વંદે ભારત સ્લીપર ટ્રેનમાં RAC કે વેઇટિંગ ટિકિટ નહીં મળે, જાણો ભાડું અને સુવિધાઓની સંપૂર્ણ વિગત

નવી દિલ્હી: ભારતીય રેલ્વે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. આ મહિનાના અંતમાં ગુવાહાટી અને કોલકાતા વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થશે. આ ટ્રેન લોન્ચ કરવા માટે સરકાર તૈયારીઓ કરી રહી છે. એવામાં વંદે ભારત સ્લીપર ટ્રેનના બુકિંગ અંગેની માહિતી શેર કરવામાં આવી છે.
અહેવાલ મુજબ, વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરોને ફક્ત કન્ફર્મ ટિકિટ જ આપવામાં આવશે. રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (RAC )/વેઇટલિસ્ટ/આંશિક રીતે કન્ફર્મ ટિકિટ જેવી જોગવાઈઓ નહીં હોય. તમામ બર્થ એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) ના દિવસથી ઉપલબ્ધ થશે.
અહેવાલ મુજબ અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેન માટે VIP અથવા ઇમરજન્સી ક્વોટા નહીં હોય. અન્ય ટ્રેનોની માફક વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મહિલાઓ, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને સ્ટાફ માટે ડ્યુટી પાસ ક્વોટા હશે. રેલવે કર્મચારીઓ માટે ડ્યુટી પાસનો ઉપયોગ રાજધાની કેટગરી ટ્રેનોની સમાન હશે.
વરિષ્ઠ નાગરીકો માટે નીચેની બર્થ:
તમામ ટિકિટો માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ રહેશે. રિઝર્વેશન સિસ્ટમ ખાતરી કરશે કે 60 અને તેથી વધુ ઉંમરના પુરુષ મુસાફરો અને 45 અને તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરોને નીચેની બર્થ ફાળવવામાં આવે. બાળકો માટે સામાન્ય ભાડું લાગુ થશે, અને જ્યારે પણ કોઈ મુસાફર બાળક સાથે મુસાફરી કરી રહ્યો હોય અને અલગ બર્થની જરૂર ન હોય, ત્યારે નીચેની બર્થ ફાળવવામાં આવશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું:
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરી માટે, મુસાફરોએ ઓછામાં ઓછું 400 કિલોમીટરનું ભાડું ચૂકવવું પડશે. વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનમાં 3AC માટેનું ભાડું ₹2.4/KM, 2AC માટે ₹3.1/KM અને 1AC માટે ₹3.8/KM હશે.
400 કિલોમીટરની મુસાફરીને ધ્યાનમાં લઈએ તો 3AC માટે ઓછામાં ઓછું ₹960, 2AC માટે ઓછામાં ઓછું ₹1,240 અને 1AC માટે ઓછામાં ઓછું ₹1,520 ચૂકવવાનું રહેશે. ત્યાર બાદ મુસાફરીના અંતરના આધરે ભાડું નક્કી કરવામાં આવશે.
ટ્રેનમાં માળવે આ સુવિધાઓ:
અધિકારીઓના જણાવ્યા મુજબ મુસાફરોને સંપૂર્ણપણે અપગ્રેડ કરેલો બેડરોલ મળશે, સામાન્ય ટ્રેનોની સરખામણીમાં ઘણી સારો ગુણવત્તા ધરાવતો આધુનિક બેડરોલ હશે. ટ્રેનમાં સ્થાનિક ભોજન પણ પૂરું પાડવામાં આવશે. ટ્રેનમાં રેલ્વેના તામામ સ્ટાફે યુનિફોર્મ પહેરેલો હશે.
વંદે ભારત સ્લીપ ટ્રેનમાં 3ACના 11, 2ACના 4 અને 1ACનો 1 કોચ હશે. ટ્રેનમાં 823 બર્થમાંથી ૩ACની 611, 2ACની 188 અને 1 ACની 24 બર્થ હશે.



