આકાશ મારી પાંખમાં : ઓપરેશન સિંદૂરમાં નારીશક્તિ…

-ડૉ. કલ્પના દવે
ભારત હમકો જાનસે પ્યારા હૈ,
સબસે પ્યારા ગુલિસ્તાં હમારા હૈ
ઓપરેશન સિંદૂર(2025)આપણા દેશની એકતા, શૌર્ય અને શહાદતનું પ્રતીક છે. આપણી દીકરીઓના સિંદૂરને ઉજાડનાર આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરી એમના થાણાઓને ઉડાડી દઈને સરહદ પરથી હકાલપટ્ટી કરનાર આપણા સુરક્ષાકર્મીઓને પ્રણામ. ઓપરેશન સિંદૂરની કુનેહભરી નીતિ અને તેનું હિંમતભર્યું સંચાલન માટે વી સેલ્યુટ અવર જાંબાજ ફોર્સ-(બી.એસ.એફ).
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી કહે છે કે ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં બી.એસ.એફ. ટીમનો (બોર્ડર સિક્યોરીટી ફોર્સ ) મહત્ત્વનો રોલ છે, તેમજ ઓપરેશન સિંદૂર આપણી નારીશક્તિના સામર્થ્યનું પ્રતીક પણ છે. ભારતની સરહદે બી.એસ.એફ.ની દીકરીઓએ પણ સીમા પર મોરચો સંભાળ્યો છે. વિશ્વ પત્રકાર પરિષદમાં કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાંડર વ્યોમિકા સિંઘ અને પરરાષ્ટ્ર સચિવ વિક્રમસિંઘે પાકિસ્તાનના આતંકીઓનું મહાવિકરાળ રૂપ વિશ્વ સમક્ષ રજૂ કર્યું. આ જ સમયે સીમા પરથી થતા ફાયરીંગ સામે આપણી સેનાએ પણ નિર્ભયતાથી ટક્કર આપી હતી. આજે એવી જ જાંબાજ મહિલા કમાંડર નેહા ભંડારીને મળીશું.
(તાજેતરમાં સીમા સુરક્ષાદળના લશ્કરી પ્રમુખે પડકારરૂપ પરિસ્થિતિમાં
હિંમતપૂર્વક શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ સરકાર તરફથી સહાયક કમાંડર નેહા
ભંડારીનું સન્માન કર્યુ હતું, જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા
હતા.)
સહાયક કમાંડર યુવાઅધિકારી નેહા ભંડારી જમ્મુ નજીક સાંબા,અખનુર સેકટરમાં ફરજ બજાવી રહ્યાં હતાં. સન્માન સ્વીકારતાં નેહાએ કહ્યું:- દેશ માટે સર્વસ્વ અર્પણ કરી દેવાના સંસ્કાર તો મને મારા લોહીમાં જ મળ્યા છે. ત્રણ પેઢીથી અમે દેશસેવાના કાર્ય કરી રહ્યા છીએ. મારા દાદાજીએ પણ સૈન્યમાં સેવા આપી છે. મારા માતા-પિતા પણ સેન્ટ્રલ સિક્યોરિટી પોલીસમાં તૈનાત છે. જેઓ ઘૂસણખોરીને અટકાવવાનું, દુશ્મનોને હાંકી કાઢવાનું તથા સીમાસુરક્ષાનું કામ કરે છે. દેશસેવા કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. આપણા વડા પ્રધાન મોદીજીની જોશભરી વાણી અને આશિષથી અમે કામ કરી શકીએ છીએ.
આવી બહાદુર નેહાએ અખનુર સેક્ટરમાં છ મહિલાઓના જૂથનું નેતૃત્વ કર્યુ. સન્માન બાદ પત્રકાર સાથેની મુલાકાતમાં સહાયક કમાંડો સાથે આપણે નેહા ભંડારીને મળીએ.
પ્રશ્ન-1) સહાયક કમાંડો તરીકે તમારી શી ફરજ હતી?
મારા ઉપલા અધિકારીએ મને મુખ્ય ત્રણ ફરજ સમજાવી હતી. તમારા યુનિટને (કંપનીને) સુરક્ષિત રાખવી. સુરક્ષા માટેના આદેશનું ત્વરિત પાલન કરવું. દુશ્મનોની ચોકી પર સતત પહેરો ભરવો તથા પાકિસ્તાનની હિલચાલ પર કડક પહેરો રાખવો, અને જરૂર પડે ત્યારે હિંમતથી સામનો કરવો.
પ્રશ્ન-1) તમારે પાકસેનાનો સામનો કયારે કરવો પડ્યો?
નેહા ભંડારી:- ઓપરેશન લોંચ થયું પછી. 7મી તારીખે-અમે સજ્જ હતા. ત્યારે અચાનક જમ્મુ, સુંદરબની અને અમારા સેક્ટર પાસે ફાયરિંગ શરૂ થયું. અમે દરેક રીતે સજ્જ થઈને તૈયાર બેઠા હતા. અમે તરત દુશ્મનોના પડકારનો મુંહતોડ જવાબ આપવા લાગ્યા.
પ્રશ્ન-2) તમે કયાં શસ્ત્રોથી સામનો કર્યો હતો?
અમે એમના જેવાં જ શસ્ત્રો વડે પ્રહાર કરતા હતા. કયારેક મોર્ટાર, તો કયારેક હાયબ્રીગેડ. કમાંડ અને કંટ્રોલની સ્ટ્રેટેજીથી અમે દુશ્મનોની ચેકપોઈંટ સુધી પહોંચી ગયા. અને ચોકી પર જે હતા તે બધાને ત્યાંથી ખદેડ્યા.
પ્રશ્ન-3) તમને આ ઓપરેશન કરતાં કોઈ ખતરો કે ભય ના લાગ્યો?
ના, અમને આ કામની સરસ ટ્રેનિંગ મળી છે. આવી પરિસ્થિતિમાં હિંમત તો રાખવી જ પડે.
પ્રશ્ન- પહલગામની કરુણ ઘટનાનો કોઈ ગુસ્સો તમારા મનમાં હતો?
હા, એનો ગુસ્સો તો દરેક ભારતીયના મનમાં હોય જ. પણ, અમે તો અમારા આદેશનું પાલન કર્યું.
પ્રશ્ન- આ સામે જ પાકિસ્તાનની ચોકી દેખાય છે. તમારા ઘરેથી કોઈનો ફોન આવે તો એ લોકો શું કહે છે?
બધાને ફોન આવે તેમ મારા ઘરેથી પણ ફોન આવે છે. મારાં માતા-પિતા
હંમેશાં સપોર્ટિવ રહ્યા છે. ફોન પર તેઓ કહેતા કે તમારી જિમ્મેદારી તમે શ્રેષ્ઠ રીતે નિભાવજો.
નેહા ભંડારીની જેમ ફોરવર્ડ પોસ્ટ પર મહિલા પ્રહરીઓએ રાત-દિવસ 24 કલાકની ચોકી કરી, આ એક અભૂતપૂર્વ ઘટના છે મહિલા કોન્સ્ટેબલ અંબિકાજી કહે છે- હમ તો દેશ કે લિયે ખડે હૈ યહાં, દેશ કે લિયે હમ બલિદાન દેને કો તૈયાર હૈ. ફાયરિંગ હોગા તો ગોલીયોં કા જવાબ ગોલિયોં સે દેંગે.
હમે દેશ કો સુરક્ષિત રખના હૈ. પહલગામમેં જબ લગાતાર ફાયરિંગ હો રહી થી તબ હમને ભી ફાયર કા જવાબ ફાયરિંગ સે દિયા ઔર ઉનકો ચોકી છોડને કો મજબૂર કર દીયા. કાશ્મીરની સરહદે આતંકવાદીઓ તથા શત્રુઓ સામે શહીદી વહોરી લેનાર આવા એક શહીદ કેપ્ટન વિનાયક ગોરેની અમરવાણીનું સ્મરણ કરી, એમની શહાદતને શતશત વંદન કરીએ. બોર્ડર પર જઈ રહેલા કેપ્ટન વિનાયક ગોરેએ તેમની માતાને કહ્યું હતું, આઈ, તું યાદ રાખજે કે તું એક કેપ્ટનની માતા છે. આઈ, મને વચન આપ કે માતૃભૂમિનું રક્ષણ કરતાં મને કંઈ થઈ જાય તો, તું એકે ય આંસુ નહીં પાડે. જીવતો આવીશ તો મેડલ લઈને આવીશ, અન્યથા ત્રિરંગામાં લપેટાઈને રાષ્ટ્રીય સન્માન સાથે આવીશ.
જીવો તો એવું જીવો, જીવન ઉત્સવ લાગ્યા કરે- મારી માતૃભૂમિને ખાતર, ભલે ને આ રક્ત વહ્યા કરે.
(મેજર ડો. હરીશ તિવારી)
ઓપરેશન સિંદૂર-2025માં નારીશક્તિની વીરતા માટે તથા દેશપ્રેમની ઉદાત્ત ભાવના રજૂ કરતી આજની આ સત્યકથાને હું શત્રુઓ સામે શહીદી વહોરનાર તથા ઝઝૂમનાર વીર સૈનિકોને અર્પણ કરું છું.
ઓ, માતૃભૂમિના વીરસૈનિક, કરીએ તુજને શતશત પ્રણામ.
માતૃભૂમિનું ગૌરવ તું, પ્રજાનો સરતાજ તું.
દેશરક્ષક-પ્રજારક્ષક, માભોમનો વીરસપૂત તું.
શહાદતનો સાચો સિપાહી તું, તુજને શતશત પ્રણામ.
આપણ વાંચો : દિલ દિયા હૈ, જાઁ ભી દેંગે