હાસ્ય વિનોદ: નબળો મંગળ જાતક પર શૂરો… | મુંબઈ સમાચાર
ઉત્સવ

હાસ્ય વિનોદ: નબળો મંગળ જાતક પર શૂરો…

  • વિનોદ ભટ્ટ

જ્યોતિષની દૃષ્ટિએ મંગળ લડાયક મિજાજનો ગ્રહ છે. તેનામાં હાસ્યવૃત્તિ રજમાત્ર નથી, કેમ કે તે વીરરસ પ્રધાન ગ્રહ છે. તે મજબૂત હોય તો યોદ્ધો યુદ્ધ જીતી શકે. આ ગ્રહ જબરો હોય તો સામેનાને પજવે ને નબળો હોય તો જાતકને તે વધારે પજવે છે.

જ્યોતિષશાસ્ત્રના મતે મંગળ પૃથ્વીથી 40 કરોડ કિલોમીટર જેટલો દૂર હોવા છતાં માણસની કુંડળીમાં પ્રવેશી શકે છે. કોઈપણ યાનની કે એવી મદદ લીધા વગર તે માણસોની કુંડળીમાં યથેચ્છ વિહાર કરી શકે છે. જો તે પુરુષની કુંડળીમાં પહેલે, ચોથે, સાતમે, આઠમે કે બારમે સ્થાને હોય તો તેને પાઘડીએ મંગળ છે એમ કહેવાય છે, ને ક્ધયાની જન્મકુંડળીમાં પણ એ જ જગ્યાએ હોય તો તેને ઘાટડિયે મંગળ છે એમ કહેવાય છે – મંગળને આ વાતની ખબર હોય કે કદાચ ન પણ હોય, પરંતુ આવી કુંડળીવાળી ક્ધયા મંગળના દોષવાળી ગણાય છે.

મંગળનો શબ્દકોશ પ્રમાણેનો અર્થ શુભ ગણાય છે, પણ જ્યોતિષશાસ્ત્રની નજરે મંગળનો અર્થ પીડા આપનાર દુષ્ટ થતો હોવો જોઈએ. સજ્જનો કોઈને કનડતા નથી, મંગળ એવું કરે છે. આ મંગળ અમુક સ્થાને હોય તો માણસનું આયુષ્ય ઘટે, અમુક ઘરમાં હોય તો પતિ કે પત્ની બેમાંથી એક રહે, એ ઘરમાં પતિ-પત્ની અને મંગળ સાથે રહી ન શકે. તે અમુક ઘરમાં બેઠો હોય તો ધનનો નાશ થાય છે. આ મંગળ જો બારમે હોય તો જાતક વ્યભિચારી, દુરાચારી અને (અથવા) દેવાદાર થાય છે, પણ જો જાતકના 27થી વધારે ગુણાંક આવતા હોય તો મંગળ તેના પર પ્રસન્ન થઈ આવા ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવવા બદલ તેને દોષમુક્ત જાહેર કરે છે, નડતો નથી…

મંગળનેય પોતાનું ગણિત હોય છે.

મંગળ જેટલો નબળો, જાતક એટલો વધારે હેરાન-પરેશાન થાય. નબળો મંગળ જાતક પર શૂરો. નબળા મંગળથી પ્રભાવિત વ્યક્તિ અત્યંત ક્રોધી ને આક્રમક બને છે, જેમાંથી તે ખૂની ને ડાકુ બને છે. વાંક મંગળનો હોવા છતાં સજા તેના જાતકને થાય છે , પણ જાતક પર મંગળની શુભ દૃષ્ટિ હોય તો તે પ્રામાણિક, નીડર, સત્યનિષ્ઠ, કર્તવ્યપરાયણ, નિ:સ્વાર્થી, આપેલ વચન પાળનાર ને અન્યને હૂંફ આપનાર હોય છે કે થાય છે. આવા માણસે રાજકારણમાં પડવું નહીં. જો પડે તો તેને તથા રાજકારણને બન્ને નુકસાન પહોંચે છે, સાથીઓને તે દુ:ખી કરે છે.

હાસ્યરસને જેમ અમુક રસ સાથે દોસ્ત-દુશ્મન જેવો સંબંધ હોય છે એ રીતે સૂર્ય, ગુરુ ને ચંદ્ર મંગળના મિત્ર છે તો બુધ અને રાહુ તેના કટ્ટર શત્રુ છે. શુક્ર ને શનિ સાથે તેને દોસ્તી કે દુશ્મની બેમાંથી કશું નથી, લટકતી સલામનો સંબંધ ખરો.

આ પણ વાંચો…હાસ્ય વિનોદ : મંગળ કોના પિતાશ્રીનો?

જાતકની 28 વર્ષની શારીરિક ઉંમર (ના, માનસિક નહીં) પછી મંગળ ન્યાલ કરે છે. તેની કૃપાદૃષ્ટિ મેળવવા જાતકે 28 વરસ સુધી તપવું પડે છે, ટકવું પડે છે. મંગળની નકારાત્મક અસરોથી જીવનમાં કલેશ (અંગ્રેજીમાં ક્લેશ), કંકાસ, વ્યભિચાર (ને એ કારણે) છૂટાછેડા, પણ એ પહેલાં વાદ-વિવાદ, જો તે આગળ વધે તો તેમાંથી કેટલીક વાર ખૂન કે આપઘાત યા કોર્ટ-કચેરી અને છેવટે જેલયોગ ઊભો થાય છે.

કેટલાક જ્યોતિષીઓ મંગળને માત્ર પાપગ્રહ જ માને છે, જે ઉગ્ર છે ને સ્ફોટક અસરો ઊભી કરે છે. સ્ત્રીમાં ઉત્પન્ન થતી સેક્સ (કામવાસના) મંગળ સંભાળે છે, જ્યારે પુરુષના મનમાં જે વિષયવાસના જાગે છે તે શુક્ર સંભાળે છે. આનો અર્થ એવો નીકળી શકે કે ગ્રહો પણ ડિવિઝન ઑફ લેબર અર્થાત્ શ્રમ-વિભાજનમાં માને છે. મંગળ જો બારમે સ્થાને હોય તો તે પતિ-પત્નીના બેડરૂમ સુધી પહોંચી જાય છે ને બંને વચ્ચે વિખવાદ જગાડે છે, અસંતોષ પેદા કરાવે છે.

ઘણા માણસો જે સારા માણસ એટલે કે સજ્જનની છાપ ધરાવતા હોય છે, પણ તે સામેના માણસને કહેતા હોય છે કે ‘હું સારો છું ત્યાં સુધી સારો છું, બાકી મારા જેવો કોઈ નઠારો માણસ નથી એ તું જાણી લેજે…’ એવું જ મંગળનું પણ છે. તે ઉચ્ચનોય હોય છે ને નીચનો પણ થાય છે છતાં ગુરુ અને શનિ જેવા બે મિત્રોની નજર મંગળ પર હોય તો એ બંનેની બબ્બે આંખોની શરમ તેને નડે છે, તે સખણો રહે છે, કાબૂમાં રહે છે. બે આંખની શરમ એટલે શું એ તે જાણે છે.

સ્ત્રીની કુંડળીમાં સાતમા સ્થાને રહેલો ઉચ્ચનો મંગળ ઘણી વાર (પણ સ્ત્રી માટે તો એક જ વાર) ઘણો જ સારો, અર્થાત્ અન્ય સ્ત્રીઓને અદેખાઈ ઊપજે એટલો સરસ વર આપે છે ને કેટલીક વાર તો પછી આમાંથી જ, શંકાને લીધે, નાના- મોટા ઝઘડા થાય છે ને ડાયવોર્સ થઈ જાય છે – ને ત્યાર બાદ એ સુવ્વર – સારો વર, એવી જ સાતમે મંગળવાળી સ્ત્રીને પ્રાપ્ત થાય છે.

મંગળની ચંદ્ર સાથેની યુતિને સુંદર, શુભ અને લક્ષ્મીદાતા યોગવાળી ગણવામાં આવે છે. મંગળ ને ચંદ્ર એક જ રાશિમાં ભેગા હોય તો તે લક્ષ્મીયોગ કરે છે. શરત માત્ર એટલી જ કે આ જાતકે કવિતા તરફ ઢળવું નહીં – લક્ષ્મીજી રૂઠે તો લક્ષ્મીયોગ નષ્ટ થાય છે. આ બંને ગ્રહોની યુતિવાળી વ્યક્તિ ખાવા, પીવા તેમ જ અન્ય બાબતોમાં શોખીન હોય છે. સતત બેચેન, અજંપામાં જીવનાર, ઊંઘમાય જાગતા એટલે સૂવેય નહીં ને કોઈને ઊંઘવાય ન દે. આખો દિવસ અરીસામાં જોવાની ને કાંસકાથી માથું (અથવા ટાલ) ઓળવાની ટેવ હોય, બીજા લોકો તેને માટે શું ધારે છે એ જાણવાનું સદાય કુતૂહલ રહે.

કર્કનો મંગળ હોય તો પારકા ઘેર સ્થિર થઈને રહેનાર – ઘરજમાઈ બને. આ કારણે જોરાવર સ્ત્રી (પત્ની, સાળી કે સાસુ – વ્હોટ એવર ધ કેસ મે બી)નાં મહેણાં-ટોણાં ખમવાં પડે. છતાં સ્વભાવ શાંત હોવાથી દીન બની શ્ર્વશુરના ઘરમાં જ રહે, ઘર છોડે નહીં. સાતમે મંગળ – લગ્નની તારીખ મૃગજળ જેવી નજીક લાગે, પણ દૂર ને દૂર ભાગે. જાતકને ગોરમહારાજ અને મેળવવા મુશ્કેલ એવો પાર્ટીપ્લોટ પણ મળી જાય, પણ પરણનાર મૂળ પાર્ટી જ ન મળે.

નવમે મંગળ હોય એવા પુરુષે સાળા વગરની બહેન સાથે પરણવું, નહીં તો લગ્ન બાદ બધી જ મિલકત સાળાનું ઘર શોધી ત્યાં પહોંચી જાય.

મંગળનો આંક નવ છે, તેનું વાહન ઘેટું છે જે બીજાઓ માટે પોતાના શરીર પર ઊન ઉગાડે છે. મંગળને ગરમ ગ્રહ કહ્યો છે. તે દઝાડે છે. આ મંગળથી પ્રભાવિત જાતક પોતાનાં ઘરનેય આગ ચાંપે છે. આવી વ્યક્તિને ફાયર-બ્રિગેડ-લાયબંબા ખાતામાં નોકરી ના મળે, કેમ કે આગ બુઝાવવાની તેની પ્રકૃતિ નથી. મંગળની માઠી અસરને લીધે દેવું ઘણું વધી જાય, પણ એ દશા હળવી કરવા મંગળની ઉપાસના કરવી. એથી કંઈ મંગળ નીચે આવીને જાતકનું દેવું ફેડી નહીં આપે પરંતુ લેણદારો ઘેર બહુ ધક્કા ખાશે નહીં, સીધા કોર્ટમાં જ પહોંચી જશે.

એક દંતકથા પ્રમાણે મંગળને વિષ્ણુ – પૃથ્વીનો પુત્ર કહ્યો છે, એટલે તે તેજસ્વી છે. પૃથ્વીએ તેને પાળ્યો-પોષ્યો. ત્યાર બાદ મોટો થયો એટલે મંગળે તપ કર્યું. આથી બ્રહ્માએ તેને પ્રમોશન આપી આકાશમાં ગ્રહ તરીકે પ્રસ્થાપિત કર્યો. હજી એ ત્યાં જ છે. તેને લીધે ઘણાનું પતન થાય છે, પણ તે સ્થિર છે.

આપણાં ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં શાપ હોય ત્યાં તેનું મારણ પણ હોય છે – દર્દ હોય તેની દવાય હોય છે એ રીતે, ગ્રહોને પ્રસન્ન કરવા, તેની માઠી અસરમાંથી ઊગરી જવા નંગ કે રત્નને કામે લગાડવામાં આવે છે. એ નંગ ધારણ કરવાથી જે-તે ગ્રહની ખફગીમાંથી બહાર આવી શકાય છે. અલબત્ત, આ રહસ્ય આપણે ગ્રહો પાસેથી નહીં, જ્યોતિષીઓ પાસેથી પામી શક્યા છીએ.

આ ગ્રહોએ નંગ પણ વહેંચી લીધાં છે. તેમને ગમતા રંગ જાતક પહેરે તો તે રાજી થાય છે, જાતક પર અમીદૃષ્ટિ રાખે છે. પણ જો કોઈ જાતક એક એક આંગળી પર પોતાને ગમતા બબ્બે નંગ હીરા કે રત્નની વીંટી પહેરે તો લગભગ તમામ ગ્રહો તેના પર નારાજ થઈ જાય છે. કેમ કે કેટલાક ગ્રહોમાં પણ બાપે માર્યા વેર જેવું હોય છે. એટલે એક જ આંગળી પર શત્રુ-નંગ પહેરાય નહીં એવું જ્યોતિષીઓ કહે છે, જેમકે માણેક અને નીલમ. જાતકને આ બંને ગમતાં હોય તો પણ તે સાથે ન પહેરાય. એકને ખુશ કરવા જતાં બંને રિસાઈ જાય છે. ગ્રહો ઘણા આળા હોય છે.

ઉપરાંત આ નંગ-રત્ન-હીરા શુદ્ધ હોવા જોઈએ. જે રીતે માણસ પેટ્રોલ, ઘી, તેલ તેમ જ મરી-મસાલામાં ભેળસેળ ચલાવી છે. એવી ભેળસેળ આ ગ્રહો જરા પણ ચલાવી લેતા નથી. પતિ-પત્ની વચ્ચે કંકાશ થતો હોય તો બંનેએ કે પછી બેમાંથી ગમે તે એકે પરવાળું પહેરવું. પણ એ કોણે પહેરવું એ મુદ્દા પર ઝઘડો કરવો નહીં.

નંગની વાત કરતી વેળાએ ફિરોઝા નામના એક વિશિષ્ટ પ્રકારના નંગની વાત પણ કરી લેવી જોઈએ. આ ફિરોઝા નંગ પહેરવાથી અકસ્માતમાંથી અદ્ભુત બચાવ થાય છે. હાઈ-વે પર જતા ટ્રક-ડ્રાઇવરે આ નંગ પહેરવું, પછી તે 100 કિલોમીટરની ઝડપે પોતાનું વાહન ભગાવશે તો પણ, સામેવાળાનું જે થવાનું હશે તે થશે, પરંતુ આ નંગના ધારકને કશું નહીં થાય. તેના શરીર પર ઘસરકોય નહીં પડે. આ ફિરોઝા નંગની ખૂબી એ છે કે તેને ધારણ કરનાર વ્યક્તિની માંદગી આવવા અગાઉ આ નંગનો રંગ બદલાઈ જશે – તેના ફેમિલી ડોક્ટરના બિલ જેવો રંગ થઈ જશે. આ નંગ માટેની એક માન્યતા એવી છે કે તે પોતાના પૈસે ખરીદાય નહીં – જો ગાંઠના પૈસે તે ખરીદવામાં આવે તો તેની અસર ન થાય. આ નંગ ભેટસ્વરૂપે જ મેળવવું પડે. પત્ની, પતિને તે ભેટ રૂપે આપી શકે. (એ પત્ની પોતાની જ હોય એ જરૂરી નથી… ! )

લગભગ ચાળીસ કરોડ કિલોમીટર જેટલે દૂર બેઠેલો મંગળ જાતક પર પ્રસન્ન થવા અગાઉ જોઈ શકશે ખરો કે તેનાથી પ્રભાવિત થયેલ જાતકે બ્રાહ્મણને દક્ષિણામાં અડધો કિલો મસૂરની દાળ આપી છે કે એક કિલો! પ્રસન્નતાની માત્રા પણ દાનની માત્રા પરથી જ નક્કી થઈ શકે ને!

મેં આ લેખ એક જ્યોતિષી મિત્રને વંચાવ્યો. થોડી થોડી બીક હતી કે મંગળમહારાજ વિશે કંઈક આડું અવળું લખાઈ ગયું હોય તો તે ક્રોધે ભરાઈને મારું ધનોતપનોત કાઢી નાખે. એક લેખ તેણે બે વખત ઝીણવટથી વાંચ્યો. પછી મારી સામે જોઈ કહ્યું :

‘વિનુ, મંગળમાં બબ્બે ચન્દ્ર હોવાનું શોધાયું છે એ રીતે બબ્બે મંગળ પણ હોઈ શકે. એક તો અમેરિકાએ જેના પર યાન મોકલ્યું છે એ ને બીજો જ્યોતિષશાસ્ત્રવાળો મંગળ. લે, આ ધાણાની દાળને મસૂરની દાળ ગણી ફાકી જા – એટલે દૂર બેઠેલ મંગળને ક્યાં ખબર પડવાની છે કે તેં કઈ દાળ ફાકી?!’

આ પણ વાંચો…હાસ્ય વિનોદ: ચન્દ્ર માણસને શેખચલ્લી બનાવે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button