આજે આટલું જ : હું માફી માગું છું… | મુંબઈ સમાચાર
ઉત્સવ

આજે આટલું જ : હું માફી માગું છું…

  • શોભિત દેસાઈ

સરેરાશ માંડીએ તો અઢીએક હજાર વર્ષ પછી વિશ્ર્વમાં અવતારોનું આગમન થતું હોય છે. કૃષ્ણ પછી મહાવીર, બુદ્ધ, લાઓત્ઝુ છે. એ બાદના અને પાંચ સો વર્ષ વહેલા આવ્યા એનોય આનંદ તો છે જ. પણ… આ સર્વને ગૂંથીને એક માફીમાળા બનાવીએ તો કૈંક આવી બને: ‘રામના ધનુષ્ય-બાણ, કૃષ્ણનું સુદર્શન ચક્ર, પરશુરામનું ધારીયું, મહમ્મદની તલવાર અને જીસસનું પ્રતીકાત્મક શસ્ત્ર’ – આ બધાં આ સર્વના ભગવાનપૂંજની લગાર ઓછપ છે. આપણાંમાં આ સર્વનાં કોઈ પણ આચરણ પ્રતિરૂપ સહેજ પણ માત્રામાં હોય તો આજે જ એને કરુણાના રબરથી ભૂંસીએ…

પહોંચી હો જો હાનિ તો હવાની માફી માગું છું,
બની હળવા ધરા પર ચાલવાની માફી માગું છું

અને દૃષ્ટાંત તો કેવું મુકાયું છે બે હજાર વર્ષ પહેલાં! કોઈ થૂંકે બુદ્ધના મ્હોં પર અને થૂંક પૌંછતા બુદ્ધ કહે કે તારી વાત પૂરી થઈ ગઈ હોય તો હું નીકળું, આગળ જવાનું છે… અને મહાવીર!!! કાનમાં ખીલા ઠોકવાની વાત તો જાણો છો છતાંય બાપાજી (ઓશો)ના લહેજામાં કહું: મહાવીર નગ્ન ઊભા છે સિરોહી રાજસ્થાનનામાં કોઈક વૃક્ષની નીચે ધ્યાનસ્થ… આ વાત છે એ બાર વર્ષોની જ્યારે મહાવીર મૌન હતા અને ધ્યાનમાં સતત લીન. એક ગડરિયો, ગોવાળીયો ગાયો ચરાવી રહ્યો હતો. ઘરથી કોઈક કામ માટે કહેણ આવ્યું, ગડરિયાએ જોયું કે આ માણસ ઊભો છે નાગો, કંઈ કામ વગરનો તે બોલ્યો: ભાઈ જરા આટલું કરજે. મારી ગાયો પર નજર રાખજે’ એ તો કહીને ચાલી ગયો, એણે જોયું ય નહીં કે ઊભેલા માણસે ન હા કહી ન ના કહી, એ તો ઊભો જ રહ્યો છે ચૂપચાપ, ઊભો જ છે અહીં નક્કામો, બેકાર, સમય બગાડે છે… જોયા કરશે ગાયોને. હવે મહાવીરને તો મૌન એટલે ના ય ના કહી. હા ય નહીં. ચૂપચાપ ઊભા જ છે. ગડરિયાએ તો મૌનને સમ્મતિ માની લીધું. ગયો ઘેર.

હવે ગાયનો તો શો ભરોસો! ચરતાં ચરતાં જંગલમાં અંદર ચાલી ગઈ. ગોવાળ આવ્યો તો જોયું કે માણસ તો ત્યાંનો ત્યાંજ છે પણ ગાયો બધી ગાયબ! આ માણસ તો બદમાશ, શરારતી, દગાબાજ લાગે છે. આમ તો એમ બનીઠનીને ઊભો છે જાણે મોટો ત્યાગી તપસ્વી હોય… કદાચ આજુબાજુમાં એના બીજા ગઠિયા-ગોઠિયા ય સંતાયા હોય જે ગાયોને લઈને પલાયન થઈ ગયા હોય. પૂછ્યું: કેમ ભાઈ? ગાયો ક્યાં? સામે મહાવીર મૌન. ‘મારામારી થઈ જશે.’ સામે મૌન. ‘બહેરો છે? સંભળાતું નથી? સામું મૌન. ‘અચ્છા? એટલે મને ઉલ્લું બાનવે છે કે તું બહેરો છું? તો લે કરી નાંખું તને બહેરો…’ એણે બે લાકડીઓ ઉપાડીને ઠોકી નાંખી પથ્થરથી મહાવીરના કાનોમાં.

કાનમાંથી તો લોહીના ધૂધવા… કાનના પર્દા ફાટી ગયા અને છતાંય અવિચળ સ્થિર પજ્ઞા સાથે લીન ઊભા છે મહાવીર એમના એમ… ગયો કાનમાં ખીલા ઠોકીને ગોવાળીયો ગાયો શોધવા. થોડેક જ દૂર ગાયો તો ચરતી મળી ગઈ. પસ્તાયો બહુ. કથા પ્રમાણે ઈન્દ્રને બહુ ઉદ્વેગ વ્યાપ્યો એક નિર્દોષ વ્યક્તિને અકારણ પીડા મળી એ વાતે. લાંબી વાત ટુંકાવું. નથી કોઈ ઈન્દ્ર કે ના કોઈ આકાશથી પોતાના ભાગનો આભ-દરવાજો ખોલીને નીચે સેવામાં આવે છે. જે આટલી સહિષ્ણુતાથી સભર હોય, આખું ય અસ્તિત્વ એને સાથ દેવા તત્પર હોય છે. ન ક્રોધ, ન પ્રતિશોધ. કેવળ કરુણા.

આ પણ વાંચો…આજે આટલું જ : શું વાંકમાં કોઈ જ નથી?

નાટ્યકાર સૌમ્ય જોશી એમના સામર્થ્યને જ્યારે અછાંદસ કવિતા તરફ વાળે છે ત્યારે શું સિદ્ધ કરે છે, એ જાણવું છે?

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ
આ સ્યોરી કેવા આયો સું ન ઘાબાજરિયું લાયો સું.
હજુય દુ:ખતું હોય તો લગાડ કોન પર ન વાત હોંભર મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવ છ: ‘ભગવોન મહાવીર’.
અવ ભા ના પાડતા’તા તોય સોડીન ભણવા મેલી મોંડમોંડ.
તે ઈણે ઈસ્કૂલથી આઈને પથારી ફેરવી કાલ.
ડાયરેક્ટ ભાને જઈને કીધું
ક આપડા બાપ-દાદા રાક્ષસ તો મહાવીરના ભગવોનનાં કોનમાં ખીલા ઘોંચ્યા.
હવ ભાની પરશનાલિટી તન ખબર નહીં.
ઓંખ લાલ થાય એટલે શીધ્ધો ફેંશલો.
મને કે ઈસ્કૂલેથી ઉઠાડી મેલ સોડીન.
આ તારા પાઠે તો પથારી ફેરવી હાચ્ચન.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું મુંય માનું સું.
પણ ઈન ઓછી ખબર હતી તું ભગવોન થવાનો
ને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો
ઈનું તો ડોબું ખોવઈ જવું તો ગભરઈ જ્યો બિચારો
બાપડાના ભા મારા ભા જેવા હશે
આ મારાથી ચંદી ખોવઈ જઈતી તો ભાએ ભીંત જોડે ભોડું ભટકઈન બારી કરી આલી’તી ઘરમોં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારા લીધે
દિમાગ બરાબર તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા
વોંક ઈનો શી. હાડીહત્તર વાર ખરો
પણ થોડો વોંક તારોય ખરોક નઈ?
અવ બચારો ચ્યોંક જ્યો
તો બે મિનિટ આંશ્યું ફાડીન ઈનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવોન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવ ઈનું ડોબુંય ઈનું તપ જ હતુન ભઈ?
ચલો એય જવા દો
તપ પતાઈન મોટો માત્મા થઈન બધાન અપદેશ આલવા માંડ્યો પસીય તા ઈમ થ્યું ક પેલાનું ડોબું પાછું અલાઉ?
તું ભગવોન, માર તન બઉં સવાલ નહીં પૂસવા
મુ ખાલી એટલું કઉસું ક વોંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીન પેલો પાઠ કદાચન ચોપડીમથી
હખેથી ભણવા દેને મારી સોડીન
આ હજાર દેરાં શી તારાં આરસનાં તો એક પાઠ નઈ હોય તો કંઈ ખારુમોરુ નઈ થાત.
તોય તન એવું હોય તો પાઠ ના કાઢઈસ બસ
ખાલી એક લીટી ઉમેરાય ઈર્મોં
ક પેલો ગોવાળિયો આયો’તો.
સ્યોરી કઈ જ્યો સ,
ન ઘાબાજરિયું દઈ જ્યો સ.

આજે આટલું જ…

આ પણ વાંચો…આજે આટલું જ : આખર પછીની અદલાબદલી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button