ટ્રાવેલ પ્લસ: વન્યજીવ – પ્રકૃતિ – જંગલ પ્રત્યે સંવેદનાની ઉજવણીનું અનોખું પર્વ

કૌશિક ઘેલાણી
दशकूपसमा वापी, दशवापीसमो ह्रदः|
दशह्रदसमो पुत्रो, दशपुत्रसमो द्रुमः॥ – મત્સ્ય પુરાણ
એક તળાવ દસ કૂવા સમાન છે, એક જળાશય દસ તળાવ સમાન છે, એક પુત્ર દસ જળાશય સમાન છે અને એક વૃક્ષ દસ પુત્રો સમાન છે.
વેદોની ઋચાઓ, પુરાણનાં શ્ર્લોકો પ્રકૃતિનું મધુર ગાન સદીઓથી ગાઈ રહ્યા છે. આ પ્રકૃતિ અને એમાં વસવાટ કરતા તમામ વન્યજીવો થકી જ આ ધરા સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિમાં જ કુટુંબ ભાવનાને મહત્વ અપાયું છે અને એ કુટુંબ ભાવ માત્ર માનવો માટે જ નહિ પણ સૃષ્ટિનાં કણ – કણ માટે છે અને એના થકી જ આપણે સહુ મળીને એક સંસ્કૃત સમાજનું નિર્માણ કરીએ છીએ.
દેશભરમાં વિવિધ પ્રકારનાં જંગલો છે જે કુદરતનું ભવ્ય રૂૂપ રજૂ કરે છે. ખાલી આપણા ગુજરાત રાજ્યની જ વાત લઈએ તો ગુજરાતમાં અવનવાં જંગલો, રણપ્રદેશ, ઘાસનાં મેદાનો, જળાશયો વગેરે વિવિધ વન્યજીવો અને પ્રજાતિઓને ઘર પૂરું પાડે છે અને ગુજરાતને કુદરતી માહોલ. 1952થી દર વર્ષે બીજી ઓક્ટોબરથી સતત એક અઠવાડિયા સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી થાય છે જેમાં વન્યજીવોનાં સંરક્ષણ તેમજ વન્યજીવોને કુદરતી વાતાવરણ પૂરું પાડતા જંગલોનાં સંરક્ષણ અને સંવર્ધનને લગતી પ્રવૃત્તિઓને વેગ મળે અને નિસર્ગ જેમનું તેમ જળવાઈ રહે ઉપરાંત જંગલોની જાળવણી માટે જાગૃતિ કેળવાય એવા આશયથી વિવિધ અભિયાન ચલાવવામાં
આવે છે.
ગુજરાત રાજ્યની ધરા તેના સમૃદ્ધ વૈવિધ્યનાં કારણે દેશ- વિદેશનાં અસંખ્ય પંખીઓનું માનીતું ઘર છે. કચ્છ અને બનાસકાંઠામાં વિસ્તરેલો અફાટ રણપ્રદેશ છેક રશિયાથી આવતા પંખીઓનું શિયાળું આવાસ બને છે. માધવપુરનો ઘૂઘવતો સાગર દરિયાઈ કાચબાઓનું સંવર્ધનનું કેન્દ્ર બન્યો છે. અહીં કુદરતી રીતે જ દરિયાઈ કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે. કચ્છનાં અખાતમાં ચેરનાં વૃક્ષોનાં વિશાળ સમૂહે અસંખ્ય દરિયાઈ પ્રજાતિઓને મુક્ત જીવન આપ્યું છે અને ગુજરાત ભારત દેશમાં ચેરનાં વૃક્ષોનાં વાવેતરમાં બીજા ક્રમાંકે છે .
ગીરનાં જંગલોમાં સિંહોની ત્રાડ હવે આખાયે સોરઠમાં ગુંજી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32%નો અભૂતપૂર્વ વધારો થયો છે જે સંખ્યા 891 સુધી પહોંચી ગઈ છે. અરવલ્લીનાં જંગલો સમેત સમગ્ર ગુજરાતમાં મુક્તપણે મહાલતા રીંછની સંખ્યામાં પણ 5% જેટલો વધારા સાથે 358 જેટલી રીંછની વસ્તી અંદાજવામાં આવી છે. ગુજરાતનાં ઘાસિયા મેદાનો અને બનાસકાંઠાનાં રણ વિસ્તાર આસપાસ આપણું અમૂલ્ય પ્રાણી એવા વરુનાં સંવર્ધનનાં પ્રયત્નો પાયાનાં ધોરણે આદરવામાં આવ્યા છે એ અંતર્ગત બનાસકાંઠા ખાતે વરુનું સોફ્ટ રિલીઝ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.
આકાશ અને જમીન પર વસવાટ કરતા જીવોની સાથે સાથે દરિયાઈ સૃષ્ટિ પણ પર્યાવરણનો અવિભાજ્ય અંગ છે અને તેના સંરક્ષણમાં પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેશનાં સૌ પ્રથમ મરીન નેશનલ પાર્ક, જામનગર હેઠળ અંદાજિત 620.81 ચો.કિમિ. વિસ્તારમાં અંદાજે 281 ડોલ્ફિનની પ્રજાતિ નોંધાયેલ છે. ગોધરા ખાતે મગરનાં સંરક્ષણને ધ્યાનમાં લઈને મગર બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કુદરતનાં સફાઈ કામદાર એવા ગીધનું સંરક્ષણ ખૂબ જ જરૂૂરી છે અને રાજ્ય સરકાર દ્વારા ગીધનાં સંરક્ષણનાં ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનાં ભાગ રૂૂપે આખાયે રાજ્યમાં વિવિધ પ્રજાતિનાં ગીધની કુલ વસ્તીનો આંકડો અંદાજે 2143 જેટલો થયો છે.
આ પણ વાંચો…ટ્રાવેલ પ્લસ : હિમાલયમાં રંગો ને સુગંધની સફર એટલે કુદરતે બક્ષેલી અણમોલ ભેટ…
વિશ્વનાં દરેક ખૂણેથી પક્ષીઓ ગુજરાતની સમૃદ્ધ ધરાને થોડા સમય માટે પોતાનું આવાસ બનાવે છે તો વળી અમુક પ્રજાતિઓ ધરતીનાં એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધમાં મુસાફરી આદરે છે ત્યારે મુસાફરી દરમ્યાન થોડા સમય માટે ગુજરાતનાં જળ પ્લાવિત ક્ષેત્રોને પોતાનું આવાસ બનાવે છે જેને પેસેજ સ્થળાંતર કહે છે. આ પેસેજ સ્થળાંતર – 2022 ની ગણતરી મુજબ 8 પેસેજ સ્થળાંતર પક્ષીઓ સહીત 194 જેટલી પ્રજાતિઓ નોંધવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ આ પ્રકારની ગણતરી હાથ ધરવામાં આવી છે પણ એની આંકડાકીય માહિતી હજુ સુધી સાંપડી નથી.
ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ થાય છે પણ આપણે હજુ આ પ્રકારનાં ટુરિઝમ થી ખાસ પરિચિત નથી હોતા પરિણામે આપણે કુદરતી વૈભવથી વંચિત રહી જઈએ છીએ. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઇકો સિસ્ટમ છે જે વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાન, અભ્યારણ્ય વિસ્તાર, રણ વિસ્તાર અને સમુદ્રી વિસ્તારમાં વહેંચાયેલી છે જે વિવિધ પ્રજાતિઓને એક સુરક્ષિત આવાસ અને ખોરાક પૂરો પાડે છે.
દેશભરનાં વિવિધ યાયાવર પક્ષીઓ માટે ગુજરાતમાં વિવિધ જળ પ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ જે ચાર રામસર સાઈટ તરીકે સુરક્ષિત કરવા માં આવ્યા છે. આ રામસર સાઇટ્સમાં ડભોઇ નજીક પક્ષીઓનું વિશાળ વિશ્વ – વઢવાણા પક્ષી અભ્યારણ્ય, અમદાવાદ નજીક આવેલ થોળ પક્ષી અભ્યારણ્ય, જામનગરમાં આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને અમદાવાદ નજીક આવેલ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય વગેરે આ પક્ષી વિશ્વ માટે સ્વર્ગ સમાન છે. આ બધી જ સાઇટ્સ પર મધ્ય ઓક્ટોબરથી વિવિધ જાતના વિદેશી પક્ષીઓનો મેળાવડો જામશે એ જોવાનું ક્યારેય ન ચૂકી શકાય.
આ સિવાય કચ્છનું નાનું રણ જે ઘૂડખર – બહુમૂલ્ય પ્રજાતિ અને અનેક શિકારી પક્ષીઓનું સુરક્ષિત આવાસ છે. કચ્છનાં નખત્રાણા નજીક આવેલ છારીઢંઢ અનેક પક્ષીઓ, શિયાળ, રણ બિલ્લી, હેણોતરો જેવી દુર્લભ પ્રજાતિઓ નું સુરક્ષિત વિશ્વ છે. શિકારી પક્ષીઓને નિહાળવા માટે ઘાસનાં મેદાનોમાં અને રણવિસ્તાર, યાયાવર સમુદ્રી પક્ષીઓને નિહાળવા માટે સમુદ્ર કાંઠાના વિસ્તારો, પ્રાણીઓને નિહાળવા માટે જંગલ અને ઘાસનાં મેદાનો જેવી સઘળી કુદરતી સંપદા આપણે ધરાવીએ છીએ અને એને યોગ્ય રીતે માણીએ અને જાળવીએ તો આપણી આવનારી પેઢીનો નાતો કુદરત સાથે સરળ રીતે જોડી શકીશું.
આ પણ વાંચો…ટ્રાવેલ પ્લસ : ધરતી ને આકાશ વચ્ચેનું સ્વર્ગ-રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્વ!