ઉત્સવ

આનંદો, કાલસર્પયોગ ગરીબોને બહુ પજવતો નથી…!

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ

બર્ગર (બર્ગલર નહીં, બર્ગર), હોટ ડોગ, અને પિત્ઝા જેવાં ફાસ્ટ ફૂડ અને વાસ્તુશાસ્ત્રની બોલબાલા છેલ્લાં દસકામાં થઈ ગઈ છે એ રીતે આ કાલસર્પયોગ પણ પંદરેક વરસથી લોકજીભે ચડી ગયો છે. મદારીઓ સાપને ટોપલીમાંથી બહાર કાઢે છે એટલી જ સરળતાથી જ્યોતિષીઓ રૂપિયા સાતસો એકથી માંડીને સિત્તેર હજાર એક લઈને જાતકની કુંડળીમાંથી કાળ અને સર્પ બન્ને બહાર કાઢી આપે છે. જોકે બૃહદ્ પરાશર, જાતક ચિંતામણિ કે સારવલિ જાતકમાં કાલસર્પયોગનો ઉલ્લેખ નથી.

કાલસર્પયોગ વિશે જે નથી જાણતા એ કરતાં જાણે છે એને તેનો વધારે ડર લાગે છે. આપણે પ્લેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આપણી સીટની નીચે ગૂંચળું વાળીને બેઠેલ સાપ અંગેની માહિતી ન હોય ત્યાં સુધી આપણે સીટ પર નિરાંતે બેસી કે ઊંઘી શકીએ છીએ, પણ જે ક્ષણે ખબર પડે કે આપણે સાપની સમીપ છીએ ત્યારે ભૂખ, તરસ, ઊંઘ તેમજ હોશકોશ ઊડી જાય છે. એવી લાગણી આપણી કુંડળીમાં ખતરનાક કાલસર્પયોગ છે એની માહિતી જ્યોતિષી આપે ત્યારે આપણામાંના શ્રદ્ધાળુ જાતકોને થાય છે.

જોકે કાલસર્પયોગ તવંગરોને પજવે છે એટલો ગરીબોને પજવતો નથી. ગરીબને પજવીને તેને મળવાનું પણ શું! કહે છે કે ગરીબના ઘરની તો કૂતરાનેય ખબર હોય છે. અહીંથી ખાસ કશું મળવાનું નથી એવી જો શ્ર્વાન જેવા મૂંગા પ્રાણીનેય ખબર હોય તો રાહુ કે કાલસર્પને તેની જાણ કેમ ન હોય! તેને તેમજ જોષી – મહારાજોને આની પાકી ખબર છે એ કારણે આર્થિક રીતે નબળા લોકો પર સરકારની જેમ તે રહેમનજર રાખે છે. આવા લોકો માત્ર અઢીસો ગ્રામ મૂળા, પાંદડાં કાઢેલાં નેટ અઢીસો ગ્રામ વજનના મૂળા, તેમનાથી પણ વધારે ગરીબ હોય તેને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં દાન કરી દે અને સાચકલા નાગદેવતા અથવા તો તેના ફોટા કે ભાથીજી મહારાજની પૂજા કરે તો રાહુ રાજી થાય છે અને આથી આવો ગરીબ હોય છે એનાથી વધારે ગરીબ થતો નથી.

યાદ રહે, આવાં કથન ગરીબો અથવા તો આર્થિક રીતે પછાત હોય એવાઓ માટે જ છે. ઈન્કમટેક્સ ભરનારને જે રેશન કાર્ડ પર સસ્તા દરની ખાંડ કે તેલ નથી મળતાં એવું જ કાલસર્પયોગવાળા ધનિકોનુંય છે. જ્યોતિષીઓની ખૂબી એવી છે કે જે રીતે કુંડળીમાંથી કાલસર્પયોગ કાઢી આપે છે એ રીતે ધનિકોની કુંડળીમાંથી તે શોધી પણ આપે છે ને જરૂર પડે તેમની કુંડળીમાં તે કાલસર્પ મૂકી પણ આપે છે. અને ત્રણ મિલોનો કોઈ માલિક પોતાની ગ્રહદશા વિશે જાણવા માગે તો જ્યોતિષી તેને કહી દે છે કે શેઠિયા, તમે આજ સાત સાત મિલોના માલિક હોત, પણ તમારી કુંડળીમાં બેઠેલ બદમાશ કાલસર્પ તમારી ચાર મિલોને ગળીને ઓડકાર ખાતો બેસી ગયો છે. તમારે તેના મોંમાંથી આ મિલો પાછી ઓકાવવી હોય તો એનો વિધિ કરાવવી પડશે. અને કાલસર્પ તો મિલો ઓકે એ પહેલાં જ્યોતિષી એ શેઠિયાનું ધન યથાશક્તિ ઓકાવી લે છે.

સર્પોમાં જેમ પાણીના સાપ, જંગલના સાપ, પહાડી પ્રદેશના નાગ, કોબ્રા જેવા સેંકડો પ્રકારો છે એવા કાલસર્પયોગના બાર પ્રકાર જ્યોતિષીઓને અત્યાર સુધી જડયા છે. આ યોગો ગ્રહોની સ્થિતિને રચાય છે, જેમકે …

અનંત કાલસર્પયોગ:

આમાં પ્રથમ સ્થાને રાહુ અને સાતમ સ્થાને કેતુ હોય તો આવા જાતકોમાં માનસિક અશાંતિ, અસ્થિરતા, દુષ્ટબુદ્ધિ, લુચ્ચાઈ અને છળકપટ વગેરે આવે છે. કો- ઑપરેટિવ બેંકના ડાઈરેકટર તરીકે આ જાતકો સફળ રહે છે, તરી જાય છે. જોકે બેંકો ડૂબે છે –
ભોગ એના.

કુલીપ કાલસર્પયોગ:

આવા જાતકની કટુવાણીથી કુટુંબમાં તેમજ તે જે સોસાયટીમાં હોદ્દેદાર હોય ત્યાં કલહ અને વેર-ઝેર થાય. ‘હું છિન્નભિન્ન છું’ એવું ગાયા વગર જ પોતાના સિવાયનું બધું જ તે છિન્નભિન્ન – વેરેવિખેર કરી નાખે.

વાસૂકિ કાલસર્પયોગ:

જાતકનાં ભાઈ-બહેન ખોડવાળાં હોય, એમાં પણ ભાઈને કોઈ ખોડ ન હોય તો પણ બધી વાતે રાહુની પેઠે વાંકો ચાલે. પ્રવાસમાં તકલીફ ઊભી થાય. કોઈક વાર ખોટી ટ્રેનમાં ચડી બેસાય કે પછી ઘણી વાર ઉતાવળમાં ટ્રેનની ટિકિટ લેવાનું ભૂલી જવાય, અને ટિકિટ ન લીધી હોય એ જ દિવસે ટિકિટ તપાસવા ટી.સી. ગમે ત્યાંથી અચૂક ટપકી પડે.

તક્ષક કાલસર્પયોગ:

જાતક પોતાનું (અથવા બીજાનું) લગ્નજીવન બરબાદ કરે.

મહાપદ્ધમ કા. સ. યોગ:

લાંબી, ગંભીર માંદગી આવે, જાતકનાં આયુષ્ય માટે ઘરનાં માણસો કરતાં તેના વીમા એજન્ટને વધારે ચિંતા થાય.

ઘાતક કા. સ. યોગ:

સરકારી નોકરીમાં સરકારી ખાતા તરફથી જ કનડગત થાય – ઍન્ટિ-કરપ્શન ખાતા દ્વારા ગોઠવાયેલ છટકામાં સફળતાપૂર્વક તેનાથી પકડાઈ જવાય.

વિષધર કા. સ. યોગ:

કાનની પીડા થાય, જોકે જાતકને તેનો કાન ન પીડે, પણ લોકો તેને કાચા કાનનો હોવાનાં મહેણાં મારી દૂભવે.

ડાયાબિટીસ ઈન્સ્યુલીનને ગાંઠે છે એ જ રીતે કાલસર્પયોગના પ્રણેતા રાહુ-કેતુ મંત્રને જ ગાંઠે છે માટે તેમને પ્રસન્ન રાખવા મંત્રોની મદદ લેતા રહેવું. પ્રેતાત્માઓ પણ ભાદરવા મહિનામાં બે ‘વીક’ માટે આકાશમાં અહીંતહીં ભટકે છે. ભાદરવા માસમાં જે ગુજરી ગયા છે તેમના તથા જેમના ગુજરી જવાની તમે રાહ જોતા હો એ બધાનાં શ્રાદ્ધ સોળ દિવસ સુધી ખૂબ જ શ્રદ્ધા કરવાં. આ શ્રાદ્ધ ભાદરવા મહિનામાં જ કરવું, નહીં તો રાહુ નારાજ થાય – તેને પણ ખબર છે કે શ્રાદ્ધ ભાદરવામાં જ આવે છે – તેનેય કોઈકનું શ્રાદ્ધ તો કરવું પડતું હશે ને! અત્યંત શ્રદ્ધાપૂર્વક પીપળે પાણી રેડવું. આસપાસ નજીકમાં પીપળવૃક્ષ ન હોય તો આંખો બંધ કરી આસોપાલવ કે લીમડાના ઝાડને પીપળાતુલ્ય ગણી ત્યાં પાણી રેડવું – અહીં જે મહત્ત્વ છે તે શ્રદ્ધાનું છે, લીમડા કે પીપળાનું નહીં.

કુંડળીમાં કાલસર્પયોગ હોય અને મનના અંદરના ખૂણેથી એવો સળવળાટ થવા માંડે કે મુશ્કેલીઓ બારણે ટકોરા મારી રહી છે અથવા તો તે રસ્તામાં છે, આવું આવું કહી રહી છે, તો નાગપંચમીના દિવસે, નાગના પ્રતીક તરીકે શુદ્ધ ચાંદીના (અને જેને પોષાતું હોય તેણે સોનાના) નાગની પૂજા કરવી. પિતૃઓનું આહ્વાન કરવું. કહેવું કે તાતશ્રી, તમે અમને જે સોની મહારાજની દુકાનનો ઓટલો ચડવાની મનાઈ ફરમાવી હતી એ જ સોની પાસે જઈને આ સુવર્ણ નાગ બનાવરાવ્યો છે, તેણે અમને વીસ કેરેટનું બિલ પણ આપ્યું છે, જેની ઝેરોક્ષ નકલ તમારી જાણ માટે આ નાગ સાથે મૂકી છે. બસ, આમ આડાઅવળા ભટક્યા કરવાને બદલે તમે સદ્ગતિ પામો એવી અમારી તમને અતિ નમ્ર અજર છે. સોનીભાઈએ નાગ બનાવવામાં કોઈ ઘાલમેલ કરી હોય તો એનો હિસાબ તમે તેની પાસે જઈને સમજી લેશો; પણ સ્વપ્નમાં આવીને અમને ના ધમકાવશો…

તમારા કાલસર્પને શાંત કરવાની વિધિ કરનાર તમારા જ્યોતિષી બ્રાહ્મણનો કોઈ સગો નાસિક ત્ર્યંબક રહેતો હોય અને ત્યાં જવાનું તે કહે તો ચોક્કસ જવું – એમાં વિશેષ કશું ગુમાવવાનું નથી. આના વિકલ્પે સિદ્ધપુર જઈને જે તે વિધિ કરાવી લેવા. અને આવું બધું પરવડતું ન હોય એવા જાતકો માટે સમૂહ યજ્ઞોપવિત અથવા તો ગ્રૂપ ટ્યુશનની જેમ નર્મદા કિનારે, એક સાથે 80થી 100 જેટલા કાલસર્પયોગથી પીડાતા માણસોને બસમાં ભરીને આ વિધિ માત્ર રૂપિયા 750 લઈને (જેમાં બસ-ભાડું,
ચા-પાણી, બપોરનું ભોજન વગેરે આવી જાય) કેટલાક પ્રોફેશનલ બ્રાહ્મણો સંપન્ન કરે છે તેમાં જોડાઈ જવું – કાલસર્પ નર્મદાનાં પાણીમાં સસ્તામાં સરકી જશે.

જૈનો માટે જૈનભેળ, જૈન ઢોંસા કે જૈન પિત્ઝાની અલાયદી વ્યવસ્થા હોટલવાળા રાખે છે એ રીતે કાલસર્પયોગ હોય એવા જૈનો માટે જ્યોતિષીઓએ અલાયદા મંત્રનો નિર્દેશ કર્યો છે. જૈનો માટે વિષધર – સ્ફુલિંગ મંત્ર ઉત્તમ છે. આ મંત્રનાં આવર્તનોથી પાર્શ્ર્વનાથ ભગવાનની આરાધના કરવાથી રાહુ પજવતો નથી.

તુંડે તુંડે મતિ અલગ હોય છે એમ જ્યોતિષીએ જ્યોતિષીએ કાલસર્પયોગનો વિધિ પણ ભિન્ન હોય છે અને છેલ્લે કાલસર્પયોગથી દોષિત જાતકે અમારો આ લેખ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વાંચવો, પણ એક પણ વખત હસવું નહિ. જાતકના હસવાથી રાહુ નારાજ થઈ જવાના યોગ છે. રાહુ આમ તો બહુ ‘ટચી’ છે, તેને હરહંમેશ પ્રસન્ન રાખવો… અસ્તુ.

આપણ વાંચો:  પણ પહેલાં સપનાં તો જુઓ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button