આજે આટલું જ: બિહાર -2025 (1)

- શોભિત દેસાઈ
તુમ કો નયા યે સાલમુબારક હો દોસ્તો
મૈ ઝખ્મ ગિન રહા હું અભી પિછલે સાલકે
યે ખત કીસી કો ખૂન કે આંસુ રુલાયેગા
કાગઝ પે રખ દિયા હૈ કલેજા નિકાલ કે
ખલીલ ધનતેજવી
પડઘમ નગારા ઢોલ ત્રાંસા વાગી રહ્યા છે અને નવી આબોહવાના સુસવાટા સાથે હાકલા પડકારા દેકારા સંભળાઈ રહ્યા છે બિહારના અને બિહારમાં. કાદર ખાનના જ કહેવા પ્રમાણે કાદર ખાને હિન્દી ફિલ્મની ભાષાની પત્તર રગડી: જાઓ ઉસકી મા કે દૂધમેં હુકમ કા ઈક્કા ઘુમા ડાલો. એણે જે કંઈ કર્યું એની કડાકુટમાં ચકલી ખેતર ચણીને ઓડકારો પર ઓડકારો ખાધા કરતી હોય ત્યારે ક્યાં પડીએ! પણ 1960-61ની સાલનું તે વખતનું હિન્દુસ્તાન વર્ણવતા એણે પોતાના નાટક ‘ભૂખ કશ્મીર કો બંગાલ બના દેતી હૈ’માં નાટકની શરૂઆત આ શબ્દો લખીને કરી હતી ‘તુમ્હેં યાદ હૈ વો ઝમાના જબ હમ હરરોજ ખાના ખાયા કરતે થે?’
હજુ ભારતવાસી મુંઝાયેલો જ છે. 2012 પછી તો કેવો! નક્કી જ નથી થતું એનાથી કે બીજેપી એકદમ ફીટોફીટ છે? કે પછી દિલ્હીવાળા પાર્ટી (બે વાર)? કે પછી ઓરજિનલી બે બળદની જોડી કદી ન કોઈએ તોડી? (1970 પહેલાં).
પ્રશાંત કિશોર ઘણી પાર્ટીઓમાં ચૂંટણી નિષ્ણાતજ્ઞ (ખોટો શબ્દ જાણી જોઈને, જરા ખ્યાલ તો આવે એના વિસ્તારનો!) તરીકે 15-17 વર્ષ રહી આ વખતે પોતે પોતાની પાર્ટી ‘જન સુરાજ પાર્ટી’ દ્વારા પૂરી તૈયારી સાથે બિહાર-2025 ઈલેકશન લડી રહ્યા છે.
અને મોદીજીમાં જે ગટ્સ હતી 2012 થી 2014 સુધી એવી જ અને કદાચ વધારે ઈમોશનલ ગટ્સ એમનામાંથી ટપકે છે નીતરે છે વરસે છે તમે જે કહો એ. માનનીય મોદીજી તે વખતે માત્ર ગુજરાત જેવડા નાનકડા રાજ્યના મુખ્ય મંત્રી હતા અને ભરપૂર અને ભરચક સભામાં લખલખાં પસાર થઈ જાય એવાં ઉપરા ઉપરી બે વાક્યો બોલ્યા હતા. ‘ભાઈઓ ઔર બહેનો! ઈસ કડી ધૂપ મેં આપ સબકી ઈતની બડી હાજરી દેખકર મૈ યે કહ રહા હું કી મા બેટેકી સરકાર તો ગઈ. ઔર ઈતની બડી તાદાત મેં આપ સબકા હોસલા દેખકર યે ભી તય હૈ કી બાપ બેટેકી સરકાર ભી ગઈ અને મારા પરમ પ્રિય રવિવારના ‘મુંબઈ સમાચાર’ના દેવીઓ અને સજજનો!
ખરેખર બન્ને સરકારો ગઈ ગઈ, તે ગઈ જ. પ્રશાંત કિશોરમાં પણ આવો જ રણકો અને બિહારના લોકોના મુદ્દાની લાગણીઓ વણીને સજ્જ બનાવાયેલો રણકો મને સંભળાઈ રહ્યો છે. ત્રણ વરસથી પ્રશાંત કિશોરે સતત પદયાત્રાઓ કરી કરીને બિહારને ધમરોળી નાખ્યું છે. નવાઈ એને છે નહીં કશાયની કારણ કે મોટામાં મોટા પદ પર એણે ઓછામાં ઓછા આઠ દસને બેસાડયા છે અને એ પણ અલગ અલગ પાર્ટીઓના.
આ પણ વાંચો…આજે આટલું જ: જગતજીત જગજીત સિંગ ને દિપોત્સવ…
મુદ્દો એનો મુખ્ય છે બિહારીઓનું નોકરી માટે પોતાના અને પરિવારના પેટનો ખાડો પૂરવા માટેનું સ્થળાંતર. જેની વાત અહીંથી 5-7 રવિવાર પહેલા થઈ ગઈ છે, એનું કહેવું છે કે એક લાખ કરોડ રૂપિયાનો પ્લાન્ટ પ્રિય રાજ્યમાં આપીને બિહારથી એ રાજ્ય સુધીની કોઈ સ્પેશ્યલ ટ્રેન ન આપો કે જેમાં બિહારનો મજૂર જઈ આવી શકે. અમને બિહારમાં એ એક લાખ કરોડ રૂપિયાનો પ્લાન્ટ આપો, જ્યાં એ પ્લાન્ટને લીધે ખુલવાવાળી શૈક્ષણિક વસાહતોમાં ભણીગણીને બિહારી નોકરી મેળવે.
ભગવાન પર આસ્થા બાબત શંકા કરવાનું મન થાય એવો પ્રદેશ છે બિહાર. બુદ્ધ જેવા બુદ્ધ અને મહાવીર જેવા મહાવીર કાંઈ ના કરી શકયા અને 1990થી આ દેશના રાજકારણની ભાષા બગાડનાર લાલુ-રાબડી 18 વરસ સુધી બિહારને તહસનહસ કરતા રહ્યા. એ પછીના આયારામ ગયારામ ઓછાં ખરાબ, એથી વિશેષ કાંઈ જ નહીં એવા કરોળિયા અવતાર – ટકવાની કલામાં માહિર. બિહારનું જે થવાનું હોય એ થાય.
પ્રશાંત કિશોરને હવે તો ગોદી-નોનગોદી – પેઈડ – નોનપેઈડ મીડિયાના કહેણ આવી રહ્યા છે કારણ કે બંદો હીટ છે. હીટ હો તો પેઈડ મીડિયાને પણ મીડિયા તરીકે તો ટકવું જ હોય, તો જ આગળ જતાં પેઈડ બની શકે.
કેટલા વાંચે છે અને વાંચશે એ જાણ નથી પણ વાંચ્યા બાદ તમે સહમત ન થાઓ તો જરૂર પસ્તાળ પાડજો.
પણ તૈયાર રહેજો. રાજકારણમાં બધું જ બની શકે છે. છઠ્ઠીથી ઊઠી ગયેલા અમેરિકાથી પીએચડી બની શકે તો કોઈક યાદવ સંતાન ઓછામાં ઓછી સીટ હોવા છતાં બાકીના બે મોટા ભાઈના સપોર્ટથી બાકીના એકને દૂર રાખવાના ‘નેક’ ઈરાદાથી બિહારનો મુખ્ય મંત્રી બની ય શકે છે.
ઈસ સિરે સે ઉસ સિરે તક સબ શરીકે જુર્મ હૈ
આદમી યા તો ઝમાનત પર રિહા હૈ યા ફરાર
દુષ્યન્ત કુમાર
સિરે: ખૂણો, શરીકે જુર્મ: ગુન્હામાં સામેલ, ફરાર: ભાગેડુ
આજે આટલું જ.
આ પણ વાંચો…આજે આટલું જ: આ આખું નાટક શા માટે?



