ઉત્સવ

બજેટની સાથે આર્થિક સર્વેક્ષણનાં સંકેત પણ સમજો

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કેન્દ્રીય બજેટના ઢોલ નગારાં પૂરાં થયાં, જો કે આ બજેટને લીધે હવે રેલવે બજેટ ભુલાઇ ગયું છે અને આર્થિક સર્વેક્ષણ પણ વિસરાઈ ગયું છે. જયારે કે આ બંનેનું આગવું મહત્ત્વ ગણાય. રજૂ થયેલા બજેટની ચર્ચાઓ ઘણી ચાલી અને હજી ચાલશે. આ બધા વચ્ચે, ભારતીય અર્થતંત્રના તાલને સમજવા આર્થિક સર્વેક્ષણના સારનો પણ અભ્યાસ જરૂરી, જેણે મજબૂત અને સ્થિર નૂતન ભારત માટે વિકાસનું વિઝન દર્શાવ્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેના આર્થિક સર્વેક્ષણમાં દર્શાવાયું છે કે વૈશ્ર્વિક સ્તરે મંદીના વાતાવરણ વચ્ચે ભારતનું અર્થતંત્ર તેનો જુસ્સાદાર દેખાવ જાળવી શક્યું છે. વર્ષ ૨૦૨૫ માટે દેશનો આર્થિક વિકાસ દર ૬.૫-૭ ટકાનો રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નોકરીઓનું નિર્માણ કરવા અને ઈન્વેસ્ટમેન્ટ વધારવાનું ખાનગી ક્ષેત્રને આહ્વાન કરવામાં આવ્યું છે. આનો અણસાર આપણને બજેટમાં જોવા મળ્યો.

નાણાકીય ખાધની સ્થિતિ
વૈશ્ર્વિક સ્તરે નાણાકીય ખાધ વધવાનો ટ્રેન્ડ રહ્યો હોવા છતાં ભારતે રાજકોષીય સુદ્દઢિકરણનાં લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં આગેકૂચ જાળવી રાખી છે. કેન્દ્ર સરકારની નાણાકીય ખાધ, જે વર્ષ ૨૦૨૩માં જીડીપીના ૬.૪ ટકા હતી, તે ૨૦૨૪માં ઘટીને ૫.૬ ટકા થઈ છે. કરવસૂલીમાં નોંધપાત્ર વધારો થવા ઉપરાંત આરબીઆઈ તરફથી ડિવિડંડના સ્વરૂપે મળતી નોન-ટેક્સ મહેસૂલી આવક પણ વધી છે.

ભારતની આર્થિક સ્થિતિમાં સતત સુધારો થતો રહ્યો હોવાથી દેશના ક્રેડિટ રેટિંગમાં પણ સકારાત્મક અસર દેખાવા માંડી છે. ૧૩ વર્ષમાં આ પહેલી વાર એસએન્ડપી ગ્લોબલ એજન્સીએ મે-૨૦૨૪માં ભારતના ક્રેડિટ રેટિંગને સ્થિરમાંથી અપગ્રેડ કરીને પોઝિટિવ શ્રેણીમાં મૂક્યું છે. હવે બજેટની અસર રૂપે સરકારની આવકમાં હજી સુધારો થશે એમ કહી શકાય યા માની શકાય.
મૂડી ખર્ચ પર ફોકસ યથાવત્
મૂડી ખર્ચ મામલે સરકારે પોતાનું ધ્યાન સતત કેન્દ્રિત કરેલું રાખતાં અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે કેપેક્સ રૂ. ૯.૫ લાખ કરોડ રહ્યો હતો, જે વર્ષાનુવર્ષ ધોરણે ૨૮.૨ ટકાનો વધારો દર્શાવે છે. આ વખતના બજેટમાં મુડીખર્ચ ૧૧ લાખ કરોડ ઉપર લઈ જવાની તૈયારી બતાવામાં આવી છે. અનિશ્ર્ચિત અને પડકારજનક વૈશ્ર્વિક વાતાવરણ વચ્ચે કેપેક્સ પર સરકારનો ભાર આર્થિક વિકાસનું નિર્ણાયક ચાલકબળ રહ્યું છે. રાજ્ય સરકારો દ્વારા હાથ ધરાતી વિવિધ યોજનાઓ પરના ખર્ચની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. આમ એ આવકારદાયક વાત છે કે રાજ્યો પણ કેપેક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે.

સામાજિક કલ્યાણ… આગવો અભિગમ
ભારતના સામાજિક કલ્યાણના અભિગમમાં ઇનપુટ-આધારિત અભિગમમાંથી પરિણામ-આધારિત સશક્તિકરણ તરફ પરિવર્તન આવ્યું છે. મફત ગૅસ જોડાણો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સુલભ શૌચાલયના બાંધકામ વગેરે જેવી અનેક યોજનાઓને પરિણામલક્ષી સશક્તિકરણ આધારિત બનાવી દેતાં ક્ષમતાઓમાં સુધારો થયો છે અને વંચિત વર્ગના લોકો માટે અવસરોનું પ્રમાણ વધ્યું છે. આ બજેટમાં અમુક મર્યાદા સુધીની વીજળી વિનામૂલ્ય આપવાની વાત થઈ છે.

ગ્રામીણ મહિલાઓના રોજગારમાં વૃદ્ધિ
એક સર્વેક્ષણનાં તારણ અનુસાર, કોરોના મહામારી બાદ રાષ્ટ્રીય સ્તરે બેરોજગારી દર ઘટાડાતરફી રહ્યો છે. છેલ્લા છ વર્ષમાં મહિલા શ્રમિક દરમાં વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં આ દર ૨૩.૩ ટકા હતો જે ૨૦૨૨-૨૩માં વધીને ૩૭ ટકા થયો હતો. આનું કારણ એ છે કે ગ્રામીણ સ્તરે રોજગારોમાં મહિલાઓની સામેલગીરી વધી છે.આ વખતના બજેટમાં યુવા રોજગાર સર્જન પર ભાર મૂકી તેમની માટે વિવિધ તકોનું આયોજન કે પ્રસ્તાવ થયા છે. આ સાથે કૌશલ્ય વિકાસ પર પણ જબરદસ્ત ભાર મુકાયો છે.જેમાં મહિલાઓ વિશે પણ ઊંચા લક્ષ્ય છે.

કૃષિ ધિરાણમાં વૃદ્ધિ
નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન કૃષિ ક્ષેત્ર તથા સંબંધિત પ્રવૃત્તિઓ માટે અપાતા ધિરાણમાં વૃદ્ધિ બે આંકડામાં રહી હતી. કૃષિ ધિરાણ લગભગ દોઢ ગણું વધ્યું છે. વર્ષ ૨૦૨૧માં ૧૩.૩ લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું તે ૨૦૨૪માં વધીને રૂ. ૨૦.૭ લાખ કરોડ થયું. ખેડૂતોને સમયસર ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મહત્ત્વપૂર્ણ રહી છે. વ્યક્તિગત લોન શ્રેણીમાં, હોમલોનમાં વૃદ્ધિ સીમિત પ્રમાણમાં રહી. માર્ચ-૨૦૨૩માં હોમ લોન માટે રૂ. ૧૯.૯ લાખ કરોડનું ધિરાણ છૂટું કરાયું હતું, તે આંક માર્ચ ૨૦૨૪માં વધીને રૂ. ૨૭.૨ લાખ કરોડ થયો હતો. ખેડૂતોને આ બજેટમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસ ઊંચા ચૂકવવાનું વચન અપાયું છે. આ બજેટમાં ખેડૂતોની આવકવધારવા પર જોર અપાયું છે.

 ફુગાવા પર અંકુશ

ભારતીય રિઝર્વ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ એવું અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશે અને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓમાં કોઈ વધુ આંચકા નહીં આવે તેથી ગ્રાહક ભાવ ફુગાવો નાણાકીય વર્ષ ૨૦૨૬માં ફુગાવાના લક્ષ્યાંકને અનુરૂપ થઈ જશે. આરબીઆઈની ધારણા છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ફુગાવાનો દર ૪.૫ ટકા રહેશે અને ૨૦૨૬માં ૪.૧ ટકા રહેશે. આયાત પર નિર્ભરતા વધી છે. આ વલણને ઉલટાવવું હોય અને ભાવોને સ્થિર કરવા હોય તો, મુખ્ય તેલીબિયાંનું ઉત્પાદન વધારવું પડે.

આયાત-નિકાસ: વ્યાપારને લગતું પ્રતિકૂળ વાતાવરણ આ વર્ષમાં ક્યારેક અથવા આવતા વર્ષે હળવું થવાની ધારણા છે. ત્યારપછી વ્યાપારમાં વેગ આવશે. ભારતીય ઉત્પાદનોની નિકાસ નાણાકીય વર્ષ ૨૦૧૭થી ત્રણ વર્ષથી વધતી જોવા મળી છે. આયાતમાં પણ એવી જ પરિસ્થિતિ રહી છે. ૨૦૨૩માં એકંદર આયાત ૮૯૮ અબજ ડૉલરની રહી હતી, જે આંક ૨૦૨૨માં ૭૬૦.૧ અબજ ડૉલર હતો. આ બજેટમાં નાણાપ્રધાને ઘણી આઈટમ્સ પર આયાત જકાત ઘટાડી છે. ખાસ કરીને સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઘટાડાયેલી ડયૂટીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

શિક્ષણક્ષેત્રે નોંધનીય સુધારો
દેશમાં આશરે ૪૯ ટકા શાળાને ઈન્ટરનેટ સેવાનો લાભ મળતો થયો છે. ૪૭.૭ ટકા શાળાઓને કમ્પ્યુટર્સ ઉપલબ્ધ કરાયા છે, ૭૪.૩ ટકા શાળાઓમાં વર્ષમાં એક વાર મેડિક ચેક-અપનું આયોજન કરાય છે અને ૯૧.૭ ટકા શાળાઓમાં વીજળી ઉપલબ્ધ થઈ છે. વર્ષ ૨૦૨૨માં, ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓની કુલ નોંધણીનો આંક વધીને ૪.૩૩ કરોડ થયો હતો. ૨૦૨૧માં આ આંક ૪.૧૪ કરોડ હતો અને ૨૦૧૫માં ૩.૪૨ કરોડ હતો. આ બજેટમાં વિદ્યાર્થીઓને રૂ. ૧૦ લાખ સુધીની એજયુકેશન લોન રાહતના વ્યાજના દરે ઓફર કરવાની જાહેરાત થઈ છે. આમ સર્વેક્ષણના સંકેત મુજબ બજેટ અને સરકારનાં લક્ષ્યો આગળ વધી રહયા હોવાથી આર્થિક વિકાસની દિશામાં ભારત તેની એજ શિસ્ત અને નીતિઓ સાથે આગળ વધી રહ્યુુંં હોવાનું જોઈ-સમજી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button