હીરકઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કેસ ફાઈલ્સ…

ટીના દોશી
આમ જુઓ તો ચોરી જ કહેવાય, ને તેમ જુઓ તો ચોરી ન પણ કહેવાય… ન શેની કહેવાય. ચોરી જ કહેવાય વળી. કોઈ એને ચોરી કહે કે ન કહે, જાગીરદાર જયકૃષ્ણસિંહ જાડેજાના મતે તો એ ચોરી જ હતી. ચોરી જ તો વળી. ચોરી પણ કાંઈ જેવીતેવી નહીં. ખાનદાની હીરાની. પાંચ પેઢીથી જયકૃષ્ણસિંહના પરિવાર પાસે હતો એ હીરો. હીરક કહેવાતો એ હીરો. પાંચ પાંચ પેઢીથી સલામત ને સુરક્ષિત રહી શકેલો હીરક એકાએક ગાયબ થઈ ગયેલો. રાત્રે તો તિજોરીની મલમલની પેટીમાં હીરક જોયેલો જયકૃષ્ણસિંહે, પણ સવારે જોયું તો ગુમ થઈ ગયેલો. ગુમ તો કેમ કહેવાય, ચોરી થઈ ગયેલો હીરક. જો હીરક પાછો નહીં મળે તો કાળી ટીલી ચોંટી જશે કપાળે.
જયકૃષ્ણસિંહ વિચારી રહ્યા : પોલીસ પાસે જાય ને વાત બહાર આવી જાય તો… ના, ના, એ પોસાય નહીં. વળી ચોરને પકડવા પોલીસની જરૂર પણ નહોતી. કારણ ચોરી કરનાર કોણ હતું એ ખબર હતી. એવામાં ચોરીને ચોરી ને ચોરને ચોર ન કહે તો શું કાકાશ્રી કહે… હા, કાકાશ્રી જ તો. એ જ તો ચોર હતા. ચોર કાકાશ્રી. કાકાશ્રી શિવકૃષ્ણસિંહ જાડેજા. ઘરના માણસે જ ચોરી કરી હોય તોય શું… ચોરી તો ચોરી જ કહેવાય ને.
સરવાળે સો વાતની એક વાત એ હતી કે હીરકની ચોરી થયેલી અને ચોરી સગ્ગા કાકાશ્રીએ કરેલી. નવાઈની વાત તો એ હતી કે કાકાશ્રીએ ચોરી કર્યાની વાત કબૂલી લીધેલી. કબૂલેલી એટલું જ નહીં, એમણે ગર્વભેર સામેથી જ કહેલું કે, ચોરી એમણે જાતેપોતે કરી છે. વળી પડકાર પણ ફેંકેલો કે, તમે હીરક પાછો મેળવી શકો તો મેળવી લ્યો…
હીરક પાછો મેળવવો જરૂરી હતો. ખાનદાનની માનમર્યાદા અને આબરૂ જળવાઈ રહે એ માટે. જયકૃષ્ણસિંહ જાડેજાએ બન્ને હાથના અંકોડા ભીડ્યા. હાથ પીઠ પાછળ રાખ્યા ને વિશાળ કક્ષમાં ટહેલવા માંડ્યા. ટહેલતાં ટહેલતાં વિચારતા રહ્યા : કાકાશ્રી પાસેથી હીરક કઈ રીતે પાછો મેળવવો… કોણ એ હીરક પાછો મેળવી શકે?
જયકૃષ્ણસિંહના મનમાં સવાલ ઊગવાની સાથે જ જવાબ પણ ઊગ્યો. એમના મનમાં એક નામ ગુંજવા લાગ્યું. પોલીસ કમિશનર ઇન્દ્રવિજયસિંહે જ એનો પરિચય કરાવેલો. ઇન્સ્પેક્ટર કરણ બક્ષી… ઇન્દ્રવિજયસિંહે કહેલું કે, `કોઈ વાર જરૂર પડે ત્યારે તમે નિ:સંકોચ કરણ બક્ષીને મળજો. એ તમારી મદદ કરશે. મેં પણ કરણને એ અંગે કહી રાખ્યું છે.’
એ વખતે જયકૃષ્ણસિંહે વાતને હસવામાં ટાળી દીધેલી. આજે જયારે જરૂર પડી ત્યારે એ વાત યાદ આવી ગઈ. ઘડીક વિચાર કર્યા પછી ઇન્સ્પેક્ટર કરણ બક્ષીને ફોન જોડ્યો. ત્રીજી ઘંટડી પૂરી થાય એ પહેલાં સામે છેડેથી ઘેઘૂર અવાજ સંભળાયો : `ઇન્સ્પેક્ટર કરણ બક્ષી હિઅર!’
ઇન્સ્પેક્ટર બક્ષી, હું…’ જયકૃષ્ણસિંહ જાડેજાએ પોતાનો પરિચય આપતાં કહ્યું :સંજોગો એવા ઊભા થયા છે કે મારે તમને મળવું પડે એમ છે… તમે કહો તો હું આવી જાઉં તમને મળવા…’
ના જાડેજાસાહેબ, આપ રહેવા દ્યો….’ કરણ બક્ષીએ આદર અને વિવેક દાખવતા કહ્યું :હું જ આપને મળવા આવું છું…’ વધુ પ્રતીક્ષા ન કરવી પડી. અડધો કલાકમાં જ કરણ બક્ષી આવી પહોંચ્યો.
`કહો જાડેજા સાહેબ, માં શું કામ પડ્યું ?’ કરણ બક્ષી સીધો જ મુદ્દા પર આવી ગયો.
વાત જાણે એમ છે કે અમારો એક ખાનદાની હીરક એટલે કે હીરો છે….’ જયકૃષ્ણસિંહ કહેવા લાગ્યા:પાંચ પેઢીથી અમારા ખાનદાનમાં એ હીરક સચવાયેલો છે. મારી પાંચમી પેઢીના પૂર્વજની કામગીરીથી પ્રસન્ન થઈને એ સમયના રાજાએ એમને ભેટ આપેલો. હીરકની ખૂબી એવી હતી કે રાતના અંધારામાં એમાંથી સાત રંગની સોનેરી ઝળહળતી ઝાંય નીકળતી.
એ હીરક જેની પાસે રહે એના પર ક્યારેય કોઈ સંકટ ન આવે એવી માન્યતા હતી. તેથી અમારા ખાનદાનમાં એ હીરકનું જીવથી યે વધુ જતન કરાતું. પેઢી દર પેઢી પરિવારના જયેષ્ઠ સંતાનને એ હીરક મળતો. એ રીતે એ હીરક મને મળેલો. છેલ્લા સાત વર્ષથી હું એ હીરકને સુરક્ષિત રાખી શકેલો. પણ બે દિવસ પહેલાં મને ખબર પડી કે એ અણમોલ હીરક ચોરાઈ ગયો છે.’
`તમને કેવી રીતે ખબર પડી કે એ હીરક ચોરાઈ ગયો છે ?’ કરણ બક્ષીએ પૂછ્યું.
ઇન્સ્પેક્ટર બક્ષી, હું એ હીરક મારા શયનખંડની તિજોરીમાં જ રાખતો...' જયકૃષ્ણસિંહ કહી રહ્યા:રોજ રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને પહેલું કામ હું એ હીરક સુરક્ષિત છે કે નહીં એની ચકાસણી કરતો. હીરકની સુરક્ષા માટે તો સાત વર્ષથી મેં નિવાસની બહાર પગ સુધ્ધાં મૂક્યો નથી. સાત સાત વર્ષથી એ હીરક જોઈને સૂતો ને સવારે ઊઠીને હીરક જોઉં ત્યારે જ મનને શાતા વળતી. પણ આજે સવારે તિજોરી ખોલીને જોયું તો હીરક ન મળે. ઘડીભર તો હું સૂધબૂધ ગુમાવી બેઠો. ખાસ્સી વાર સુધી હીરક ખોળ્યો, પણ ન મળ્યો તે ન જ મળ્યો. આખરે કડવી વાત સ્વીકારવી પડી કે હીરક ચોરાઈ ગયો છે ને ચોર મારા પોતાના કાકાશ્રી છે!’
ચોર કોણ છે એ ખબર છે તમને?’ કરણ બક્ષીના સવાલમાં આશ્ચર્ય ભળ્યું:તો પછી શું મુશ્કેલી છે…પકડી લ્યો ચોરને. ને મેળવી લો હીરકને.’
હીરક મેળવવો એટલું સહેલું હોત તો તમને શું કામ બોલાવત…’ જયકૃષ્ણસિંહ ફિક્કું હસીને બોલ્યા :હું કાંઈ કાકાશ્રી પર શંકા કરતો નથી. એમણે પોતે કહ્યું છે કે હીરકચોર એ પોતે જ છે. એટલું જ નહીં, એમણે મને પડકાર પણ ફેંક્યો છે કે તમે હીરક પાછો મેળવી શકો તો મેળવી લ્યો…’
જાડેજા સાહેબ, ચોર ઘરમાં છે ને તમારી નજર સામે છે છતાં તમે એને પકડી શકો એમ નથી…’ કરણ બક્ષી કહી રહ્યો:મને ખરેખર નવાઈ લાગે છે. તમારી એવી તે શું મજબૂરી છે કે તમારા કાકાએ પોતે ચોરી કર્યાનું કબૂલ કર્યા છતાં તમે કાંઈ કરી શકો એમ નથી ?’
વાત જાણે એમ છે ઇન્સ્પેક્ટર બક્ષી કે…’ જયકૃષ્ણસિંહ જાણે કહેવું, ન કહેવુંની ગડમથલમાં હોય એમ બોલ્યા:હીરક પર અમારા કુટુંબના સહુ સભ્યોનો એકસમાન અધિકાર છે. પણ કુળપરંપરા એવી છે કે એ હીરક જયેષ્ઠ સંતાન સાચવે. મારા પિતા હરિકૃષ્ણસિંહ એમના પિતાનું જયેષ્ઠ સંતાન હતા.
શિવકૃષ્ણસિંહ એમના નાના ભાઈ. મારા પિતાનું મૃત્યુ થયું ત્યારે પરંપરા મુજબ હીરકની સુરક્ષાની જવાબદારી મારે માથે આવી પડી. માત્ર સુરક્ષાની જ જવાબદારી, કારણ હીરક પર અધિકાર તો સહુનો હતો. મારા કાકાએ મારી પાસે હીરક માગેલો પણ ખરો, પરંતુ પરંપરાની બેડીઓને કારણે કુટુંબના સહુ કોઈએ એ હીરક કાકાને આપવાની ના પાડેલી. આખરે મોકો જોઇને કાકાએ હીરક ચોરી લીધો. કારણ હીરક જેની પાસે હોય એનો સામાજિક મોભો વધી જાય.’
`તો શું તમારા કાકાએ માત્ર સામાજિક મોભા ખાતર જ હીરકની ચોરી કરી છે?’ કરણ બક્ષી કલ્પનાને ટક્કર મારે એવી હકીકત સમજવા મથી રહ્યો.
એવું હોય પણ ખરૂં ને ન પણ હોય…’ જયકૃષ્ણસિંહ કહેવા લાગ્યા:એવું છે કે મારા કાકાશ્રીએ સામાજિક મોભો મેળવવા માટે હીરકની ચોરી કરવી પડે એમ નથી. એમનો માનમોભો ને પ્રતિષ્ઠા આમ પણ છે જ. કારણ કે એ ઊંચા ગજાના મૂર્તિકાર ને શિલ્પકાર છે. એમની મૂર્તિઓ અને શિલ્પોને દેશવિદેશમાં સ્થાન મળ્યું છે. કામની, નામની ને દામની એમને જરાય ખોટ નથી. એ બધું તો એ નાની ઉંમરમાં મેળવી ચૂક્યા છે. એટલે મને તો લાગે છે કે માત્ર વટને ખાતર એમણે હીરકની ચોરી કરી છે.’
તો આપ મારી પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો ?’ કરણ બક્ષીએ મુદ્દાની વાત કરી:હું તમારી શું મદદ કરી શકું ?’
ઇન્સ્પેક્ટર, મને લાગે છે કે તમે જ એ હીરક પાછો મેળવી શકો એમ છો…’ જયકૃષ્ણસિંહે વાતમાં મોણ નાખ્યા વિના કહી દીધું :હું તમારા રહેવાનો બંદોબસ્ત અહીં જ કરી દઉં છું. બેચાર દિવસ કે અઠવાડિયામાં હીરક કઈ રીતે પાછો મેળવવો એ તમે જાણો. પણ હા, હીરક મેળવવા જતાં તમે પકડાઈ જાઓ તો જવાબદારી તમારી. મારે કોઈ લેવાદેવા નહીં.’
કરણ બક્ષી બે પળ માટે વિચારી રહ્યો. એક ક્ષણ તો એને થયું કે ફટ દઈને ના કહીને ઊભો થઈ જાય. પણ બીજી ક્ષણે વિચાર કરતાં એને લાગ્યું કે પડકાર સમજીને કેસ સ્વીકારી લેવો. હીરક પાછો મળે તો ઉત્તમ ને ન મળે તોય રહેવાનો તો ઘરમાં જ છે. ઘી ભલેને ઢળ્યું, પણ ઢળ્યું તો ખીચડીમાં જ ને!
હું પ્રયત્ન કરી જોઉં હીરક પાછો મેળવવાનો…’ કહીને કરણ બક્ષી ઊભો થઈ ગયો. એ સીધો જ શિવકૃષ્ણસિંહ પાસે પહોંચ્યો. કરણ બક્ષીને જોઈને ઝૂલે ઝૂલી રહેલા શિવકૃષ્ણસિંહ હસ્યા. હીંચકાને ઠેસ મારીને વાંકડી મૂછોને તાવ દઈને કહેવા લાગ્યા:આવો આવો ઇન્સ્પેક્ટર… મારા ભત્રીજા જયકૃષ્ણએ તમને મોકલ્યા છે ને? ભલે પધાર્યા… આવો, તમે પણ હીરક પાછો મેળવવા દાવ અજમાવી જુઓ.’
કરણ બક્ષી શિવકૃષ્ણસિંહને અને એમના ચહેરા પર રમતું ખંધું હાસ્ય જોઈ રહ્યો. એને થયું કે આ માણસ ગાંજ્યો જાય એવું લાગતું નથી. હીરક ચોરી કર્યાનું કબૂલે છે ને પાછો ઉપરથી મને… ઇન્સ્પેક્ટર કરણ બક્ષીને પડકારે છે. કાંઈ વાંધો નહીં. પડકાર કબૂલ છે મને. શિવકૃષ્ણસિંહ જાડેજા, હું તમારા હાથમાંથી હીરક પાછો મેળવીને એને મૂળ સ્થાને પહોંચતો ન કં તો માં નામ કરણ નહીં !
હીરક પાછો કઈ રીતે મેળવવો એવું વિચારી રહેલા કરણ બક્ષીનું ધ્યાન એકાએક શિવકૃષ્ણસિંહના હાથ પર ગયું. એ મુઠ્ઠીમાં સમાય જાય એવડી પ્લાસ્ટર ઓફ પેરિસની તાજમહલની પ્રતિમાને બન્ને હાથમાં રમાડી રહેલા. સામે પડેલા મેજ પર એની પ્રતિકૃતિ સમી તાજમહલની બીજી પ્રતિમા પણ પડેલી. કરણ બક્ષીના મનમાં ઓચિંતો વિચાર ઊગ્યો: આ શિલ્પમાં જ હીરક છુપાડ્યો હોય એવું પણ બને… શિવકૃષ્ણસિંહ કરણનો ચહેરો જોઈને એના મનનો વિચાર જાણી ગયા હોય એમ કુટિલ હાસ્ય કરીને બોલ્યા :
`તમારી પહેલાં પણ જયકૃષ્ણસિંહે બે જણને હીરક હાથ કરવા મોકલેલા. મેં એ બન્નેને માં આખું ઘર ફેંદવા દીધેલું. એમને ઘર ફંફોસવામાં સંકોચ ન થાય ને અગવડ ન પડે એ માટે હું ઘરમાંથી બહાર નીકળી ગયેલો. સવારથી સાંજ સુધીમાં બન્નેએ હીરક ખોળવામાં કશું બાકી ન રાખ્યું. પણ એમને હીરક ન જ જડ્યો. આખરે એમણે પણ તમારી જેમ એવું વિચાર્યું કે આ તાજમહલમાં જ મેં હીરક સંતાડ્યો હશે. એટલે મેં એ બન્નેને તાજમહલ જ આપી દીધો. બેય શિલ્પ લઈને ગયા.
જયકૃષ્ણએ પ્રતિમા તોડીને જોઈ લીધું, પણ તોય એને હીરક ન જ મળ્યો.’ શિવકૃષ્ણસિંહના અવાજમાં ઈડરિયો ગઢ જીત્યા જેવો ગર્વ ભળી ગયેલો. કરણની સામે જોઈને એ મલક્યા. પણ કરણને શિવકૃષ્ણસિંહનો મલકાટ શકુનિના સ્મિત જેવો લાગ્યો. એવામાં શિવકૃષ્ણસિંહે શબ્દબાણ છોડ્યું : `ઇન્સ્પેક્ટર બક્ષી, તમારે હીરક શોધવા માં ઘર ફંફોસવું હોય તો છૂટ છે. પણ જો એમાં સમય ન બગાડવો હોય ને આ તાજમહલ લઈ જવો હોય તો પણ મને વાંધો નથી. બાકી જેવી તમારી મરજી.’
કરણ બક્ષી પળભર વિચાર કરી રહ્યો. પછી એણે પ્રતિમા સ્વીકારી લીધી. તાજમહલ લઈને પોતાને ફાળવવામાં આવેલા અલાયદા ખંડમાં ગયો. ફેરવી ફેરવીને નીરખવા માંડ્યો. પછી શું સૂઝ્યું કે શિલ્પના પાછળના હિસ્સામાં સાવ નીચેના ભાગે સૂક્ષ્મદર્શક યંત્રથી જોતાં જ ખબર પડે એવા ઝીણા અક્ષરે કરણ બક્ષી કોતરી કાઢ્યું. પ્રતિમા મેજ પર મૂકી. પછી જયકૃષ્ણસિંહને મળવા ચાલ્યો ગયો.
પાછો ફરીશ ત્યાં સુધીમાં એનું શું કરવું એ નક્કી કરી લઈશ. ચા-પાણી કરીને કરણ પાછો ફર્યો. લાગલો જ ખંડમાં પેઠો. જોયું તો પ્રતિમા ત્યાં જ પડેલી. કરણે એનો પાછલો ભાગ જોયો. ત્યાં કરણ બક્ષી નામ કોતરેલું નહોતું. કરણને શિવકૃષ્ણસિંહની ચાલાકી સમજાઈ ગઈ. જેવા સાથે તેવા થવાનો સમય આવી ગયેલો. એણે ચાલાકીનો જવાબ ચાલાકીથી આપીને શિવકૃષ્ણસિંહને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. સોટી વાગે પણ સળ ન ઊઠવા જોઈએ.
બળથી નહીં કળથી કામ લેવાનું નક્કી કરીને ગજવામાં પ્રતિમા ઘાલીને કરણ પહોંચ્યો મૂર્તિઓ વચ્ચે ઊભેલા શિવકૃષ્ણસિંહ પાસે. સામે મેજ પર તાજમહલની ટચૂકડી પ્રતિમા પડેલી. એની સામે નજર કરીને કરણે કહ્યું: `તમે ખરેખર ઉત્તમ મૂર્તિકાર છો. પેલી પાછળ મૂકી છે તે ગણેશજી ની મૂર્તિ જેવી અનુપમ કૃતિ તો મેં આજ પહેલાં જોઈ જ નથી.’ શિવકૃષ્ણસિંહનો અહંકાર પોરસાયો. પાછળ ફરીને પેલી મૂર્તિ સામે નિહાળી રહ્યા. કરણે તક ઝડપી લીધી. શિવકૃષ્ણસિંહ પાછળ ફર્યા એટલી વારમાં એણે ગજવામાંથી પ્રતિમા કાઢી અને મેજ પર પડેલી તાજમહલની પ્રતિમા સાથે બદલી કાઢી. મેજ પર પડેલી પ્રતિમા ગજવામાં મૂકતી વખતે કરણની અનુભવી આંખે જોઈ લીધેલું કે એના પર કરણ બક્ષી નામ કોતરેલું.
શિવકૃષ્ણસિંહે ચહેરો કરણ ભણી ઘુમાવ્યો, ત્યારે કરણના મુખ પરનું વિજયી સ્મિત જોઇને ચોંક્યા. એમણે તરત મેજ પર દૃષ્ટિ ફેંકી. પ્રતિમા સલામત જોઈને રાહતનો શ્વાસ લીધો. એટલામાં કરણે ગજવામાંથી તાજમહલ બહાર કાઢ્યો. શિવકૃષ્ણસિંહ કશું સમજી શકે એ પહેલાં જ ટચૂકડા તાજમહલનો જમીન પર ઘા કર્યો. તાજ ટુકડે ટુકડા થઈને ફર્શ પર વિખરાયો. વેરણછેરણ ટુકડાઓ વચ્ચે પેલો હીરક ઝળહળી ઊઠ્યો. કરણે પાંપણના પલકારામાં હીરક ઉઠાવી લીધો. એટલી વારમાં કરણે કહ્યા મુજબ જયકૃષ્ણસિંહ પણ આવી પહોંચ્યા. એમના હાથમાં હીરક મૂકીને કરણે ખસિયાણા પડેલા શિવકૃષ્ણસિંહને કહ્યું : `તમારી હોંશિયારીને દાદ આપવી જ પડે. એક તો હીરક ચોર્યો, ને પાછો મને પડકાર પણ ફેંક્યો…’
`પણ તમને કેવી રીતે ખબર પડી કે તાજમહલની પ્રતિમા મેં બદલી નાખી છે?’ શિવકૃષ્ણસિંહે મનોમન દાખલો ગણવાનો પ્રયત્ન કરી જોયેલો, પણ આંકડાનો મેળ બેસતો નહોતો.
એ કહું તમને…’ કરણ બક્ષીના અવાજમાં પાણીદાર રણકો ઉમેરાયો:તમારા મેજ પર તાજમહલ ની બે પ્રતિમા જોઈ ત્યારે જ મને સમજાઈ ગયેલું કે બે પ્રતિમા પાછળ જરૂર કોઈ ભેદ હોવો જોઈએ. વળી તમે જ કહ્યું કે મારી પહેલાં આવનારાઓને તમે તાજમહલ આપેલો ને જયકૃષ્ણસિંહે એ તોડીને જોઈ લીધેલો. એનો અર્થ એમ થાય કે તમે તાજમહલની એકથી વધુ પ્રતિમા બનાવી છે. એ અંગે વિચારતાં મને સમજાયું કે તમે તાજમાં જ હીરક છુપાડ્યો હોવો જોઈએ. બીજું, તમે તાજમહલને નજરની સામે જ રાખો છો. ત્રીજું, શિલ્પ ટચૂકડું બનાવવાનો આશય એટલો જ હોઈ શકે કે તમે એને ખિસ્સામાં મૂકીને તમારી સાથે જ ફેરવી શકો.’
પણ કઈ પ્રતિમામાં હીરક છે એ તમે કઈ રીતે જાણ્યું ?’ જયકૃષ્ણસિંહના સવાલમાં ઉત્સુકતા ભળી :કારણ કે તાજની પ્રતિમા તો એકથી વધુ હતી. તમારો અંદાજ ખોટો પડ્યો હોત તો ?’
મારો અંદાજ ખોટો પડે એ સાવ જ અશક્ય હતું…’ કરણે રહસ્ય ઉજાગર કરતાં કહ્યું:શિવકૃષ્ણ સિંહે મને તાજની પ્રતિમા આપી દીધી ત્યારે ઘડીભર તો હું ચકરાઈ ગયેલો. અંત:સ્ફુરણાથી મેં તાજની પાછળ માં નામ કોતરી કાઢ્યું. ફરી વાર જોયું ત્યારે પ્રતિમાની પાછળ માં નામ નહોતું. એથી મને સમજાઈ ગયું કે શિવકૃષ્ણસિંહે જ પ્રતિમા બદલી હશે. બદલવાનું કારણ શું હોઈ શકે? જવાબ એક જ મળ્યો કે એમાં હીરક સંતાડ્યો હોવો જોઈએ. બસ, વાતનો તાળો મળી ગયો ને હીરકની ચોરીનો ભેદ ખુલ્લો પડી ગયો.’
પણ આ તો તમે મારી સાથે દગો કર્યો કહેવાય…’ શિવકૃષ્ણસિંહ ડારો દેતા હોય એમ બોલી રહ્યા, પણ એમને અટકાવીને કરણ બક્ષી બોલ્યો:ચોરને ઘેર ચોરી કરવાને ચોરી ન કહેવાય. એને તો કહેવાય શઠં પ્રતિ શાઠયમ્!’
આવતા અઠવાડિયે નવી કથા



