ઉત્સવ

અરિજિત સિંહ કે ઈન્દ્રિયજિત સિંહ?

આજે આટલું જ – શોભિત દેસાઈ

કમાલ કહેવાય ને! ટોચ પર કાયમ રહેવાના વલખા મારવાની ઈન્દ્રિય, કુબેરના પ્રતિસ્પર્ધી બનવાની ઈન્દ્રિય, રોજ પોતાના જ નામના વધુ ને વધુ પ્રેમમાં ગરકાવ થતા જવાની ઈન્દ્રિય, ઈનસિક્યુરિટીના દોરડા ઉપર તણાવની લાકડીથી અવલંબન જાળવ્યા કરવાની ઈન્દ્રિય અને અન્ય શું કરે છેની ચિંતામાં ઊંઘની ગોળીઓ ખાધા કરવાની ઈન્દ્રિય ઉપર એક જ ઝાટકે વિજય નોંધાવી દીધો અરિજિત સિંહે … સંસ્કૃત અને ગુજરાતીમાં અરિનો અર્થ રિપુ એટલે કે દુશ્મન થાય છે.

તો આ માણસે તો, ખરેખર માનવ જીવનના બધા જ દુશ્મનોને પરાસ્ત કરી નાખ્યા. તમે ટોચ પર હો અને તમે રિટાયર્ડ થઈ જાઓ. બે જ કારણે, કાં તો તમે પાગલ થઈ ગયા હો અથવા તમને બુદ્ધત્ત્વ પ્રાપ્ત થઈ ગયું હોય (અત્યારની Hap Generation જેને Enlightenment નામે ઓળખે છે એ) ડોન બ્રેડમેનને ટેસ્ટ મેચની દરેક ઈનિંગની 100 રનની સરેરાશ સિદ્ધ કરવા માત્ર ચાર જ રનની જરૂર હતી છેલ્લી ઈનિંગમાંથી અને બ્રેડમેન આઉટ થયા ઝીરો પર, એમની સરેરાશ રહી હતી 99.96ની. પણ 100ની સરેરાશ માટે અગાઉની જાહેરાતની ઉપરવટ જઈને એક વધુ ટેસ્ટ એ ન રમ્યા તે ન જ રમ્યા. અરિજિત બીજું ઘણું બધું હશે જ પણ એ સંગીતનો બ્રેડમેન તો ખરો જ.

અને કારકિર્દી કેટલી… માંડ 12 કે 15 વરસની. બે-ત્રણ કરોડ એક શોના લેતો હતો. વધારેય હોઈ શકે. પણ ક્રેઝ એટલે માઈકલ જેકસનના શરૂઆતના દિવસોની યાદ અપાવી દે એવો ક્રેઝ. શરૂઆતના સા થી ઉપરના સા સુધીના સાત સૂર ગળામાં એવી નિપુણતાથી રમાડતો કે સ્વયમ્ સંગીતને વિચારોમાં ડૂબાડી દે. અને એય કેવી શરૂઆત સાથે?! રિયાલીટી શોમાં મળેલા જાકારાથી તો શરૂઆત કરી અરિજિતે. પણ મૃદુ લયનો આ માણસ નિરાશાને બદલે ખંતને દિલ દઈ બેઠો. શરૂ કરી દીધો રિયાઝ કોઈ ન જાણે એમ. અનહદ ભરોસો હતો એને ઉપરવાળાના આશીર્વાદ અને પોતાની શક્તિ ઉપર. આવું સાયુજય હોય ત્યાં સ્વીકૃતિની દેન છે કે આવવામાં ચું કે ચાં કરી શકે!

વિત્યા જ્યાં વરસ થોડા કે આ જ અસ્વીકૃત અવાજ કરોડો રસિયાઓનો ધબકાર બની બેઠો. લગ્નની સંગીત મહેફિલો, મોટરગાડીઓની મ્યુઝિક સિસ્ટમ, અનેક દિમાગોની સંગીતની આરક્ષિત Space અને સંગીત થેરાપી દ્વારા ઉપચાર પામતા લાખો હૃદયનો કબજો લઈ બેઠો આ અવાજ. અને પાછો કેવો માણસ! મનોજ ખંડેરિયા કહે છે એમ હવા જેવો સરળ… ‘ફેમ ગુરુકુલ’માંથી જાકારો મળ્યા બાદ 2005થી 2012 સુધી સાત વરસ એટલે કે 7×365 દિવસ સ્ટ્રગલના (અને આ દિવસો વિષે જેણે સ્ટ્રગલ કરી હોય એને જ પૂછવું કે આ સમયમાં એક ક્ષણથી બીજી ક્ષણ સુધી જતાં દિવસો કેમ ભાગી જતા હોય છે…)

અરિજિતે આ સમય દરમિયાન માપી લીધું કે જે અવાજ છે એનાથી દિગ્વિજય તો શું વિજય પણ નહીં પામી શકાય. એટલે સિંહના આ બચ્ચાએ ગળાની અંદરની વ્યવસ્થાની એ રીતે કુશળતાથી ફેરબદલી કરી કે જેથી અવાજમાં શૃંગારમય આળસ ઉમેરાય અને અવાજની sex appeal સીમા સીમાડાઓ પાર કરી જાય. અને ચાલી… અરિજિત સિંહની વાત ચાલી. તે એવી ચાલી ચાલી ચાલી કે કલકત્તા (હજી જૂનું અને મને બહુ ગમતું નામ)થી ડબ કરીને એ મુંબઈમાં સ્ટુડિયો મિક્સિગં માટે રવાના કરે. બંદો પોતે આવે તો આવે, ના ય આવે. પણ પરિણામ? સારું, વધુ સારું, એથી ય વધુ સારું…

મારા હે પરમ પ્રિય વાચક! જીવવા માટે મેક્સિમમ પાંચ-સાત કરોડ, વાડી વજીફા ઈત્યાદી અહમ્ ભર્યું જીવવા 25 કરોડ અને ‘મારી પાસે 100 કરોડ છે’ એવડા અહમ્ ભર્યું જીવવા માટે 100 કરોડ તો બહુ થઈ ગયા. બાકીના બધા કરોડો અબજો ખર્વો નિખર્વો પરાર્ધો શંકુઓ લઘુશંકામાં મત્સ્ય ઉદ્યોગ છે, એવું અરિજિતને કેવળજ્ઞાન કયાંથી આવ્યું હશે! ભારતના જોવાલાયક સ્થળમાંથી સાંભળવાલાયક ગવૈયા બનવા માટે અરિજિત સિંહ પ્લેબેક સીંગિંગને સલામ કરી રહ્યો છે ત્યારે મને 83-84 સુધીના મહેંદી હસન કે એથીય વધુ ઉત્કૃષ્ટ જાદુગર મળશે? તમને શું લાગે છે? આજે તો અમૃત ઘાયલ, એમના જિગરજાન શૂન્ય પાલનપુરી અને બન્નેના અનુજ શોભિત દેસાઈ અરિજિતને વહાલ કરવા આવી રહ્યા છે…

મોજ સઘળી એમનાથી હેઠ છે
શાયરી બહુ ખૂબસૂરત વેઠ છે
સુખ ગણી જેને પ્રશંસે છે જગત
એ અમે છાંડી દીધેલી એંઠ છે
ઘાયલ
આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું
દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું
ઓથ લેવી પડે પથ્થરની મને માન્ય નથી
શૂન્ય છું, ઠીક છું, ઈચ્છા નથી ઈશ્ર્વર લાગું
શૂન્ય
અજાણ્યાને ગણી ઈશ્ર્વર, બહુ આગળ જવાનું છે
નવાં સંધાન આંખે ભર, બહુ આગળ જવાનું છે
સફર પોતે છે મંઝિલ, ક્યાં તું મંઝિલ શોધવા બેઠો!
ફરી શરૂઆત મનમાં ધર, બહુ આગળ જવાનું છે
ઝડપ પર કાપ મૂકવાના, નકામા લાગણીવેડા
નયન નાહક ન ભીનાં કર, બહુ આગળ જવાનું છે
વહેતું જળ તું, ખળખળવાનો તારો ધર્મ છે કાયમ
અટકવાના ફગાવી ડર, બહુ આગળ જવાનું છે
મૂકી મૂર્તિ, મહાલય, માન્યતા – માણસ બની જા તું
વટાવી દે બધા પથ્થર, બહુ આગળ જવાનું છે
શરાફત, ખાનદાની ક્યાં સીમિત છે આ જનમ પૂરતી?
રટી લેજે અઢી અક્ષર, બહુ આગળ જવાનું છે

શોભિત દેસાઈ

આજે આટલું જ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button