મનોરંજનનું મેઘધનુષ્યઃ જુનૈદ વર્સિસ ઇબ્રાહિમ અલી ખાન | મુંબઈ સમાચાર

મનોરંજનનું મેઘધનુષ્યઃ જુનૈદ વર્સિસ ઇબ્રાહિમ અલી ખાન

ઉમેશ ત્રિવેદી
સન 1995માં યશ ચોપરા દિગ્દર્શિત એક ફિલ્મ આવી હતી ‘પરંપરા’. તેમાં સુનીલ દત્ત, વિનોદ ખન્ના, આમિર ખાન, સૈફ અલી ખાન, નીલમ, રવિના ટંડન, અશ્વિની ભાવે, અનુપમ ખૈર અને રામ્યા કૃષ્ણન હતા. આ ફિલ્મને અત્યારે યાદ કરવાનું કારણ એ છે કે આજે 30 વર્ષ પછી પણ આમિર ખાન અને સૈફી અલી ખાન સક્રિય છે.

અને… આજે 30 વર્ષ પછી આમિરનો પુત્ર જુનૈદ ખાન અને સૈફનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન બોલિવૂડમાં પદાર્પણ કરી ચૂકયા છે એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બંને ખાનના અભિનયમાં જરાય ભલીવાર દેખાતો નથી. ઇબ્રાહિમનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ ગણો તો પ્લસ પોઇન્ટ અથવા માઇનસ પોઇન્ટ એ છે કે એ અદ્દલ એના પિતા સૈફનું યુવા સ્વરૂપ છે.
આ બંને ખાન (જુનૈદ-ઇબ્રાહિમ )એ પોતાની કારકિર્દીની શરૂઆત સહાયક દિગ્દર્શક તરીકે કરી છે. આ બન્ને યુવા કલાકારની અત્યારસુધીમાં બે-બે ફિલ્મ રિલીઝ થઇ છે અને બન્નેની કારકિર્દીની શરૂઆત ફલોપ ફિલ્મથી જ થઇ છે.
જુનૈદ અને ઇબ્રાહિમ વચ્ચે સામ્યતા એ પણ છે કે જુનૈદની પહેલી ફિલ્મ ‘ઓટીટી’ પર રજૂ થઇ છે: ‘મહારાજ’, જે વિવાદમાં ફસાઇ હતી એટલે થિયેટરમાં રિલીઝ ન થઇ અને અંતે ‘ઓટીટી’ પર રજૂ થઇ. જયારે એની બીજી ફિલ્મ ‘લવય્યપા’ થિયેટરમાં રિલીઝ થઇ તો સાવ પટકાઈ ગઇ.

ઇબ્રાહિમની પહેલી ફિલ્મ ‘નાદાનિયા’ થિયેટરમાં રિલીઝ થઇ, પણ તે કયારે આવી અને કયારે ચાલી ગઇ એ કોઇને જ ખબર નથી. એની બીજી ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમાર અને કાજોલ જેવાં કલાકારો હોવા છતાં એ ફિલ્મ ‘સરજમીન’ સીધી ઓટીટી પર રજૂ થઇ.

ઇબ્રાહિમની પહેલી ફિલ્મ ‘નાદાનિયા’માં ખુશી કપૂર (બોની કપૂર-શ્રીદેવીની પુત્રી અને જહાનવી કપૂરની બહેન) હતી, પણ એ ફિલ્મ સાવ જ ફલોપ ગઇ હતી. જુનૈદની બીજી ફિલ્મ ‘લવય્યપા’માં પણ હીરોઇન ખુશી કપૂર હતી અને એ ફિલ્મને પણ ધોબીપછાડ મળ્યો હતો.

આમ અત્યારે તો આ બંને ‘ખાન’ પુત્રની કારકિર્દી લગભગ સરખી જ ચાલી રહી છે. બંનેએ ફલોપ અભિનેતા તરીકે શરૂઆત કરી છે. આ બન્નેને હજી પણ એક-એક ફિલ્મ મળી છે, જે 2026માં રિલીઝ થવાની છે. ઇબ્રાહિમની ફિલ્મ ‘દિલેર’ છે અને જુનૈદની ફિલ્મનું નામ છે ‘એક દિન’. આ ફિલ્મ જુનૈદ માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થવાની શકયતા છે.

આ ફિલ્મ આમિર ખાન અને મન્સુર ખાન નિર્મિત છે અને જુનૈદની સાથે ફિલ્મમાં સાઇ, આમિર અને સૈફની ‘પરંપરા’ પછી ‘દિલ ચાહતા હૈ’માં સાથે દેખાયા હતા અને તે અગાઉ ‘બોમ્બે ટોકીઝ’નામની ફિલ્મમાં પણ બન્ને હતા, પણ એક પણ દૃશ્યમાં એ સાથે દેખાયા નહોતા.

જુનૈદ ખાને અભિનય કારકિર્દીની શરૂઆત ખૂબ મોડી કરી છે અને અત્યારે તે 32 વર્ષનો છે, જયારે ઇબ્રાહિમે માત્ર 24 વર્ષનો છે. જોઈએ, બે સિનિયર અદાકારના આ બે નવોદિત નવાબઝાદાની ફિલ્મ- કરિયર કેટલી આગળ ધપે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button