હેં… ખરેખર?!: મોતના અઢાર મહિના બાદ અગાથા ક્રિસ્ટીએ બચાવ્યો બાળકીનો જીવ! | મુંબઈ સમાચાર
ઉત્સવ

હેં… ખરેખર?!: મોતના અઢાર મહિના બાદ અગાથા ક્રિસ્ટીએ બચાવ્યો બાળકીનો જીવ!

-પ્રફુલ શાહ

કોઈ લેખક, કવિ, પેઈન્ટર, ફિલ્મકાર જેવા કલાકારો સમાજ માટે કેટલાં ઉપયોગી થઈ શકે! આમાં ચર્ચા, દલીલ અને મતમતાંતર માટે ઘણો અવકાશ રહેવાનો, પરંતુ ‘ક્વીન ઑફ ક્રાઈમ’ અને ‘ક્વીન ઑફ મિસ્ટ્રી’ તરીકે ઓળખાતાં અગાથા મેરી કલેરીકા ક્રિસ્ટી (15 સપ્ટેમ્બર, 1890-12 જાન્યુઆરી, 1976) સંબંધી એક કિસ્સો એવો બેમિસાલ છે કે એમાં દલીલ માટે લેશમાત્ર સ્થાન નથી.

66 ડિટેકટિવ નવલકથા અને 11 વાર્તા-સંગ્રહ આપનારાં અગાથા ક્રિસ્ટીના બે પાત્ર હરક્યુલ પોઈરો અને મિસ માર્પેલને સસ્પેન્સના ચાહકો ક્યારેય ભૂલી નહીં શકે. યુનેસ્કોની નોંધ પ્રમાણે વિશ્વનાં સૌથી વધુ અનુવાદિત લેખક એટલે અગાથા ક્રિસ્ટી. એમની નવલકથા ‘ઍન્ડ ધેન ધેર વેર નન’ વિશ્વની સૌથી વધુ, દસ કરોડ નકલ, પુસ્તક છે. એમનું નાટક ‘માઉસ ટ્રેપ’ના નામે સૌથી વધુ સમય ચાલવાનો વિશ્વ-વિક્રમ છે. આ નાટક 1952થી લંડનમાં સતત ભજવાઈ રહ્યું છે. તેમણે મેરી વેસ્ટકોસ્ટના ઉપનામથી પણ છ નવલકથા લખી હતી. બ્રિટનના રાણી એલિઝાબેથ બીજાએ સાહિત્યમાં અનન્ય પ્રદાન બદલ લેખને રાષ્ટ્રીય સન્માન ડી.બી.ઈ.ની ઉપાધિ આપી હતી.

આ વિશે ઘણું ઘણું લખી શકાય પણ આપણે તેમના જીવન પછીની સિદ્ધિની અદ્ભુત વાત કહેવી છે. ભાગ્યે જ કોઈ લેખક આવું કરી શક્યા હશે. 1976ના જાન્યુઆરીમાં 85 વર્ષની ઉંમરે અગાથા ક્રિસ્ટીએ પાત્રો અને વાચકોનો સાથે છોડીને અનંતની યાત્રાએ નીકળી પડ્યાં હતાં. એના દોઢેક વર્ષ બાદની ઘટના પર ફોક્સ કરવું છે.

1977માં કતારથી લંડન જતા વિમાનમાં એક આરબ પરિવાર ખૂબ તાણમાં હતો. એમની 19 વર્ષની બાળકીની તબિયત ખૂબ નાજુક હતી. દિવસે-દિવસે હાલત નાજુક થઈ રહી હતી એટલે આખરી આશારૂપે બચ્ચીને લંડન જવાઈ રહી હતી. જાણીતી સંસ્થા એ.પી. (એસોસિએટેડ પ્રેસ)ના દ્વારા લંડનની ડેટલાઈન સાથે 23મી જૂન, 1977ના રોજ બ્રિટિશ જર્નલ ઑફ હોસ્પિટલ મેડિસિનને ટાંકીને આ અહેવાલ પ્રગટ થયો હતો.

આ પણ વાંચો…હેં… ખરેખર?! : ચાલો, ભારતની ચાની અંતિમ દુકાને જઈએ…

લંડનની ખૂબ જાણીતી હેમરસ્મિથ હૉસ્પિટલમાં બાળકીને દાખલ કરાયા બાદ વડીલોના શ્વાસ થોડા હેઠાં બેઠા ને આશાના દીવામાં વધુ તેલ ઉમેરાયું. અહીં નિષ્ણાત તબીબો, આધુનિક ઉપકરણો અને લેટેસ્ટ સારવાર છતાં માસૂમની તબિયતમાં જરાય સુધારો થતો નહોતો. ઉલ્ટાની હાલત વધુ કથળતી લાગતી હતી. એનું બ્લડપ્રેશર સતત વધી રહ્યું હતું. ને શ્વાસ લેવામાં તકલીફ વધી રહી હતી. એ અંતિમ શ્વાસ લેવા ભણી જઈ રહી હતી. સૌથી મોટી કઠણાઈ હતી કે ભલભલા ડૉક્ટર નિદાન નહોતા કરી શકતા કે બચ્ચીને થયું છે શું? અને કોઈ સારવારને પ્રતિસાદ આપતી નહોતી. મેડિકલ સાયન્સની જાણે મર્યાદા આવી ગઈ હતી. તબીબો ય લાચારી અનુભવતા હતા. રોગ પકડાય તો ઈલાજ કરી શકાય ને!

એ બાળકીનું બીપી વધી રહ્યું હતું, શ્વાસોચ્છ્વાસમાં મુશ્કેલી પડી રહી હતી અને વાળ ખરી રહ્યા હતા. પણ ડૉક્ટર્સ કંઈ કરી શકતા નહોતા. આ સંજોગોમાં માર્શા મૈટલેન્ડ નામની નર્સ સવારના રૂટિન ચેકઅપ માટે નીકળી. આ બાળકીની હાલત જોઈને એ એકદમ વિચારમાં પડી ગઈ. એની આંખમાં ચમક આવી ગઈ. એને લાગ્યું કે આ બાળકીને થેલિયમ ઝેરની અસર તો નહિં થઈ હોય ને! થેલિયમ પોઈઝનની ટૅક્નિકલ વિગતમાં પડવાનું રહેવા દઈએ પણ એટલું કહી શકાય કે થેલિયમ અત્યંત દુર્લભ છે. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 0.00006 ટકા છે.

પાછા આવીએ મૂળ કેસ પર. સવા સાતસો કરોડનો સવાલ એ ઊભો થાય કે ધુરંધર ડૉક્ટર્સ ન કળી શક્યા એ વાત એક નર્સને કેવી રીતે ખબર પડી! માર્શા આગલી રાત્રે અગાથા કિસ્ટીની નવલકથા ‘ધ પેલ હોર્સ (The Pale Horse) વાંચતી હતી. આ નવલકથામાં એક પાત્ર સાથે થેલિયમ ઝેરને લીધે થતી ઘટનાનું આબેહૂબ વર્ણન કરાયું હતું. એ પાત્રની પીડાનું વર્ણન એટલું સચોટ, અસરકારક અને સંશોધનપૂર્ણ હતું કે માર્શાને યાદ રહી ગયું.

તબીબોને માર્શા મૈટલેન્ડની વાતમાં એક શક્યતા દેખાઈ, જે એક મોટી આશા હતી, પરંતુ બ્રિટનમાં થેલિયમ જવલ્લે જ દેખાય કે મળે. આને લીધે હૉસ્પિટલમાં થેલિયમ સંબંધી ટેસ્ટ કરવાની સુવિધા જ નહોતી. સ્કૉટલેન્ડ યાર્ડે ફટાફટ તપાસ કરતા જાણી લીધું કે થેલિયમ સંબંધી પરીક્ષણ કરી આપતી મેડિકલ લેબોરેટરી કંઈ છે ને ક્યાં છે?

માર્શા મૈટલેન્ડને આગાથા ક્રિસ્ટીના પાત્રના વાળ ખરી પડવાની વાત બરાબરની યાદ રહી ગઈ હતી અને એ વાત જ બાળકીને બાલબાલ બચાવી લેવામાં નિમિત્ત બનવાની હતી. બાળ-તજજ્ઞ ડૉ. વિક્ટર ડુબોવીઝેને સૂઝયું અને તેણે સ્કૉટલૅન્ડ યાર્ડની મદદ માગી. એક તબીબને સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસનો વિચાર આવ્યો. એ કેવો ગજબ યોગાનુયોગ?! સ્કૉટલૅન્ડ યાર્ડે તો વોર્મવુડ સ્ક્રબ્સ જેલમાં કેદ ભોગવતા થેલિયમ એક્સપર્ટનો સંપર્ક પણ સાધ્યો. આ કેદીએ પણ થેલિયમ ઝેરની અસરનું વર્ણન કર્યું.

આ સાથે જ ટેસ્ટના પરિણામ આવી ગયા ને થેલિયમ ઝેરની અસર હોવાનું સમર્થન મળી ગયું. તબીબોને જાણવા મળ્યું કે આ બાળકીના ઘરમાં વાંદા અને ઉંદરને મારવા માટે થેલિયમનો ઉપયોગ કરાતો હતો. ત્યારબાદ નવા નિદાન અને નિષ્કર્ષને લાગતી સારવાર શરૂ થઈ – અને ત્રણેક અઠવાડિયામાં બાળકીની તબિયતમાં થતો નોંધપાત્ર સુધારો ઊડીને આંખે વળગવા માંડ્યો. ચારેક મહિનાની સારવાર બાદ આ માસૂમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ અને એ માતા-પિતા સાથે વતન કતાર જવા રવાના થઈ.

કલ્પના કરો કે અગાથા ક્રિસ્ટીએ પૂરેપૂરા સંશોધન સાથે ‘ધ પેલ હોર્સ’ ન લખી હોત તો? અને નર્સ માર્શા મૈટલેન્ડે એ ન વાચી હોત તો? અને અને… માર્શા એ જ હૉસ્પિટલમાં નોકરી કરતી ન હોત તો? કતારની બાળકીની હથેળીમાં આયુષ્ય-રેખા લાંબી હશે જ.

આ પણ વાંચો…હેં… ખરેખર?! : યુવતીનાં આંચકાજનક પ્રયોગે અનેકને સાવ ઉઘાડા પાડ્યા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button