
સોહમ પારેખ
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
ભાષા કોઈ પણ દેશ-વિદેશ કે પ્રાંતની હોય, એ દરેકમાં એક અજાયબી એકસરખી હોય છે. આપણી બોલવાની-લખવાની ભાષામાં અવારનવાર કેટલાક અજાણ્યા શબ્દો ટપકી પડે એમાંથી અમુક લાંબો સમય સુધી ટકી જાય તો કેટલાક જેટલી ઝડપે આવ્યા હોય એથી બમણી ગતિએ અલોપ થઈ જાય-વિસરાઈ પણ જાય.
ત્રણેક વર્ષ પહેલાં બે ઈંગ્લિશ શબ્દોએ બધાનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. એ શબ્દ હતા: ગેસલાઈટિગ’ અનેમૂનલાઈટિગ’. એ વખતે મૂનલાઈટિગ’ શબ્દની સરખામણીએગેસલાઈટિગ’ શબ્દનો વપરાશ વધુ હતો. પાછળથી એ બન્ને ક્રમશ: ગુમ થઈ ગયા અને હવે એમાંથી એક શબ્દ મૂનલાઈટિગ’ ફરી અચાનક ચલણમાં પ્રગટયો છે અને એની સાથે વિવાદ પણ લાવ્યો છે. આમ તો આપણે આજે અહીંમૂનલાઈટિગ’ની વધુ વાત કરવી છે. આમ છતાંય બન્ને શબ્દને સમજી લઈએ… ગેસલાઈટિગ’ એટલે એક એવા પ્રકારની ભ્રામક સ્થિતિનું સર્જન છે, જે હકીકતમાં ન હોય તો પણ મનોમન સાચી લાગવા માંડે અને જયારે મન-મગજની આ રમતમાં કોઈને ઈરાદાપૂર્વક આડે રસ્તે ચઢાવવાનું ષડ્યંત્ર રચે ત્યારે એગેસલાઈટિગ’ તરીકે ઓળખાય છે, જેને મનોવિજ્ઞાનીઓ ઈમોશનલ ઍબ્યૂઝ’ તરીકે ઓળખાવે છે. આવાઅત્યાચાર’વાળા કથાનક પરથી થોડાં વર્ષ પહેલાં હોલિવૂડમાં ગેસલાઈટિગ’ના જ ટાઈટલ સાથે બનેલી એક ફિલ્મઑસ્કર’ વિજેતા ઠરી હતી.
બીજી તરફ, ગેસલાઈટિગ’ની જેમ અગાઉ ચલણમાં આવીને અલોપની ખીણમાં ધકેલાઈ ગયેલો શબ્દમૂનલાઈટિગ’ શબ્દ હમણાં કબ્રસ્તાનમાંથી સફાળા જાગેલા ભૂતની જેમ ધૂણવા લાગ્યો છે…આનું તાજું કારણ બન્યો છે મૂળ આમચી મુંબઈનો, પણ હાલમાં અમેરિકામાં સ્થાઈ થયેલો સોફટવેર ઈજનેર સોહમ પારેખ.. આજે અમેરિકામાં લોકો જોબ ગુમાવી રહ્યા છે ત્યારે આ 27 વર્ષીય સોહમ પોતાના મૂળ જોબની સાથે ખાનગીમાં અમેરિકાની 4-5 સ્ટાર્ટઅપ કંપનીમાં મૂનલાઈટિગ’ કરીને અચ્છી કમાણી કરી રહ્યો છે ને સાથે વિવાદ પણ સરજી રહ્યો છે. સોહમ પારેખનોમૂનલાઈટિગ’નો કિસ્સો હમણાં ગાજી રહ્યો છે ત્યારે આ અગાઉ પણ આવા જ બ્રેકિગ ન્યૂઝ’ આપ્યા હતા આપણી વિખ્યાત આઈ.ટી કંપનીવિપ્રો’એ જાણીતા ઉદ્યોગ સાહસિક દાનવીર એવા અઝિમ પ્રેમજીની ઈન્ફોર્મેશન ટેકનોલોજી’ (IT) ફિલ્ડમાં વ્યાપક વ્યવસાય ધરાવતી આ કંપનીએ પોતાના 300 સ્ટાફરને એકસામટા જોબ પરથી તગેડી મૂક્યા હતા! આવડી મોટી સંખ્યામાં કર્મચારીઓને સાગમટે કાઢી મૂકવાનું કારણ હતું:મૂનલાઈટિગ’..!
આમ તો આ મૂનલાઈટિગ’ શબ્દ સાંભળો-વાંચો ત્યારે આપણને શીતળચન્દ્રપ્રકાશ’ની અનુભૂતિ થાય એ સહેજે છે, પણ એ શબ્દ ઠંડક પ્રસારવાને બદલે કેવો દાહક છે એ તો એણે સર્જેલા ભૂતકાળના અને તાજેતરના વાદ-વિવાદ અને વિખવાદથી જ સમજાય…આ શબ્દ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં (આઈટી’ ફિલ્ડ) આજે સ્ફોટક કેમ બન્યો એ જાણતાં પહેલાંમૂનલાઈટિગ’ વિશે થોડું સમજી લેવા જેવું છે.
ધારી લો કે તમે કોઈ ચોક્કસ કંપનીમાં સવારથી સાંજ જોબ કરતા હો એ નિયત સમય પતાવીને તમે બીજી જગ્યાએ પણ અમુક કલાક વધારાનું કામ કરો પછી તમે ત્યાંથી પણ મહેનતાણું મેળવો એને આપણે પાર્ટટાઈમ’ જોબની કમાણી કહીએ છીએ. આમ તો મોટાભાગના માલિકોને એના સ્ટાફરના આવા વધારાના કામ અને આવકથી વાંધો પણ નથી હોતો. હવેમૂનલાઈટિગ’ એટલે મૂળ જોબ ઉપરાંત વધારાનું એવું કામ, જેના વિશે ફૂલટાઈમ જોબ કરતા હો એ કંપનીને એની જાણ ન હોય. મૂળ માલિક્થી તમે છૂપાવીને જે વધારાનું કામ કરીને આવક રળો છે એ બની શકે કે તમારા મૂળ કંપનીનાં કામ કે હિતને નુકસાનકારક પણ હોય શકે…
બીજા શબ્દોમાં કહીએ તો તમારા મૂળ બોસની પીઠ પાછળ રાતના અંધારામાં થતી વધારાની આવકવાળા કામ માટે મૂનલાઈટિગ’ શબ્દપ્રયોગ થાય છે. આવાં કામ ઉપરાંત પતિ-પત્ની કે પ્રેમીયુગલના એક કરતાં વધારાનાં લફરાં માટે પણમૂનલાઈટિગ’ શબ્દ જાણીતો છે.!
આ શબ્દપ્રયોગ કોરોનાના બે-અઢી વર્ષ પછી વધુ પ્રકાશ’માં આવ્યો છે, કારણ કે આ પ્રકારનાં કાર્ય કોરોના લૉકડાઉન દરમિયાન અને એ પછી પણ વધુ પ્રમાણમાં થયાં. કોરોનાને લીધે સર્વવ્યાપી ઘરબંધી વખતે શરૂઆતમાં તો ઘણાનેવર્ક ફ્રોમ હોમ’ (WFH)ની વ્યવસ્થા ફાવી ગઈ,પણ કપાતા પગારે ફૂલટાઈમ જોબની આર્થિક સંકડામણ ઘણાને પજવવા માંડી પછી અમુક ભેજાંબાજોને એનો ઉપાય ઘરબંધીમાં જ મળી ગયો…
એ સમયે આપણે ત્યાં અનેક પગારદાર લોકો ઘરે બેસીને પોતાની ઑફિસનાં વર્ક ફ્રોમ હોમ’ની સાથે બીજાંનાં કામનું પણ મૂનલાઈટિગ કરતાં હતાં. અમેરિકામાં તો આમૂનલાઈટિગ’નું જબરું ચક્કર ચાલે છે. સોહમ પારેખ જેવા અમુક વીરલાઓ મૂળ નોકરીની સમાંતરે બીજી ચાર-પાંચ કંપનીના જોબ બિન્દાસ કરતા હોય છે…!
થોડા સમય પહેલાં ત્યાંના એક સ્ટાફરે પોતાના સોશ્યલ મીડિયા પર પોરસાઈને એવી પોસ્ટ મૂકી હતી કે કોરાનાકાળમાં એક સાથે પાંચ સ્થળે મૂનલાઈટિગ’ કરીને હું 7 લાખ ડૉલર એટલે કે આજના ભાવે આશરે 6 કરોડ 75 હજાર રૂપિયા કમાયો હતો…! આવા જ વધારાનાં કામ ને વધારાની આવકનો માહોલ આપણે ત્યાં પણ બહુ ઝડપથી ખાનગીમાં જામી રહ્યો હતો ત્યાં અઝિમ પ્રેમજીનીવિપ્રો’એ અચાનક ધડાકો કરીને પોતાને ત્યાં આવું મૂનલાઈટિગ’ કરતાં 300 સ્ટાફરોને એકસાથે બરતરફ કરીનેઆઈટી’ સેક્ટરમાં સોપો પાડી દીધો.. વિપ્રો’નું કહેવું છે કે જેમને અમારે ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા છે એમાંના ઘણા તો અમારી હરીફ એવી અનેક કંપની માટેમૂનલાઈટિગ’ કરતા હતા…! મૂળ કંપની સાથે આ રીતે દગો-ફટકો કરવો એ નૈતિક ગુનો ગણાય…
આવી મૂનલાઈટિગ’ની પ્રવૃત્તિ પર અંકુશ મૂકવાનો હવે કંપનીઓ પાસે એક જ ઉપાય છે કે આવા દૂષિતોને જોબ પરથી તગેડી મૂકવા અને બીજા સ્ટાફર્સ પાસે ઘેરબેઠા કામ કરાવાને બદલે એમના કાન પકડીને તાત્કાલિક ઑફિસ ભેગા કરવા…! હવે ફરી તાજેતરના સોહમ પારેખની તાજા વિવાદ પર પરત આવીએ તો સોશ્યલ નેટવર્કિંગ મીડિયામાં ફરતી કેટલી પોસ્ટ અનુસાર સોહમ પારેખ એના આઈટી વ્યવસાયમાં કાબેલ છે. એની AIને લગતી ટેકનિકલ સ્કીલ-નોલેજ ભલભલાને પ્રભાવિત કરે એવું છે તો અમુકની ફરિયાદ પણ છે કે એક વારમૂનલાઈટિગ’ જોબ મળી ગયા પછી કામ પર ખાસ ધ્યાન આપતો નથી…
જોકે એક સાથે 4-5 કંપનીમાં જોબ કરવાની પોતાની મૂનલાઈટિગ’ પ્રવૃત્તિનો બચાવ કરતાં સોહમ ખુદ બચાવ કરતા કહે છે કે આજની મોંઘવારીમાં એક જોબના પગારથી ઘર ચાલતું નથી એટલે મૂળ કંપનીનાં કામ પૂરી નિષ્ઠા સાથે કર્યા પછી સાઈડમાં અઠવાડિયાના 140 કલાક એક કરતાં વધુમૂનલાઈટિગ’ જોબ કરું તો ખોટું શું છે?
મૂળ કંપનીના જોબમાં આવી બેવફાઈ’ કરવા માટે ઘણાએ સોશ્યલ મીડિયા પર સોહમને વખોડ્યો છે તો બીજી તરફ, અનેકે આવી આવીથોડી સી બેવફાઈ’ કરતાં સોહમને એની મલ્ટિટાસ્કિંગ સ્કીલ’ માટે વધાવ્યો પણ છે! આમ સૈદ્ધાંતિક રીતેમૂનલાઈટિગ’ ભલે ઝડપથી વ્યાપી રહેલી એક બદી ગણાય, પણ સામે છેડે એક વર્ગ એવો પણ છે, જે મૂનલાઈટિગ’ને માન્યતા આપવાની હિમાયત પણ કરે છે…! જાણીતી આઈ.ટી કંપનીટેક મહિન્દ્રા’ના સંચાલકો પણ કહે છે કે મૂળ કંપનીની કામગીરી બરાબર બજાવતા સ્ટાફર વધારાની આવક રળવા માટે જો કોઈ પણ પ્રકારના ફ્રોડ-છેતરપિંડી ન કરતા હોય તો એમને એ વધારા’નું કામ કરવા દેવું જોઈએ..!
ઓછા મહેનતાણાથી અસંતુષ્ઠ રહેતો કર્મચારી પોતાના કામમાં લોચા મારે-મન મૂકીને ન કરે એનાં કરતાં તો બહારથી વધારાની આવક રળીને કંપનીનું કામ પણ બહેતર રીતે કરે એમાં કશું ખોટું નથી…! ખુદ કેન્દ્ર સરકારના કૌશલ વિકાસ ખાતાના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચન્દ્રશેખરે તો શબ્દ ચોર્યા વગર સ્પષ્ટ કહ્યું હતું કે જો કંપની સાથે થયેલા કરારના મૂળ નીતિ-નિયમોનો ભંગ ન થતો હોય તો સ્ટાફર લેટેસ્ટ ટેકનોલોજી શીખી-વધારાનું જ્ઞાન મેળવીને બહારનું કામ કરે અને ભલેને અંગત આવક વધારે એ બધાને સરવાળે આખરે તો એની મૂળ કંપનીને પણ ફાયદો થાય માટે સ્ટાફરનીમૂનલાઈટિગ’ વૃત્તિ-પ્રવૃત્તિને સરકાર સહિત બધાએ પ્રોત્સાહન આપવું જોઈએ..!
આ પણ વાંચો…ક્લોઝ અપ : વિચિત્ર સવાલોના વિસ્મયજનક જવાબ!