બોલો, તમે શું કહો છો?: ના ગમે એ નાત બહાર | મુંબઈ સમાચાર
Uncategorized

બોલો, તમે શું કહો છો?: ના ગમે એ નાત બહાર

  • જૂઈ પાર્થ

આજે જ્યોત્સનાબહેનનાં હરખનો પાર નહોતો. એકલાં એકલાં મનમાં મરકાયા કરતા હતાં. સવારનું કામ ઝડપથી આટોપી લીધું, પતિનું ટિફિન, બાળકોનો નાસ્તો, સાફ સફાઈ, પૂજા પાઠ બધું પતાવીને તૈયાર થઈને બેસી ગયાં. પોતાની મનગમતી પીળા રંગની સાડી, કાજલ, લિપસ્ટિક, મેચિંગ ચાંદલો અને ખાસ પ્રસંગે વાપરતાં એ મોગરાનું અત્તર લગાવી ઠાઠથી ઝુલે બેઠાં. બાજુમાં એક ફાઈલ. એ ફાઈલ જેના માટે એમણે વર્ષો સુધી મહેનત કરી હતી, બે આંખોમાં સમાય નહીં એટલું મોટું સપનું જોયું હતું જે આજે પૂરું થવા જઈ રહ્યું હતું…

એ ફાઈલમાં જ્યોત્સનાબહેને પોતાની બચતમાંથી શહેરનાં સારા વિસ્તારમાં ટુ-બીએચકે ફ્લેટ ખરીદ્યો હતો, જેનાં પર ‘જ્યોત્સના દીવાન’ નામની તકતી લાગવાની હતી, એનાં કાગળિયા હતાં. એ ફ્લેટનો દસ્તાવેજ કરી આજે જ્યોત્સનાબહેનને ‘પોતાનો’ કહી શકાય એવા નવા ફ્લેટની ચાવી મળવાની હતી. ઘર પરિવાર મિત્રો પાડોશીઓ…એ બધાંયથી છુપાવીને જે વાવ્યું હતું એ લણવાનો દિવસ આવી પહોંચ્યો હતો. આ ફ્લેટ માટે પતિ અને બાળકોનો વિરોધ નહોતો, પણ કોઈને બહુ ગમ્યું પણ નહોતું..! તેમ છતાં જ્યોત્સનાબહેને આ કશું ગણકાર્યા વિના પહેલીવાર પોતાની મરજીનો નિર્ણય લઈ એનો અમલ કર્યો હતો તો પછી આનંદ કેમ ન હોય!

જ્યોત્સનાબહેને પંચાવને પહોંચ્યાં ત્યાં સુધી સૌની મરજીમાં પોતાની ખુશી સ્વીકારી હતી, પણ મનનાં એક ખૂણે પોતાની કમાણીની બચતથી પોતાનાં નામનું ઘર હોય એવું સપનું હંમેશાં સેવ્યું હતું. ઘરમાં જ્યારે આ વાત કહી ત્યારે પતિએ કહ્યું કે આપણું આ ઘર છે જ તો બીજા ઘરની શું જરૂર છે?! બાળકોને લાગ્યું કે મમ્મી કોઈ ઈગો-ટ્રીપ પર છે. સાચું કારણ ફક્ત જ્યોત્સનાબહેન જાણતાં હતાં, જેનાં કોઈને કોઈ પણ ખુલાસા આપવા નહોતા માગતાં, કારણ કે ખુલાસો કરવા લાયક કંઈ હતું પણ નહીં.

સ્વમાનથી ખરીદેલું પોતાનાં નામનું ઘર એમનું સપનું હતું, જેને પૂરું કરવા જ્યોત્સનાબહેને ખૂબ મહેનત કરી હતી, બસ!

આપણી સાથે પણ એવું કેટલી બધીવાર થતું હોય છે કે ગમતું કરવા યોગ્ય સમયની રાહ જોવી પડે છે. સમય હોય ત્યારે આર્થિક સ્થિતિ નથી હોતી અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય ત્યારે સમય નથી હોતો. ઘણીવાર બધું હોવા છતાંય સપનાં પૂરાં નથી થઈ શકતાં કારણ કે ઘણી જવાબદારીઓ માથાં પર હોય છે.

આપણાં સપના પૂરાં કરવા માટે કોઈની મદદ ના લેવી, કોઈની પર આધાર ના રાખવો એ હંમેશાં અહંકાર નથી હોતો , પણ પોતાનાં સપનાં પોતાની જાતે, પોતાની રીતે પૂરા કરવાની ધગશ હોય છે.

આ વાત બધાનાં ગળે નથી ઊતરતીની સામે સારી કે સાચી વાતનો પણ વિરોધ થતો હોય છે. જીવનભર જ્યારે તમે બધાંની મરજીનું કરો છો તો કોઈક વાર તો એવો સમય આવે કે બધું છોડીને પોતાની મરજીનું જ કરવું હોય. આવું મન ફક્ત સ્ત્રીઓને થાય એવું નથી, પુરુષો પણ ક્યાં પોતાની મરજીથી જીવે છે. આવા સમયે જ્યારે મન માથું ઊંચકે ત્યારે થાય છે કે ના ગમે તે નાત બહાર…એટલે કે જે લોકો વાત સમજીને સ્વીકારે તો સારું, પણ વિરોધ કરે એમની પરવા કરવાની કોઈ જરૂર નથી હોતી.

જોકે પહેલાનાં સમયમાં લોકો નાત-જાતનાં બહુ માનતા હતાં. જે નાતનાં હોય એ નાતના નિયમોને અનુસરીને રહેવું પડતું. સમાજ વ્યવસ્થાનો આ એક મુખ્ય ભાગ હતો. સારા – ખોટા પ્રસંગે નાતનાં લોકો જ સાથે ઊભા રહેતાં : ‘આજે હું કોઈને મદદ કરું તો કોઈ કાલે મારી મદદ કરશે…’ એવા મજબૂત અભિગમ સાથે નાતનાં નિયમો પાળી નાતમાંથી કોઈ કાઢી ના મૂકે એની તકેદારી લેવાતી. લગ્ન-ઘરનાં પ્રશ્નો- આર્થિક મદદ વગેરે નાતનાં ભંડોળમાંથી થતી. આમ નાતનું ઘણું મહત્ત્વ હતું. નાત બહાર એ લોકોને કરવામાં આવતા, જે સમાજનાં નિયમોનું ઉલ્લંઘન કરતાં, સમાજ વિરુદ્ધ પડતાં.

સમય બદલાતાં લોકોનું નાત-જાત પ્રત્યેનું વલણ બદલાવવા લાગ્યું. વાડાબંધીઓ તોડી લોકો પોતાની મહેનત અને આવડત પર વિશ્વાસ મૂકવા લાગ્યાં. દુનિયા, સમાજ, પરિવાર વગેરેની સાથે પોતાની જાતને પણ એટલું જ મહત્ત્વ આપવા લાગ્યા. જે પેઢીએ પોતાના સપનાનાં ભોગે લોકોને ખુશ રાખ્યા એમના પછીની પેઢીએ ધીમે ધીમે જૂની માનસિકતામાંથી બહાર નીકળી નિયમોને તોડીને-જોડીને કોઈ પણ પ્રકારે ધાર્યું કરવાની શરૂઆત કરી. હવે ના ગમે એ નાત બહાર અલગ સંદર્ભે જોવાતું હોય એમ લાગે છે. નાત બહાર કોણ એ હવે સમાજ નક્કી નથી કરતો, પરંતુ વ્યક્તિ પોતે નક્કી કરે છે કે એના મનનાં – જીવનનાં વાડામાં કોને પ્રવેશવા દેવું કોને નહીં. નાતનાં હોય કે સમાજનાં, ચુસ્ત નિયમો જ્યારે પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે ત્યારે નાત બહાર વ્યક્તિ નહીં, પણ કહેવાતા નિયમોનો પોતે થાય છે…

બોલો, તમે શું કહો છો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button