ફોકસ પ્લસ : શું તમે પણ તો નથી કરી રહ્યાં આ ભૂલ? | મુંબઈ સમાચાર
ઉત્સવ

ફોકસ પ્લસ : શું તમે પણ તો નથી કરી રહ્યાં આ ભૂલ?

-નિધિ ભટ્ટ
મોબાઈલ કે લેપટોપને ચાર્જ કર્યાં બાદ આપણે ચાર્જરની સ્વિચ બંધ કે અનપ્લગ નથી કરતાં, જેને કારણે ખૂબ મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

આજે આપણે ટેક્નોલોજી અને આધુનિક ઉપકરણોનાં બંધાણી બની ગયા છીએ એવું કહીએ તો પણ કાંઈ ખોટું નથી. આજે ડગલે ને પગલે આપણે મોબાઈલ કે લેપટોપનો સતત ઉપયોગ કરીએ છીએ. જોકે આજે એ સમયની માગ બની ગઈ છે. લોકો ઘરેથી લેપટોપ પર કામ કરે છે. એમાં તેમને લેપટોપને સતત ચાર્જ કરવું પડે છે. કામની વ્યસ્તતાને કારણે લોકો લેપટોપ કે મોબાઈલનું ચાર્જર બંધ કરવાનું ભુલી જાય છે. એ જ આપણી મોટી ભૂલ છે. કામ થઈ જાય પછી સ્વિચ બંધ કરવી અને ચાર્જરને અનપ્લગ કરવું ખૂબ જરૂરી છે.

હાલમાં ઈલેક્ટ્રિસીટી એસી ફોર્મમાં આવે છે, પરંતુ મોડર્ન ઉપકરણો અને બેટરીને ડીસી ફોર્મની જરૂર હોય છે. આ જ કારણ છે કે દરેક એપ્લાયન્સીસ એસી-ડીસી કન્વર્ટર સાથે આવે છે. આ કન્વર્ટ કરવા માટે ચાર્જરને ટ્રાન્સફોર્મરની જરૂર હોય છે. આ પરિવર્તન માટે ડીસી વોલ્ટેજની ગુણવત્તાને વધારવા માટે એલિમેન્ટ્સને ફિલ્ટર કરવાના હોય છે અને સુરક્ષા માટે સર્કિટને નિયંત્રણમાં રાખવાનું હોય છે.

ચાર્જર્સ વધુ પાવર ખેંચે છે
વેમ્પાયર પાવર રિયલ છે. જો તમે મોબાઈલ કે લેપટોપ ચાર્જ થયા બાદ પણ ચાર્જરની સ્વિચ બંધ નથી કરતાં તો તે મુસીબત વહોરી લે છે. ચાર્જર પાવર કન્ઝ્યુમ કરે છે. એ પાવરનો કેટલોક ભાગ સર્કિટને કન્ટ્રોલમાં રાખે છે. તો કેટલોક ભાગ ગરમ થઈને બળી જાય છે.

ઉદાહરણ તરીકે કોઈ નાના ચાર્જરને લઈએ તો એનો વેમ્પાયર પાવર જેને સ્ટેન્ડબાય પાવર પણ કહેવામાં આવે છે એ નગણ્ય હોય છે. જોકે તમે જો બધા ડિવાઈસને ઘરમાં ચાર્જ પર રાખો અને ઉપયોગ થયા બાદ એની સ્વિચ બંધ ન કરો તો વીજળીની ખૂબ બરબાદી થાય છે. સ્ટેન્ડબાય પાવર ફક્ત ચાર્જર્સ સુધી જ સીમિત નથી. ટીવી જેવા અન્ય ઉપકરણો પણ થોડો ઘણો પાવર ખેંચે છે.

આપણાં ઘરમાં આપણે કેટલા ચાર્જરને પ્લગમાં કામ વગર રહેવા દઈએ છીએ એના પર પણ આધાર રાખે છે. જેના કારણે ઘણાં વર્ષોમાં ભારે માત્રામાં કિલોવોટ અવર્સ વિજળી ખર્ચાઈ જાય છે. એવું કહેવાય છે કે મોડર્ન ચાર્જર્સની ડિઝાઈન એવી કરવામાં આવી છે કે સ્ટેન્ડબાય પાવર ઓછો વપરાય. આ ચાર્જર્સમાં સ્માર્ટ પાવર મેનેજમેન્ટ હોય છે જે એને સ્લીપ મોડમાં નાખે છે જ્યાં સુધી બહારથી કોઈ પાવર ખેંચવામાં ન આવે.

આ પણ વાંચો…ફોકસ પ્લસ : વૃદ્ધાવસ્થામાં વધારો-પડકારોમાં વધારો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button