આજે આટલું જ : સાવ ખાનગી વાત (5)

-શોભિત દેસાઈ
અનાદિકાળથી શરૂ કરીએ તો પાંડવો પણ પાંચ, તત્ત્વ પણ પાંચ, ઈન્દ્રિયો પણ પાંચ, આયુર્વેદ શુદ્ધીકરણના કર્મ પણ પાંચ અને આપણી વડીલાંજલિ શ્રેણીના હપ્તા પણ પાંચ… એટલે કે આજે પાંચમો અને છેલ્લો એપીસોડ… હૃદયને પાંદડાના આકારમાં કલ્પાયું હોય તો અત્યારે મારા હૃદયના ડાબે તમે બધા બેઠા છો તમારી આતુર આંખો સાથે અને જમણે બેઠાં છે આ બધા વડીલ શાયરો-ગાલિબ મેઘાણીથી લઈ કૈલાસ-આદિલ સુધી .
કવચિત્ શાયરો તમારી દાદ સાંભળવા ડાબે આવે છે અને કવચિત્ તમે, કેટલાક શાયરોને ઝોકેથી જગાડી વાહવાહનો પલીતો ચાંપવા જમણે જતા રહો છો. મારે તો સાહેબો! બન્ને તરફ બખ્ખમબખ્ખા છે: જો કે સમતુલન જાળવવું દુષ્કર થઈ ગયું છે, પણ આ હાલનડોલનની જ તો મજા છે.
આપણ વાંચો: આજે આટલું જ: સાવ ખાનગી વાત
નથી તારામાં કોઈ વિધિ મદિરા
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા
19.10.1983ના દિવસે અવસાન પામ્યા એ અબ્બાસ વાસી ‘મરીઝ’ને અર્પણ
ગઝલ નામની એક પરી છે મદિરા
‘મરીઝ’ સર્જી જેણે ધરી છે મદિરા
ન દો દોષ પીઠાની ધાંધલનો એને
છે ખોટા શરાબી, ખરી છે મદિરા
પ્રતિબંધ મૂકે છે પીવા ઉપર તું?!
તો આંખોમાં શાને ભરી છે મદિરા?!
થયા રોજ અલ્લા ’ને હું સામસામે
કયામતમાં કેવળ તરી છે મદિરા
છે ઓગણીસ દસ ઓગણીસસો ’ને ત્ર્યાંશી
જરા વાર આજે મરી છે મદિરા
આપણ વાંચો: આજે આટલું જ : બિલકુલ ખાનગી વાત
‘મરીઝ’ એટલે મદિરા-મોહનું મૂર્તિમંત સ્વરૂપ… કેટલાક મુશાયરામાં ‘મરીઝ’ને મક્ત્આની પહેલી પંક્તિ પર મળેલી દાદથી અતિપ્રસન્ન થઈને બીજી પંક્તિ બીજા કોઈ મક્ત્આની બોલતા મહેસૂસ કર્યા છે, કારણ કે પોડિયમ પર નિર્બળ આંગળીઓ ભાવાવેશમાં પટકી હોય એટલે પાનું બદલાઈ ગયું હોય!!!
તો ‘મરીઝ’ની અતિસંપન્ન ગઝલ મારી પોતાની 50 વર્ષની સ્ટેજ કારકિર્દી દરમ્યાન અનેકાનેક વાર રજૂ કરીને દર વખતે સરેરાશ 500 ટન દાદ, 350 ટન વાહ વાહ અને મપાય કે જોખાય નહીં એટલા ટન મૂક આદર મેળવ્યો છે.
જીવન કે મરણ હો એ બન્ને સ્થિતિમાં, મરીઝ એક લાચારી કાયમ રહી છે…
આપણ વાંચો: આજે આટલું જ : બિલકુલ ખાનગી વાત (2)
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
‘મરીઝ’ને અર્પણ
અહીં ઘૂંટડાની જ તસ્બી જપાતી, નમાઝો અને પ્રાર્થના ટાંગી દ્વારે
દુકાનો ભૂલી જાય, જોડી સ્વયમ્ને પરમથી, નશીલી ક્ષણોને પ્રસારે
શિશુવયમાં જે એક મૂર્તિ ઘડી’તી, યુવાનીમાં જાણ્યું એ અદ્દલ તમે છો!
તમે આ ભવે તો અમારા થયા નહીં, ફરી જન્મ લેવાનું બનશે અમારે
ગણિતો ઠર્યા સાવ ખોટાં સદંતર, કદી એષણાઓ ન ખૂટી ખરેખર
બહુ તેં તો આપ્યા કર્યું જિંદગીભર, હંમેશાંનું માગ્યા કર્યું મેં વધારે
ક્ષિતિજેથી સોનેરી કેડી બિછાવીને દરિયા ઉપર, સૂર્ય જ્યાં સ્હેજ અટક્યો;
ભરી ડગ અને હું તો પહોંચી ગયો છું, બધા દેખનારા ઊભા છે કિનારે
હવા ના પ્રવેશી શકે એક ચપટીય, ચોમેરથી બંધ છે સૌ દીવાલો
મરણ પામવું છે જરૂરી, પરંતુ વગર શ્ર્વાસે જીવી શકે એ પધારે
આપણ વાંચો: આજે આટલું જ : બિલકુલ ખાનગી વાત
ચાર્લી ચેપ્લીનને સાડા ત્રણ વરસની ઉંમરે સ્ટેજ ઉપર એની પોતાની ખાંસીથી પીડાઈને અંદર જતી રહેલી માની મિમિક્રી કરવા બદલ પ્રેક્ષકો તરફથી 1895ની આસપાસ થિયેટરમાં 1 ડૉલર અને 68 સેન્ટ મળે છે, એ રાતે ચાર્લી ચેપ્લીન લખે છે:
‘મેં એક આખા ડૉલરનો ચહેરો જિંદગીમાં પહેલી વાર જોયો. ક્યારેક વિષમતાના ભગવાનો પોતાની રમતથી થાકી જાય છે અને સહેજ દયા દેખાડી દે છે.’ ચાર્લીચેપ્લીનથી વધુ કોઈ યોગ્ય હોય આ ભવ્ય મિનીસિરિયલના અંત માટે તો મને બતાવશો
મારા મિત્ર!
ચાર્લી ચેપ્લીનને અર્પણ
બસ હવે મરવા વગર બીજો કોઈ રસ્તો નથી
પ્રાણ છે આદી તમારો, કૈં બીજું શ્ર્વસતો નથી
સૌથી સારો દોસ્ત દુનિયામાં છે મારો, આયનો
એની સામે હું રડું છું ત્યારે એ હસતો નથી
સૌમ્યતા? પુખ્તાઈ? ભલમનસાઈ? કે નિર્વિર્યતા?
હું હવે સામા વહેણે ક્યાંય ધસમસતો નથી
હોય તું મોજૂદ અહીં અસ્તિત્વના હર અંશમાં
જૂજ લોકોના હૃદયમાં કેમ તું વસતો નથી?
ખૂબ મોંઘા મૂલ ચુકવતો રહું છું આંસુના
હું ખરીદું યાદ ત્યારે ભાવને કસતો નથી.
આજે આટલુંજ…