
‘રાજુભાઇ’ રાધારાણીએ હાંકોટો કર્યો.
‘બોલો, ભાભી’ રાજુએ બે હાથ પાછળ રાખી કશુંક સંતાડવા પ્રયત્ન કર્યો.
‘તમારા હાથમાં શું છે?’ રાઘારાણીએ એસીપી દયા નાયકની જેમ રાજુની ઊલટતપાસ હાથ ધરી.
‘ભાભી કશું જ નથી.’ રાજુએ લાળો ચાવ્યો.
‘તમારા હાથમાં શું સંતાડ્યું છે?’ રાધારાણીએ કડક અવાજે રાજુને પૂછયું.
રાજુ સાથે અમારો ઘરોબો છે. રાજુ કોઇ વસ્તુ અમને પૂછ્યા વગર લઇને ચાલવા માંડે તો અમે રાજુને ટોકીએ નહીં. રાજુ પણ પૂરો ઇનામદાર છે. છાપા સિવાય તમામ વસ્તુ શરીફની જેમ પરત કરી જાય છે.
રાધારાણી કંઇક નક્કર કારણ સિવાય રાજુ સાથે કડકાઈ ન કરે.
‘ભાભી, તમારા સમ.’
(રાજુ જુઠ્ઠું બોલે અને રાધારાણી ઉકલી જાય તો પણ મારે તકલીફ … સાચું બોલે અને રાધારાણીની આવરદા વધે તો પણ મારે જ આપત્તિ.)
રાજુએ ગરીબડી ગાય જેવું મોં કરી જવાબ આપ્યો…
‘રાજુભાઇ ખાંડ લીધી છે?’ રાધારાણીનો સીધો સવાલ.
‘ના ભાભી.’રાજુનો જવાબ.
‘દૂધ કે તેલ કે ‘મરચું, મીઠું, મસાલા, માચીસ લીધું છે?’?’ રાધારાણીના સવાલ પર સવાલ
‘ના ભાભી, એવું કંઇ નથી. ’
આજે રાજુનું નસીબ કે ગ્રહ વંકાયા હશે તે રાધારાણી નામની ભેખડે ભરાયો હતો. રાજુ અમારા ઘરે દરવાજાથી આવે. છાપાનો કસ કાઢે. આદુંવાળી કડકમીઠી ચા ઠપકારે. પછી હાથીની જેમ મલપતી ચાલે તેના ઘર જાય. રાજુ રદી શંકાસ્પદ હાલતમાં અમારા ઘરે ઘૂસેલો. દરવાજાના બદલે બારીમાંથી ચોરની જેમ બાકાયદા ઘૂસેલો.
‘રાધુ , કોણ આવ્યું છે? મારી ઊંઘ બગાડે છે? ‘ મેં પણ રાધારાણી પર બરાડો પાડ્યો. મારી ઉંઘમાં કોઇ ખલેલ પાડે તે મારાથી સહન થતું નથી.
‘આ રાજુભાઇ આવ્યા છે.’ રાધાએ મને કહ્યું.
‘એ તો સમજ્યા. રાજુ આપણા ઘરે આવે તેમાં કંઇ નવાઇ છે? તું શેની શેની બૂમાબૂમ કરે છે? મેં રાધારાણીને પૂછયું.
‘રાજુભાઇ, કોઇ વાસણમાં આપણા ઘરેથી કંઇક લઇ જાય છે. હું પૂછું છું પણ શું લીધું છે તે કહેતા નથી.’
‘રાજુઉ.. શું મામલો છે?’ મેં રાજુને ઊંઘરેટિયા અવાજે પૂછયું .
‘ગિરઘરલાલ, કાંઇ નથી.’ રાજુએ નિમાણા ચહેરે કહ્યું.
‘તો પછી ખાંસીવાલની જેમ કેમ બાલ કી ખાલ છોડતો નથી. રાધુને વાસણ દેખાડી દે.’ મેં રાજુને આદેશ કર્યો.
‘લો જોઇ લો.’ રાજુએ કાળીમેશ તપેલી પરનું છીબુ એટલે કે ઢાંકણ ખોલ્યું. તપેલીમાં થોડાક મચ્છર પડેલા. એક બે અધમૂઆ હતા. એક બે નાભિશ્વાસ પર હતા. એક બે કુંભમાં ડૂબકી માર્યા વિના મોક્ષપ્રાપ્તિની પ્રતીક્ષામાં હતા.
આ પણ વાંચો…ટ્રાવેલ પ્લસ : 5000 વર્ષથી પરંપરાને સાચવતો બરસાના-નંદગામનો અનોખો લઠમાર હોળીનો ઉત્સવ
‘ધત્ તેરી કી . રાજુભાઇ મચ્છર માટે માથાકૂટ કરતા હતા. તમે તો મારા ઘરેથી મોતી, સોનાચાંદી ચોરી છૂપકે લઇને જવાની પેરવી કરતા હો તેમ ધડાકૂટ કરતા હતા.’
રાધારાણીએ રાજુના બરડે ધબ્બો મારતા કહ્યું. આ તો ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર જેમ ખોલી તપેલી અને મચ્છર નીકળ્યા એવો તાલ થયો..
‘રાજુ, અમારા ઘરે મચ્છર મારવા કેમ આવેલો? તારા ઘરે મચ્છર નથી કે શું? આ મચ્છરમારી કરવા અમારે ત્યાં આવ્યો ? ’
(મચ્છીમારોનો વ્યવસાય હોય તો માખીમારી કે મચ્છરમારીનો વ્યવસાય કેમ ન હોય?’
‘ગિરધરલાલ, મેં દસ કરોડ મચ્છર મારીને વાસણોમાં પ્રિઝર્વ કર્યા છે.’ રાજુએ મચ્છરસ્ફોટ કર્યો.
(કયાં લગી ઘટસ્ફોટ ચલાવવાનું? નવા શબ્દો વાપરો .)
‘રાજુ, એ મચ્છરનો મુરબ્બો કે છૂંદો કરવાનો છે? કે મચ્છરનું ખાટીયું અથાણું કરવાનો છે?’
‘ગિરધરલાલ આ મરેલા, અધમૂઆ કે જીવતા મચ્છર મને વગર મૂડીએ કરોડપતિ બનાવી દેશે.’ રાજુની આંખમાં મહાલક્ષ્મી પ્રાપ્તિની અલૌકિક ચમક હતી.
‘રાજુભાઇ, એ કેવી રીતે?’ રાજુના હાથમાં ચાનો કપ પકડાવતા રાધારાણીએ પૂછયું. રૂપિયાની વાત આવે કે રાધારાણીની દાઢ ડળકે અને ડળકે જ.
‘ભાભી, ફિલિપાઇન્સ સરકારે ડેન્ગ્યૂ સામે જાગૃતિ ફેલાવવા મચ્છરમારીનું મહાઅભિયાન હાથ ધર્યું છે. જો કોઇ વ્યક્તિ પાંચ મૃત કે જીવિત મચ્છર લાવે તેને એક પેસા ફિલિપાઇન્સ કરન્સી આપે છે. જેનું ભારતીય ચલણમાં એક રૂપિયો પચાસ પૈસા મૂલ્ય થાય છે. મારી પાસે દસ કરોડ મચ્છર છે એટલે મને નાખી દેતા 2,00,00,000 રૂપિયા મળશે. મારે તો વકરો એટલો નફો છે. આજે કયા ધંધામાં આટલું રિટર્ન મળે છે?’ રાજુએ કહ્યું.
ભારત સરકાર કે ગુજરાત સરકાર આવી અર્થોપાર્જનની યોજના સેવા શરૂ કરે તેવા સુમનોહર સપના ખુલ્લી આંખે જોઉં છું!’ રાજુએ પોતાનું સ્વપ્ન જાહેર કર્યું.
બસ, એ ઘડીથી રાધારાણીએ ‘બખડજંતર ચેનલ’માં મને બે મહિનાની રજા ધરાર કે પરાણે મુકાવી છે. રાધારાણીએ મારા હાથમાં મચ્છર મારવાનું રેકેટ પકડાવ્યું છે. હું દિવસના ચોવીસ કલાકમાં પચ્ચીસ કલાક મચ્છર પકડું છું. મને બ્રશ કરવા, નાહવા-ધોવા કે ઇવન જમવાનો પણ બ્રેક મળતો નથી. અત્ચાર સુધીમાં નાખી દેતાં લગભગ સાડત્રીસ લાખ મચ્છર ભેગા કર્યા છે.
અરે, વાચકમિત્રો, કયાં ભાગ્યા? મચ્છર પકડીને રોકડી કરવા તો તો બેસ્ટ ઑફ લક!’