દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલું ANFO (એમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલ) શું છે?

નવી દિલ્હી: દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનની બહાર થયેલા બ્લાસ્ટમાં ગઈકાલે મોટી જાનહાનિ થઈ હતી. આ વિસ્ફોટને તપાસ એજન્સીએ આત્મઘાતી આતંકી હુમલો હોવાની શંકા વ્યક્ત કરી છે ત્યારે બીજી બાજુ ફોરેન્સિક ટીમ અને રાષ્ટ્રીય એજન્સી પણ ઘટનાસ્થળેથી વિસ્ફોટના અવશેષો મારફત તપાસ કરીને એનાલિસિસ કરી રહી છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટની શરૂઆતની તપાસના ફોરન્સિક રિપોર્ટમાં જણાવાયું છે કે એમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલ એટલે ANFO અને ડિટોનેટર પણ મળ્યા છે. ANFO અને ડિટોનેટર શું છે અને બોમ્બ વિસ્ફોટમાં તે કેવી રીતે ઉપયોગી છે, આવો જાણીએ.
ANFO કેવી રીતે બને છે?
એમોનિયમ નાઇટ્રેટ એક સફેદ ક્રિસ્ટલ જેવું રસાયણ છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ખેતરમાં ખાતર તરીકે કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં સ્થિર અને જ્વલનશીલ હોતું નથી. જ્યારે તેને ફ્યુઅલ ઓઇલ સાથે મિશ્ર કરવામાં આવે છે, ત્યારે તે ANFO બની જાય છે, એટલે કે તે એક શક્તિશાળી ઔદ્યોગિક વિસ્ફોટક મિશ્રણ બની જાય છે. સામાન્ય રીતે ANFOમાં અંદાજે 94 ટકા એમોનિયમ નાઇટ્રેટ અને 6 ટકા ફ્યુઅલ ઓઇલ હોય છે.
ANFOમાં ફ્યુઅલ ઓઇલ એમોનિયમ નાઇટ્રેટના છિદ્રોમાં સમાઇ જાય છે, તેથી તેની હેન્ડલ કરવું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ હોય છે. જોકે, તેને સળગાવવાથી પણ તે તરત સળગી ઉઠતું નથી. તેના માટે હાઈ એનર્જીવાળા પ્રાઇમર અથવા ડિટોનેટરની જરૂર પડે છે. ડિટોનેશનના સમયે એમોનિયમ નાઇટ્રેટ અને ફ્યુઅલ ઓઇલ ઝડપી રાસાયણિક પ્રતિક્રિયા કરીને મોટી માત્રામાં ગરમ ગેસનું ઉત્પાદન કરે છે, જેનાથી શક્તિશાળી વિસ્ફોટ થાય છે અને શોક વેવ બને છે. મોટી માત્રામાં ANFOનો વિસ્ફોટ ભારે વિનાશ વેરી શકે છે તેમ જ ઝેરી ગેસ પણ રિલીઝ કરી શકે છે.
ANFOના ઉપયોગનું કારણ
ઓછો ખર્ચ, સસ્તા ઉત્પાદન અને અસરકારક પરિણામને કારણે આતંકવાદીઓ ANFOનો ઉપયોગ IID (Improvised Explosive Device) બનાવવા માટે કરે છે. તેની સ્થિરતાને કારણે તે સરળતાથી હેન્ડલ થઈ જાય છે. જોકે, એકવાર ડિટોનેટર દ્વારા એક્ટિવ થયા પછી તે વિનાશક સાબિત થાય છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે એએનએફઓ અને ડિટોનેટરથી એવા સંકેતો મળી રહ્યા છે કે આ ફિદાયિન હુમલાની શંકા છે.
દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને આરોપી ડૉ. મોહમ્મદ ઉમર પર શંકાની સોય જઈ રહી છે. બોમ્બ બ્લાસ્ટ સમયે તે i20 કારમાં એકલો બેસેલો હતો. ડૉ. મોહમ્મદ ઉમર તાજેતરમાં ફરિદાબાદથી પકડાયેલા એક આતંકી મોડ્યુલ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.
ભારતમાં એમોનિયમ નાઇટ્રેટને લઈને કડક નિયમો છે. 45 ટકાથી વધારે એમોનિયમ નાઇટ્રેટવાળા મિશ્રણને વિસ્ફોટક માનવામાં આવે છે. તેનું નિયમન કરવામાં આવે છે. તેના નિયમો ઓદ્યોગિક ઉપયોગની મંજૂરી આપવા ઉપરાંત તેનો દૂરઉપયોગ રોકવા માટેના પ્રયાસો છે. આ વિસ્ફોટ જણાવે છે કે એમોનિયમ નાઇટ્રેટ જેવા કેમિકલ્સ જ્યાં-ત્યાં હોવાને કારણે કડક દેખરેખ અને સુરક્ષા હોવી જરૂરી છે, જેથી તેનો દૂરઉપયોગ અટકાવવાની સાથોસાથ લોકોનો જીવ બચાવી શકાય.
આપણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં પણ હાઈ એલર્ટ, સુરક્ષા સઘન કરાઈ…



