ઉત્સવ

અક્ષય ખન્નાને મળેલી સફળતા: એ આપણી પ્રજાની માનસિકતાનો અરીસો છે!

કેનવાસ – અભિમન્યુ મોદી

‘મરીઝ’ , ગાલિબ, વાન ગોગ

અત્યારે રસ્તે ચાલતા કોઈ લગ્નના વરઘોડાનું મ્યુઝિક કાને પડે, કોઈની સંગીત સંધ્યામાં જાઓ અને જે સંગીત સંભળાય કે પછી ઇન્સ્ટાગ્રામ ખોલતા જે ઘેરી વળે એ મરહીદીનું મ્યુઝિક અને ‘ધુરંધર’ ફિલ્મના અક્ષય ખન્નાનો ગ્રેસફુલ બલોચ શૈલીનો ડાન્સ છે.

‘ધુરંધર’ ફિલ્મ તો સુપરહિટ છે પણ અચાનક જ અક્ષય ખન્નાની બોલબાલા વધી ગઈ. જાણે આખો દેશ એના વખાણ કરવા માટે કે એને લિજેન્ડ કહેવા માટે લાઇન લગાવીને ઊભો છે.

અરે ભાઈ, અક્ષય એની કરીઅરની શરૂઆતથી જ આવું સરસ કામ કરતો- આંખોથી એક્ટિંગ કરી શકતો નવી પેઢીમાં આ એકમાત્ર કલાકાર બચ્યો છે. આજે જ કેમ એની કદર થઈ?

આવું જ કઈંક થયું ‘એનિમલ’ ફિલ્મ રિલીઝ વખતે બોબી દેઓલના કિસ્સામાં. બધા એને ‘લોર્ડ બોબી’ કહેવા લાગ્યા. બોબી સાઠના દાયકા નજીક પહોંચ્યા ત્યારે એ હવે સ્ટાર બન્યો હોય એવું લાગે. આવું કેમ?

ભારતને કેમ એવું લાગ્યું કે અક્ષય ખન્ના નામનો ખજાનો આડે હાથે મુકાઈ ગયો એ આજે અચાનક જડી ગયો? શું વડીલોની પેલી કહેવત : ‘ઘરડા ગાડા વાળે’ એ આટલી ક્રૂર રીતે સત્ય છે? આ શું ફિનોમેના છે કે લાયકાત હોવા છતાં જે તે સારા કલાકારને એની જિંદગીની સેક્ધડ ઇનિંગમાં એ શોહરત, એ પૈસો, એ સન્માન મળે… તો તો સરકાર જિંદગીના અંત ભાગ તરફ જે સન્માન આપે છે એ અને પબ્લિક જે રિવોર્ડ આપે છે એમાં ફરક શું રહ્યો?

આ પણ વાંચો…કેનવાસ: મશીનની જેમ વિચારી શકતો માણસ અંતે આજે ક્યાં છે?

આ યોગાનુયોગ હશે કે નસીબ હશે કે રેર ઇવેન્ટ હશે – એ ખબર નહીં, પણ સામુહિક રીતે આપણી આવી વર્તણૂક કે આપણી માનસિકતા વિશે ઘણું છતું કરે છે. ભારતીયો હંમેશાં પ્રતિભાની યોગ્ય સમયે કદર કરનારી પ્રજા નથી. ભારતીયોને છોડો, દુનિયાના કોઈ પણ દેશ – પ્રદેશના માણસોની આ આદત છે. મરી જાય પછી એની પૂજા થાય પણ જીવતેજીવ કોઈ ભળતાની જ પ્રશંસા થાય.

વાન ગોગ સાથે શું થયું? જીવતેજીવ માંડ એક ચિત્ર વેચાયું. એ અદનો કલાકાર મર્યો એના પછી એના ચિત્રોની કરોડોની બોલી લાગી અને આજની તારીખે એમની કલાકૃતિના હાઈ-ટેક એક્ઝિબીશન થાય છે. ગાલિબ, ઇન્તેકાલ પામ્યા પછી વધુ પ્રસિદ્ધિ મળી અને પછી એમના શેરનું ઊંડાણ વધુ સમજાયું. જીવતેજીવ તો બહુ કપરી સ્થિતિમાં રહ્યા. ‘ મરીઝ’થી લઈને ઘણાં કલાકારોના આવા ઉદાહરણો આપી શકાય, જેમને જીવતેજીવ જોઈતું માન- સ્થાન ન મળ્યું. ધાર્મિક ઉદાહરણોમાં સાંઈ બાબાનું નામ પહેલા લઈ શકાય. આખી જિંદગી ભટક્યા અને હવે સોનાનું સિંહાસન. આવું કેમ થાય છે?

મનુષ્ય માત્ર લગભગ એક સરખી મનોભાવના અને સમાન ચેતોવિસ્તાર ધરાવતું મનોવિશ્વ લઈને જીવતા હોય છે. સરળ રીતે કહીએ તો વધતા- ઓછે અંશે બધા માણસો સરખા છે, પણ ભૂગોળ મુજબ સંસ્કૃતિ બદલાય અને સંસ્કૃતિ મુજબ જે તે દેશના લોકોની વિચારશક્તિ અલગ અલગ હોય છે.

વાતને વધુ સરળ બનાવવા ફક્ત ભારતીયોની વાત કરીએ તો ભારતીયોના લોહીમાં ટોળાશાહીનું તત્ત્વ વધું પ્રમાણમાં છે. જમણવારમાં પહેલી ડિશ કોણ લે એની બધા રાહ જોતા હોય. જાહેર સભામાં પ્રશ્નોતરી કરવામાં પહેલો પ્રશ્ન કોણ પૂછશે એની ઈંતેઝારી હોય. ટીચર સામે કોઈ રજૂઆત કોણ પહેલા કરશે એની પણ વિદ્યાર્થીઓ રાહ જોતા હોય. વ્યવસ્થિત શરૂઆત થાય પછી બધા ચાલતી ગાડીએ ચડી જાય. ને પછી તો એ ગાડી એવી દોડે કે એ ઘટના કે માણસના ભૂતકાળમાં ભટકી ભટકીને એના જૂના કામને પણ સપાટી ઉપર લાવીને એની પ્રશંસા કરવા માંડે. ભારતમાં સન્માન મોડું મળે છે. એના યોગ્ય સમયે અવગણના થાય, એના પછી એની અવહેલના પણ થઈ શકે અને છેલ્લે એની પૂજા થવા લાગે.

સામૂહિક જાગૃતિ અલગ રીતે કામ કરે છે. પબ્લિકને એવું લાગે કે આ માણસને ખભે બેસાડવાથી કોઈ આફત નહીં આવે, એ ગેરંટી મળ્યા પછી જ આપણી પબ્લિક વરઘોડો કાઢે છે. જે તે કલાકાર કે કોઈ પણ ક્ષેત્રના કાર્યકર્તાની સહનશક્તિની કસોટી કરવાની ભારતને આદત પડી ગઈ છે. ‘કિતના દૂર તક એ ભાગ સકતા હૈ યે, દેખતે હૈ… ’ એ ચકાસવાની આપણને આદત પડી ગઈ છે. એ માણસ એકાદી પેઢી જેટલો સમય ટકી જાય અને પછી પણ કઈંક કમાલ કરી દેખાડે તો ભારતીયોને એમાં રસ પડે. આપણી આ જ આદતમાં દેશને ઘરડા નેતાઓ મળે છે. યુવાનો ઉપર આપણને વિશ્વાસ નથી. અફસોસ કે સિનેમા જેવી કલાના ક્ષેત્રમાં પણ આવું થઈ રહ્યું છે.

સૌથી વધુ યુવાનો ધરાવતા દેશની માનસિક ઉંમર સિનિયર સિટિઝન જેવી જૂનવાણી કેમ છે? બાય ધ વે, જ્યાં સૌથી વધુ યુવાનો હોય એ દેશ નજીકના ભવિષ્યમાં જ અતિ-ઘરડો થવાનો હોય છે.

થોડી ઉદારતા સાથે ઊંડું વિચારતા ભારતીયોના આવા વલણનો એવો જવાબ મળે છે કે લગભગ દરેક ભારતીય પણ અમુક જખમો ધરબીને ફરતો હોય છે. વિલંબના જખ્મો. દરેક ભારતીય એ વિભાવના સાથે જ જીવે છે કે એને એની લાયકાત કરતા ઓછું મળ્યું. અને આ વિચારમાંથી મુકેશભાઈ કે જમનભાઈ પણ મુક્ત નથી. દરેકને એમ લાગે છે કે હું બહુ વધુ ડિઝર્વ કરતો હતો. કાશ, મારી કરીઅરને એ સમયે ધક્કો લાગી ગયો હોત… કાશ મારા મા-બાપએ એ સમયે માનીને મને વિદેશ ભણવા મોકલ્યો હોત તો…. ? કરોડો ભારતીયો પોતાના દિલમાં આવા હજારો ‘કાશ’ લઈને ફરે છે. આ ‘કાશવૃત્તિ’ એમને સમયસર જે તે પ્રતિભા માટે તાલી પાડતા રોકે છે ને એ અસંતોષ સાથેનું સમાધાન જ વર્ષો પછી કોઈના કમબેકને વધાવી લેવા માટે પ્રેરે છે. રેખાની એક જ બાજુ કેવા વિરોધાભાસ બાજુ બાજુમાં રહે છે!

જે તે વ્યક્તિ દૂર ચાલી જાય ત્યારે જ આપણને એની વધુ યાદ આવતી હોય છે. પ્લસ, ભારતીયોને વાર્તા બહુ ગમે. સેન્ટીમેન્ટ્સ જોડાયેલી કોઈ પણ ઇમોશનલ વાર્તા પ્રોડક્ટ કે કલાકાર સાથે જોડાયેલી હોય તો ભારતીયો ભાવુક થઈ જશે. આપણી પ્રજાને કલાકારની જીનિયસ-પ્રતિભા કરતાં સર્વાઇવલ- અસ્તિત્વમાં વધુ રસ પડે છે.

આ પણ વાંચો…કેનવાસ: ભારતીય લગ્નની થઈ રહી છે વૈશ્વિક બોલબાલા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button