ટ્રાવેલ પ્લસ: દિવાળીના તહેવારમાં દુનિયાનાં શોરથી સાવ અલિપ્ત વિશ્વ: પાર્વતી વેલી | મુંબઈ સમાચાર
ઉત્સવ

ટ્રાવેલ પ્લસ: દિવાળીના તહેવારમાં દુનિયાનાં શોરથી સાવ અલિપ્ત વિશ્વ: પાર્વતી વેલી

  • કૌશિક ઘેલાણી

તહેવારોની ઊજવણી કુદરતના સાંનિધ્યમાં હોય તો દિવાળી સાર્થક સમજો. કુદરતનાં નોટિફિકેશન સિવાય કોઈ નોટિફિકેશન, ઇમેઇલ, ટાર્ગેટ, ચેટ વિન્ડો જેવું કશું જ નહી. કોઈ વેબ સિરીઝ કે ફોન સ્ક્રીન પર જબરદસ્તી ઘૂસણખોરી કરીને મન પર હાવી થઈ જતાં સમાચારો નહી. બસ તમારો પોતાનો અલાયદો સમય, આદુંવાળી ચાની ચૂસ્કી અને જાતને આપેલો સમય એટલે હિમાલયના ખોળે વહેતી પાર્વતી વેલીમાં વિતાવેલો સમય. શિયાળાને આવકારતા મનોરમ્ય વાતાવરણમાં તાજગી સાથે આંખોને ઠંડક અને મનને શાંતિ આપે તેવી જગ્યાએ આરામદાયક દિવસો વિતાવવાનું સપનું કોને ન હોય? સ્ટ્રેસ અને ભાગદોડ ભરેલી જિંદગીને એક તરફ મૂકીને આંખોમાં કુદરતનો નશો મન ફાવે ત્યાં સુધી ભર્યા કરો, સવારે વહેલા આપોઆપ આંખ ઊઘડી જાય અને લાકડાંની છતથી બનેલા ઘરની બહાર પગ મૂકો કે તરત જ ચોતરફ હિમાલયનાં ગગનચુંબી બરફથી છવાયેલાં શિખરો અને દેવદારના વૃક્ષોમાંથી ચાળણી માફક ગળાઈને આવતો સૂર્ય પ્રકાશ નજરે ચઢે કે એવું લાગે કે અહીં સમય ઘડીભર થંભી જવો જોઈએ. ટેક્નોલોજી અને પ્લાસ્ટિક દુનિયાથી સાવ વિપરીત અહીં સાદગીભર્યું પણ આનંદદાયક જીવનની ક્ષણો માણવાનો લાભ મળે છે. અહીં આવીને ફરી પાછા શહેરી જીવનમાં આવવાનું મન નથી થતું. અહીં આવ્યા પછી કુદરત સાથેનો લગાવ અસીમિત થવા લાગે છે.

વેકેશન કે પછી કોઈ પણ વાર તહેવારને આપણે બહાનું બનાવી દેતા હોઈએ છીએ કે આપણે ઘરથી દૂર ક્યાંક જઈએ પણ આવા અદ્ભુત સૂર્યોદય કે સૂર્યાસ્તનાં કોઈ વાર તહેવાર નથી હોતા, તેઓ તો નિયત સમયે ઉગે અને આથમે જ છે. કુદરતના ખોળામાં બેસીને સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોના ઘૂંટડા ભરવા અને આવા મનોહર દૃશ્યોને પોતાની આંખો સાથે કેમેરામાં કંડારીને યાદોની ગેલેરીમાં સાચવીને રાખી શકાય છે. દરેક વ્યક્તિ આવી મહામૂલી ક્ષણને જીવી જ શકે છે, શરત એટલી જ કે સમય જોયા વિના કુદરતને ઘૂંટડા ભરીને પીવા અને અઢળક વાર્તાઓને જીવવા માટે ઝાઝો પ્લાન કર્યા વિના મુસાફર માફક નીકળી પડવું પડે. હિમાચલના બરશેની ગામની એક ઘાટીમાં સવારની રોનક જાણે લટાર મારવા નીકળી હોય એમ મને હાઈ હેલ્લો કરવા નીકળી પડીને મને પૂછે છે જાણે, ક્યાં હતો હમણાં સુધી?

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલ પાર્વતી વેલીમાં કુદરતે છુટ્ટા હાથે વેરેલ સ્વર્ગની ઝાંખી થાય છે. અહીંના લોકો કુદરતના લાડલા છે એવું હું ચોક્કસપણે કહી શકું. વેગીલી ગતિથી વહેતી પાર્વતી નદી અહીં પથ્થરો સાથે અથડાઈને મેડિટેશનનાં સૂર છેડે છે. વિશ્વભરમાંથી લોકો અહીં મનની શાંતિ માટે આવે છે અને અહીંના નાનકડાં એવાં ગામડાઓમાં રહીને સાદગીભર્યો સમય માણે છે.

હિમાચલ પ્રદેશમાં ભુંતુરથી કસોલ પહેલું હોટસ્પોટ છે. અહીં સામાન્ય રીતે ઈઝરાયલી ટુરિસ્ટ્સનો અડ્ડો હોઈ આ ગામ ‘મિની ઇઝરાયલ’ તરીકે ઓળખાય છે. ઈઝરાયલી લોકો અહી સ્ટ્રેસ સાથે ડીલ કરવા માટે મહિનાઓ સુધી ડેરો જમાવે છે. અહીંનાં અલગ અલગ કેફે અને અહીં મળતી ખાણી પીણી ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં અલગ અલગ પ્રકારની બ્રાઉની, ઈઝરાયલી અને અમેરિકન ફૂડ સાથે સાથે ભારતીય લિજ્જત પણ માણવા જેવી છે. અહીં છલાલ નામનું નાનકડું ગામ છે જે કસોલથી આશરે બે કિમીના નાનકડા પણ રસપ્રદ એવા નદી કિનારે કિનારે ચાલીને થતાં ટ્રેકથી જ પહોંચી શકાય છે. અહીંનાં મોટા ભાગનાં ગામડાઓ એવાં જ છે જ્યાં છેક સુધી વાહન જઈ જ ન શકે એટલે જ એની સુંદરતા અદ્દલ એવી ને એવી જ છે. અહીં કોઇ પણ કેફેમાં બેસીને વહેતી પાર્વતી નદીનું સંગીત, હિમાલયનાં પંખીઓનો કલરવ અને ગજબ શાંતિનો એહસાસ કરી શકો છો.

કસોલ અને મણિકરણ બંને ખૂબ જ નજીક છે. મણિકરણમાં શીખ ધર્મનું આસ્થાનું કેન્દ્ર એવું ભવ્ય ગુરુદ્વારા આવેલું છે અને અહીં ગરમ પાણીનાં ઝરા પણ છે. પાર્વતી વેલીમાં વાંકા ચૂકા રસ્તાઓ પર આગળ વધતાં બરશેની આવે છે. બરશેનીથી કુદરતી સૌંદર્ય એની ચરમસીમા વટાવી દે છે. વચ્ચે પાર્વતી નદી અને આસપાસ ઊંચા દેવદાર અને પાઈનનાં વૃક્ષો, આકાશમાં ઊંચે ઊડતાં ગિધોનો સમૂહ અને બરફથી છવાયેલા વિશાળ હિમશિખરો સામે આપણું અસ્તિત્વ શૂન્ય થતું જણાય. હિમાલયમાં હોઈએ અને આવું કોઈ નાનું ગામડું મળી જાય જ્યાં પથ્થરનું ઘર હોય અને નિયત સમયે સવાર ઉઘડે કે આપણે કઈ કામ હોય કે ન હોય પહાડમાં મહાલવા નીકળી જ પડીએ ત્યારે લાગે કે દરેક વાર્તાઓ ગૂગલ પર નથી હોતી પણ કેટલીક વાર્તાઓ આવા અંતરિયાળ વિસ્તારમાં જીવાય છે. સાવ જ અલિપ્ત એવી જગ્યામાં ચોતરફ પહાડો વચ્ચે ભગવાનનાં આશિર્વાદ જેમનાં પર સતત હોય એવું નાનકડું ગામ ‘તોષ’ આવે છે. અહીં પ્રવેશતા જ બાળકોનાં ચહેરા પરનું નિર્દોષ હાસ્ય, બકરીઓ લઈને જતી વૃદ્ધ સ્ત્રીનાં ચહેરા પરની પ્રસન્નતા, લાકડાં અને પથ્થરોથી બનેલાં સરસ ઘરનાં ઓટલે બેઠેલાં વૃદ્ધ પણ સંતોષી એવા કોઈ દાદાનાં ચહેરા પર ઝળકતો આનંદ…આ સઘળું અહીંની ખુશહાલ જીવનશૈલીની ચાડી ખાય છે. અહીંના બાળકોની કેળવણી નિસર્ગ જાતે જ કરે છે અને એટલે જ તેઓ સોનાનું નસીબ લઈને જ જન્મ્યા છે. કુદરત એ જ આપણું ભવિષ્ય છે, જેઓ કૂદરતની સોડમાં રહે છે તેઓ જ ધનવાન છે દોસ્ત એવું હું અહીંના ગામડાઓમાં વસતા જનોને જોઈને માનું છું. અહીં એક જ હોસ્ટેલ છે એ સિવાય નાનકડાં હોમસ્ટે છે જયાં પહાડી જીવનશૈલીને અપનાવીને સાદગીથી રહી શકાય છે. ચાની ચૂસકી મારતા મારતા અહીંથી હિમાલયનાં અદ્ભુત ગ્લેશિયરને જોઈ શકાય છે, અહીંથી બુનબુની માઉન્ટેન ખૂબ જ સુંદર દેખાય છે. અહીંના 99% ઘરો લાકડાનાં જ બનેલા છે એ અહીંનું મુખ્ય આકર્ષણ છે જેમાં આપણે રહી પણ શકાય છે. અહીંથી ટ્રેક કરીને કુટલા ગામ જઇ શકાય છે જ્યાં એક વોટરફોલ છે જે ડબલ રેઇનબો વોટરફોલ તરીકે ઓળખાય છે, પાણીમાં પડતા સૂર્યપ્રકાશનાં કારણે અહીં એક સાથે બે મેઘધનુષ દેખાય છે. તોષ ગામમાં જમદગ્નિ ઋષિનું ખૂબ જ જૂનું મંદિર છે જે માત્ર જાન્યુઆરી મહિનામાં એક જ વાર ખોલવામાં આવે છે. અહીં કોઈને પણ કઈ પણ સ્પર્શ કરવાની મનાઈ છે. તોષ શબ્દનો અર્થ જ મનને તૃપ્ત કરનાર, સંતુષ્ટિ આપનાર, આનંદ અને પ્રસન્નતા આપનાર થાય છે અને આ સ્થળ પર આવીને એ ચોક્કસ રીતે કહી શકાય કે આ સ્થળને માણ્યા પછી તેના નામની સાર્થકતા સંપૂર્ણ પણે અનુભવી શકાય અને તે સંપૂર્ણ સાર્થક છે.

તોષની સામે જ કુલગા, તુલગા અને પુલગા ગામ છે આ બધા જ ગામોમાંથી હિમાલયનાં અલગ અલગ ગ્લેશિયર દેખાય છે એ સિવાય અહીંનાં ગામો તેનાં સૌંદર્ય માટે ખૂબ જાણીતાં છે. તોષ એ બરશેનીથી નજીક છે જે ખીરગંગા ટ્રેકનો બેઝકેમ્પ છે. અહીંથી બરશેની પણ ખૂબ જ સુંદર દેખાય છે. આ ત્રણે ગામોની સુંદરતા, જુના ટ્રેડિશનલ લાકડાનાં બનેલાં ઘરો, અહીંના પ્રેમાળ લોકો અને એમની જીવનશૈલી, અહીંના હિમાલયન કુતરાઓ અને નેટવર્ક રહિત શાંતિનું અલાયદું વિશ્વ એટલે વર્ષમાં એક વાર પોતાની જાતને રિચાર્જ કરવાની ક્યારેય ન ચૂકવા જેવી તક. અહીં ઝૂલતાં પુલ પર ચાલીને વચ્ચો વચ્ચ બેસીને ડાયરીનાં પાનાં પર લખેલા વિચારો એટલે જાત સાથેનો ગોસિપ. આવા સ્થળ પર જ્યાં મોબાઈલનાં નેટવર્ક વીક થતા જાય છે પણ કુદરતના સાંનિધ્યમાં સ્વ સાથેનું જોડાણ અહીંની ગહન ખીણોની જેટલા ઊંડાણમાં સ્વમાં ડોકિયું કરાવી ને જાત સાથેનું નેટવર્ક સ્ટ્રોંગ કરી જાય છે. આ જ છે જાદુ કુદરતનો અહીં પહોચવા માટે ટેક્સી સરળતાથી મળી રહે છે એ સિવાય બાઇક અથવા એક્ટિવા પણ મનાલીથી ભાડે મળી રહે છે. આમ તો આ જગ્યા સોલો ટ્રાવેલિંગ હોટસ્પોટ છે છતાં સહપરિવાર પણ માણી શકાય છે. 5 દિવસથી એક અઠવાડિયાની ટૂંકી છતાં રસપ્રદ ટ્રીપ પ્લાન કરવી હોય તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાણીપીણીમાં ખાસ અહીંયનાં કેફેની સ્નિકર ચપાટી ક્યારેય ન ચુકી શકાય.

આપણ વાંચો:  આન્ટી મત કહોના…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button