મહિલા ગાન: મુંબઈ ટુ વડોદરા વાયા કચ્છ

વલો કચ્છ – ગિરિરાજ
લેખક: ભારતીબહેન વ્યાસ
‘ઑર્ડર કરતાં આદરથી કામ ઝડપી પૂરું થાય’ આ વાક્ય કચ્છનાં દીકરી ભારતીબહેન વ્યાસના સમગ્ર જાહેર જીવનનો સાર છે. સત્તા કરતાં સેવા, પ્રસિદ્ધિ કરતાં પ્રજા અને રાજકીય હિત કરતાં માનવીય અભિગમને પ્રાધાન્ય આપનાર ભારતીબહેન વડોદરાના પ્રથમ મહિલા મેયર તરીકે ઓળખાય છે. તેઓ કચ્છી મહિલાની કાર્યક્ષમતા, દૂરંદેશી અને સંસ્કારનો જીવંત પરિચય છે.
વડોદરાના જેલ રોડથી પશ્ર્ચિમ વિસ્તારને જોડતો ભીમનાથ બ્રિજ કોન્ટ્રાકટરની કાનૂની લડત વચ્ચે અટવાયેલો, જ્યારે ઉદ્ઘાટન વિના જ પ્રજા માટે ખુલ્લો મુકાયો, ત્યારે અનેક રાજકીય ચર્ચાઓ ઊભી થઈ, પરંતુ ભારતીબહેન માટે મુખ્ય મુદ્દો એક જ હતો: હજારો નાગરિકોની સુવિધા. ઉદ્ઘાટનની તખ્તી પર નામ ન લખાયું, પરંતુ પ્રજાના મનમાં તેમણે પોતાની છાપ અમિટ કરી દીધી.
1949માં મુંબઈમાં જન્મેલાં ભારતીબહેનનું મૂળ વતન કચ્છ છે. મુંબઈમાં વિજ્ઞાન સ્નાતક થયા બાદ 1968માં, જ્યારે ભારતમાં કોમ્પ્યુટર શબ્દ પણ અજાણ હતો, ત્યારે તેમના પિતાએ તેમને અમેરિકા મોકલ્યાં અને તે પણ કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસ માટે! એ સમયગાળામાં યુવતીનું વિદેશ અભ્યાસ માટે જવું અસાધારણ વાત હતી. શિકાગોમાં અભ્યાસ દરમ્યાન વડોદરાના ડૉ. કિરીટભાઈ સાથે પરિણય જીવનમાં જોડાયાં.
અમેરિકામાં 14 વર્ષના વસવાટ બાદ વડોદરામાં સ્થાયી થઈ તેમણે કોમ્પ્યુટર ક્ષેત્રે વ્યવસાય શરૂ કર્યો અને સાથે જાહેર જીવનમાં સક્રિય બન્યાં અને 1998 અને 2000ના સમયમાં વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ મહિલા મેયર બનવાનું ગૌરવ તેમને
મળ્યું.
તત્કાલીન વડોદરાને પાણી, ટેલિફોન અને ખોદાયેલા રસ્તાઓની ગંભીર સમસ્યાઓ હતી. ભારતીબહેને માત્ર ફરિયાદો નથી સાંભળી, પરંતુ સંકલિત ઉકેલ આપ્યો. રસ્તાઓ એવી ડિઝાઇનથી બનાવ્યા કે ભવિષ્યમાં પાણી, ગટર, લાઇટ કે ટેલિફોન માટે રસ્તા તોડવાની જરૂર ન પડે. ‘વડોદરા વિઝન 2010’ હેઠળ તમામ તંત્રોને એક સૂત્રમાં બાંધીને વિકાસનું ભગીરથ કાર્ય કર્યું જે આજે પણ શહેરી આયોજન માટે ઉદાહરણરૂપ છે.
પ્રોપર્ટી ટેક્સમાં એરિયા બેઝ એસેસમેન્ટ, મહાનગરપાલિકાનું સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન આ બધું વડોદરામાં પ્રથમ વખત તેમના નેતૃત્વમાં શક્ય બન્યું. તેઓ કહે છે: પ્રજા પાસેથી વોટ માગવા જાઓ ત્યારે જો મૂળ પ્રશ્નોના જવાબ ન હોય, તો પ્રચાર ખોખલો બને.
ભૂકંપ પછી કચ્છ પ્રત્યેની તેમની લાગણી વધુ સ્પષ્ટ બની. મેયર તરીકેની જવાબદારી વચ્ચે પણ અંજારમાં કેમ્પ રાખી રાહત, તબીબી સેવા અને સફાઇ કાર્યમાં મહાનગરપાલિકાની ટીમ સાથે સક્રિય ભાગ લીધો. કાંડાગરા ગામ, તળાવ-કૂવો, ચાતુર્માસની ઉજવણી આ બધું તેમની સ્મૃતિમાં કચ્છને જીવંત રાખે છે.
પતિના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી 2013 બાદ તેમણે જાહેર જીવનથી થોડું અંતર રાખ્યું અને આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા. આજે પણ પરિવાર, સંસ્કાર અને ભાષા પ્રત્યેનો તેમનો આગ્રહ નોંધપાત્ર છે. પોતાના પૌત્રોને ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત શીખવવાની તેમની ચિંતા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાની ભાવનાનું પ્રતિબિંબ છે.
કચ્છી બાઈયુંમાં ગજબનો હુન્નર છે આ વિશ્વાસ સાથે ભારતીબહેન મહિલાઓને શિક્ષણ, સ્વાવલંબન અને સામાજિક સેવા તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.અહંકાર વિના કાર્ય કરવું અને અધિકારોનો ઉપયોગ સમાજના હિત માટે કરવો એ તેમનો સ્પષ્ટ સંદેશ છે. કચ્છની મહિલાઓએ વિકાસની આગેકૂચ કરી છે અને ભારતીબહેન વ્યાસ જેવી સન્નારીઓ આ યાત્રાના મજબૂત સ્તંભ છે.
25 ડિસેમ્બરે લોકનેતા સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી આવે છે તો કચ્છ માટે જેમણે સહાનુભૂતિ દાખવી હતી એવા અટલ પુરુષને યાદ કરતા એમની જ પંક્તિઓ ભારતીબહેન માટે સાદર:
‘પાર પાને કા કાયમ મગર હૌસલા,
દેખ તુફાં કા તેવર,
તરી તન ગઈ, મૌત સે ઠન ગઈ.’
આપણ વાંચો: ઊડતી વાતઃ મફત ડિનર કેટલામાં પડ્યું?



