ગુજરાતના વેપારીઓ પાસેથી હળદર ખરીદી 194 કરોડનો ચૂનો લગાડી દીધો, જાણો શું છે સ્કેમ

રાજકોટ: ટૂંક સમયમાં અને સામાન્ય કરતાં ઘણું ઊંચું વળતર મેળવવાની લાલચ ભારે પડે છે અને આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટના વેપારી સાથે બન્યો હતો. જેમાં મહારાષ્ટ્ર સ્થિત એક કંપનીએ ઊંચા વળતરની આશા આપીને હળદરની ખેતીમાં રોકાણ માટે લલચાવવામાં આવ્યા હતા, પરંતુ અંતે તેમની સાથે રૂ. 64.80 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, મહારાષ્ટ્ર સ્થિત A.S. Agri & Aqua LLP નામની કંપની દ્વારા વેપારીઓ સાથે આ છેતરપિંડી આચરવામાં આવી હતી. કંપનીએ ઊંચા વળતરની આશા આપીને હળદરની ખેતીમાં રોકાણ માટે લલચાવવામાં આવ્યા હતા અને કરાર અનુસાર કંપનીએ કુલ રૂ. 194 કરોડનું ચૂકવણું કરવાનું હતું પરંતુ અંતે કંપનીએ ઊંચા હાથ કરી લેતા વેપારીઓઓને કરોડોની ખોટ ભોગવવાનો વારો આવ્યો હતો. આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બે એન્જિનિયર-બનેલા માર્કેટિંગ એક્ઝિક્યુટિવને ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા છે, આથી કુલ ધરપકડ કરાયેલા લોકોનો આકંડો 12 થઈ ગયો છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓને 30 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
પોલીસે મહારાષ્ટ્રથી કલ્પેશ મહાદેવરાવ ઓઝે અને અવિનાશ બબન સાંગલેની ધરપકડ કરી હતી. આ બંને કંપનીમાં 2.5 ટકાના ભાગીદાર હતા. તપાસમાં સામે આવ્યું હતું કે કંપનીના ભંડોળમાંથી સીધા જ કલ્પેશના ખાતામાં રૂ. 62 લાખ અને અવિનાશના ખાતામાં રૂ. 92 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ બંને પોતે શરૂઆતમાં રોકાણકાર હતા, પરંતુ 2021માં કંપનીમાં ભાગીદાર તરીકે જોડાઈને આકર્ષક પ્રેઝન્ટેશન અને યુટ્યુબ વીડિયો દ્વારા અન્ય રોકાણકારોને આ સ્કીમમાં રોકાણ કરવા માટે આક્રમક રીતે લલચાવતા હતા.
કૌભાંડની વિગતો અને મુખ્ય સૂત્રધાર ફરાર
રાજકોટના વેપારી પ્રશાંતભાઈ પ્રદીપભાઈ કાનાબારે ફરિયાદ નોંધાવી હતી. 2021માં, કાનાબારે છ વર્ષ માટે દર વર્ષે પ્રતિ એકર રૂ. 1.20 કરોડના વળતરના વચન સાથે રૂ. 64.80 કરોડનું રોકાણ કર્યું હતું. તેમણે રાજ્યમાં આ પ્રોજેક્ટ માટે 108 એકર જમીન લીઝ પર આપી હતી. કરાર મુજબ કંપનીએ પોલિહાઉસ બનાવવાનું, ખેતીનું સંચાલન અને વેચાણ સંભાળવાનું હતું. જોકે, ફંડ મળ્યા પછી કંપનીએ આપેલા વચનોમાંથી કશું જ પૂરું કર્યું નહીં. જાન્યુઆરી 2023માં પેમેન્ટની તારીખ આવી ત્યારે કંપનીએ માત્ર લેખિત ખાતરી આપી અને વહીવટી કપાત બાદ રૂ. 58.32 કરોડ પાછા આપવાનું વચન આપ્યું હતું પરંતુ શંકા જતાં વેપારીએ કંપનીના ચેરમેનને મુંબઈમાં રૂબરૂ મળ્યા હતા, જેમણે મૌખિક ખાતરી આપી હતી, પરંતુ પૈસા પાછા ન મળ્યા નહોતા.
આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને કંપનીના 55 ટકા માલિક, પ્રશાંત જાડે સહિત અન્ય સાત આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પીઆઈ મનોજ ડામોરના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચે બાકીના આરોપીઓને શોધવા માટે ટીમો બનાવી છે. પોલીસ હવે સમગ્ર ઓપરેશનનો પર્દાફાશ કરવા માટે મહારાષ્ટ્ર સ્થિત અનેક વ્યક્તિઓના ખાતાઓમાં થયેલા નાણાંના ટ્રાન્ઝેક્શન ટ્રેક કરી રહી છે. તપાસમાં વડોદરા, અમરેલી, થાણે અને પુણેમાં પણ છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા છે, આથી આ એક આંતર-રાજ્ય નેટવર્ક હોવાના સંકેત મળી રહ્યા છે.
આપણ વાંચો: હાર્દિક પટેલે સોગંદ ખાઈને લેખિતમાં શું ખાતરી આપતાં બિન-જામીનપાત્ર વોરંટ રદ થયું ?