રશંસા કરતું લખાણ લખ્યું.

આ નાટકમાં સંસ્કૃતમાં કાવ્યમય વાર્તાલાપ હતો. જોકે, આ નાટકને પ્રેક્ષકોએ જાકારો આપ્યો. એ સમયે પ્રેક્ષકોને એ નાટક પલ્લે ન પડ્યું. આ નાટકમાં મૂળશંકર ભાઈએ 36 ગાયન લખ્યા હતા. પ્રાગજી ડોસાએ ‘અજબકુમારી’ વિશે ટિપ્પણી કરતા લખ્યું હતું કે ‘નાટક સફળ હતું, પણ પ્રેક્ષકો નિષ્ફળ રહ્યા’. ટૂંકમાં એ નાટક સમય કરતાં આગળ હતું.

પ્રાગજીભાઈની વાત કેટલી સાચી અને સચોટ હતી એ સમજવા ઝાઝી રાહ ન જોવી પડી. પંદરેક વર્ષના સમયગાળા પછી એ જ નાટક એ જ નામથી ભજવવાની હિંમત કરવામાં આવી હતી. સમય બદલાયો હતો અને લોકોમાં સાહિત્ય પ્રત્યે રુચિ વધી હતી. નવી દ્રષ્ટિ પણ કેળવાઈ હતી. પરિણામ એ આવ્યું કે ’અજબકુમારી’ને ગજબ કહી શકાય એવો આવકાર મળ્યો. સમય સમયને માન છે એ અમથું નથી કહેવાતું.

‘અબજોના બંધન’ ને ‘અજમાના બંડલ’

પૌરાણિક વિષય લઈ ‘સિદ્ધાર્થ બુદ્ધ’ નાટક લખી નાટ્ય લેખક તરીકે જાણીતા થયેલા નૃસિંહદાસ વિભાકર મૂળ તો બેરિસ્ટર હતા. પરિવારમાં શિક્ષણને પ્રાધાન્ય હોવાથી મુંબઈ યુનિવર્સિટીમાં બી એ કર્યું અને ત્યારબાદ એલએલ.બી.ની ડિગ્રી મેળવી ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર પણ બન્યા. સ્વદેશ પરત આવીને મુંબઈમાં વકીલાત શરૂ કરી, પણ. સાહિત્યમાં રુચિ હોવાથી જીવનું ખેંચાણ કલા તરફ વધારે હતું. વકીલાત ખૂણામાં ધકેલાઈ ગઈ અને કલમની ઉપાસના આગળ આવી ગઈ.

સ્ત્રી અધિકારના પ્રશ્નો તેમજ હોમરૂલ લીગની ચળવળને કેન્દ્રમાં રાખી નાટકો તેમણે લખ્યા. તેમનું સામાજિક નાટક ‘અબજોનાં બંધન’ શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજે ભજવ્યું હતું. કંપનીમાં નવા નવા જોડાયેલા પ્રખ્યાત નટ જયશંકર સુંદરી એમાં કામ કરશે એવી વાત વહેતી થઈ હોવાથી રજૂઆત પહેલાં નાટકે ખાસ્સું કુતુહલ પેદા કર્યું હતું.

‘સુંદરી’ના નામનો એ પ્રભાવ હતો. પ્રથમ ખેલ વખતે જ પ્રેક્ષકોનો જબરદસ્ત ધસારો સુધ્ધાં જોવા મળ્યો હતો. ઊંચા દામે પણ એની ટિકિટ નહોતી મળતી. જોકે, થયું એવું કે પહેલો અંક પૂરો થતાં જ કેટલાક લોકોએ ‘અબજોનાં બંધન’ને ‘અજમાના બંડલ’ કહી વગોવી નાખવાનું શરૂ કરી દીધું. આ પ્રકારની ચણભણની અવળી અસર પડી. વળી નાટકમાં શેરબજારના ખેલની વાત આવતી હતી અને એની રજૂઆત કરતા હાકેમચંદ હજારીનું પાત્ર કોઈ વેપારીને બંધબેસતું હોવાથી જબરો ઉહાપોહ થયો અને નાટક બંધ કરી દેવું પડ્યું. ફુલાવેલા ફુગ્ગા ક્યારે કેમ ફૂટી જાય એ સમજવું બહુ અઘરું હોય છે.
(સંકલિત)

આ પણ વાંચો…લાઈટ : ઉત્કર્ષ મઝુમદાર: જૂનું એટલું સોનું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button