
-વિજય વ્યાસ
હંમેશાં વિવાદાસ્પદ રહેલા જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામાની ભાંજગડમાં સુપ્રીમ કોર્ટે દહેજના કેસો અંગે આપેલા એક બહુ મહત્ત્વના આદેશ તરફ લોકોનું ધ્યાન દોરાયું નથી.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, ‘દહેજ માટે પતિ તથા સાસરિયાં દ્વારા અત્યાચાર થાય છે.’ એવી ફરિયાદોના કેસમાં ઈન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 498એ લગાવવામાં આવી હોય એવા ‘આરોપી’ની બે મહિના સુધી ધરપકડ કરવી નહીં…
ભારતમાં દહેજની કુપ્રથાને રોકવા માટે અલગ કાયદો છે, જ્યારે ઈન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 498એ હેઠળ પતિ કે સાસરિયાં દ્વારા આચરાતી ક્રૂરતા સામે મહિલાને રક્ષણ આપવાની જોગવાઈ છે.
મોટા ભાગના કેસોમાં દહેજની માગણીની સાથે સાથે દબાણ લાવવા માટે પતિ અને સાસરિયાં દ્વારા પત્નીની મારઝૂડ હિતના અત્યાચારો કરવામાં આવે છે તેથી ડાઉરી પ્રોટેક્શન એક્ટ, 1961ની સાથે સાથે કલમ 498એ પણ લગાવવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો દહેજનો મુદ્દો હોય અને કલમ 498એ લગાવવામાં આવી હોય એ પ્રકારના કેસો માટે છે. પત્ની સાથે ક્રૂરતાની કલમ 498એના બીજા કેસોમાં આ આદેશ લાગુ નહીં પડે. આઇપીસીની કલમ 498એનું સ્થાન હવે ભારતીય ન્યાય સંહિતા એટલે કે ‘બીએનએસ’ની કલમ 86એ લઇ લીધું છે. તેથી નવા કેસોમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 86 હેઠળના કેસોમાં આ આદેશ લાગુ પડશે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : અભિવ્યક્તિના નામે સદંતર જૂઠાણાં ફેલાવતાં સોશ્યલ મીડિયાને કઈ રીતે નાથી શકાય?
બીજા શબ્દોમાં કહીએ તો સુપ્રીમ કોર્ટના આ આદેશનો અર્થ એ છે કે, આ પ્રકારના કેસોમાં પોલીસ કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરે અને પૂરતી તપાસ કરીને પછી જ પગલાં લે. મહિલા ફરિયાદ નોંધાવવા આવે કે તરત કાર્યવાહી કરીને સાસરિયાંને અંદર કરી દેવામાં આવે છે તેના બદલે પોલીસ પુરાવા તપાસીને પગલાં લે.
બે મહિનામાં મહિલા પોલીસને પોતાની સાથે દહેજની માગણી માટે ક્રૂરતા આચરવામાં આવી છે તેના મજબૂત પુરાવા આપે તેનો મતલબ એ થયો કે, મહિલાની ફરિયાદ જેન્યુઈન છે-સાચી છે અને સાસરિયાંને દબાવવા માટે ડરાવવા માટે આ કલમનો દુરુપયોગ થયો નથી. એ સંજોગોમાં પોલીસે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની છે તેથી આ ચુકાદાને કારણે મહિલાઓ પર અત્યાચાર કરનારાને કોઈ રાહત નથી મળવાની.
સુપ્રીમ કોર્ટના આ આદેશના મૂળમાં અલ્લાહાબાદ હાઈકોર્ટની ગાઈડલાઈન છે. પત્ની પર અત્યાચાર રોકવા માટે બનાવાયેલી ઈન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 498એને દહેજના કેસો સાથે જોડીને તેનો ભારે દુરુપયોગ થાય છે એવી ફરિયાદોના પગલે કલમ 498એનો દુરુપયોગ અટકાવવા માટે અલ્લાહાબાદ હાઇ કોર્ટ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.
હાઈ કોર્ટની આ ગાઈડલાઈનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી, પણ સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દઈને ગાઈડલાઈનને માન્ય રાખી છે. ઉત્તર પ્રદેશમાં આ ગાઈડલાઈન લાગુ કરી દેવામાં આવી છે, પણ હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં દેશભરમાં તેનો અમલ થશે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : બિહારમાં મતદાન યાદીની સુધારણા: કેન્દ્રીય ચૂંટણી પંચના વાદ-વિવાદ ને વિખવાદ…
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇ, ન્યાયાધીશ એ.જી. મસીહની બેંચે આ આદેશ આપ્યો એ પહેલાં પણ સુપ્રીમ કોર્ટ અનેક વખત ઘરેલુ હિંસા વિરોધી આઇપીસી ની કલમ 498એના દુરુપયોગ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. તેનું કારણ 498એ ના કેસોનો અતિ દુરુપયોગ છે. આ કલમ હેઠળ પતિ સામે તો આક્ષેપો થાય છે એની સાથે સાસુ-સસરા, નણંદ-નણદોઈ સહિતનાં સાસરિયાંને પણ લપેટી લેવાય છે.
ઘણા કેસમાં તો સાસુ-સસરા વયોવૃદ્ધ હોય ને માંડ માંડ ચાલી શકતા હોય છતાં એમણે ક્રૂરતા આચરી હોવાના આક્ષેપ મૂકવામાં આવે છે. નણંદ કે નણંદોઈ સાથે ના રહેતાં હોય ને બીજા શહેરમાં રહેતાં હોય તો પણ એમને આરોપી બનાવી દેવામાં આવે છે. મોટા ભાગના કેસોમાં વૃદ્ધ માતા- પિતા કે દૂર રહેતાં સગાંએ શું ક્રૂરતા આચરી હતી તેનો કોઇ જ ઉલ્લેખ કર્યા વગર થયેલી ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે અનેક કેસમાં આ પ્રકારની ફરિયાદોને રદ કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી. અલ્લાહાબાદ હાઇ કોર્ટમાં આવો જ કેસ આવતાં 2022માં હાઈ કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને ગાઇડલાઇન જાહેર કરી હતી.
સુપ્રીમ કોર્ટે બહુ મહત્ત્વની ટિપ્પણી એ પણ કરી છે કે, 498એનો આડેધડ ઉપયોગ ભારતીય લગ્ન સંસ્થાની પરંપરાગત સુંદરતાને નષ્ટ કરી નાખશે તેથી તેનો દુરુપયોગ રોકવો જરૂરી છે.
સર્વોચ્ચ કોર્ટનો આ ચુકાદો બહુ મહત્ત્વનો છે અને તેના કારણે મહિલાઓ વિરોધી ગુનાઓના દુરુપયોગના બીજા કેસોમાં પણ આ જ પ્રકારની રાહત અપાશે એવો આશાવાદ ઊભો થયો છે. ભારતમાં મહિલાઓના રક્ષણ માટે સંખ્યાબંધ કાયદા છે, પણ ઘણા બધા કાયદાઓનો આડેધડ દુરુપયોગ થાય છે. પતિ અને પત્નીને ના બનતું હોય એટલે પત્ની સાસરિયાંને સીધાં કરવા ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ઠપકારી દે એવું સંખ્યાબંધ કેસોમાં બને છે.
ભારતમાં બળાત્કારના કાયદાનો પણ આવો જ દુરુપયોગ થાય છે. કોઈ મહિલાને અન્ય પુરૂષ સાથે લગ્નેતર સંબંધો હોય પછી પકડાઈ જાય ત્યારે પેલા પુરુષ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી દેવામાં આવે એવું બહુ બને છે. યુવતી પોતાની મરજીથી યુવક સાથે સંબંધ બાંધે પણ વાકું પડે ત્યારે લગ્નના બહાને બળાત્કાર કર્યો હોવાની ફરિયાદો પણ નોંધાય છે.
આ તમામ પ્રકારના કેસોમાં કાયદાનો દુરુપયોગ થાય છે. કોઈ પણ મહિલા પર અત્યાચારનો કોઈને અધિકાર નથી ને એવા અત્યાચારીને સજા થવી જ જોઈએ, પણ અત્યાચારને રોકવા માટે બનાવાયેલા કાયદાનો દુરુપયોગ પણ અપરાધ જ કહેવાય. આ અપરાધને રોકવા પણ જરૂરી છે કેમ કે તેના કારણે ઘણા નિર્દોષ લોકોની જિંદગી બરબાદ થાય છે. સુપ્રીમ કોર્ટનો આદેશ આ દિશામાં પહેલું કદમ છે.
કાયદા અનેક છે, પણ… કેસોની સંખ્યા સતત વધી રહી છે
‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા પ્રમાણે 2017માં કલમ 498એ હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યા 1,04,551 હતી. 2018માં થોડી ઘટીને 1,03,272 થઈ, જ્યારે
2019માં 1,25,298 કેસ નોંધાયા હતા. 2022માં આ કલમ હેઠળ 1,40,019 કેસ નોંધાયા હતા. મતલબ કે, છ વર્ષમાં કેસોનીં સંખ્યામાં લગભગ 35 ટકાનો વધારો થયો છે.
મોટા ભાગનાં લોકો પત્ની પર અત્યાચારના કેસ, દહેજ ઉત્પીડન અને ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલુ હિંસાને એક જ કેસ માને છે, પણ વાસ્તવમાં દહેજ ઉત્પીડન અને ઘરેલુ હિંસા માટે અલગ અલગ કાયદા છે જ્યારે કલમ 498એ પત્ની સાથે ક્રૂર વ્યવહાર કે અત્યાચારને લગતી છે. દહેજ ઉત્પીડનના મોટા ભાગના કેસોમાં કલમ 498એ પણ લગાવાતી હોવાથી ત્રણેય કાયદા સરખા હોવાની છાપ ઊભી થઈ છે. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 અને ડાઉરી પ્રોહિબિશન એક્ટ 1961 કલમ 498એથી અલગ છે.
ઈન્ડિયન પિનલ (IPC) ની કલમ 498એ હેઠળ સ્ત્રી પર એના પતિ કે સંબંધીઓ દ્વારા ક્રૂરતા આચરાય તો પોલીસ ફરિયાદ નોંધાવી શકાય છે. આ કલમ ‘ક્રૂરતા’ને ઇરાદાપૂર્વકના વર્તન તરીકે વ્યાખ્યાયિત કરે છે. સ્ત્રીને આત્મહત્યા કરવા અથવા ગંભીર ઇજા પહોંચાડવાની અથવા એના જીવન, અંગ અથવા સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરવાની સંભાવના ધરાવતા વ્યવહારને ‘ક્રૂરતા’ ગણવામાં આવે છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : ચીન શા માટે પોતાની કઠપૂતળી જેવા નવા દલાઈ લામા લાવવાના પેંતરા ઘડી રહ્યું છે?