કેનવાસ: દોષનો ટોપલો પાઈલટ ટીમ પર તો નહીં ઢોળાયને? | મુંબઈ સમાચાર
ઉત્સવ

કેનવાસ: દોષનો ટોપલો પાઈલટ ટીમ પર તો નહીં ઢોળાયને?

અભિમન્યુ મોદી

વિમાનના કોકપીટમાં આ રીતે ગોઠવાયેલી હોય છે ઈંધણના પુરવઠાને નિયંત્રિત કરતી ફ્યુઅલ સ્વિચ…વિમાનની ઉડ્ડયન પ્રણાલી એ એક જટિલ યાંત્રિક અને ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાનું સંયોજન છે, જેમાં દરેક પેરામીટરનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે. આમાંનું એક મહત્ત્વનું પેરામીટર છે ફ્યુઅલ સ્વિચ, જે વિમાનના એન્જિનને મળતા ફ્યુઅલનો પુરવઠો નિયંત્રિત કરે છે.

ગયા મહિને 12 જૂનની બપોરે અમદાવાદના આકાશમાં ટેક ઓફની થોડીક ક્ષણોમાં બોમ્બની જેમ વિસ્ફોટ સાથે ફાટી પડેલા ‘એર ઇન્ડિયા’ બોઇંગ વિમાનની થથરાવી મૂકે એવી ભયાનક દુર્ઘટનામાં 241 પ્રવાસી સહિત જમીન પરના અન્ય એમ કુલ 275 લોકોએ જાન ગુમાવ્યા…

આ અકસ્માત બાદ ભારતના ‘એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)’ના પ્રાથમિક રિપોર્ટ વચ્ચે ફ્યુઅલ સ્વિચને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ. શું થયું હશે …શું થયું એની ધારણા શંકા-કુશંકા વચ્ચે પશ્ર્ચિમી મીડિયાએ ભારતીય પાઈલટ્સ પર દોષનો ટોપલો ઢોળી દીધો છે.

જોકે, એ અહેવાલને ‘એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો’ અને ભારતીય પાઈલટ સંગઠને નારાજી સાથે નકારી દીધો છે. એમનું કહેવું એમ છે કે હજુ તપાસ પ્રારંભિક તબક્કામાં છે ત્યારે આવા નિષ્કર્ષ પર પહોંચવું જરાય યોગ્ય નથી…

આ પ્લેન ક્રેશની તપાસ હજુ લાંબી ચાલશે માટે પુરાવા વગર કોઈ પણ જાતના દોષારોપણ કર્યા વિના – ભાવુક થયા વગર આપણે આખી ઘટનાને તકનીકી નજરથી સમજવાનો પ્રયાસ કરવો જોઈએ….

આ પણ વાંચો: કેનવાસ : ગુજરાતી-મરાઠી-તમિલ-બંગાળી… ભાષાને શું વળગે ભૂર?

ફ્યુઅલ સ્વિચ શું છે ને કેવી રીતે તે કામ કરે છે?

આપણાં પોતાના વાહનમાં ફ્યુઅલનો કોક અથવા તો વાલ્વ એક હોય પણ વિમાનમાં એકને બદલે બે હોય, કારણ કે આજના દરેક પેસેન્જર વિમાનમાં મિનિમમ બે એન્જિન હોય છે.
વિમાનની પાંખ નીચે લટકતા મોટા બે વર્તુળો વિમાનના એન્જિન છે અને વિમાનની પાંખ એ ફ્યુઅલની ટાંકી છે. ફ્યુઅલ સ્વીચથી એન્જિનને ફ્યુઅલ પહોંચાડવું કે નહીં તે નક્કી થાય છે.

આ સ્વિચ સામાન્ય રીતે બે સ્થિતિમાં હોય છે: “RUN’ (ચાલુ) અને ‘CUT OFF’ (બંધ). “CUT OFF’ મોડમાં એન્જિનને સતત ઇંધણ મળે છે, જેનાથી એન્જિન કાર્યરત રહે છે. જ્યારે ‘ઈઞઝ ઘઋઋ’ મોડમાં ઇંધણનો પુરવઠો બંધ થાય છે, જેના કારણે એન્જિન શટડાઉન થઈ જાય છે.

વિમાનના ફ્યુઅલ સ્વિચનું સ્થાન અને ડિઝાઇન એરક્રાફ્ટના મોડેલ પર આધાર રાખે છે, પરંતુ મોટાભાગે તે કોકપીટના થ્રસ્ટ લીવરની નજીક અથવા ઓવરહેડ પેનલમાં હોય છે. આ સ્વિચોને એ રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવે છે, જેથી એ આકસ્મિક રીતે બંધ ન થાય.

ઉદાહરણ તરીકે, ઘણાં આધુનિક વિમાનોમાં ફ્યુઅલ સ્વિચની આસપાસ મેટલ ગાર્ડ હોય છે, જે આકસ્મિક સ્પર્શથી બચાવે છે. ફ્યુઅલ સ્વિચનો ઉપયોગ મુખ્યત્વે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન એન્જિન શરૂ કે બંધ કરવા માટે થાય છે. જો કે, અસામાન્ય પરિસ્થિતિમાં, જેમ કે એન્જિનમાં આગ લાગવી કે અન્ય ટેકનિકલ ખામી સર્જાય તો પાઈલટ આ સ્વિચનો ઉપયોગ હવામાં એન્જિન બંધ કરવા માટે કરી શકે છે.

આ પણ વાંચો: કેનવાસ: માનવ ઇતિહાસનું સૌપ્રથમ પોડકાસ્ટ કયું હતું?

બોઇંગ વિમાનમાં ફ્યુઅલ સ્વિચની ખાસિયત

બોઇંગ વિમાનો, ખાસ કરીને અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયું એ 787 ‘ડ્રીમલાઇનર’ જેવાં આધુનિક મોડેલમાં, ફ્યુઅલ સ્વિચો અત્યંત અદ્યતન અને સુરક્ષિત ડિઝાઇન સાથે ગોઠવવામાં આવી છે. આ સ્વિચો કોકપીટના થ્રસ્ટ લીવરની નીચે અથવા નજીક હોય છે. સ્વીચને ઓન કે ઓફ કરવા માટે પણ બે કે ત્રણ એક્શન ક્રિયા અનિવાર્ય છે,

જેમ કે, ઓન રહેલી સ્વીચને ઓફ કરવા માટે તેને તેના ખાંચા એટલે કે સ્લોટમાંથી ખેંચવી પડે, નીચે સુધી સ્લાઈડ કરવી પડે અને નીચેના બીજા ખાંચામાં સેટ કરવી પડે. વિમાનની ફ્યુઅલ સ્વીચ એ દીવાનખંડના સિલિંગ ફેન જેવી નથી હોતી કે હાથ અડયો અને ભૂલથી પંખો બંધ થઈ જાય! વિમાનની ફ્યુઅલ સ્વીચ ઓપરેટ કરવા માટે પ્રયત્નો કરવા પડે છે, તે આકસ્મિક રીતે કે ભૂલથી ઓન કે ઓફ ન જ થાય.

બોઇંગ 787 જેવાં વિમાનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચો સ્વતંત્ર રીતે વાયર્ડ હોય છે અને વીજળી સાથે જોડાયેલા હોય છે, જેનાથી તેમની વિશ્વસનીયતા વધે છે. એવિએશન એકસપર્ટ એટલે કે ઉડ્ડયન નિષ્ણાતોના મતે આ સ્વિચ આપમેળે “CUT OFF’ મોડમાં જાય નહીં.

આ પણ વાંચો: કેનવાસ : DNA ટેસ્ટિંગ કટોકટીના સંજોગોમાં ઓળખચિન્હની ગરજ સારતું સૂક્ષ્મ પણ સચોટ માધ્યમ…

આવાં વિમાન કેટલાં સલામત?

બોઈંગ કંપનીના દાવા મુજબ એણે પોતાનાં વિમાનોની સલામતીને પ્રાથમિકતા આપી છે. ઉદાહરણ તરીકે, ફ્યુઅલ સ્વિચોની આસપાસ મેટલ ગાર્ડ અથવા લોકિંગ મિકેનિઝમ હોય છે, જે આકસ્મિક સ્પર્શથી બચાવે છે. આ ઉપરાંત, આધુનિક બોઇંગ વિમાનોમાં ઓટોમેટેડ સિસ્ટમ્સ હોય છે, જે એન્જિનની કામગીરીને સતત મોનિટર કરે છે અને જો કોઈ ચૂક થાય તો તરત જ પાઈલટને ચેતવણી આપે છે.

કોઈ પણ અનુભવી સમજદાર પાઈલટ ફ્લાઇટ દરમિયાન આ સ્વિચ બંધ કરે તેવી શક્યતા સાવ નહીંવત છે, કારણ કે તેની અસરરૂપે તાત્કાલિક એન્જિન બંધ થઇ જાય અને વિમાન જરૂરી એલ્ટીટ્યુડ એટલે કે ઊંચાઈ ગુમાવી બેસે….

જોકે, અમદાવાદ દુર્ઘટનાના AAIB રિપોર્ટમાં એવું સૂચવવામાં આવ્યું છે કે બંને એન્જિનના ફ્યુઅલ સ્વિચો આપમેળે “CUT OFF’ મોડમાં આવી ગઈ, જેના કારણે ઇંધણનો પુરવઠો બંધ થયો એમાં વિમાન ક્રેશ થયું. આ ઘટનામાં બન્ને પાઈલટ વચ્ચેની વાતચીત દર્શાવે છે કે બંનેએ એન્જિન બંધ કરવાનો ઇનકાર કર્યો હતો અને ધારી લો કે કોઈ પણ રીતે એ બંધ થઈ જાય તો કોકપીટના વોઈસ રેકોર્ડર પર પાઈલટ વચ્ચેના સંવાદની જેમ સ્વિચ ઓન -ઓફનો અવાજ અચૂક નોંધાય જાય અને આવા કોઈ પણ અવાજનો ઉલ્લેખ પ્રાથમિક અહેવાલમાં હજુ સુધી થયો નથી!

આ પણ વાંચો: કેનવાસઃ એક રોગે ઘરની ડિઝાઈન બદલી, હવે ઘરની ડિઝાઈન નવા રોગને નોતરે છે?

આવી યાંત્રિક ખામીની ઘટના અગાઉ બની છે ખરી?

વેલ, આવી એક નોંધપાત્ર ઘટના 1983માં ‘એર કેનેડા’ની ફ્લાઇટ 143ની છે, જેને ‘ગિમલી ગ્લાઇડર’ તરીકે ઓળખવામાં આવે છે. આ બોઇંગ 767 વિમાનમાં ઇંધણનો પુરવઠો ખોટી ગણતરી અને ફ્યુઅલ સિસ્ટમની ખામીને કારણે સમાપ્ત થઈ જવાના કારણે બંને એન્જિન બંધ પડી ગયા, પણ કુશળ પાઈલટે વિમાનને સફળતાપૂર્વક ગ્લાઇડ કરીને લેન્ડ કરાવ્યું. જોકે, આ ઘટના ફ્યુઅલ સ્વિચની સીધી ખામીને બદલે ઇંધણ વ્યવસ્થાપનની ભૂલ સાથે સંબંધિત હતી.

આ ઉપરાંત, ભૂતકાળમાં કેટલીક નોંધપાત્ર ખામીઓ બોઇંગ વિમાનોમાં જોવા મળી છે, જેમાં ફ્યુઅલ સિસ્ટમથી લઈને અન્ય ટેકનિકલ સમસ્યાઓનો સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે, બોઇંગ 737 MAX શ્રેણીમાં 2018 અને 2019માં થયેલી બે ઘાતક દુર્ઘટના (લાયન એર ફ્લાઇટ 610 અને ઇથિયોપિયન એરલાઇન્સ ફ્લાઇટ 302) ઓટોમેટેડ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ (AFCS) ની ખામી સાથે સંબંધિત હતી. આ ઘટનાઓમાં ફ્યુઅલ સ્વિચનો સીધો સંબંધ ન હતો, પરંતુ તે બોઇંગની ડિઝાઇન અને ટેસ્ટિંગ પ્રક્રિયાઓ પર સવાલો ઊભા કરે છે.

આ પણ વાંચો: કેનવાસ : ટીનેજરના સંબંધ ઉપર આપણે ક્યાં સુધી ચોકી પહેરો ભરીશું ?

બોઇંગ 787 ‘ડ્રીમલાઇનર’ માં પણ 2013-14 દરમિયાન બેટરી સિસ્ટમની ખામીઓ જોવા મળી હતી, જેના કારણે વૈશ્વિક સ્તરે આ વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા. અમદાવાદ દુર્ઘટના બાદ ‘એર ઇન્ડિયા’ અને અન્ય એરલાઇન્સે બોઇંગ 787ના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ કરી, પરંતુ હજુ સુધી તેમાં કોઈ ખામી જોવા મળી નથી.

જગતભરના અનેક નિષ્ણાત ‘એવિયેશન ડિટેક્ટિવ’ અત્યારે અમદાવાદની ગોઝારી દુર્ઘટનાનાં કારણ શોધીને એનાં તારણ પર પહોંચવાની પ્રક્રિયામાં હજુ વ્યસ્ત છે.

અંતિમ નિષ્કર્ષ જે આવે તે, પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી એ છે કે કરોડો ડૉલર્સનો ધીકતો ધંધો કરતી મલ્ટિનેશનલ બોઈંગ જેવી વિરાટ વિમાન કંપની અમદાવાદની આ દુર્ઘટનાને લીધે એની ‘આબરૂ’ને બટ્ટો ન લાગે એની પૂરેપૂરી ‘સાવચેતી’ લેશે!. આપણે આશા રાખીએ કે દોષનો ટોપલો ભારતીય પાઈલટ ટીમ પર ન ઢોળાય અને અંતિમ સત્ય બહાર આવે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button